મૂડીવાદ, રાજ્ય અને દલિતો

રોહિત શુક્લ
16-05-2019

ઓગણીસમી સદીની ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન યુરોપના દેશોમાં સમાજ ઝડપથી બદલાવા માંડ્યો હતો. ઇંગ્લૅન્ડમાં રહીને કાર્લ માર્ક્સ (૧૮૧૮-૧૮૮૩) સમાજના આર્થિક - સામાજિક - રાજકીય તેમ જ સાંસ્કૃતિક પ્રવાહનું અવલોકન અને પૃથક્કરણ કરતા હતા, ત્યારે અમેરિકાથી માંડીને રશિયા સુધી સાહિત્યકારો દ્વારા આ નવા અવતરતા જતા જગત અંગે ઘણી વિશદ સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ થઈ. અમેરિકામાં ‘કાળા-ગોરા’નો ભેદ ઘણાં લખાણોમાં અભિવ્યક્ત થયો. અમેરિકામાં લેખિકા હેરિયટ એલિઝાબે બિયર સ્ટોવે (૧૮૧૧-૧૮૯૬), ૧૮૫૨માં ‘અંકલ ટોમ્સ કૅબિન’ પ્રકાશિત કર્યું. તે સાથે અમેરિકામાં ગુલામી અને રંગભેદની સામે ગૃહયુદ્ધની ભૂમિકા રચાઈ. અમેરિકાના જ સેમ્યુઅલ લેન્ગહાર્ન ક્લેવન્સ ઉર્ફે માર્ક ટ્‌વેને (૧૮૩૫-૧૯૧૦), રમૂજ સાથે, ‘ટૉમ સૉયર’, ‘હકલબરી ફિન’ જેવી નવલકથાઓ દ્વારા સમાજનું ચિત્રણ આદર્યું. નૉર્વેમાં હેન્રિક ઈબ્સને (૧૮૨૮-૧૯૦૬), ‘ડૉલ્સહાઉસ’ દ્વારા સમાજનો સ્ત્રીઓ તરફનો વર્તાવ ચીતરી આપ્યો. કાઉન્ટ લીઓ ટૉલ્સ્ટૉયે (૧૮૨૮-૧૯૧૦) અન્ના કેરનિનામાં પણ સ્ત્રીઓ માટેના સાંસ્કૃતિક પિંજરખાના સામે આક્રોશ વ્યક્ત કર્યો. અલબત્ત ટૉલ્સ્ટૉયે તો ‘વૉર ઍન્ડ પીસ’ જેવો મહાગ્રંથ પણ આપ્યો.

ટૉલ્સ્ટૉયના સમકાલીન એવા ફ્‌યોડર દોસ્તોવસ્કી(૧૮૨૧-૧૮૮૧)ના ‘બ્રધર્સ કારાયાઝોફ’ અને ‘ધ ઇડિયટ’ પણ સમાજ ઉપર અસર પાડી શક્યા. રશિયામાં જ મેક્સિમ ગોર્કી(૧૮૫૮-૧૯૩૬)ની ‘મધર’ અને એન્તોન ચેખોવ(૧૮૬૦-૧૯૦૯)ની ચોટદાર ટૂંકી વાર્તાઓએ સમાજની આત્મચેતનાને ઢંઢોળી. પાખંડ, જૂઠ, ફરેબ, કાવત્રાખોરી, સત્તાની લાલસા, સામાજિક ન્યાયની અવહેલના વગેરે જેવા અનેક મુદ્દે આ લેખકો અને સાહિત્યકારો ગજબનું ગર્જ્યા.

આ બધાએ સામાજિક ન્યાયનું આર્કિટેક્ચર વિકસાવ્યું. આ આર્કિટેક્ચરમાં જન્મ, જાતિ, ધર્મ, લિંગ વગેરે મુદ્દે ભેદભાવ કરવો તે પોતે માત્ર અનૈતિક જ નહીં પણ સામાજિક દૃષ્ટિએ અન્યાયકારી પણ છે એમ લોકમતમાં પ્રવેશ્યું. આ પ્રકારના વિચાર-પ્રવાહોમાં ૧૭૮૯ની ફ્રૅન્ચ ક્રાંતિ અને વિદાય લઈ રહેલી રાજાશાહી-સામંતશાહીનો પણ મોટો ફાળો હતો.

