હું ગરીબ છું પછાત વર્ગમાંથી આવું છું એવાં રોદણાં શું કામ રડવા ?

રમેશ ઓઝા
16-05-2019

દેશમાં આત્યાર સુધીમાં ૧૪ વડા પ્રધાન અને વિવિધ રાજ્યોમાં અઢીસો કરતાં વધુ મુખ્ય પ્રધાનો આવ્યા અને ગયા, પરંતુ એમાંથી એક માત્ર નરેન્દ્ર મોદીને છોડીને કોઈએ કહ્યું નથી કે ‘હું ગરીબ છું, પછાત વર્ગમાંથી આવું છું, મેં ભીખ માગી છે, ચા વેચી છે માટે તમારી સહાનુભુતિને પાત્ર છું અર્થાંતરે વડા પ્રધાનના પદને માટે લાયક છું.’ કોઈ કહેતા કોઈએ નહીં. કર્પૂરી ઠાકુર તો ખુદ્દારીની મિસાલ જેવા હતા. તેઓ બિહારના બબ્બે વખત મુખ્ય પ્રધાન બન્યા પછી પણ પહેલા જેટલા જ ગરીબ હતા અને તેમની ગરીબી લોકોની નજર સામે હતી. તેઓ હજામ હતા અને બિહારના મોટા ગજાના નેતા બન્યા પછી પણ હજામત કરતા હતા. તેમણે ક્યારે ય કહ્યું નહોતું કે તેમણે કેવી કેવી યાતના ભોગવી છે અને માટે દયાને પાત્ર છે. કર્પૂરી ઠાકુરને છોડો દલિત અને આદિવાસી નેતાઓએ પણ કહ્યું નથી કે તેઓ શું શું સહન કરીને આવ્યા છે. બાબુ જગજીવન રામ, બાબા સાહેબ આંબેડકર, માયાવતી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન્‌ વગેરેએ એવી ગરીબી અને પછાતપણું જોયું છે અને તેમણે જીવનમાં જે હાલાકી ભોગવી છે અને અન્યાય સહન કર્યો છે તેની સામે નરેન્દ્ર મોદીની ગરીબાઈ તો કોઈ વિસાતમાં નથી. આદિવાસી સમાજમાંથી આવતા નેતાઓ માટે ક્યાં કોઈએ લાલ જાજમ બિછાવી હતી. તેમણે દરેકે ગરીબી અને પછાતપણાને કારણે કરવામાં આવતી અવહેલના ભોગવી હતી અને પોતાનો રસ્તો કંડાર્યો હતો.

ભારતીય રાજકારણમાં પહેલી પેઢીના નેતાઓમાંથી બહુ ઓછા નેતાઓને જાહેરજીવનમાં રાજમાર્ગ મળ્યો હતો, પછી તેઓ સવર્ણ પરિવારમાંથી આવતા હોય કે અવર્ણ અથવા આદિવાસી. લાલ બહાદુર શાસ્ત્રીનો દાખલો જાણીતો છે. તેઓ બ્રાહ્મણ હતા અને છતાં ગરીબીનો સામનો કરીને પોતા માટે જગ્યા બનાવી હતી. રામનગરથી બનારસ ભણવા જતા કેટલીક વાર ગંગા તરીને જવું પડતું. તેમણે ગરીબાઈનાં રોદણાં ક્યારે ય રડ્યાં નહોતાં. વલ્લભભાઈ પટેલ તેમની આગળની સો પેઢીમાં કોઈ ભણ્યું નહોતું એવા ગ્રામીણ ખેડૂત પરિવારમાંથી આવતા હતા. કામરાજ નાદર ગરીબ અને પછાત પરિવારમાંથી આવતા હતા અને સાવ અશિક્ષિત હતા, પણ તેમણે પાટુ મારીને પોતાના માટે જગ્યા બનાવી હતી. તેઓ કૉન્ગ્રેસના પ્રમુખ હતા અને તામિલનાડુના મુખ્ય પ્રધાન હતા. આપણે એ.પી.જે. અબ્દુલ કલામ માટે શા માટે ગર્વ લઈએ છીએ? સાવ ગરીબ અને સામાજિક રીતે પછાત પરિવારમાંથી આવતા કલામે સંઘર્ષ કરીને સ્વબળે પોતાની જગ્યા બનાવી હતી અને છેક ભારતના રાષ્ટ્રપતિપદે પહોંચ્યા હતા. અહીં જે નામ ગણાવ્યાં છે એ તો માત્ર નમૂનારૂપ છે, બાકી ભારતમાં સેંકડો નેતાઓ ગરીબ અને પછાત પરિવારમાંથી આવ્યા છે અને તેમણે પોતાની જગ્યા બનાવી છે. એમાંના કોઈએ ગરીબી અને પછાતપણાનાં રોદણાં રડ્યાં હોય એવું યાદ નથી. મને તો એવો એક પણ દાખલો નજરે ચડતો નથી. તમે યાદ કરી જુઓ, તમને કોઈ યાદ આવે છે? 

એમાં વળી સ્ત્રીઓને તો પુરુષો કરતાં ઘણો વધુ સંઘર્ષ કરવો પડ્યો છે અને હજુ આજે પણ કરે છે, પછી ભલે તે સવર્ણ પરિવારમાંથી આવતી હોય. ૧૯મી સદીમાં જે સ્ત્રીઓએ સતી, વિધવાવિહાહ અને બીજા કુરિવાજો સામે સંઘર્ષ કર્યો છે એ બધી સવર્ણ પરિવારોની સ્ત્રીઓ હતી. ડૉ. આનંદીબાઈ જોશી, ડો. રખમાબાઈ, હરકોરબે’ન વગેરે સવર્ણ હોવા છતાં પણ સંઘર્ષ કરીને આગળ આવી હતી અથવા બીજી સ્ત્રીઓ માટે દીવાદાંડીરૂપ બની હતી. ભણવાના અધિકાર માટે પણ તેમણે લડત આપવી પડી હતી. કોઈએ તેમના માર્ગમાં લાલ જાજમ નહોતી બિછાવી. તેમના પિતા, ભાઈઓ કે પતિએ પણ નહીં, બલકે તેમના માર્ગમાં અવરોધ પેદા કરવામાં આવ્યા હતા.

