ગુજરાતનું અણમોલ રતન : જયંતી પારેખ

બટુક દેસાઈ
28-05-2019

આશરે બે દાયકા પહેલાં, ગુજરાતી જબાનના એક વરિષ્ટ પત્રકાર, લેખક તેમ જ અંગતરૂપે વડીલ મિત્ર દિવંગત બટુકભાઈ દેસાઈએ, વિચારપત્ર “ઓપિનિયન” માટે, આ લેખ ખાસ કરી આપેલો. ઑગસ્ટ તથા સપ્ટેમ્બર 2000ના બન્ને ય અંકોમાં આ દીર્ઘ લેખ પ્રકાશિત થયો હતો.

આજના સંદર્ભે, અનેક રીતે આ લેખનું અગત્ય છે. ભારતની આઝાદી માટેની લડત, ગાંધીજીની અવ્વલ નેતાગીરી, એમના વિચારને વરેલા નાનામોટા અનેકોની ઝિંદાદિલી જોડાજોડ, જયંતી પારેખની જીવની, કામગીરી ને શહાદત તંતોતંત વણાયાં છે, તે જાણવા સમજવા આ મહત્ત્વનું ઓજાર બને તેમ છે. તેથી અહીં આ લખાણને અહીં સ-આદર ફેર લઈએ છીએ.

− વિ.ક.

દિલ્હી અને ઉત્તર ભારતમાં બેએક વર્ષ પહેલાં કાંદાના પગલે મીઠાંની કૃત્રિમ અછત ઊભી થઈ અને લોકોએ 60 રૂપિયે કિલોના ભાવે પણ મળ્યું તેટલું મીઠું ખરીદવા માંડ્યું ત્યારે ગાંધીજીની દાંડીકૂચ અને મીઠા સત્યાગ્રહ યાદ આવ્યો. ચપટી મીઠું લૂંટવા હજારો લોકોએ ફોડાવેલાં માથાંની વાત યાદ આવી. દાંડીકૂચની સાથે જ મારા મિત્ર ને સહકાર્યકર જયંતી પારેખ યાદ આવ્યા.

જયંતી પારેખ એટલે દેશના સ્વાતંત્ર્ય માટે 18 વર્ષની ઉંમરે સર્વસ્વનો ત્યાગ કરી ગાંધીજીના દાંડી સત્યાગ્રહ માટે, ચૂંટેલા સત્યાગ્રહી, અને સ્વતંત્ર ભારતમાં સાબરમતી જેલમાં નિ:શસ્ત્ર રાજકીય કેદીઓ પર થયેલા ગોળીબારમાં (13.8.1949) શહીદ થનારો જવાંમર્દ. સંજોગોની બલિહારી તો જુઓ. જે સ્વાતંત્ર્ય માટે સર્વસ્વનો ત્યાગ કર્યો એ જ સ્વતંત્ર ભારતની સરકારે તેને ગોળીએ દીધો. ગાંધીજીના ચુનંદા સત્યાગ્રહીને પોતાને બીજા ગાંધી ગણાવતા મુંબઈ રાજ્યના તત્કાલીન ગૃહ પ્રધાન મોરારજી દેસાઈની પોલીસે નિ:શસ્ત્ર જયંતીના હૃદયમાં ગોળી ધરબી દીધી.

માંડવી-કચ્છના ઈમારતી લાકડાના વેપારી નથ્થુભાઈ પારેખને ગાંધીજી સાથે ઘર જેવો નાતો. ગાંધીજી મુંબઈમાં નથ્થુભાઈને ઘરે પણ જતા. એક વખત ગાંધીજીએ નથ્થુભાઈને કહ્યું દેશસેવા માટે મને તારો એક પુત્ર આપ. નથ્થુભાઈએ તરત જ બીજા પુત્ર જયંતીને સોંપી દીધો. જયંતી સાબરમતી આશ્રમમાં ગાંધીજી સાથે રહેવા ગયો. પાછળથી નથ્થુભાઈ પણ ઈમારતી લાકડાંનો વેપાર સંકેલી સપરિવાર આશ્રમવાસી બન્યા.

ગાંધીજીની સીધી દેખરેખ નીચે ઉછરેલો જયંતી ગાંધીચીંધ્યા માર્ગે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા થનગની રહ્યો હતો. ગાંધીજીએ મીઠાંનો કાયદો તોડવાનો નિર્ણય કરી દાંડીકૂચનો નિર્ણય કર્યો. ગાંધીજી સમજતા હતા કે રાજકીય સ્વતંત્રતા માટેના આ પ્રતીક જેવાં પગલાંનો દેશવ્યાપી પડઘો પડશે. દાંડીકૂચના મહત્ત્વને કારણે, અનેક લોકો આ કૂચમાં સામેલ થવા પડાપડી કરતા હોવા છતાં ગાંધીજીએ નાણીને ચુનંદા સત્યાગ્રહીઓ પસંદ કર્યા હતા. તેમાં વીસ વર્ષના લબરમૂછિયા જયંતીનો પણ સમાવેશ કર્યો.

વર્તમાન પેઢીને 12મી માર્ચ, 1930ના દિને થયેલા દાંડી સત્યાગ્રહના મહત્ત્વનો ખ્યાલ નહીં હોય. દેશના સ્વાતંત્ર્યસંગ્રામનું એ એક મહત્ત્વનું સોપાન હતું. કલ્યાણજી મહેતા અને ઈશ્વરલાલ ઈચ્છારામ દેસાઈએ લખેલા ‘દાંડીકૂચ’ નામના પુસ્તકમાં તેનું મહત્ત્વ સમજાવતાં લખ્યું છે, ‘દાંડીકૂચ’ શબ્દ કાને પડતાં જ ભારતદેશની સ્વરાજની લડતનો એક અતિ ઉજ્વળ ક્રાંતિકાળ, ઇતિહાસના અભ્યાસીઓની નજર સમક્ષ ખડો થતો હોય છે. જેઓ એ દિવસોના સાક્ષી છે, કે જેમણે તેમાં ભાગ લીધો હતો, તેમને માટે તો દાંડીકૂચ વીરતાભર્યા દિવસોની પરંપરા સર્જાવતી એક અજોડ ઐતિહાસિક કૂચ હતી. અહિંસક ધર્મ યુદ્ધનો એ એક જ્વલંત સીમાસ્તંભ છે. દાંડીકૂચના આયોજક અને કરવૈયા ગાંધીજીએ દાંડીકૂચને પવિત્ર યાત્રા તરીકે ઓળખાવી છે. બ્રિટિશ સલ્તનત સામે અહિંસા અને સત્યના સિદ્ધાંત પર મંડાયેલી, સત્યાગ્રહની લડતોના મેરુરૂપ દાંડીકૂચે ભારત સમેત સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. દાંડીકૂચ, સ્વરાજ યાત્રાની પ્રતીક બની રહી અને તેથી તો આ સફળ યાત્રાને અંતે સરોજિની નાયડુએ ગાંધીજીને મુક્તિદાતાનું બિરુદ આપ્યું હતું. ‘આવી દાંડીકૂચ માટે ગાંધીજીએ ભારે સાવચેતી સાથે પસંદ કરેલા 81 સત્યાગ્રહીઓમાંનો એક જયંતી પારેખ હતો. જવાહરલાલ નેહરુએ દાંડીકૂચના નિર્ણયનો મુંબઈ ખાતેની સભામાં ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે એ નિર્ણય ઇતિહાસમાં યાદગાર રહેશે.