અમેરિકાથી રશિયા સુધી આ સાંસ્કૃતિક પરિવર્તનના પ્રવાહો ફરી વળ્યા, ત્યારે ભારત ક્યાં હતું?

મહંમદ ગઝની(૯૭૧-૧૦૩૦)ની ભારત ઉપર કુલ સત્તર ચઢાઈઓ થઈ. મથુરા અને કનોજ ઉપર (૧૦૧૩-૧૫) અને સોમનાથ ઉપર (૧૦૨૫-૨૬) તે લૂંટના ઇરાદાથી આવ્યો. આ આક્રમણખોર લૂંટારાને ગઝની(અફઘાનિસ્તાન)થી મથુરા કે સોમનાથ સુધી, લાવ-લશ્કર સાથે આવવા-જવામાં ખાસ વિરોધ ન થયો. ભારતીય સમાજ અને સંસ્કૃતિ વિશે વિચારવાયોગ્ય બે મુદ્દા અહીં ઊભા થાય છે. એક ગઝનથી મથુરા કે સોમનાથ સુધી હુમલા કરીને લૂંટ ચલાવનારની સામે ખાસ લડાઈ કેમ ન થઈ? રસ્તામાં આવતા અનેક રાજાઓએ આવા લૂંટારાને હેમખેમ જવા કેમ દીધો? બે, સોમનાથના અને હવે જાણીએ છીએ તેમ પદ્મનાભના મંદિરમાં આટલી અઢળક સંપત્તિ આવી તેનું મૂળ શેમાં હતું? આ સંપત્તિ ભક્તોએ ‘ન્યોછાવર’ રૂપે આપી એમ કહેવાથી વાતનો પૂરતો ખુલાસો થતો નથી. તે સમયના સામંતયુગી સમાજમાં કરોડો ગરીબો અને વંચિતો પાસેથી સામાજિક અને આર્થિક વ્યવસ્થાના ભાગ રૂપે શોષણ કરીને એકઠી કરાયેલી આ સંપત્તિ હતી. મંદિરો, કિલ્લા, મહેલો અને પછીથી મસ્જિદો બની તે આ આર્થિક વ્યવસ્થા દ્વારા ખેંચી જવાયેલી સંપત્તિનો પરિપાક છે. સોમનાથ કે મથુરા ઉપરના અગિયારમી સદીના આક્રમણ પછી, બીજાં સાતસો વર્ષે પણ આ દેશ જાગ્યો ન હતો. ૧૭૫૭ના યુદ્ધમાં મુઠ્ઠીભર અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવ્યો. તે દર્શાવે છે કે આપણે, આપણી ઉપર કોણ, શા માટે અને કેટલા સમય સુધી રાજ કરે છે, તે બાબતે સાવ તટસ્થ છીએ. નોંધવા જેવું છે કે આ જ યુરોપિયન સત્તાઓએ આફ્રિકાના દેશો ઉપર પણ આધિપત્ય જમાવવા પ્રયાસ કર્યો, પણ તેની સામે સ્થાનિકો લડ્યા અને આ ગોરાંઓને ભગાડી મૂક્યા.

આ ટૂંક ચર્ચા ઉપરથી એક તરફ ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક સર્વોપરિતા કે તથાકથિત મહાનતા સામે પ્રશ્ન ઊભો થાય છે તો બીજી તરફ દેશના વંચિતો અને બાકીના સમાજની સામંતશાહી વ્યવસ્થા તરફ પણ અંગુલિનિર્દેશ થાય છે, આથી ‘ભારત એક વિચાર’ તરીકે વધુ મૂલાગ્ર તપાસના ફોકસમાં આવી જાય છે. વેદ-ઉપનિષદ, વિવિધ ધર્મો અને આટલી બધી વિવિધતાના સંદર્ભે આ દેશના દલિતો અને વંચિતો ક્યાં છે? આ દલિતો-વંચિતોની ઇતિહાસ-નિમજ્જ સ્થિતિ, આધુનિક મૂડીવાદ તથા ટેક્‌નોલૉજીગ્રસ્ત બની રહેલા ભાવિમાં આ વર્ગ કેવા આયામોમાંથી ગુજરશે?