આ સિવાય બીજી અનેક મૂંગી પણ વીરતાભરી દાસ્તાનો છે જેના વિષે આપણે કાંઈ જાણતા પણ નથી. સાવિત્રીબાઈ ફૂલેના નામથી તમે પરિચિત હશો, પણ શાંતાબાઈ દાણીનું તમે નામ પણ નહીં સાંભળ્યું હોય. શાંતાબાઈ દાણીએ નાસિકમાં કાલારામ મંદિરમાં દલિતોના પ્રવેશ માટે જે સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો તેનું નેતૃત્વ કર્યું હતું. આવી બીજી અનેક દલિત અને આદિવાસી સ્ત્રીઓ છે જેના સંઘર્ષથી આપણે પરિચિત પણ નથી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જે સત્યાગ્રહ કર્યો હતો એમાં ગરીબ અને અભણ ગિરમીટિયા સ્ત્રીઓ મોખરે હતી. ટૂંકમાં પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓએ સંઘર્ષ કરીને પોતાની જગ્યા બનાવવી પડી છે, પછી સમાજ સવર્ણ હોય કે અવર્ણ.

અહીં એક યાદ અપાવવી જરૂરી છે. ભારતના કેટલાક ઇતિહાસકારોના ધ્યાનમાં આવ્યું હતું કે દેશમાં અન્યાય સામેની તેમ જ દરેક પ્રકારની મુક્તિ માટેની લડતનો ઇતિહાસ જે રીતે લખવામાં આવી રહ્યો છે એમાં જે પ્રજા હાંશિયામાં છે તેની લડતની વાત જ આવતી નથી.  કેટલાક લોકોનાં નાનકડાં યોગદાનો અને પ્રમાણમાં મામૂલી સંઘર્ષોની દાસ્તાનો રોચક રીતે કહેવામાં આવી છે. જેમણે આઝાદીની લડતમાં કોઈ ભાગ લીધો નહોતો અને માફી માગીને જેલમાંથી છૂટ્યા હતા એ સ્વાતંત્ર્યવીર તરીખે ઓળખાય છે અને જેમણે મોટા સંઘર્ષ કર્યા અને વિદ્રોહ કર્યા એના વિષે કોઈ બોલતું જ નથી. તેમની સરેઆમ ઉપેક્ષા કરવામાં આવે છે. તેમણે દલિત, આદિવાસી, ભટકતી કોમો, ગુનેગાર જાહેર કરાઈ છે એવી કોમો, દેવાદાસીઓ અને તેમના જેવી બીજી સ્ત્રીઓ વગેરેનાં સંઘર્ષની ઘટનાઓ એકઠી કરી હતી. એવી કેટલી ઘટનાઓ હશે, કલ્પના કરી જુઓ તો? એક બે નહીં, વીસ ખંડમાં નાના લોકોના સંઘર્ષની દાસ્તાનો સંગ્રહાયેલી છે. એ વીસ ખંડ તપાસી જુઓ, એમાં કોઈએ ગરીબી અને પછાતપણાનાં રોદણાં રડ્યાં હોય એવું જોવા નહીં મળે.

તો વાતનો સાર એટલો જ કે ભારતમાં પહેલી પેઢીના નેતાઓમાં મુઠ્ઠીભર નેતાઓ એવા હશે જે મોમાં ચાંદીની ચમચી લઈને જન્મ્યા હતા અને આગળ વધવા માટે રાજમાર્ગ મળ્યો હતો; બાકીના દરેકે સંઘર્ષ કર્યો છે અને પોતાની જગ્યા બનાવી છે. ખાતરી કરવી હોય તો જુદા જુદા વર્ગના નેતાઓએ લખેલી આત્મકથાઓ કે સંસ્મરણો જોઈ જાઓ. તમને પ્રમાણ મળી રહેશે. જે સ્થિતિ રાજકારણની છે એવી જ અન્ય ક્ષેત્રોની છે. અનેક લોકોએ સંઘર્ષ કરીને સાહિત્યમાં, વિજ્ઞાનમાં, કળાજગતમાં અને અન્ય ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન બનાવ્યું છે. તેમના માટે પણ કોઈ રાજમાર્ગ નહોતો, બલકે આર્થિક મુશ્કેલીઓ અને સામાજિક પૂર્વગ્રહોના અવરોધો હતા. 

એનો અર્થ એવો નથી કે આંસુ સારનારાઓ અને કાખલી કૂટનારા લોકો જે તે સમાજમાં ત્યારે પેદા નહોતા થયા કે આજે નથી થતા. એવા લોકોને તેમના જ સમાજના લોકોએ હસી કાઢ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હું ગરીબ છું, પછાત વર્ગમાંથી આવું છું, મેં ભીખ માગી છે, ચા વેચી છે’ વગેરે રોદણાં રડવાની જગ્યાએ દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ અને એમાં પણ પછાત વર્ગની સ્ત્રીઓના સંઘર્ષ તરફ એક નજર કરવી જોઈએ અને તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ. તેઓ કરે કે ન કરે, આપણે વંચિત લડવૈયાઓને પ્રણામ કરવા જોઈએ.

15 મે 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 મે 2019

Category :- Opinion / Opinion