આ સત્યાગ્રહ સમયે પોતાની સત્તા ટકાવવા કટિબદ્ધ અંગ્રેજ સરકાર કેટલી હદે જશે તેની કોઈને ખબર ન હતી. આથી દાંડીમાં મીઠા સત્યાગ્રહની પૂર્વ સંધ્યાએ, 5મી એપ્રિલ, 1930ના દરિયા કિનારે સાંય-પ્રાર્થના પછી આપેલા પ્રવચનમાં ગાંધીજીએ સત્યાગ્રહીઓ અને અન્યોને કહ્યું, ‘જે સરકારથી બીતા હોય તે ચાલી જાય. જેલથી માંડીને ગોળી ખાવા તૈયાર હોય તે જ કાલે સવારે મારી સાથે આવે.’ બધા જ સત્યાગ્રહીઓ અડગ રહ્યા અને બીજા દિવસે સવારે ગાંધીજીને અનુસર્યા. આમાં જયંતી પારેખ આગલી હરોળમાં હતો. 12મી માર્ચે શરૂ થયેલી દાંડીકૂચના રાહબર અને અડગ 81 સત્યાગ્રહીઓએ 6ઠ્ઠી એપ્રિલ 1930ના દિવસે મીઠાનો કાયદો તોડ્યો. સત્યાગ્રહીઓની ધરપકડ થઈ. જયંતી પારેખ આશ્રમવાસી મટીને જેલવાસી થયો. ગાંધીજીની પણ ધરપકડ થઈ.

પડકાર, સંગ્રામ અને કુરબાનીનું 1930નું વર્ષ પૂરું થયું. ત્યારે વાઇસરોય અર્વિન અને ગાંધીજી વચ્ચે વાટાઘાટો શરૂ થઈ. 1931ની ચોથી માર્ચે ગાંધી-અર્વિન સંધિ થઈ અને લડત મોકુફ રહી. ગાંધીજીની 11 માગણીઓમાંથી એક પણ માગણી સ્વીકારાઈ નહીં. જો કે દરિયા કિનારે વસતા લોકોને અમુક પ્રમાણમાં મીઠું પકાવવાની છૂટ અપાઈ અને બદલામાં ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા સંમત થયા.

લડતની મોકુફી અને ગાંધી-અર્વિન સંધિથી જવાહરલાલ નેહરુ સહિત અનેક લોકોને આઘાત લાગ્યો અને મનોમંથન શરૂ થયું. 1931ના માર્ચ મહિનામાં કૉંગ્રેસનું અધિવેશન કરાંચીમાં મળવાનું હતું ત્યારે જ ગાંધીજીની અનેક વિનંતીઓને ઠોકરે મારીને ભગતસિંહને 25મી માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવી. આથી દેશભરમાં ભારે રોષ ફેલાયો. કૉંગ્રેસના અધિવેશનમાં પણ ભારે રોષ ફેલાયો અને ગાંધીજી તથા સરદારને વાતાવરણ કાબૂમાં રાખવાનું કામ બહુ કઠિન નીવડ્યું.

1928માં મોતીલાલ નેહરુ સાથે જવાહરલાલ પણ રશિયાની મુલાકાતે જઈ આવ્યા હતા. તેમણે સમાજવાદી રશિયા અંગે ઘણા લેખો લખ્યા હતા. ગાંધી-અર્વિન સંધિથી નાખુશ થયેલાઓ સમાજવાદ ને માર્કસવાદના વાંચન અને ચર્ચા તરફ વળ્યા હતા. 1930ની લડતમાં જેલમાં ગયેલા નવજવાન કાર્યકર્તાઓ બહાર આવ્યા ત્યારે સમાજવાદના વિચારો તેમના મનમાં ખળભળાટ મચાવતા હતા.

નવા વિચારો તરફ વળેલાઓમાં ગાંધીજીના પ્રિય શિષ્ય દિનકર મહેતાની સાથે સાથે હરિપ્રસાદ દેસાઈ, રણછોડ પટેલ, નીરુ દેસાઈ, ઈશ્વરલાલ છોટુભાઈ દેસાઈ, રોહિત મહેતા, જીવનલાલ ચાંપાનેરિયા, કમળાશંકર પંડ્યા, ચંદ્રભાઈ ભટ્ટ, જયંતી દલાલ, રતિલાલ તેલી, જીતેન્દ્ર મહેતા, બાબુ પટેલ વગેરે હતા. આવું જ વિચારમંથન દેશના અન્ય ભાગોમાં પણ ચાલતું હતું. જયપ્રકાશ નારાયણે બિહારમાં સમાજવાદી પક્ષની સ્થાપના કરી. જવાહરલાલે ‘હિંદ કયે રસ્તે’ની પુસ્તિકા લખી કે સમાજવાદ એ જ માર્ગ છે. કૉંગ્રેસની અંદર જ સમાજવાદી પક્ષ સ્થપાયો. ગુજરાતમાં દિનકર મહેતા, રણછોડ પટેલ, ઈશ્વરલાલ છોટુભાઈ દેસાઈ, કમળાશંકર પંડ્યા, નીરુ દેસાઈ, રોહિત મહેતા, જયંતી દલાલ વગેરેએ સમાજવાદી પક્ષ સ્થાપ્યો. આ પક્ષમાં પણ બે પ્રવાહો હતા. એક, સમાજવાદ તરફી અને બીજો, માર્કસવાદ તરફી એટલે કે સામ્યવાદ તરફી હતો.

જયંતી પારેખ જેવો સંવેદનશીલ અને આદર્શવાદી યુવાન આ વૈચારિક મથામણથી અલિપ્ત ન રહી શકે એ સ્વાભાવિક છે. 1934ના આખરમાં જેલમાંથી છૂટ્યા પછી થોડા સમયમાં તે ગાંધીજીના નિકટના અંતેવાસી દિનકર મહેતાને મળ્યો અને લાંબી ચર્ચાને અંતે સમાજવાદી પક્ષમાં જોડાયો. એ જ દિવસોમાં ગુજરાત વિદ્યાપીઠના અન્ય વિદ્યાર્થી ભોગીલાલ ગાંધી પણ પક્ષમાં સામેલ થયા. ત્યાર બાદ દિનકર મહેતા, જયંતી પારેખ અને ભોગીલાલ ગાંધી ગેરકાયદેસર સામ્યવાદી પક્ષના સભ્ય બન્યા.

તે દિવસોમાં, પાછળથી મોટા ગજાના સાહિત્યકાર તરીકે નામના કાઢનારા ગુજરાતના કવિઓ ને લેખકો સમાજવાદ તરફ આકર્ષાયા હતા ને આ જૂથ સાથે સંબંધ રાખતા હતા. ઉમાશંકર જોશી, સુંદરમ્, જયંતી દલાલ, નીરુ દેસાઈ, બચુભાઈ ધ્રુવ, પ્રો. રામપ્રસાદ શુક્લ, ધનવંત ઓઝા વગેરેની 1935-40 વચ્ચેના ગાળા દરમિયાનની કૃતિઓમાં સમાજવાદી વિચારોની ઝલક જોવા મળશે.

સમાજવાદીઓએ એ દિવસોમાં સમાજવાદી વિચારોનો પ્રચાર કરવા ‘નવી દુનિયા પ્રકાશન ગૃહ’ શરૂ કર્યું હતું. જયંતી પારેખ અને ભોગીલાલ ગાંધી તથા ચંદ્રભાઈ ભટ્ટે આ જવાબદારી ઉપાડી લીધી હતી. પહેલું કામ જયપ્રકાશ નારાયણનું ‘વાય સોશ્યાલિઝમ’ પુસ્તકનું ભાષાંતર કરાવીને પ્રસિદ્ધ કરાવવાનું હતું. દિનકર મહેતાના કથન અનુસાર બચુભાઈ ધ્રુવ ને ધનવંત ઓઝાએ ભાષાંતરની જવાબદારી ઉપાડી લીધી ને ‘સમાજવાદ શા માટે?’ નામે પુસ્તક પ્રસિદ્ધ કર્યું.