સમગ્ર વિશ્વમાં આજની એકવીસમી સદીમાં પણ માત્ર ભારતના હિંદુ ધર્મમાં જ જાતિભેદ છે. વિનોબાએ કહેલું તેમ ‘જો કભી જાતી હી નહીં વહ જાતિ હૈ’. અરુંધતી રૉય કહે છે તેમ (આંબેડકર યુનિવર્સિટી, મરાઠાવાડ, ઔરંગાબાદનું યુ-ટ્યૂબનું પ્રવચન). ભારતમાં ૧૯૮૯માં બે તાળાં ખૂલ્યાં. એક બાબરી મસ્જિદ, રામમંદિરનું અને બીજું આર્થિક ક્ષેત્રે નવ્ય મૂડીવાદનું. પ્રથમ તાળું હિંદુ ફન્ડામેન્ટાલિઝમનું તો બીજું માર્કેટ ફંડામેન્ટાલિઝમનું. ઉદ્યોગ-વ્યવસાયોનું ખાનગીકરણ થવા માંડ્યું અને તે સાથે જ દલિતવંચિત સમૂહો માટેનો પૉઝિટિવ ડિસ્ક્રીમિનેશન(વિધાયક ભેદભાવ)ની પ્રક્રિયાનો અંત આણવાની શરૂઆત થઈ. હિંદુત્વ કે રાષ્ટ્રવાદ જેવા શબ્દોનાં તાત્પર્યો જ બદલાવા માંડ્યા. હવે હિંદુત્વ એટલે સવર્ણ હિંદુઓનો પરંપરિત ધર્મ અને રાષ્ટ્રવાદ એટલે આવા હિંદુઓના શાસનના આગ્રહો.

હિંદુત્વ અને નવો મૂડીવાદ એકઠાં કરીને ચલાવાતી સરકારમાં આ દલિત-વંચિત સમાજની જે સ્થિતિ કરાઈ છે, તે તેના કાર્યાન્વિત સ્વરૂપને છતું કરે છે. ઊનાકાંડ તેનું ઉદાહરણ છે. આ ઉપરાંત, દલિત મૂછો રાખે કે જાહેરમાં તેને મરડે, ઘોડા ઉપર સવારી કરે, સવર્ણોની જીહજૂરી કે ગુલામી ના કરે કે પછી અન્યોને સમકક્ષ ઊંચું જીવન જીવે, તે સવર્ણોને અનુકૂળ નથી. તેમને મારવા, લજ્જિત કરવા, મારી નાંખવા કે આર્થિક દૃષ્ટિએ પાયમાલ કરવા તે આ એકવીસમી સદીમાં પણ સવર્ણોએ જાતે સ્વીકારી લીધેલી જવાબદારી છે!

આધુનિક મૂડીવાદ એકંદરે રાજ્ય સાથે અને ભારત જેવા દેશોમાં ધર્મની સાથે પણ, મેળાપીપણામાં ચાલે છે. હિંદુત્વની પકડ જમાવી રાખવા વાસ્તે તે રામરાજ્ય કે રાજ્યધર્મ જેવાં કલ્પનોનો પ્રયોગ તો કરે છે, પરંતુ વાસ્તવમાં શોષણ, શાશ્વત સત્તા અને આર્થિક સામ્રાજ્યની નવી ને નવી દિશાઓ ખોલી આપે છે. અમેરિકા જેવા દેશોમાં પણ અતિ જમણેરી એવા ટ્રમ્પના સામ્રાજ્યમાં સામાન્ય અમેરિકનના દુઃખમાં વધારો જ થયો છે. પણ ભારત જેવા દેશમાં તો ભયાનકતા જ સર્જાવા માંડી છે.

એક ઉદાહરણ જુઓઃ તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં પટાવાળાની થોડીક જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી. લગભગ ૯૦,૦૦૦ અરજીઓ આવી; આ પૈકી ૫૦,૦૦૦ સ્નાતક, ૨૮,૦૦૦ અનુસ્નાતક અને ૪,૦૦૦ પીએચ.ડી થયેલા હતા! આ સમસ્યા માત્ર બેકારીના મુદ્દે સીમિત થઈને રહી જતી નથી, આટલું ભણનારાની જાતિ કઈ હશે, તે પૈકી કઈ જાતિવાળાને નોકરી મળશે, આવા પ્રશ્નો પણ વિચારવા રહ્યા. સવાલ ગંભીર બને છે, કારણ કે ખાનગી ક્ષેત્રમાં અનામતની પ્રથા નથી, એટલે કે ૧૯૮૯માં બાબરી મસ્જિદ અને વૈશ્વિક મૂડીવાદ એમ બેના તાળાં ખોલ્યાં તે બંને દલિત-વંચિતને વધુ બરબાદ કરનારાં નીવડ્યાં છે.

