શિરીષ સમીપે

મહેશ દવે
15-05-2019

કવિકુલશિરોમણિ કાલિદાસે લખ્યું છે : ‘ઉત્સવપ્રિયાઃખલુ જનાઃ કાલિદાસ જેવા આર્ષદૃષ્ટા કવિ જ ભાળી શકે ને ભાખી શકે કે માનવી સદાકાળ ઉત્સવોમાં રાચતો રહેવાનો. પરંપરાગત હિન્દુધર્મના અનુયાયીઓ ગર્ભાવસ્થા ને જન્મથી માંડી અંત્યેષ્ટિ સુધીના સોળ કે તેથી ય વધારે સંસ્કારો મનાવતા ને ઊજવતા. પરંપરામાં કેટલાક સંસ્કારો ઊજવવાનું લુપ્ત થયું. પણ તે પછી અનેક ઉજવણીઓ ઉમેરાતી ગઈ છે. વર્ષોવર્ષ ‘બર્થડે પાર્ટીઃ પચ્ચીસ વર્ષે ‘સિલ્વર જ્યુબિલી’, પચાસ વર્ષે વનપ્રવેશ; સાઠ વર્ષે ‘હિરકમહોત્સવ’; શતાયુએ શતાબ્દી; પછી સાર્ધ શતાબ્દી એવી વૈયક્તિક ઉજવણીઓ બહુ પ્રચલિત છે. તે ઉપરાંત તહેવારો, મેળાઓ, ઉદ્યોગો ને કંપનીઓનાં ઉજવણાં, ક્લબોનાં સમુદાયના પ્રસંગો, એ બધાં ઓછા હોય તેમ શાળા-કૉલેજો ને યુનિવર્સિટીઓએ જાહેર કરેલા ઉત્સવો, વિદ્યાર્થીઓએ ચગાવેલો વૅલેન્ટાઇન ડે’, ‘ડ્રેસ ડે’ જેવા આછકલા ‘ડેઝ’, એમ ઉત્સવોની ભરમારથી આધુનિક જીવન ભરપૂર છે. રાજકીય ઉજવણીઓ વળી જુદી. બાકી રહી ગયું હોય તેમ યુ.નો.એ જાહેર કરેલા અનેક ખાસ ‘દિવસો’.

સાહિત્યવિશ્વમાં જન્મદિન, વનપ્રવેશ, હિરક-મહોત્સવ, અમૃતમહોત્સવ, શતાબ્દીઉત્સવ વગેરે વધારે પ્રચલિત છે. જો કે આ ઉત્સવો બહુ ચીલાચાલુ થઈ ગયા છે. મિત્રો, કર્મચારીઓ, આશ્રિતો, વગેરે કોઈક પ્રસંગે કે બૉસની વિદાયવેળાએ સમારંભ ગોઠવી નાખે છે. ઘણી ખરી વાર જેનો ઉત્સવ ઉજવાતો હોય તે જ પ્રચ્છન્ન આયોજક હોય છે. ગુણગાન ગવાય, હારતોરા થાય, ક્યારેક માનપત્ર વંચાય, અપાય, વહેંચાય અને અંતે ‘ભોજનેન સમાપયેત’ આપણે ત્યાં કહેવાતું કે ‘મૂઈ ભેંસના મોટા ડોળા’, પણ હવે ‘જીવતે જગતિયું’ની જેમ ઉત્સવમાં અભિનંદનો અને ફૂલહાર ‘બુકે’ના ઢગલા!

આ બધા સામાન્ય અનુભવો એટલા માટે યાદ આવે છે કે ૧૬-૩-૧૯ અને ૧૭-૩-૧૯ ના બે દિવસોએ આપણા વડોદરાસ્થિત મૂર્ધન્ય સાહિત્યસર્જક, વિવેચક, અનુવાદક, સંપાદક, સંશોધક અને મહાગ્રંથ શ્રેણીકાર શિરીષ પંચાલને ૭પ વર્ષ પૂરાં થયે અમૃત મહોત્સવ તથા તેમની ગ્રંથશ્રેણી(magnum opus)ના પાંચ ગ્રંથોમાંથી પહેલા બે ગ્રંથોના વિમોચન નિમિત્તે અમદાવાદના આત્મા હૉલમાં પ્રાસંગિક ગોઠડીઓ (Seminars) યોજવાની ઘટના અનેક રીતે અનોખી અને વિશિષ્ટરૂપે ઊજવાઈ.