નવી દુનિયાનાં કાનૂની પ્રકાશનો સાથે સાથે ગેરકાયદેસર સામ્યવાદી પક્ષનું પ્રચાર સાહિત્ય પણ છપાવીને વહેંચવા અને વેચવાની જવાબદારી જયંતી પારેખે સંભાળી લીધી હતી. જયંતીએ પ્રકાશન સાથે સાથે કિસાન પ્રવૃત્તિ ઉપર પણ ધ્યાન આપવા માંડ્યું. દાહોદના આદિવાસી ભીલોમાં કિસાન પ્રવૃત્તિની જવાબદારી તેણે ઉપાડી લીધી હતી.

સમાજવાદી જૂથે 1938માં “આઝાદ હિંદ” નામનું રાજકીય સાપ્તાહિક શરૂ કર્યું. ત્યારે તંત્રી ભોગીલાલ ગાંધી અને તંત્રી મંડળમાં ડૉ. સુમંત મહેતા, દિનકર મહેતા અને વજુભાઈ શુક્લ હતા. વ્યવસ્થાની જવાબદારી જયંતીને સોંપાઈ. 1937માં હરિપુરા કૉંગ્રેસ સમયે હાળીપ્રથાની નાબૂદી અને કિસાનોની માગણી માટે એક મોટું સરઘસ ઇન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ લઈ જવાયું હતું ત્યારે જયંતી પારેખે પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

ગાંધીજીની નિગેહબાની હેઠળ ઉછરેલા જયંતીમાં આદર્શની સાથેસાથે કામની ચીવટ, ઉત્સાહ અને થનગનાટ ભારે હતો. તે નવી નવી જવાબદારીઓ ઉપાડતો જ જતો હતો. 1938 પછી કિસાન પ્રવૃત્તિએ વેગ પકડ્યો. ઈન્દુલાલ યાજ્ઞિક ગામડે સભાઓ ભરતા અને ગણોત નિયમન ધારા તથા દેવા કાપ અંગે પત્રિકાઓ પ્રસિદ્ધ કરી સમજણ પ્રસરાવતા હતા. 1939માં ગુજરાત કિસાન સભાનું કાર્યાલય અમદાવાદમાં શરૂ થયું. ઈન્દુલાલ યાજ્ઞિક ગુજરાત કિસાન સભાના પ્રમુખ હતા. તેમનાથી પહોંચી વળાતું ન હતું તેથી જયંતી પારેખે આ કાર્યાલય સંભાળવાની વધારાની જવાબદારી પણ ઉપાડી લીધી.

ઈન્દુલાલ યાજ્ઞિકે તેમની આત્મકથાના પાંચમા ભાગમાં જયંતી અંગે જે નોંધ કરી છે તે જયંતીનો સાચો પરિચય કરાવી દે છે. ઈન્દુભાઈએ નોંધ્યું છે : ‘સને 1939ની આખરથી અમદાવાદમાં મેં થાણું નાંખ્યું અને વૌઠાના મેળાની ભરચક મેદનીમાં અમે પ્રચાર કર્યો. ત્યારથી મારા પત્રવ્યવહારનું, નિરંતર પ્રવાસનું, અને પુસ્તિકાઓના પ્રચારનું કામ વધી ગયું. સદ્ભાગ્યે તે જ સમયે એક સુશિક્ષિત, ચારિત્ર્યવાન, અને કસાયેલો યુવાન જયંતીભાઈ પારેખ મારા પૂરા સમયનો સહાયક બની ગયો. પહેલાં તે દિનકરભાઈ અને તેમના સાથીઓ તરફથી ચાલતા નવી દુનિયા કાર્યાલયમાં રોકાયેલો હતો. તેથી લેખન અને પત્રવ્યવહારના કામથી પૂરેપૂરો ટેવાયેલો હતો. તેના પિતા ગાંધી આશ્રમમાં સહકુટુંબ રહેતા તેથી જયંતીભાઈના ઉપર ગાંધી આશ્રમની સ્વચ્છતા, નિયમિતતા, સાદાઈ જેવા સદ્ગુણની સારી છાપ પડી હતી. સવારે નક્કી કરેલા વખતે હસતો હસતો અમારી નાની કોટડીમાં તે દાખલ થતો, અને જરા પણ આરામ કે છૂટી લીધા સિવાય કલાકો સુધી કાગળ લખતો, પ્રવાસ અને સભાના કાર્યક્રમો ઘડે અને તેની નકલો બધા ભાઈઓને ચોક્કસાઈથી મોકલે. કાર્યાલય પર ખેડૂતો મળવા આવે તેમની સાથે તે પૂરી સમજથી વાત કરતો અને તેમની મુસીબતો ઉકેલવા પ્રયત્ન કરતો. બોરસદના મોહનજી ને સંખેડાના જમનાદાસ જેવા મારા જૂના સંબંધીઓને પૂરી જાણકારીથી બધું સમજાવીને વિગતવાર કાગળ મોતીના દાણા જેવા અક્ષરે તે લખતો તે જોઈને હું બહુ જ ખુશ થતો. લેખન કામમાં તે બાહોશ હતો તેમ પ્રવાસ કરવામાં, સૂચનાઓ પહોંચાડવામાં અને ભાષણ કરવામાં પણ તે ખંતીલો અને કુશળ હતો. કંઈ પૈસો ખરચે તેનો પાઈએ પાઈનો હિસાબ રાખવામાં અને કરકસરથી કામ લેવામાં તે ઘણો જ કાબેલ હતો. આવા બધા અદ્ભુત ગુણોને લીધે તે મારો અણમોલ સાથી બન્યો અને જાણે જિંદગીભરનો કિસાન હોય એવી અદાથી તે કિસાન સભાની બધી જાતની કામગીરી બજાવતો.’

આખા બોલા ઈન્દુભાઈ પાસે આવું પ્રમાણપત્ર મેળવવું સહેલું નથી. કોઈને ય સાચી સુણાવતા ઈન્દુભાઈ ક્યારે ય અચકાયા નથી. જાતજાતની જાહેર પ્રવૃત્તિ માટે ઉધારી રાખતા અને ઉઘરાણીએ આવતા લેણદારોને, હસીને, ‘ડફોળ મેં કોના ચૂકવ્યા છે ને તું રહી ગયો’ કહેતા, અને લેણદારોને હસતા હસતા પાછા જતા જોયા છે. જવાહરલાલ નેહરુ માટે આદર ધરાવવાં છતાં ગુજરાત રાજ્યની રચના અંગે અમદાવાદમાં નેહરુ કરતાં ચાર ગણી મોટી સમાંતર સભા ભરીને નેહરુની ઝાટકણી કાઢતા, અને મોરારજી દેસાઈની ઠેકડી ઉડાડતા સાંભળ્યા છે.

આદર્શ અને ધ્યેય માટે મરી ફીટવાની તમન્ના, ધન કે પદનો મોહ નહીં, સાચા અર્થમાં નરસિંહ મહેતાના ‘વૈષ્ણવ જન’ જેવો, અને જે કંઈ કરે તે લગન અને પૂરી નિષ્ઠાથી કરનારો જયંતી આશ્રમમાં પણ બધાંનો લાડકો હતો અને સમાજવાદી વર્તુળમાં પણ બધાનો માનીતો હતો. ઈન્દુભાઈ પણ તેમાંથી બાકાત ન હતા.

ઈન્દુલાલ જોડે કિસાન સભાનું કામ ત્રણેક વર્ષ કર્યું હશે. આ દરમિયાન જયંતી દાહોદ - ગોધરાના ગામડાંઓમાં કિસાન સભાનું કામ પણ કરતો રહ્યો. 1942માં ગાંધીજીએ ભારત છોડોની હાકલ કરી ત્યારે કિસાન સભામાં પણ મતભેદો ઊભા થયા અને ઈન્દુલાલ યાજ્ઞિક તથા કિસાન સભામાં કામ કરતા બિનસામ્યવાદીઓ અલગ પડ્યા. વડોદરામાં તેમની સભા મળી. આ સભામાં ઈન્દુલાલ ઉપરાંત પાંગારકર, રામજીભાઈ, જમનાદાસ અને અન્ય કાર્યકરો હાજર રહ્યા. કિસાન સભાના સ્થાને તેમણે ખેડૂત સભા સ્થાપી અને ઈન્દુલાલ યાજ્ઞિક ગુજરાત ખેડૂત સભાના પ્રમુખ બન્યા. પરિણામે જયંતી અને ઈન્દુલાલ અલગ થયા. ઈન્દુલાલે એ અંગે લખ્યું છે : ‘આવા ભાગલા પડતાં મારા સાથી જયંતી પારેખ જેવા આદર્શ મંત્રીથી જુદા પડતાં મને ઘણું દુ:ખ થયું.

