દુકાળો - ૨૦૧૯ : ગઈકાલ અને આજ

દ્વારિકાનાથ રથ
15-05-2019

૧૯૮૫થી રાજ્યમાં દુષ્કાળના કર્મશીલના અનુભવને આધારે ‘દુકાળો-૨૦૧૯’ વિશે લખું છું, ત્યારે અનેક સ્મરણો ઘેરાય છે. રાજ્યમાં દુષ્કાળે લોકોમાં ઊંડાં દુઃખ-દર્દ પેદા કર્યાં છે તો ક્યારેક ‘પ્રદેશવાદ’નું ભૂત પણ ધુણ્યું હતું. રાજ્યમાં ’૭૦ અને ’૮૦ના દાયકામાં દુષ્કાળ નરી આંખે દેખી શકાય એટલે સંવેદનશીલતાથી અનુભવાઈ શકતો પણ હતો. બધા અખબારો પણ એ ગાળામાં, દુષ્કાળના અહેવાલોથી ખચોખચ રહેતાં હતાં, પરંતુ હવે નવી પેઢી માટે દુષ્કાળ બહારથી દેખાવાની વસ્તુ રહી નથી. એની ઉપર બહુ ચતુરાઈથી ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ભૂતકાળના દુષ્કાળ અને આજના દુષ્કાળમાં એક બાબતની સમાનતા જોવા મળી રહી છે. તે છે ગામડાંઓમાં, તાલુકા મથકોમાં અને જિલ્લા મથકોમાં પાણીના ટેન્કરોની હડિયાપટ્ટી, રાત-દિવસ દોડતા ટેન્કરો દુષ્કાળગ્રસ્ત વિસ્તારના જીવનમાં એક હિસ્સો બની ગયા છે. ફૂલછાબે હમણાં જ લખ્યું કે ‘રાજકોટ જિલ્લામાં હજુ ટેન્કર યુગ આથમ્યો નથી.’  એટલે કે પાણીનો વેપાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે. બહેનો બેડા લઈને ત્રણ થી ચાર કિલોમીટર પાણીની શોધમાં ગામોમાં રઝળપાટ કરી રહ્યા છે. મોટા ભાગના ગામોમાં અઠવાડિયે એક કે બે વાર પાણી મળી રહ્યું છે. લોકો પાણી માટે કતારોમાં ઊભા છે. આ બધું ગઈકાલની જેમ જ આજે પણ બની રહ્યું છે.

ચૂંટણી અને દુષ્કાળ :

તાજેતરની લોકસભા ચૂંટણીમાં, પીવાના પાણીના કાયમી ઉકેલ અને ટેન્કર મુક્ત ગુજરાતના દાવા હતા. પરંતુ ચૂંટણીની આદર્શ આચારસંહિતાનાં નામે તે દિશામાં ખરેખર કોઈ કામ થયું નહીં. હવે ચૂંટણીઓ પૂરી થઈ છે છતાં ગુજરાત સરકારે એ દિશામાં કોઈ આગળનું કદમ ઉઠાવ્યું નથી. શું ગુજરાત સરકાર ચૂંટણી પંચ સમક્ષ, ચૂંટણી દરમિયાન પીવાનાં પાણીના ઉકેલ માટે તાત્કાલિક મંજૂરી માગી શકી ન હોત? દુષ્કાળના ટકોરા રાજ્યને બારણે નવેમ્બરથી વાગી ચૂક્યા હતા. અને છતાં સરકારે કોઈ નક્કર પગલાં લેવાનું કેમ ટાળ્યું હશે? સાધારણ રીતે ઉનાળાની શરૂઆતમાં એકાદ માવઠું થાય અને સરકાર પોતાની દુષ્કાળ રાહત કામગીરીનો વીંટો વાળી દે એવી તો કોઈ યોજના આ સરકારની નહોતીને?

લોકોનો રોષ-વિરોધ :

દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સાધારણ લોકોનો અને ખેડૂતોનો વિરોધ છુટોછવાયો અને સ્વયંભૂ હતો. ખેડૂતો પોતાના પાકને બચાવવા તો સાધારણ લોકો પીવાનાં પાણીની માંગ કરી રહ્યા હતા. છતાં સરકારે તો આ વિરોધને વિપક્ષની ચાલ ગણાવીને તેને કચડી નાખવાની કોશિશ કરી. એમ કરીને લોકોમાં એક ભયનું વાતાવરણ પણ ઊભું કર્યું.

