'ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો' : કાવ્ય પરંપરાના ઉઘડતા સંદર્ભો

રંજના હરીશ
19-05-2019

વર્ષોથી વતનથી દૂર અમેરિકામાં વસતાં લબ્ધપ્રતિષ્ઠિત ગુજરાતી કવયિત્રી પન્ના નાયકના પ્રથમ અંગ્રેજી કાવ્યસંગ્રહ 'ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો'(વોર્શિગ્ટન ડી.સી. : 2018)ની ચર્ચા આપણે ગયે વખતે કરી. આ કાવ્યસંગ્રહમાંથી પસાર થતાં મારા મનમાં બ્રિટિશ  તેમ જ ડાયસ્ફોરિક કાવ્ય પરંપરાના સંદર્ભો ઉઘડતા ગયા.

જેમ જેમ સંગ્રહ વાંચતી ગઈ તેમ તેમ વોલેસ સ્ટીવન્સ, એમિલી ડિકિન્સન, વર્જીનિયા વુલ્ફ જેવાં કવિઓનું સ્મરણ થતું ગયું. તો વળી આ સંગ્રહની કાવ્યસૃષ્ટિનાં ભારતીય મૂળ, તેમાં ઝૂલતાં કેસૂડાં, સૂર્યમુખી, મોગરા, તથા તુલસી, તેમ જ વિસ્મૃતિની પ્રતિક સમી શકુંતલાની વીંટી, મને ભારતીય મૂળ ધરાવતાં સુજાતા ભટ્ટ તથા ઉમા પરમેશ્વરન્‌ જેવાં કવિઓની યાદ અપાવતા રહ્યા. મનુષ્યજીવનના સંબંધોની નિરર્થકતા તેમ જ સંકુલતા વિષયક કાવ્યો વાંચતા અનાયાસે થિયેટર ઓફ એપ્સર્ડ સ્મર્યું. શું આ સઘળું પન્ના નાયકે અમેરિકાની ધરતી પર એક સફળ લાઈબ્રેરિયન તરીકે ગાળેલ દીર્ઘ સમયનો પ્રભાવ છે ? કે પછી સાહિત્ય તત્ત્વની સાર્વત્રિકતાનો પુરાવો ?

પ્રસ્તુત સંગ્રહનાં મનગમતાં કાવ્યો પ્રયાસ વિના સહજરૂપે ગુજરાતીમાં અનુસર્જનરૂપે ઊતરી આવ્યાં. એમાંના થોડાક અહીં પ્રસ્તુત છે :

સ્વપ્ન

આપણે
બે શરીર એક આત્મા .
સ્વપ્નો સાકાર કરવા આપણે
દોડ્યા છીએ આપણે સાથોસાથ
હજારો જોજનો
હજારો ઇચ્છાઓ.
પરંતુ ક્યાંક ઊંડે ઊંડે
પડઘાય છે આપણી વચ્ચે
ખાઈ બનતી જતી તિરાડ ...
આપણે બેઉ
જાણે એક પુસ્તકનાં બે પાન
અન્યોન્યની સામોસામ
પુસ્તક આકારે બંધાયેલ તો ય અલગ
સીવાયેલ એક સાથે નાશવંત માનવ ભાગ્ય થકી.

000

હિમશીલા (આઈસબર્ગ)

મારી મૃત કવિતાની સફરે જઈને
તમે કંઈ નહિ પામો
તેને તમે દફનાવી દો તે જ સારું
નહિ તો પછી કવિતાને ખોદીને
તેના ગહન ઊંડાણમાં પહોંચો તો
ત્યાં તમને મળશે તૂટેલ-ફૂટેલ વહાણોની અવદશા
અને તે મધ્યે વર્ષોથી
અડગ ઊભેલ એક
મહાકાય, વણતૂટી હિમશીલા

000

મોગરા

સ્વપ્નમાં ચૂંટેલ મોગરા ગુમાવે વર્ષો થયાં
તો ય તેની મહેક
મારા આંગળાને આજે ય કેમ ચોંટતી હશે ?

000

સ્ત્રી સ્વાતંત્ર્ય

પુરુષને મન
સ્ત્રી સ્વાતંત્ર્ય અને અધિકાર
એટલે પોતે સ્ત્રી પર વરસાવેલ કૃપા
જે આપે છે તેને સ્વતંત્રતા
એ નક્કી કરવાની કે
કયો પગ ઉકળતા પાણીમાં નાખવો
અને કયો બરફના ચોસલા પર મૂકવો

000

સિંહણ

તારા આંગળાથી તું
ભલે મારી ગરદન પંપાળ
હવે હું ત્રાડ નહીં પાડું
કેમ કે હવે હું પાલતુ પ્રાણી બની ગઈ છું
મારાથી બીવાની લગીરે જરૂર નથી
હવે હું ખુંખાર સિંહણ નથી ...
મારી જરૂરિયાતો ટૂંકી છે
સહેજ અમથું દૂધ, માંસનો એક ટુકડો
અને તારા આલીશાન આલયનો એક નાનોશો ખૂણો
તું સિંહ અને હું સિંહણ ...
જો હું કેવી પાલતુ સિંહણ છું !
પણ તને હું પાલતુ પ્રાણી તરીકે પણ ખપતી નથી
મને ખબર છે તું મને સુદૂર જંગલોમાં છોડી મૂકવા ઇચ્છે છે
તેનું કારણ પણ મને ખબર છે
હું તારી અપેક્ષાઓ સંતોષી શકું તેમ નથી માટે.
તને જોઈએ છે એવી સિંહણ જે કદીએ ત્રાડ ન પાડે,
જેની લેશ માત્ર બીક ન હોય
કેવી નરી મૂર્ખતા !
તને ખપે છે તેવું પ્રાણી તો અસ્તિત્વમાં જ નથી !
તું કલ્પિત મિથકને ઝંખી રહ્યો છે

000

સૂટકેસમાં પુરાયેલ સમય

પ્રત્યેક સવાર પૂછે છે મને
કે આખી રાત તેં શું કર્યું ?
પ્રત્યેક રાત પૂછે છે
કે આખે દિવસ તેં શું કર્યું ?
પ્રત્યેક વર્ષાંત પૂછે છે
કે બાર માસ તેં શું કર્યું ?
પ્રત્યેક દસકો પૂછે છે
કે આ બધાં વર્ષો તેં શું કર્યું ? તેં શું કર્યું ?
સમય માગે છે જવાબદેહી.
જવાબ આપવાનું ટાળીને
હું સમયને સૂટકેસમાં
મૂકીને તાળું મારી દઉં છું.
અને મૂકી દઉં છું સૂટકેસને ભંડકિયામાં.
ઘરે પાછા ફરતા
ફરી એ જ પ્રશ્નો અને તેના પદચિહ્નો
મને ઘેરી વળે છે .

તા.ક.

'વર્લ્ડ લિટરેચર ટુડે'ના સ્પ્રીંગ 2019ના અંકમાં, આ સંકલનના ભારોભાર વખાણ વાંચીને આનંદ આનંદ. પ્રિય મિત્ર પન્ના નાયકનું અંગ્રેજી સાહિત્ય વિશ્વમાં ઉમળકાભર્યું સ્વાગત છે.

E-mail : [email protected]

સૌજન્ય : "નવગુજરાત સમય", 15 મે 2019

Category :- Opinion / Literature