જયંતીએ જૂની કિસાન સભાના મંત્રી તરીકે પ્રવૃત્તિ ચાલુ રાખી. તે પ્રાંતીક મંત્રી ઉપરાંત પંચમહાલ અને ખેડા જિલ્લામાં કિસાન પ્રવૃત્તિ વિકસાવવા ડાહ્યાભાઈ વશી સાથે બોરસદ અને આણંદ તાલુકામાં પ્રવૃત્તિ કરતા હતા. પાછળથી ડૉ. જગન્નાથ વોરા પણ ત્યાં કિસાન પ્રવૃત્તિ કરવા ગયા હતા.

લગભગ આ જ ગાળામાં, 1943ના જૂન – જુલાઈમાં નાશિક જેલમાંથી છૂટીને હું બહાર આવ્યો. ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે 1942માં મારી ધરપકડ થઈ હતી અને પહેલાં સાબરમતી અને પછી ત્યાંથી નાશિક જેલમાં બદલી કરી હતી. જેલમાં કોંગ્રેસી તરીકે ગયો અને સામ્યવાદી બની બહાર આવ્યો. જેલમાંથી છૂટ્યા પછી મારા વતન ચીખલી અને આસપાસના ગામડાંઓમાં જમનાદાસ મોદી સાથે કિસાન પ્રવૃત્તિ શરૂ કરી. હાળીપ્રથાની નાબૂદી એક મુખ્ય મુદ્દો હતો. કિસાનોમાં પ્રવૃત્તિ શરૂ કરી એટલે 1943માં જયંતી પારેખ સાથે પરિચય થયો. પહેલાં પત્રવ્યવહાર દ્વારા અને પાછળથી પ્રત્યક્ષ.

ગાંધી આશ્રમમાં ઉછરેલો જયંતી તો સાદાઈ અને કરકસરમાં માનનારો. કાર્યાલય કમ રહેઠાણ અને જીવનનિર્વાહ માટે પ્રથમ ત્રણ મહિના માટે જમનાદાસ મોદી અને મારા માટે જયંતીએ પચીસ રૂપિયા મોકલ્યા અને કહ્યું કે આ દરમિયાન તમારે સ્થાનિક લોકો પાસે ઉઘરાણું કરીને પગભર થવાનું. બધા જ કિસાન કાર્યકરો માટે આ નિયમ હતો. જયંતી પણ આટલી જ સાદાઈ અને કરકસરથી જીવતો હતો.

આ અરસામાં રજની પટેલ પણ જેલમાંથી છૂટી ખેડા જિલ્લામાં કિસાન પ્રવૃત્તિ કરતા હતા. તેણે 1944માં બોરસદમાં એક કિસાન પરિષદ બોલાવી. ત્યાં જયંતી સાથે પહેલો પ્રત્યક્ષ પરિચય થયો. 1946માં હું અમદાવાદ ગયો અને ઝહીરૂદ્દીન કાદરી મુંબઈ આવતાં તેના સ્થાને અમદાવાદના પિપલ્સ બુક સ્ટોલનું કામ સંભાળી લીધું અને રાયખંડમાં ગોરજીના બંગલામાં દિનકર મહેતા સાથે કમ્યુનમાં રહેવા માંડ્યું. ત્યારે જયંતી પંચમહાલ જિલ્લામાં રહેતો પણ વારંવાર અમદાવાદ આવવાનું તેનું થતું અને ગોરજીના બંગલામાં જ તે રહેતો. આ સમય દરમિયાન એકબીજાના ગાઢ પરિચયમાં અમે બંને આવ્યા અને સહકાર્યકર ઉપરાંત અંગત મિત્રો પણ બની ગયા.

એ માણસમાં આદર્શ પ્રત્યેની વફાદારી અને શોષણવિહીન સમાજ રચવાની તાલાવેલી ગજબની હતી. તે સતત વાંચન, લેખન, પ્રવૃત્તિની યોજના અને લોકોને મળવામાં વ્યસ્ત રહેતો. ભરભાંખળે ઊઠીને નાહીધોઈ તથા કપડાં ધોઈ સૂકવીને તૈયાર થઈ પત્રો લખવા કે હેવાલ અથવા પરિપત્રનું ટાંચણ કરવા બેસી જતો. તે ગાંધીજી પાસે શીખ્યો હતો કે આવેલા કવરને પદ્ધતિસર કાપી અંદરના કોરા ભાગને ટાંચણ માટે વાપરીને કાગળની કરકસર કરવી. અત્યારે એક કાગળ ઉપર દસેક લીટી લખી ઝડપથી કોપી તૈયાર કરતા પત્રકારોને આ વાત નહીં સમજાય. તે રદ્દીની ટોપલીમાં નાખી દેવાયેલાં કવરો કે બુકસ્ટોલમાં ફેંકી દેવાયેલાં રેપરો ભેગાં કરીને વાપરતો. બે જોડ ખાદીનાં કપડાં, એક ખાદીનો થેલો, ઓફિસ ફાઈલો અને થોડાંક પુસ્તકોથી વધુ કશું તેની પાસે હતું નહીં. તે પાઈએ પાઈનો હિસાબ રાખતો અને અન્ય કાર્યકરો પૈસાના અભાવની વાત કરે ત્યારે તેનો હિસાબ બતાવીને કહેતો કે પ્રજા પાસેથી, મજૂરો – ખેડૂતો પાસેથી ઉઘરાવેલાં નાણાંનો અનિવાર્ય આવશ્યકતાથી એક પાઈ પણ વધુ ખર્ચવી એ પ્રજાનો દ્રોહ છે.

તે કાળે અન્ય સામ્યવાદીઓનો જેમ જ જયંતી માનતો કે ક્રાંતિકારીએ લગ્ન ન કરવાં જોઈએ. આશ્રમમાં અને સામ્યવાદી પ્રવૃત્તિમાં યુવતીઓ જયંતીના પ્રેમમાં પડી હતી પણ તે ટસનો મસ થયો ન હતો. પી. સી. જોશી અને દિનકર મહેતાના લગ્ન પછી પણ જયંતીના વિચારો બદલાયા ન હતા. જિંદગીની છેલ્લી ઘડી સુધી શોષણવિહીન સમાજ રચનાના ધ્યેયને જીવન સમર્પિત કરતો રહ્યો.

જયંતી પોતાના સાથીદારોની કાળજી રાખવામાં અજોડ હતો. તે જ્યારે જ્યારે મુસાફરીએથી કે પંચમહાલથી પાછો ફરે ત્યારે મારા સ્વાસ્થયની ખબર પૂછે. પછી આ દરમિયાન મેં શું વાંચ્યું તેની ચર્ચા કરે અને મોડી રાત સુધી અમે કિસાનોની સમસ્યાઓ અને ગામડાંઓમાં ગામની ફરતે અલગ અલગ ઝૂંપડાઓમાં વસતા ખેતમજૂરો અને આદિવાસીઓની પાસે શી રીતે પહોંચી શકાય અને તેમને રસ પડે તેવી સમસ્યાઓ તેમની ભાષામાં શી રીતે સમજાવવી તેની ચર્ચા કરતા. સમસ્યાઓને ગ્રાહ્ય કરવાની અને ટૂંકમાં ચોટદાર રીતે રજૂ કરવાની આવડતથી સાંભળનારાઓ પ્રભાવિત થતા. તે જે જવાબદારી લે તે ભારે ચીવટથી પાર પાડવાની આદતે અમારામાં એવો વિશ્વાસ જન્માવ્યો હતો કે જયંતી જે જવાબદારી લે તે નિયત સમયમાં પૂરી પાડશે અને ન પૂરી પડે તો અન્ય કોઈ પણ પૂરી ન કરી શકે એટલી જટિલ હશે. આથી અમે તેનું નામ ‘મિસ્ટર રીલાએબલ’ પાડ્યું હતું.