સરકારની ખાતરીઓ - ખાલી ચણો વાગે ઘણો :

પીવાના પાણીની કટોકટી નથી અને જુલાઈ સુધી નર્મદા પાણીથી બધુ સુખરૂપ રીતે પાર ઊતરી જવાશે એવી સરકારની ખાતરીઓની કોઈ કમી નહોતી. નર્મદાનાં પાણી બતાવીને સરકાર વારેવારે એ કહેતી રહી પણ લોકો માટે તો એ મૃગજળ જ સાબિત થયા. અત્યંત આઘાતની વાત તો એ છે કે નર્મદાનાં પાણીનાં વપરાશ પર ઉદ્યોગોનો કોઈ કાપ મૂકાયો નહીં, એનું રેશનિંગ કરાયું સિંચાઈ અને પીવાનાં પાણીમાં. હકીકતમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે નર્મદામાં વધુ પાણી છે પણ તેના વિતરણના આયોજનમાં આ સરકાર ‘પાણી વિનાની પુરવાર થઈ’ રહી છે.

પાણીનું છડેચોક ખાનગીકરણ :

રાજ્યમાં મોટા ભાગના ડેમો ખાલીખમ છે અને છતાં પાણીનો વેપાર ધમધમે છે. ૧૯૮૫માં આપણા જાણીતા કટાર લેખક વાસુદેવ મહેતાએ પોતાની કોલમમાં, ‘પાણી માટે ડાયલ કરો’ એવી જાહેરાતનો ઉલ્લેખ કરીને રાજકોટમાં પાણીનો વેપાર થાય છે એ વાતને ઊંડા દુઃખ અને આઘાત સાથે આલેખી હતી. પાણીની પરબોવાળી સભ્યતા આજે કઈ તરફ ગતિ કરી રહી છે તેનો અસલી ચિતાર એમણે આપ્યો હતો. પાણીની આટલી તીવ્ર કટોકટી વચ્ચે કોઈપણ સરકાર પાણીના વેપારને કેવી રીતે ચાલવા દઈ શકે? શા માટે પાણીના સ્ત્રોતનો કબજો સરકાર પોતાને હસ્તક કરતી નથી? આ પ્રશ્ન ’૮૦ના દાયકામાં ઊઠ્યો હતો અને એની પ્રસ્તુતતા આજે પણ એટલી જ છે. સાથે-સાથે ભૂગર્ભજળના વપરાશને લઈને પણ રાજ્યમાં કોઈ ચોક્કસ નીતિ ઘડવામાં આવી નથી. આ બાબતને લઈને રાષ્ટ્રીય ભૂગર્ભ જળ બૉર્ડે રાજ્ય સરકારની આકરી ટીકા પણ કરી છે. આ સરકાર ના તો ઘાસચારાની વાત કરે છે કે ના તો રાહતકામો વિશે આયોજન કરે છે. ’૭૦ અને ’૮૦ના દાયકાઓ પછી અને ૨૦૦૦નો ગંભીર દુષ્કાળ વેઠ્યા પછી પણ ગુજરાતમાં હજુ ના તો દુષ્કાળ ધારો છે કે ના તો કોઈ ચોક્કસ જળનીતિ છે. ના કોઈ લાંબા ગાળાના પગલાંની ચર્ચા છે કે ના તો કોઈ ટૂંકા ગાળાના નક્કર ઉપાયો છે. ઉપરથી કચ્છથી અમદાવાદ જિલ્લામાં આવેલા માલધારીઓ એને બોજારૂપ લાગે છે.

નર્મદાનું પાણી મૃગજળ જ નહીં, વોટર મિસમેનેજમેન્ટનું પ્રતીક :

નર્મદા યોજનાની શરૂઆતથી જ તેના ડેમની ઊંચાઈ - પૂરી ઊંચાઈ પછી તેનાં પાણીના વિતરણ વિશે બહુ સ્પષ્ટ વાત હતી કે રાજયના ૧૮,૦૦૦ ઉપરાંત ગામડાંઓની તરસ નર્મદાનું પાણી છીપાવી શકે નહીં બાકી રહેલાં ગામડાંઓ માટે યોગ્ય આયોજન જરૂરી છે. ડેમની પૂરી ઊંચાઈ થયા પછી પણ કૅનાલો, સબકૅનાલોની બાકી રહેલી કામગીરીએ તો ભૂતકાળમાં ઘણા સવાલો ઊભા કર્યા હતા અને હજુ પણ એ સવાલો ઊભા જ છે. તો આ વખતે સરકારે નર્મદાનાં પાણીના વિતરણમાં જે મિસમેનેજમેન્ટ કર્યું તેને શું કહેવું? મુખ્યમંત્રી કચ્છને ૨૦૨૨માં નર્મદાનું પાણી મળશે તેવું કહી રહ્યા છે, જે કચ્છ અત્યારે ૩૦ વર્ષનો સૌથી કપરો દુષ્કાળ વેઠી રહ્યું છે.