બંને દિવસના કાર્યક્રમની પહેલી વિશિષ્ટતા એ હતી કે કાર્યક્રમનું આયોજન કોઈ મંડળ, ટ્રસ્ટ, અકાદમી કે પરિષદ જેવી સંસ્થાએ નહોતું કર્યું. શિરીષભાઈના કેટલાક વિદ્યાર્થીઓ, સ્નેહીઓ અને મિત્રોએ સ્વયંભૂ (અને એટલે જ સ્વાયત્ત) રીતે આયોજન કર્યું હતું. કાર્યક્રમનો આર્થિક બોજ પણ તેમણે ઉપાડ્યો હશે ! આર્થિક બોજ ખાસ્સો ભારે હશે. બંને દિવસનો એ.સી. હૉલ, લાઇટ, માઇક, તેના કારીગરો વગેરેનું ભાડું-મહેનતાણું; બન્ને દિવસના દોઢસો-બસો શ્રોતાઓના સવારના ચા-નાસ્તા, બપોરનાં બાદશાહી ભોજનો, સાંજનાં ચા-પાણી, બહારગામથી આવેલા મહેમાન-વક્તા ને આમંત્રિતોના રહેવા-કરવાના ખર્ચ, એ બધાં કેટલાં ખર્ચાળ અને અમદાવાદનાં શનિ-રવિ બે દિવસ આવી સગવડવાળા હૉલ ને સ્થળ કેટલા મોંઘાં ને દુર્લભ છે. તે આવા કાર્યક્રમ કરનારા જ જાણે છે. કાર્યક્રમના મુખ્ય કર્તાહર્તા અને કાર્યકરો એ કોઈનું નામ જાણવા મળતું નહોતું. પણ કામ કરતા મિત્રોને જોતાં જયદેવ શુકલ, શરીફા વીજળીવાળા, મીનળ દવે, હસિત મહેતા, હર્ષદ ત્રિવેદી, બિન્દુ ભટ્ટ, સમીર ભટ્ટ, રાજેશ પંડ્યા, મુખ્ય કર્તાહર્તાઓ હશે, એવું પ્રતીત થતું હતું. જાણવા મળ્યું કે બીજા દિવસના તમામ ખર્ચની વ્યવસ્થા ભારત સરકારના નિવૃત્ત સચિવ અને સાહિત્યપ્રેમી હસમુખ શાહે ગોઠવી આપી હતી.

બીજી વિશિષ્ટતા એ હતી કે ભારતીય કથાવિશ્વના સંદર્ભમાં ખાસ અમદાવાદ- બહારથી જે-તે વિષયના નિષ્ણાત વકતાઓને બોલાવ્યા હતાં. તેમાં મહારાષ્ટ્રના માધવી કોલ્હાટકર, મલાયલી ભાષાના ઈ.વી. રામકૃષ્ણનનો સમાવેશ થતો હતો. હિન્દી ભાષાના અશોક વાજપેયીને આમંત્ર્યા હતા પણ તે આવી શક્યા નહોતા.

