ઈટ્‌સ નૉટ ડન, મિ. લૉર્ડ!

પ્રકાશ ન. શાહ
15-05-2019

શું  કહેવું, સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ ગોગોઈને, સિવાય કે ઈટ્‌સ નૉટ ડન, મિ. લૉર્ડ!

એક મહિલા કર્મચારી જ્યારે કામના સ્થળ પર જાતીય સતામણીની ફરિયાદ વાસ્તે જહાંગીરના અદ્દલ ઇન્સાફી ઘંટ શી સર્વોચ્ચની ડેલીએ ધા નાખે ત્યારે બચાડી કીડી પર જાણે કે કટક આખું ઊતરી પડે એવું જે વરવું દૃશ્ય દેશે આ દિવસોમાં જોવાનું આવ્યું તે આપણા પ્રજાસત્તાકની એકંદર અનવસ્થા વિશે આયનાથી કમ નથી. (કુદરતી ન્યાયના સિદ્ધાંતની આવી ઘોર અવમાનના અને અવગણના વખતે સાંભરતો પેરેલલ કટોકટીમાં હેબિયર્સ કોર્પસનો હક્ક રહેતો નથી એવી સુપ્રીમ ભૂમિકાનો છે.)

સર્વોચ્ચ અદાલતે ખુદ ૨૦૧૩ના કાયદા મુજબ, કામના સ્થળે મહિલા કર્મચારીની જાતીય શોષણની ફરિયાદ અંગેની સમિતિ અને સંરચનાની જોગવાઈ કરવાપણું આ પૂર્વે જોયું નથી; અને ન્યાયતંત્રે પોતે કારોબારી સત્તાથી જ નહીં પણ કાયદાથી ય પર અને ઉપર હોય એવી તાસીર પ્રગટ કરી છે તે નિઃસંશય છે. પૂર્વે, પોલીસને ગણવેશમત્ત ગુનાખોર કહેવાનું કે પોતાને કાયદાપારના ટાપુ લેખતી રાજકારણી જમાતની ટીકા કરવાનું બન્યું છે, પણ ન્યાયતંત્રની સર્વોચ્ચ સપાટીએ સુધ્ધાં આ પ્રકારની ટિપ્પણી કરવાનું બને તે વસમા દિવસનાં એંધાણ છે.

મહિલા કર્મચારીએ ધા નાખી ત્યારે, ગમે તેમ પણ, બે વાને સમ્યક્ વિવેક વિનાવિલંબ અને વિનાવિવાદ અપેક્ષિત હતો : એક તો, કુદરતી ન્યાયને ધોરણે એને અવકાશ અપાવો જોઈતો હતો. બીજું, વડા ન્યાયમૂર્તિએ, કેમ કે પોતાની સીધી સંડોવણી હતી, પંડે તપાસથી તત્કાળ ખસી જવાની તાકીદ હતી. (વિશાખા માર્ગદર્શિકાની ટઈડપઈડ તો ખેર છોડો.)

વડા ન્યાયમૂર્તિએ એકદમ જ - ન દલીલ, ન વકીલ, ન અપીલ - આ મહિલાની ફરિયાદ પૂંઠે કાવતરું સૂંઘતી છલાંગ ભરી. ભલા સાહેબ, છેવટે એટર્ની જનરલ વેણુગોપાલનાં એ હિતવચનો તો કંઈ નહીં તો રહેમ રાહે કાળજે ધરવા’તાં કે તપાસ સમિતિ પર બહારનું કોઈક સભ્ય રાખો.

અને સરકાર, શું કહેવું એને! તરત એણે એટર્ની જનરલ વેણુગોપાલ પર દબાણ આણ્યું કે તમે વડા ન્યાયમૂર્તિને આપેલી આ લેખી સલાહ સરકાર તરફથી નહીં પણ વ્યક્તિગત રાહે (એટલે કે અનૌપચારિક અગર બિનસત્તાવાર) હતી એવી સ્પષ્ટતા કરો.

હાલના સૌ ન્યાયમૂર્તિઓને મુકાબલે આ ક્ષેત્રે સિનિયરમોસ્ટ તરીકે પણ સન્માન્ય (ઉંમર વર્ષ ૮૮) એટર્ની જનરલ વેણુગોપાલે હમણે હમણે એક-બે એવી ચૂક કરી હતી જે એમના સરખા અનુભવજ્યેષ્ઠ અને ઉચ્ચપદારૂઢની ગરિમાને બિનચૂક હાણ પહોંચાડે. રફાએલ પ્રકરણમાં એમણે ‘ચોરાયેલા દસ્તાવેજો’ અદાલતમાં લક્ષમાં ન લેવાય એવી ભૂમિકા લીધી હતી, અને પાછળથી ફેરવી તોળ્યું હતું કે આ કિસ્સો ચોરીનો નથી. જે છે તે ફોટો કૉપી છે. સાફ સમજાય છે કે ચૌર્યશૌર્યની એમની દલીલ સરકારી તાણ ને દબાણ હેઠળ હશે. (છેલ્લા કિસ્સામાં, એમણે તપાસમાં ‘બહારના સભ્ય’ની જરૂરતનો મુદ્દો આગળ કર્યો તે અંતરાત્માનો સહજોદ્‌ગાર હતો અને પાછો ખેંચ્યા જેવું કર્યું તે સરકારશ્રીનું વાજિંત્ર હતું, એમ જ માનવું રહ્યું.) મતદારોએ પાર્ટી ફંડના નાણાસ્રોત જાણવાની શી જરૂર, એવી જે અજબ જેવી માસૂમિયત આ અનુભવજ્યેષ્ઠે સત્તાવાર પ્રગટ કરી હતી તેમાં પણ સરકાર (વત્તા રાજકીય અગ્રવર્ગ લગભગ સમસ્ત)નું  દબાણ જ કામ કરી ગયું જણાય છે. નહીં કે એટર્ની જનરલનો અંતરાત્મા આ સૌ મુદ્દે એમની સાથે હશે - બને કે નાક પર પાણી આવવામાં હોય, અને કદાચ એમનું રાજીનામું પણ.

વડા ન્યાયમૂર્તિને સાચવી લેવાનું સરકારી વલણ જે પણ કારણસર હોય, શીર્ષકથી જ વાતનો છેડો વાળવો રહે છે - ઈટ્‌સ નૉટ ડન, મિ. લૉર્ડ !

મે ૧૨, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 16

Category :- Opinion / Opinion