બિહાર રાજ્યની ચૂંટણી(૨૦૧૫)ના અરસામાં આર.એસ.એસ.ના વડાએ અનામતના મુદ્દે ‘ફેરવિચાર’ની જરૂરત દર્શાવી હતી. તેની થોડીક અસર પડી અને એન.ડી.એ.ની થોડીક બેઠકો ઘટી. પણ પછીથી અનામત હટાવવાના મુદ્દે જે બન્યું, તે પણ લક્ષમાં લેવા જેવું છે. એક તરફ ‘સવર્ણ’ અનામત દાખલ કરીને વાસ્તવમાં અનામત દૂર કરી દેવાઈ છે. ‘દૂધમાં એટલું પાણી ઉમેરો કે દૂધ રહે જ નહીં’ એ બાબતને ચરિતાર્થ કરે, તેવો આ કીમિયો છે. હિંદુત્વવાદી રાજકારણે આધુનિક મૂડીવાદના વાતાવરણમાં આ કીમિયો કર્યો છે.

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ અનામતને નેસ્ત નાબૂદ કરવા વાસ્તે યુ.જી.સી. તરફથી બસો પૉઇન્ટ રોસ્ટરની પ્રથા હટાવીને તેર પૉઇન્ટ રોસ્ટરની પ્રથા દાખલ કરવામાં આવી છે. આ પ્રથાના કારણે હવે ડિપાર્ટમેન્ટ પ્રમાણે અનામતની જોગવાઈ કરવામાં આવે છે. દરેક ડિપાર્ટમેન્ટમાં અધ્યાપકોની સંખ્યા ઓછી હોય, પણ આખી યુનિવર્સિટીનો કુલ સરવાળો મોટો હોય; આથી આખરે કોઈ જ ડિપાર્ટમેન્ટમાં નવી ભરતી વેળાએ અનામત કૅટેગરીમાંથી કોઈ જ ભરતી કરવાની રહેતી નથી. એટલે હવેથી ‘સવર્ણ’ અનામતના કારસાથી તેમ જ યુ.જી.સી.નાં નવી રોસ્ટર પ્રવૃત્તિને કારણે, ૨૦૧૫ની બિહારની ચૂંટણી વેળાએ આર.એસ.એસે. જે કહ્યું હતું. તે પાર પાડવામાં આવી રહ્યું છે.

આ પ્રકારની નીતિઓને વધુ વ્યાપક સ્વરૂપે અને આઇડિયા ઑફ ઇન્ડિયા સાથે જોડીશું, તો આવનારાં વર્ષોમાં અતિ ભયંકર બનનારા ચિત્રની રૂપરેખા ઊતરતી જણાશે. આ ચિત્રના રેખાંકનનાં બિંદુઓ આ પ્રમાણે વિચારી શકાયાંઃ

(૧) આવનારાં વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધુ ને વધુ વ્યાપક બનશે. આથી, માણસની રોજી છીનવાઈ જ જશે.

(૨) ભારતીય અને હિંદુત્વવાદી સમાજે જાતિભેદ કરીને દલિતોને પગ નીચે કચડી નાખ્યા છે. ૧૯૫૦થી ૧૯૮૯ દરમિયાન અનામતની નીતિના ફાયદા મળવાથી ઘણા દલિતો જીવનની મુખ્ય ધારામાં પ્રવેશી શક્યા. હવે તે માર્ગ બંધ થાય છે.

(૩) ભારતની કૉર્પોરેટ દુનિયા લગભગ સંપૂર્ણપણે હિંદુ સવર્ણોના હાથમાં છે. આ કૉર્પોરેટ દુનિયાના લાભાર્થે રાજ્ય પેરવીઓ કરતું રહે છે. તેમાં દલિતો માટે ભાગ્યે જ કોઈ સ્પેસ બચે.

આ સંજોગોમાં ડૉ. આંબેડકરનાં લખાણો, વિચારો અને તત્ત્વદર્શનનો વધુ ઘનિષ્ટ અને હેતુપૂર્ણ અભ્યાસ થાય તે જરૂરી ગણાય.

[સંપાદક, “અભિદૃષ્ટિ”]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”,  [વર્ષ 13 • અંક : 138-139] મે - જૂન 2019; પૃ. 02-04

Category :- Opinion / Opinion