મોટા ભાગના વક્તાઓ પૂરતી તૈયારી કરીને આવ્યા હતા. ભારતીય કથાવિશ્વના વિષયમાં માધવી કોલ્હાટકર અને ઈ.વી. રામકૃષ્ણે પૂર્વઐતિહાસિક અને પ્રાચીન પરંપરાની લોકકથાઓ, મિથ્સ, મહાભારતની જુદી-જુદી વાચનાઓ, તેના ગર્ભિત અર્થો સમજવા પર ભાર મૂક્યો હતો. ઈ.વી. રામકૃષ્ણે પણ દક્ષિણની ભાષાઓમાં પાત્રો કેવી જુદી-જુદી પ્રતિભામાં નિરૂપાયાં છે, તેના દાખલા આપી વિષયને રસદાયક અને પ્રેરક બનાવ્યો હતો. માધવી કોલ્હાટકરની પ્રતિભા અને અસ્ખલિત વક્તવ્ય મુગ્ધ કરનારું હતું. વલ્લભવિદ્યાનગરથી આવેલા હેમંત દવે શિરીષભાઈના વિવેચનકાર્ય પર બોલ્યા. એમના ‘નિરીક્ષક’, ‘ફાર્બસ’ વગેરેમાં લેખો વાંચ્યાથી મારા પર એવી છાપ પડી હતી કે હેમંત દવે ભાષાશાસ્ત્રના માણસ હશે, પણ એ નીકળ્યા ઇતિહાસના પ્રાધ્યાપક. જો કે એમના વિવેચનનાં ઓજારો ખાસ્સાં તીક્ષ્ણ અને ધારદાર હતાં. તેમણે શિરીષભાઈની અંગ્રેજી પરની પકડના અને અનુવાદોની પ્રશંસા કરી, પણ વિદેશી માપદંડો પર મુગ્ધતા તેમને ખૂંચી. આપણી પરંપરાની ઉપેક્ષા ન કરવી જોઈએ. અને આપણે આપણાં સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પ્રાચીન મહાકાવ્યોમાંથી શીખ લેવી જોઈએ એવી વાત એમણે કરી. રૂપરચનાવાદ સુંદરમ્‌માં પણ હતો, તેની શિરીષ પંચાલે બરાબર નોંધ લીધી છે. તેના પર ઓછું ધ્યાન ગયું છે, તેવી નુક્તેચીની હેમંતભાઈએ કરી. એમના મતે ભાષાવિજ્ઞાનની જરૂરત નથી, જેટલી શૈલીવિજ્ઞાનની જરૂર છે.

વાર્તાકાર શિરીષ પંચાલ વિશે તેમની આગવી શૈલીમાં શરીફાબહેને શિરીષ પંચાલના વાર્તાસંગ્રહો ‘અંચઈ’ અને ‘આયનામાંથી’ કેટલીક ઉત્તમ વાર્તાઓનું સંક્ષેપમાં પાંચ-સાત વાક્યોમાં જ કથારૂપ આપ્યું અને એ વાર્તાઓમાં રહેલા કલાતત્ત્વને સમજવાની ચાવી પણ આપી.

બીજા વાર્તાસંગ્રહમાં તરડાયેલા સમયની વાર્તાઓનો પરિવેશ ત્યજી શકાયો નથી, એની એમણે નોંધ લીધી છે. ક્યારેક તંગ દોર પર સંતુલન ખસી જાય છે, એવો નિર્દેશ પણ એમણે કર્યો. અનુવાદો વિષે હિમાંશી શેલત બોલવાનાં હતાં. પણ તે આવી શક્યાં નહોતાં. તેમણે તેમનું લખાણ  મોકલ્યું હતું, જેનું મીનળ દવેએ વાંચન કર્યું હતું.

શિરીષભાઈએ એક પછી એક ઘણાં સામયિકોનું સંપાદન કર્યું છે. તેમાંથી જ તેઓ સર્વશ્રી ગુલામમોહમ્મદ શેખ અને ભૂપેન ખખ્ખર જેવા કલાકારોના પરિચયમાં આવ્યા. ‘ક્ષિતિજ’,  ‘ઊહાપોહ’, ‘સાયુજ્ય’, ‘એતદ્‌’ વગેરે સામયિકોના સંપાદન અને સુરેશ જોષીના સમગ્ર સાહિત્યના સંપાદન વિષે કિશોર વ્યાસ અને બકુલ ટેલરે વાત કરી.