આ વર્ષો ભારે ઉથલપાથલનાં હતાં. સુભાષબાબુની આઝાદ હિંદ ફોજના આગેવાનોની મુક્તિના આંદોલન પછી દેશનું વાતાવરણ તેજ થયું હતું. પ્રજા સ્વાતંત્ર્ય માટે અધીરી બની હતી. અંગ્રેજોના મુખ્ય આધાર જેવી સેનાની ભિન્ન પાંખો પર પણ તેની અસર પડે તે અનિવાર્ય હતું. તેનો પડઘો શાહી નૌકાદળ પર પડ્યો. 1946ના ફેબ્રુઆરીમાં કલકત્તા અને મદ્રાસમાં જહાજી સૈનિકોએ ગોરા અફસરોનાં અપમાન અને તુમાખી, તેમ જ તેમના પગાર, ખોરાક અને કામની સ્થિતિના વિરોધમાં હડતાળ પાડી. અંગ્રેજોએ તેને બળથી દબાવવા પ્રયાસ કર્યો. તેની વિરુદ્ધ સમગ્ર નૌકાદળનું બંડ ફાટી નીકળ્યું. મુંબઈમાં જહાજો પર કૉંગ્રેસ, મુસ્લિમ લીગ અને સામ્યવાદીઓના વાવટા એક સાથે ફરક્યા અને ગુલામીના પ્રતીક જેવો બ્રિટિશ વાવટો ઉતારી લેવામાં આવ્યો. મુંબઈની પ્રજાએ તેમના અનુમોદનમાં પ્રચંડ હડતાળ પોકારી. તેમની ઉપર બેફામ ગોળીબાર કરાયો અને 250થી વધુ લોકો શહીદ થયા. નાવિકો મક્કમ રહ્યા. હિંદુ – મુસ્લિમ – શીખ એકતા અતૂટ રહી. જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને મહમ્મદઅલી ઝીણા વચમાં પડ્યા અને તેમની માગણીઓ ઉપાડી લેવાની ખાતરી આપી, જેને પરિણામે નાવિકોની હડતાળ પાછી ખેંચાઈ.

આ દિવસોમાં અમદાવાદમાં અમે ભારે ઉત્સાહમાં હતા અને દેશનું સ્વાતંત્ર્ય દેખાતું હતું. નાવિકોની હડતાળને સૈન્યના અન્ય ભાગોમાં વિસ્તારવાને બદલે સમેટી લેવામાં નેહરુ અને સરદારે પ્રયાસ કર્યો તે અમને ન ગમ્યું. જોરદાર ચર્ચાઓ થતી. જયંતીએ કહ્યું કે આ અપેક્ષિત છે. ગાંધીજીની અહિંસામાં શ્રદ્ધા એટલી બધી છે કે તે ભારે અથડામણ અને રક્તપાતના સંભવવાળી નાવિક હડતાળને આગળ લઈ જવામાં સાથ નહીં આપે. નેહરુ, સરદાર અને ઝીણા આનો ઉપયોગ અંગ્રેજો ઉપર ભારતના સ્વાતંત્ર્ય માટે દબાણ લાવવા માટે કરવા ઇચ્છતા હતા.

ગાંધીજીની ઇચ્છા વિરુદ્ધ દેશના ભાગલા પાડી હિંદની આઝાદી અને પાકિસ્તાનની રચના કૉંગ્રેસ અને મુસ્લિમ લીગે સ્વીકારી. 15મી ઑગસ્ટ 1947ના રોજ અંગ્રેજોનો યુનિયન જેક ઉતારી ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાની જાહેરાત થઈ. સ્વાતંત્ર્યનો ઉત્સાહ અને દેશના ભાગલાના વિષાદની મિશ્ર લાગણી હોવા છતાં 15મી ઑગસ્ટનો દિવસ દેશની પ્રજાએ, આજની પેઢી કલ્પી ન શકે એવા અવર્ણનીય આનંદ અને ઉત્સાહથી મનાવ્યો. દેશની પરિસ્થિતિમાં ગુણાત્મક પરિવર્તન થયું.

આ દરમિયાન અમે બધા પક્ષની નીતિની ચર્ચામાં પડ્યા હતા. લાંબી ચર્ચાઓ ચાલતી રહી. 1948ના જાન્યુઆરીની 30મીએ ગાંધીજીની હત્યા થઈ. દેશની પ્રજાને મહાન નેતા ગુમાવ્યાની લાગણી થઈ પણ દિનકર અને જયંતીને તો મહાન દેશનેતા ઉપરાંત સ્વજન ગુમાવ્યાની લાગણી થઈ. નાનપણથી ગાંધીજી સાથેનાં સ્મરણો ઉભરાતાં હતાં. જયંતી ગાંધી આશ્રમમાં ગાંધીજી સાથે વીતાવેલાં વર્ષોના સ્મરણો અશ્રુભીની આંખે અમારી સમક્ષ વર્ણવતો હતો. દાંડીકૂચના સત્યાગ્રહી તરીકે તેની પસંદગી કરવાની વાત ગાંધીજીએ તેને કરી તે યાદગાર ક્ષણની વાત કરતો હતો. ગાંધીજીના વિચારો સાથે અસંમતિ થઈ ત્યારની ગાંધીજી સાથે ચર્ચાઓ અને તેમનાથી વિખુટા પડતી વખતે થયેલા દુ:ખને યાદ કરતો હતો.

મહાત્મા ગાંધીએ જમણી કોરે જયંતી પારેખને ખભે ટેકો લીધો છે. છવિમાં મીરાંબહેન, આર્યનાયકમજી તેમ જ કસ્તૂરબા પણ દૃષ્ટિમાન છે.

ગાંધીજીની શહાદતના ત્રણ સપ્તાહ પછી કલકત્તામાં સામ્યવાદી પક્ષની કૉંગ્રેસ મળી અને પક્ષે   બી.ટી. રણદીવેની સાહસવાદી નીતિ સ્વીકારી જાહેર કર્યું કે માઉન્ટબેટન છાપની આઝાદી સાચી નથી, ને હવે અંગ્રેજોને બદલે ભારતીય શોષણખોરો રાજ કરશે. તેની સામે પ્રજાકીય સંઘર્ષ ઉભારવા અને સરકાર સાથે અથડામણોનો નિર્ણય લેવામાં આવ્યો. આ નીતિ જયંતી પારેખ અને જમનાદાસ મોદીની સાબરમતી જેલમાં હત્યાનું નિમિત્ત બનશે તેની કોઈને ક્યાં ખબર હતી.

બી.ટી. રણદીવેની સાહસવાદી નીતિનો સ્વીકાર થતાં જ સ્વતંત્ર ભારતની જવાહરલાલ નેહરુની સરકારે ધરપકડો શરૂ કરી. મોટા ભાગના મુખ્ય નેતાઓ પકડાઈ ગયા. બચી ગયા તે ભૂગર્ભમાં જતા રહ્યા. એપ્રિલના પ્રારંભમાં દિનકર મહેતા પકડાયા. જયંતી અને જમનાદાસ ભૂગર્ભમાં ગયા, પણ ગણતરીના દિવસોમાં પકડાઈ ગયા અને સાબરમતી જેલ ભેગા કર્યા. પ્રારંભમાં કેન્દ્ર સરકારની યાદી મુજબ પકડાયેલાઓને પહેલા વર્ગમાં રાખવામાં આવ્યા.