નર્મદામાં જે પાણીની આવક થઈ અને એની જે જાવક થઈ એમાં લાખો ગેલન પાણી ગાયબ છે. તો, આ લાખો ગેલન પાણી કોણ પી ગયું તેનો જવાબ સરકાર કેમ નથી આપતી?

આજે જ્યારે રાજ્યનો ૨/૩ હિસ્સો દુષ્કાળગ્રસ્ત છે, દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી પીવાનાં પાણીની બૂમો પડી રહી છે ત્યારે સરકાર નર્મદાનાં પાણીનાં ગાણાંથી લોકોની તરસ છીપાવી શકે તેમ નથી એ દીવા જેવી ચોખ્ખી વાત સાબિત થઈ છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની શોભા સાબરમતીનું પાણી નહીં પણ નર્મદાનું પાણી વધારતું હોય, એમાં સી પ્લેન ઊતારવા, નર્મદાનું પાણી વેડફાતું હોય અને અમદાવાદના સામાન્ય લોકો એ હકીકતથી અજાણ હોય ત્યારે નર્મદાનાં પાણીના મિસમેનેજમેન્ટની વાત ઊઠી ના ઊઠી અને ઢંકાઈ ગઈ.

ફતેહવાડી કૅનાલમાંથી સિંચાઈ માટે પાણી આપોની માંગ લઈને ધોળકાના ખેડૂતોએ લાંબો સમય અવાજ ઊઠાવ્યો. તે માંગ ત્યારે ન સંતોષી અને હવે વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ માટે પાણી વહેવડાવામાં આવી રહ્યું છે. તેને આયોજનનો અણઘડ નમૂનો જ કહીશું ને?

અસંવેદનશીલ સરકારોથી બની લોકભાગીદારી-નાગરિક સમાજની પહેલ અપ્રસ્તુતઃ

મને બરોબર યાદ છે કે ૧૯૮૫માં મેઘાણીની ‘વૈશાખી દાવાનળ આવો દિલદાર! ...’  કવિતાએ નાગરિક સમાજને ઢંઢોળ્યો હતો. મોટાપાયે લેખકો, કવિઓ, કટારલેખકો, કલાકારો દુષ્કાળપીડિતોની વ્હારે ધાયા હતા. તો, ઢોરવાડા-પીવાના પાણી અને ઘાસચારાને લઈને મોટાપાયે ગુજરાતની ગરવી પરંપરાને અનુરૂપ સ્વૈચ્છિક સંસ્થાઓએ રાહતકામો માટે પહેલ કરી હતી. વરસાદી જળસંચય અને ભૂગર્ભજળને પુનર્જીવિત કરવાનાં હજારો કામો હાથ ધરાયાં હતાં.

પરંતુ આજે? આ અસંવેદનશીલ સરકારે, લોગભાગીદારી - નાગરિક સમાજની પહેલને અપ્રસ્તુત કરી દીધી છે.

મને તો આજે પણ લાગે છે કે જો અમદાવાદવાસીઓને રિવરફ્રન્ટમાં વહેતું પાણી નર્મદાનું છે અને તેની ઉપર પહેલો હક્ક તરસ્યા કચ્છ-સૌરાષ્ટ્રનો છે તે વાત સમજાઈ જાય તો તેઓ જ કહેશે, ‘ભલે રહે રિવરફ્રન્ટ ખાલીખમ, કચ્છ-સૌરાષ્ટ્રને યુદ્ધના ધોરણે આપો નર્મદાનું પાણી’.

ટૂંકમાં, રાજ્યમાં દુષ્કાળની વિકટ પરિસ્થિતિ માટે કુદરત કરતાં, સરકારના આયોજનનો અને રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ તેમ જ મતબેંકની ટૂંકી ગણતરીએ સાધારણ લોકોનું જીવન ૨૧મી સદીમાં બેહાલ કર્યું છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 10-11

Category :- Samantar Gujarat / Samantar