આ ઉપરાંત ગુલામમોહમ્મદ શેખ, જયદેવ શુક્લ, મનોજ રાવળ, હરીશ મીનાશ્રુ, મોનલ પંચાલ વગેરે મિત્રો-સંબંધીઓએ શિરીષભાઈ પંચાલ વિશે વાતો ને પ્રસંગો કહ્યાં, એમાંથી એક જ પ્રસંગ કહું તો મનોજ રાવળે કહ્યું કે, તેમણે શિરીષભાઈના એક મૅગેઝિનનું લવાજમ ભર્યું. એક વર્ષે લવાજમ પૂરું થયું. તે પછી અઢી વર્ષ સુધી સામયિક આવ્યે જ જતું હતું. એ બાબત મનોજભાઈનું ધ્યાન ગયું. એ તો જાણતા જ હતા કે શિરીષભાઈ આ બાબતે અવ્યવસ્થિત છે, પણ એમને નવું બ્રહ્મજ્ઞાન લાધ્યું કે આ માણસને પૈસાની કંઈ પડી જ નથી. શિરીષભાઈનું ઘર ધર્મશાળા જેવું થઈ ગયું હતું . તે વાત એક કરતાં વધારે વક્તાઓએ કહી. એમને ત્યાં જે આવે  તે રહી પડે ને ઘરના જેવા થઈ જાય, એમાં વિદ્યાર્થીઓ ખાસ.

સોળમી માર્ચને શનિવારે શિરીષભાઈની નવલકથાઓ, વાર્તાઓ, વિવેચનો, અનુવાદો, સંપાદિત સામયિકો અને નિબંધો સ્મરવાં, તપાસવાં અને મૂલવવાનો ઉપક્રમ હતો. તે સુપેરે પાર પડ્યો. જો કે નવલકથાઓ વિશે જાણીતા સાહિત્યકાર મણિલાલ હ. પટેલ વક્તવ્ય આપવાના હતા, પણ દુર્ભાગ્યે તેમને શિરીષભાઈની એક જ નવલકથા ‘વૈદેહી એટલે જ વૈદેહી’ (૧૯૮૭) જ હાથવગી અને વાચનવગી થઈ. તેમણે એ નવલની કથા લંબાણથી વિગતવાર કહી, પણ તેનું અછડતું અવલોકન જ કર્યું. તેનું ઊંડાણથી વિવેચન ન કર્યું. ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’ પછી સો વર્ષે આ નવી ઢબે લખાયેલી, પશ્વિમના નવલકથા સાહિત્યના પ્રભાવ હેઠળની શિરીષભાઈની નવલકથામાં કેટલાક પ્રયોગો થયા હતા. નવલકથાકાર સ્વયં નવલકથાના પાત્ર સાથે વાતચીતમાં ઊતરે એવો પ્રયોગ પણ હતો, પરંતુ અંતે શિરીષભાઈની આ નવલકથા સામાન્યતામાં સરી પડે છે, તેવો મણિભાઈનો અભિપ્રાય થયો.

સત્તરમી માર્ચ ને રવિવારે શિરીષભાઈના મહા ગ્રંથની શ્રેણીના પ્રથમ બે ગ્રંથોનું વિમોચન જાણીતા ચિત્રકલાકાર, કવિ અને લેખક ગુલામહોમ્મદ શેખના હસ્તે થયું. અન્ય ભાષાઓમાં લખાયેલાં પ્રાચીનકાળનાં મહાભારત, રામાયણ; મધ્યકાલીન, વિષ્ણુદાસ બ્રાહ્મણ અને ગિરધરની કથાઓ, તેમાંના જુદા જ જણાતા પ્રસંગો; જાતકકથાઓ, રઘુરામ શંભુરામની કથાઓ, લવ-કુશઆખ્યાનની કથાઓ; કથાસાહિત્યના યજ્ઞનો અગ્નિ પ્રજ્વલિત કરનારા પુરોહિતો ને યાજ્ઞિકોથી અંતે પંચાલોના કોઢના અગ્નિ સુધી પહોંચ્યા. હસુ યાજ્ઞિક અને રાજેશ પંડ્યા જેવા વક્તાઓએ આ પરંપરાના રસતરબોળ અમૃતમાં શ્રોતાઓને નવડાવ્યા જ નહીં, ડુબાડ્યાં, ભાવુક શૈલીમાં બોલતા ગુલામમહોમ્મદ શેખે કથાઓ અને શિરીષભાઈના જીવન વિશે ભીની-ભીની વાતો કરી, શ્રોતાઓને મુગ્ધ કર્યા.