તે સમયે હું જનસંગઠનોમાં કામ કરતો ન હોવાથી એપ્રિલમાં ધરપકડ ન થઈ. મીલ કામદાર યુનિયનના નેતાઓ ભૂગર્ભમાં જતાં મને તે જવાબદારી સોંપવામાં આવી. પરિણામે થોડાક મહિનામાં મને પણ સાબરમતી ભેગો કરવામાં આવ્યો. મારી સાથે મજૂર પ્રવૃત્તિમાં કામ કરતા ઘણા કાર્યકરોને પકડ્યા. અમને બધાને બીજો વર્ગ આપવામાં આવ્યો. અમને પ્રથમ વર્ગના અટકાયતીઓ સાથે હળવામળવાની છૂટ ન હતી. સજા પામેલા જેલના વોર્ડરો મારફતે સંપર્ક જાળવતા હતા. મજૂર વિસ્તારના ઘણા દાદાઓ સજા પામીને સાબરમતી જેલમાં આવતાં જેલના ગુનેગારો સાથે સંપર્ક સાધી શક્યો હતો. જેલના ખોરાકમાં કાંકરીનું પ્રમાણ રહેતું. તેનો અનુભવ 1942માં પણ થયો હતો. સાબરમતીમાં તેનું પ્રમાણ એકાએક વધી જતાં રોટલી ખાઈ શકાય તેવી ન હતી. આથી ખોરાક પાછો મોકલી ન ખાવા અંગે રાજકીય અને સજા પામેલા ગુનેગારો સાથે વોર્ડરો મારફત સંદેશા મોકલી આખી જેલના કેદીઓ ખોરાક લેવાની ના પાડે તેવું નક્કી થયું. અંગ્રેજોના સમયથી રાજકીય કેદીઓ અને ગુનેગાર કેદીઓ વચ્ચે સંપર્ક ન થાય તેવો પાકો બંદોબસ્ત રખાતો અને આવા સંપર્કને ભયજનક ગણવામાં આવતો.

પહેલાં રાજકીય કેદીઓને ખોરાક અપાતો. અમે તે લેવાની ના પાડી અને સૂત્રોચ્ચાર કર્યો. જોતજોતામાં જેલના બધા કેદીઓએ ખોરાક લેવાની ના પાડી. પ્રથમ વર્ગના કેદીઓને પ્રમાણમાં સારો ખોરાક મળતો હોઈ તેમને પ્રશ્ન ન હતો. રાજકીય અને ગુનેગારોની એકતા જોઈ જેલ સત્તાવાળાઓ ચોંકી ઊઠ્યા. બીજા વર્ગના કેદીઓના પ્રતિનિધિ તરીકે જેલ સત્તાવાળાઓ સાથે વાટાઘાટ હું કરતો એટલે મને મળવા બોલાવ્યો. હું મળવા તૈયાર થયો એટલે બેરેકની બહાર રસ્તા પર આવ્યો કે ત્યાં ઊભેલી જેલ પોલીસ જબરદસ્તીથી પકડીને ઊંચકીને ફાંસી ખોલીમાં લઈ ગઈ. બીજા દિવસે મારી ગેરહાજરીમાં જ જેલ નિયમ અનુસાર ખટલો ચલાવીને 10 દિવસની અંધારખોલીની સજા કરી. અંધારખોલી એટલે કોટડીમાં પ્રવેશવાના દરવાજા ઉપર પાટિયાં જડીને અંધારો બનાવી દેવામાં આવે. હવા આવવા એક કાણું પાડવામાં આવે તેમાંથી જ ખાવાનું અને પાણી આપવામાં આવે. કુદરતી હાજત કોટડીમાં રાખવામાં આવેલા માટીના કૂંડાઓમાં પતાવવાની.

આને પરિણામે રોટલીમાં કાંકરી આવતી તો બંધ થઈ ગઈ પણ મને તોફાની કેદી ગણી અંધારખોલીમાંથી સીધો યરવડા જેલમાં મોકલી આપ્યો. આને પરિણામે 13 ઑગસ્ટના સાબરમતી જેલના ગોઝારા ગોળીબાર વખતે હું ત્યાં ન હતો. આનું બીજું એક પરિણામ એ આવ્યું કે જેલમાં સામ્યવાદી અટકાયતીઓ વચ્ચે પહેલો વર્ગ ને બીજો વર્ગ એવા ભેદભાવ માટે પ્રકોપ જાગ્યો. જેલસત્તાવાળાઓ સામે તો વિરોધ કરાયો જ પણ પહેલા અને બીજા વર્ગના અટકાયતીઓ વચ્ચે પણ તીવ્ર વાદ થયો. આને પરિણામે પહેલા અને બીજા વર્ગના અટકાયતીઓ દિવસ દરમિયાન ભેગા મળી શકે અને તેમના ખોરાકનો કાચો સામાન તેમને આપવામાં આવે અને તેને રાંધવા કેદી રસોઈયાઓ અપાયા. બંને વર્ગના કેદીઓનો ખોરાક ભેગો રંધાતો એટલે બીજા વર્ગની ખોરાક અંગેની ફરિયાદ થોડીક ઓછી થઈ.

આ દરમિયાન હડતાળો પડાવવાના કે કિસાનોના આંદોલનો ઉભારવાના પ્રયાસોમાં ભૂગર્ભમાં ગયેલા બી.ટી. રણદીવેના પ્રયાસો સફળ ન થયા. આમ છતાં તે આગ ઝરતા પરિપત્રોથી પક્ષના વફાદાર કેડરોના જાન જોખમમાં નાંખી ક્રાંતિ કરવા પ્રયત્નશીલ હતો. આ દરમિયાન જેલમાં પહેલા વર્ગ અને બીજા વર્ગને અપાતી સગવડોમાં ફરક હોઈ વિવિધ જેલોમાં સતત સંઘર્ષ થતો રહેતો. એટલે બીજા પ્રાંતની એક જેલમાં બધા જ બીજા વર્ગના અટકાયતીઓ અને બીજી જેલમાં બધા જ પ્રથમ વર્ગના અટકાયતીઓને ભેગા રાખવાનો સરકારે નિર્ણય લીધો.

નવમી માર્ચ, 1949ના દિને દેશભરમાં રેલવે હડતાળ પાડવાનો બી.ટી. રણદીવેએ આદેશ આપ્યો. રેલવે કામદાર યુનિયને હાકલ કરી પણ દેશભરમાં ક્યાં ય હડતાળ ન પડી. બી.ટી. રણદીવે અકળાયા અને તેમણે ક્રાંતિકારી આંદોલનની પ્રજાની તૈયારી છે કે નહીં તે જાણ્યા વિના જ સાહસવાદી વ્યાખ્યા કરી. તેણે કહ્યું કે હડતાળ તો માલિકો સાથે સાંઠગાંઠ રાખનારું મજૂર મહાજન પણ પડાવે છે. ક્રાંતિકારીઓની હડતાળમાં મજૂરો સરકાર સાથે અથડામણમાં ઊતરે છે. એટલે કે મજૂરો પોલીસ સાથે અથડામણમાં ઊતરી તેમને લાઠીમાર અને ગોળીબાર કરવાની ફરજ પાડે છે. પોલીસની લાઠી-ગોળીને પરિણામે પ્રજાનો આક્રોશ ફાટી નીકળશે અને ક્રાંતિની શરૂઆત થશે. રણદીવેનો આ ખ્વાબી પુલાવ હતો. દેશને સ્વતંત્ર થયાને થોડો સમય થયો હતો અને નેહરુ અને અન્ય આગેવાનો માટેનો પ્રજાનો આદર ઘટ્યો ન હતો.