છેલ્લે શિરીષભાઈનાં કુટુંબીજનો, વિદ્યાર્થીઓ, મિત્રો અને ખુદ શિરીષભાઈ માટે બોલવાનું મેદાન મોકળું કરાયું. બધા મન મૂકીને બોલ્યા. શિરીષભાઈના અંતરંગનું-માંહ્યલું વિશ્વ કેટલું વિશાળ, પ્રેમાળ, સહિષ્ણુ છે, તેનું માપન-બૅરોમિટર જાણે જોવા મળ્યું. શિરીષભાઈનાં પત્ની ચંદ્રિકાબહેન તેમના જેટલી જ ઉમંરનાં હશે, પણ ‘વિમેન પાવર’ના કોઈ પણ ડિમડિમ વગર આમંત્રણ આપ્યું કે તરત જ સ્ટેજ પર બેધડક આવ્યાં ને બોલ્યાં. આ નારીએ ધર્મશાળાની જેમ ઘર ચલાવ્યું અને નભાવ્યું, તેની પ્રતીતિ તરત જ થઈ.

શિરીષભાઈ કાંઈ પ્રતિભાવ આપવા કે તે વિશે બોલતાં ઊભા થયા નહોતા. એમણે તો નિખાલસભાવે તેમની કેફિયત કહી. મા સરસ્વતીના ખોળામાં તેમનું ઘડતર થયું. તે વાત નીચે તેમણે અધોરેખા દોરી. બાળપણથી સામાન્ય લુહારીકામ કરતાં કુટુંબમાં તે ઊછર્યાં, એકલસુરડા હતા. ઘણી બધી વસ્તુઓ અને પરિસ્થિતિઓ પર તેમને ચીડ, રંજન નામની એક નાનકડી છોકરીએ તેમને કહ્યું, ‘ભાઈ, કોઈ પણ વસ્તુ, વાત કે જણ પર ચીડ રાખવી નહીં. આજની ઘડી ને કાલના તે દિવસથી શિરીષભાઈએ કશા પર કે કોઈની પર ચીડ કરવાનું છોડી દીધું. ઉમાશંકર જોશી કહેતા, ‘ભાઈ, ઈશ્વર જેવા મહાન કલાકારે કોઈ પણ પરિસ્થિતિ, પ્રાણી કે માનવી અમથાં સર્જ્યાં નહીં હોય, તેના પર ચીડ, રોષ કે તિરસ્કાર કરનારા આપણે કોણ?’ શિરીષભાઈનાં જીવ અને જીવનમાં આ મંત્ર કાયમ રહ્યો.

પહેલાં શિરીષભાઈનું કુટુંબ કંઈક સારા મધ્યમવર્ગના મહોલ્લામાં હતું, ત્યારે તેમણે સાત ધોરણ સુધી મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં શિક્ષણ લીધું, ત્યાં સુધી તેમ દુનિયા વલ્લભના મહાભારત અને ‘નટવર’ નામની નવલકથા પૂરતી હતી. ‘દેવી અન્નપૂર્ણાનું મંદિર’ નામની બંગાળી નવલકથા, ધનશંકર ત્રિપાઠીની ડિટેક્ટિવ હરમાનસિંહની કથાઓ, બહુરૂપીમાં આવતી ચંદુલાલ વ્યાસની ચિત્રગુપ્ત વકીલ, ડિટેક્ટિવ ને મદદનીશ મનહરની કથાઓ, વગેરેમાં સમાઈ ગઈ હતી. પછીથી પિતાને ધંધામાં ખોટ આવતાં તેમનું કુટુંબ કંઈક નીચી જાતિઓના વસવાટમાં સ્થળાંતર કરી ગયું. આસપાસના હૃષ્ટપુટ, ઝઘડાળું, છોકરાઓ સાથે શિરીષભાઈ જેવા નમ્ર, નબળા અને બીકણ છોકરાનો પનારો પડે, ત્યારે એ છોકરાએ ઘરકૂકડી થઈને જ રહેતું પડે.