બહાર હડતાળો પણ ન પડી અને અથડામણો પણ ન થઈ એટલે રણદીવેને નવો તુક્કો સૂઝ્યો. તેણે જેલોમાં પરિપત્ર મોકલ્યો કે જેલની સમસ્યાઓ અંગે વાટાઘાટથી સંતોષ ન માનતાં શક્ય હોય ત્યાં સીધા પગલાં ભરવાં, જેલમાં સરઘસો કાઢવા પ્રયત્ન કરવો અને રાત્રે કોટડીમાં પુરાવાનો ઈન્કાર કરવો, અને પોલીસ જબરદસ્તી કરે તો મુકાબલો કરવો. આ મુકાબલામાં અટકાયતીઓ માર્યા જાય કે ઘાયલ થાય તો નિહથ્થા અટકાયતીઓ ઉપર અત્યાચાર થવાને પરિણામે પ્રજામાં સહાનુભૂતિનું મોજું ફરી વળશે અને ક્રાંતિકારી આંદોલન માટે ભૂમિકા પેદા થશે. સામ્યવાદી અટકાયતીઓને અન્ય પ્રાંતોમાં મોકલવાની વાત જાણી એટલે રણદીવેએ તેનો પ્રતિકાર કરવાનો આદેશ આપ્યો.

સાબરમતી જેલમાં અટકાયતીઓની બદલી થાય તો કેવી રીતે પ્રતિકાર કરવો તેની ગરમાગરમ ચર્ચા ચાલી. હું હતો તે યરવડા જેલમાં પણ ચર્ચાઓ ચાલી હતી. સાબરમતી જેલમાં આ ચર્ચાઓ દરમિયાન કેટલાક શાણા બિરાદરોએ જેલમાં નિ:શસ્ત્ર કેદીઓ શસ્ત્રધારી પોલીસો સાથે અથડામણ કરે તે બરાબર નથી એમ માનતા હતા. જયંતી પારેખ અને જમનાદાસ મોદી અને ચંદ્રભાઈ ભટ્ટ, પ્રોફેસર મધુભાઈ બુચ, બાબુ પટેલ વગેરે પણ આ મતના હતા. આમ છતાં બહુમતીથી નિર્ણય થયો કે બદલીનો હુકમ આવે ત્યારે પ્રતિકાર કરવો. આ માટે મરચાંની ભૂકી, અને પહેલા વર્ગના અટકાયતીઓને અપાતાં ટેબલ-ખુરસીના પાયાનો ઉપયોગ કરવાનું ઠરાવ્યું. આ ઠરાવનો વિરોધ કરનારાઓમાંથી કેટલાકે જેલ સત્તાવાળાઓને જણાવતાં તેમને અલગ કરવામાં આવ્યા. જયંતી તો ગાંધીજીએ કેળવેલો શિસ્તબદ્ધ સૈનિક હતો. ચર્ચા વિચારણાને અંતે બહુમતીથી જે નિર્ણય થાય તેનો અમલ કરવાનો આગ્રહી હતો. આથી જયંતી અને જમનાદાસ માટે અલગ બેરેકમાં જવાનો પ્રશ્ન જ ન હતો.

દિવસો સુધી ચાલેલી ચર્ચા દરમિયાન સાહસવાદી નીતિ અનુસારની અથડામણ સાથે સંમત ન થનારાઓ ઉપર જહાલવાદી બિરાદરોએ ટીકાનાં તીર છોડ્યાં અને તેઓ બાયલા છે અને જીવ બચાવવા આવી દલીલો કરી રહ્યા છે એવો આરોપ મૂક્યો. આનું પરિણામ એ આવ્યું કે જયંતી અને જમનાદાસ મોદીએ સૌથી મોખરે રહેવાનો નિશ્ચય કર્યો. 12મી ઑગસ્ટે સાબરમતીના અટકાયતીઓને જાણવા મળ્યું કે 13મીએ તેમને અન્ય પ્રાંતોની જેલોમાં ખસેડવામાં આવશે. તેમણે જેલ સત્તાવાળાઓને જણાવી દીધું હતું કે આવા કોઈ હુકમને તેઓ માનશે નહીં. આથી જેલ સત્તાવાળાઓએ મોટી તૈયારી કરી રાખી હતી અને શસ્ત્રધારી પોલીસો પણ બોલાવી રાખ્યા હતા.

13મી ઑગસ્ટે પહેલા અને બીજા વર્ગના અટકાયતીઓને રાત્રે છૂટા ન પડવાનો અને બેરેક તથા કોટડીઓમાં બંધ ન થવાનો નિર્ણય કર્યો. સાંજે પોલીસ બધા અટકાયતીઓને અલગ કરી બંધ કરવા આવે તે પહેલાં જ તેમના ચક્કરના પ્રવેશદ્વારના દરવાજા અંદરથી બંધ કરી દીધા. જેલપોલીસ દરવાજો ખોલવા આવી તો તેમને મારી ભગાડી દીધા. ત્યાર બાદ સશસ્ત્ર પોલીસ આવી તેનો પણ નિ:શસ્ત્ર અટકાયતીઓએ સામનો કર્યો.

અથડામણની નીતિ સાથે અસંમત થઈ અલગ બેરેકમાં જનારાઓમાંથી પ્રોફેસર મધુભાઈ બુચે કરેલા વર્ણન પરથી શું બન્યું તેની વિગતો જાણવા મળે છે. સશસ્ત્ર પોલીસને આવતી જોઈ પોતાના ચક્કરની દીવાલ પર ચઢી તેમણે એ જોયું હતું. તેના કથન અનુસાર જયંતી અને મોદી મોખરે હતા. જયંતી પોલીસ ઉપર પથ્થરો અને ખુરસીના પાયા ઝીંકતો હતો અને જમનાદાસ મોદી પોલીસની આંખ ઉપર મરચાંની ભૂકી ફેંકતો હતો. પોલીસે નિશાન તાકીને જયંતીની છાતીમાં ગોળી મારી, અને તે ઢળી પડ્યો અને તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. આ ઉપરાંત જમનાદાસ મોદી, નાનુભાઈ દેસાઈ, અને અન્ય કેટલાક ગોળીથી ઘાયલ થયા હતા. પોલીસ કે જેલ સત્તાવાળા ગોળીથી ઘાયલ થયેલાઓને સારવાર આપવાને બદલે બચેલાઓને લાઠીના ફટકાઓ મારવામાં વ્યસ્ત હતા. ચાળીસ અટકાયતીઓમાંથી કોઈને જ બાકી રાખ્યો ન હતો. કેટલાક ગોળીથી ઘવાયા અને બાકીઓના હાડકાં ભાંગી નાખ્યાં. ત્રણચાર ફ્રેક્ચરથી ભાગ્યે જ કોઈને ઓછું ફ્રેક્ચર થયું હશે. જમનાદાસ મોદીને સાથળમાં ગોળી વાગી હતી અને સમયસર હોસ્પિટલમાં લઈ જવાયો હોત તો બચી જાત, પણ કલાકો સુધી લોહી વહેવા દીધા પછી હોસ્પિટલમાં લઈ જતાં રસ્તામાં જ તે મૃત્યુ પામ્યો.

ગાંધીજીની દાંડીકૂચના ચુનંદા સત્યાગ્રહીના મૃત્યુના સમાચાર મળતાં કૉંગ્રેસ હાઉસમાં સોપો પડી ગયો અને આ સમાચાર અખબારમાં પ્રસિદ્ધ ન થાય તેની વેતરણમાં પડ્યા. જેલ સત્તાવાળાઓએ પણ આ માહિતી બહાર ન જાય તેની તકેદારી રાખી.