આઠમા-નવમા ધોરણમાં વાચનવિશ્વ જરી વિશાળ બન્યું. વલ્લભનું ‘મહાભારત’ બેથી ત્રણ વાર વાંચી ગયા. ચોપાનિયાની દુકાનમાંથી હાથ લાગ્યું તે વાંચ્યું. શિરીષભાઈનું વાચન આવા સાધારણ વાચનના સાહિત્યથી રસાયું. શિરીષભાઈના સાહિત્યમાં જિવાતા જીવનની સોડમ અહીંથી આવી. શાળામાં વર્ગશિક્ષકે એક નાનકડા કબાટમાં રહેલાં પુસ્તકો વિદ્યાર્થીઓને આપવાની જવાબદારી સોંપી, બીજાને આપતાં પહેલાં શિરીષભાઈએ આઠેક દિવસમાં બધાં પુસ્તકો વાંચી નાખ્યાં, મોહનલાલ ધામી, ગુણવંતરાય આચાર્ય, મુન્શીની રોમૅન્ટિક સૃષ્ટિ મનમાં વસી ગઈ.

હવે લુહારીકામને બદલે ભણવા તરફ વળ્યા. તેમના બૂટ-ચંપલ વગરના પગ જોઈ વિજ્ઞાનની પ્રયોગશાળામાં તેમને પ્રવેશ ન મળ્યો. ગરીબાઈ પ્રત્યેના આવા વ્યવહારને નિહાળી તેઓ વાણિજયશાખામાં જોડાયા. એક વર્ષ કૉમર્સમાં કાઢી-કંટાળી એમણે રૂપિયા, આના, પાઈના શિક્ષણને રામરામ કર્યા. તેઓ વિનયન (આટ્‌ર્સ) તરફ વળ્યા, સુરેશ જોષી જેવા ગુરુ મળ્યા. તેમણે જુદું વિશ્વ બનાવ્યું. ધીમે ધીમે અંગ્રેજીમાં નિષ્ણાત થયા. બીજા ગુરુ હરિવલ્લભ ભાયાણી,  ભારતીય કથા, પરંપરાનો નાદ લાગ્યો. શિરીષભાઈ સુરેશભાઈ જોશીના ભક્ત ખરા, પણ સરદાર પટેલ કહેતા તેમ ગાંધીજીના ‘આંધળા ભક્ત’ જેવા નહીં. સુરેશ જોષી સાથે તેમને મતભેદ થતા, પણ મનભેદ કે બુદ્ધિભેદ કદી નહીં. સુરેશ જોશીના પ્રેર્યા તેમણે અંગ્રેજી સાહિત્યને ફેંદી નાખ્યું. ઘણા અનુવાદ કર્યાં. એક પછી એક સામયિકો બંધ કર્યાં અને ચલાવ્યાં. ભાયાણીપ્રેર્યા સંસ્કૃત, પરંપરા, જાતકકથાઓમાં ડૂબી ગયા. ભાયાણીસાહેબ સાથેનો સંબંધ દ્રોણાચાર્ય અને એકલવ્ય જેવો હતો. તેઓ ભાગ્યે જ ભાયાણીસાહેબને રૂબરૂ મળ્યા હતા! મળવું તો ઘણું હતું. એક વાર પણ વિદ્યાવ્યાસંગ નહીં, ફક્ત કેમ છે કેમ નહીં જેવી મુલાકાત.

પરિણામે ભારતીય કથાવિશ્વની તેમની શ્રેણી : આજકાલ ‘બાયોપિક’ ફિલ્મો ઘણી બને છે. તે માટે શિરીષભાઈના જીવનમાં અદ્‌ભુત સમૃદ્ધ ખજાનો ને મસાલો પડ્યો છે. તે પહેલાં શિરીષભાઈ  આત્મકથા કે જીવનસ્મરણો લખે એવી અભ્યર્થના.

બે દિવસનો રંગીન જલસો આપવા બદલ શિરીષભાઈ અને તેમના સ્નેહી, સંબંધીઓ, વિદ્યાર્થીઓને અભિનંદન અને તેમનો આભાર.

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 13-15

Category :- Opinion / Literature