ગોળીકાંડ પછી 14મી ઑગસ્ટની સવારે મધુભાઈ બુચને જેલમાંથી મુક્ત કર્યા. તે પણ આ અત્યાચારથી સમસમી ઊઠ્યા હતા. તે જેલમાંથી સીધા ધનવંત ઓઝા પાસે ગયા અને આ સમાચાર આપ્યા. ત્યારે ધનવંત ઓઝા કકલભાઈ કોઠારીના “પ્રભાત” દૈનિકમાં લખતા હતા. અન્ય અખબારોમાં આ સમાચાર ન હતા. “પ્રભાત” રવિવાર સવારે ખાસ વધારો બહાર પાડતું હતું. ધનવંત ઓઝા સીધા પહોંચ્યા “પ્રભાત”ની કચેરીએ. પોલીસને આની જાણ થતાં સમાચાર પ્રસિદ્ધ થતા અટકાવવા કકલભાઈ કોઠારી ઉપર દબાણ લાવવા કૉંગ્રેસ આગેવાન અર્જુન લાલાને મોકલ્યા. કકલભાઈ કોઠારી નીડર પત્રકાર હતા અને પોલીસના દબાણને વશ થાય તેવા ન હતા એટલે પોલીસે કૉંગ્રેસ આગેવાનને આ કામ કરવા વિનંતી કરી.

અર્જુન લાલાએ કકલભાઈને “પ્રભાત”માં આ સમાચાર ન પ્રસિદ્ધ થાય તે જોવા વિનંતી કરી. કકલભાઈએ કહ્યું, અર્જુનભાઈ, તમે આ વાત કરો છો ? તમને ખબર છે જયંતી કોણ છે ? દેશભરમાં તેના જેવા દેશભક્તો તમને જૂજ મળશે. તેની હત્યાની વાત હું દબાવી દઉં એમ તમે કહો  છો ?  ધનવંત ઓઝા અને જયંતી વચ્ચેનો સંબંધ તમે જાણતા હોત તો આવી વાત ન કરત. તેમ છતાં ધનવંતને બોલાવું છું. તમે વાત કરો. કકલભાઈએ ઓઝાને બોલાવ્યા. રોષ અને દુ:ખથી કાંપતા ધનવંતનું રૌદ્રસ્વરૂપ જોઈ અર્જુન લાલાની વાત કરવાની હિંમત ન ચાલી અને તેમણે ચાલતી પકડી.

“પ્રભાત”માં સાબરમતી હત્યાકાંડનો સંપૂર્ણ અહેવાલ છપાતાં અમદાવાદમાં હાહાકાર મચી ગયો. કકલભાઈએ “પ્રભાત”માં તંત્રીલેખ લખ્યો. તેમાં દેશના સ્વાતંત્ર્ય માટેની દાંડીકૂચના ગાંધીજીએ ચૂંટેલા ચુનંદા સત્યાગ્રહી જયંતી પારેખને સ્વતંત્રતા મળ્યા બાદની સરકાર જેલમાં ગોળીએ વીંધે તે બદલ આક્રોશ વ્યક્ત કર્યો.

બે દિવસ પછી પ્રેમાભાઈ હોલમાં શહીદોને અંજલી આપવા જાહેર સભા મળી. હોલમાં ઊભા રહેવાની જગ્યા પણ ન હતી. ધનવંત ઓઝાએ શહીદોને અંજલી આપતો ઠરાવ રજૂ કર્યો. ગુજરાતના અગ્રણી મહિલા આગેવાન અને ડૉ. સુમંત મહેતાના પત્ની શારદાબહેને આ ઠરાવને અનુમોદન આપ્યું. ડૉ. સુમંત મહેતા અને શારદાબહેનનું ઘર તો ડાબેરીઓનું થાણું હતું. શારદાબહેન જયંતીને અંગત રીતે પણ ઓળખતાં હતાં. ઠરાવને સમર્થન આપતાં શારદાબહેનની આંખો અશ્રુથી ઊભરાતી હતી.

અમૃતલાલ શેઠે “જન્મભૂમિ”માં અગ્રલેખ લખીને રોષની લાગણી વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે સૌમ્યભાષામાં લખતા કિશોરલાલ મશરૂવાળાએ પણ “હરિજન” પત્રોમાં ઉગ્ર તહોમતનામું ઉચ્ચાર્યું હતું.

જયંતી પારેખનાં જીવનની દરેક ક્ષણ દેશસેવામાં વીતી હતી. ગાંધીજીએ નથ્થુભાઈ પાસે માંગી લીધેલા જયંતીએ લગભગ પંદર વર્ષ ગાંધીજી સાથે વીતાવ્યાં હતા. ગાંધીજી પાસેથી તે દેશપ્રેમ, સચ્ચાઈ, સાદાઈ, શિસ્ત, સમયબદ્ધતા, જાતને ઘસી નાખવાની તમન્ના, કરકસર, સમાજના સૌથી વધુ ગરીબ માણસોના જીવન સુધારવાની ભાવના, અને સ્વીકારેલી ફરજના પાલન માટે હસતા મોંએ ગોળી ઝીલવાની તૈયારી રાખતાં શીખ્યો હતો. ગાંધીજી સાથે વૈચારિક મતભેદ થતા તે સામ્યવાદ તરફ વળ્યો હતો, પણ ગાંધીજી પ્રત્યેની લાગણીમાં ક્યારે ય ઓટ આવી ન હતી. ગાંધીજીની હત્યા થઈ ત્યારે જયંતીની આંખોમાંથી અશ્રુ વહેતાં નજરે નિહાળ્યાં હતાં. નેહરુએ લોકસભામાં યુનિયન જેક ઊતારી રાષ્ટ્રધ્વજ ફરકાવતાં કરેલાં યાદગાર પ્રવચન Tryst With Destinyમાં કહ્યું હતું કે ગાંધીજીના કહેવા પ્રમાણે આપણે રાજકીય સ્વાતંત્ર્ય સૌથી છેવાડાના માનવીના આંસુ લૂછવા મેળવ્યું છે. જયંતી ગાંધીજીથી છૂટો પડ્યો તો પણ જીવનના અંત સુધી છેવાડાના માનવીના જીવનને ઉજાળવા માટે કામ કરતો રહ્યો હતો.

જયંતીએ સામી છાતીએ ગોળી ઝીલી હતી. પોતે જે નીતિ સાથે સંમત નથી પણ પક્ષની શિસ્ત, વફાદારી અને બહુમતીએ લીધેલા નિર્ણયનો, અમલ કરતા શહાદત કરી. આવા કિસ્સા જવલ્લે જ જોવા મળે છે.

દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાંડીકૂચ મહત્ત્વનું સોપાન છે. આ કૂચ માટે ગાંધીજીએ જાતે 81 નરબંકાઓને પસંદ કર્યા હતા. તેમાંનો એક જયંતી પારેખ હતો. બચપણથી ગાંધી આશ્રમમાં ગાંધીજી પાસેથી દેશપ્રેમ અને દેશ માટે મરી ફીટવાની ભાવનાનું અમૃત પીનારા જયંતીને 38 વર્ષની ઉંમરે ગુમાવ્યો એ ગુજરાતનું દુર્ભાગ્ય છે. સ્વતંત્રતા માટે મથનારા જયંતીને સ્વતંત્ર ભારતની સરકાર જેલની અંદર ગોળીએ વીંધે એવા અવિચારનો જોટો મળે તેમ નથી.

કોક ભાગ્યશાળીને મળે તેવું વીરોચિત મૃત્યુ જયંતીને મળ્યું. સામ્યવાદી પક્ષે શિસ્તને ખાતર માથું ધરનારા જયંતી માટે ગૌરવ અનુભવવા જેવું છે. ગરીબ પ્રજા માટે હસતા હસતા સામી છાતીએ ગોળી ઝીલનારા તરીકે ગુજરાતનો બહુજન સમાજ જયંતી પારેખને હંમેશાં યાદ રાખશે.

(પુન: મુદ્રાંકન - ‘ગુજરાતી લેક્સિકોન’,  20-28 મે 2019)

Category :- Profile