ફેસબુક પર વિચારપલટાઃ ફંદા અને ફંડા

તપન શાહ
15-05-2019

લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ઉમેરાનારા કરોડથી પણ વધુ નવા મતદારો પાસે પ્રધાનમંત્રીએ ખૂલીને પુલવામા ઍટેક અને એર સ્ટ્રાઇકના નામે વોટ માગ્યા. હકીકતમાં આ ઉંમરના મતદારો પાસે શિક્ષણ અને રોજગારીના નામે વોટ માગવાના હોય. આ ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરનારા ૧૮થી ૨૨ વર્ષના લોકો પાંચ વર્ષ પછી ૨૩થી ૨૭ વર્ષના થશે. શિક્ષણ, લગ્ન અને રોજગારી એ ત્રણેય માટે ઉંમરનો આ ગાળો મધ્યથી અંત તરફનો ગણાય.

મેં પહેલી વાર ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં મત આપ્યો. પછી ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં. બંને વખતે ભા.જ.પ.ને મત આપ્યો હતો. હું ત્રણ કારણસર ભા.જ.પ. અને નરેન્દ્ર મોદીનો પ્રખર સમર્થક બન્યો : જૈન હોવાને કારણે, ફેસબુકને કારણે અને ખોટા મિત્રો-વાચકો-લેખકોની સંગતને કારણે. બારમું ધોરણ પાસ કરીને અમદાવાદની જૈન હૉસ્ટેલમાં ભણતી વખતે મારા આ વલણની શરૂઆત થયેલી લગભગ ૨૦૧૦ની આસપાસ. બીજી દુનિયા વિશે કશી ખબર ન હતી ત્યારે જૈન મિત્રો-સગાંવહાલાં-કેટલાક સાધુઓ, એ બધાના મોદીપ્રેમની અસર મારી પર પડતી હતી. મારો એક જૈન મિત્ર હતો. તે કટ્ટર હિંદુત્વનો સમર્થક. પાછો હતો જાણકાર, એટલે એ જે બોલે તે સાચું હશે એવું મને લાગે.

અમે બધા નરેન્દ્ર મોદીનાં ભાષણ ઇન્ટરનેટ પર અને એ સિવાય પણ ખૂબ સાંભળતા. હું મનોરંજનપ્રિય હતો. સાચુંખોટું ઠીક છે, મઝા આવવી જોઈએ. સાચા લોકો સુધી ત્યારે હું પહોંચ્યો ન હતો. ફેસબુકમાં આવ્યા પછી ધીમે ધીમે બીજી દુનિયા જોવા મળી. કટ્ટર હિંદુત્વમાં ન માનતા હોય - તેનો વિરોધ કરતા હોય એવા લોકોનું લખાણ વાંચવાનું થયું. તેમાંથી કૈંક શીખવા પણ મળતું હતું. તેમાં પણ મારા પેલા મિત્રે વાહિયાત કક્ષાના લોકોનાં વખાણ કરી કરીને મને તેમનો ફેસબુક ફૉલોઅર બનાવી દીધો. એક ભાઈના ‘સંબંધો વિશેના’ લેખ મને ત્યારે ગમતા ને આજે પણ ગમે છે, પરંતુ એ લેખોની સાથે દહેજમાં કટ્ટર હિંદુત્વને લગતા લેખો આવ્યા ને મારા મનમાં ઊતરવા લાગ્યા. વિચારધારામાં આ વાત મહત્ત્વની છે. આવે ત્યારે આખું પોટલું સાથે જ આવે. તમે એકમાંથી માંડ છૂટો ત્યાં બીજે પકડાવ. કટ્ટર હિન્દુત્વ, તેમની વ્યાખ્યા પ્રમાણેનો ‘રાષ્ટ્રવાદ’, હિંસક વિચારધારા, મુસ્લિમો પ્રત્યે જન્મજાત દુશ્મની જેવો દ્વેષ, માંસાહારી લોકો પ્રત્યેની માનસિક દુશ્મનાવટ, અનામતનો વિરોધ, ભા.જ.પ.નો પ્રેમ, સંઘ પરિવાર માટેનો ભાવ - આ બધું મોટા ભાગના કિસ્સામાં સાથે આવે અને સાથે જ જાય. એટલે કોઈને બદલવા માટે આ ગઢમાં એક જ ઠેકાણે બરાબર ગાબડું પાડવાનું. તો એવી પૂરી શક્યતા છે કે આખેઆખો મહેલ તૂટી પડે, એવું મને લાગે છે.

પણ ફેસબુક પર લખવાનું શરૂ કર્યું, ત્યારે આવી સ્પષ્ટતા થઈ ન હતી. ત્યારે મુસ્લિમો વિરુદ્ધ બેફામ લખ્યું. નરેન્દ્ર મોદીની ટીકા કરનારા લેખકો વિરુદ્ધ બેફામ લખ્યું. એવાં લખાણોમાં વિચારધારા કરતાં લેખક બનવાની મઝા વધારે આવતી હતી. હું મજાકપ્રિય છું. લોકોની મજાક કરવામાં મને મઝા આવતી હતી. પાછી પચાસ-સો લાઇક મળે, એટલે એ ગાડું પણ બરાબર ગબડતું રહે. મારી કટ્ટરતાનો સૂર્ય મધ્યાહ્‌ને તપતો હતો ત્યારે બકરી ઈદ વખતે હું મુસ્લિમો વિરુદ્ધ લખું, એટલે આખા વર્ષમાં ન આવી હોય એટલી લાઇક એકલી એ પોસ્ટમાં આવે. પછીથી મારા પરમ મિત્ર બનેલા તાહા મનસૂરી સાથે ફેસબુક પર લડાઈ ચાલતી હોય. એક એક કમેન્ટને પચીસ-પચીસ લાઇક આવે અને જે નશો ચડે! આવો નશો ચડાવનારા લોકોમાંથી એક પ્રકારના લોકોને મેં નામ આપ્યું છે : પ્રૌઢ હાઇજૅકર્સ (અપહરણકર્તાઓ).

મારી પણ એવા કેટલાક સાથે ફેસબુક પર મુલાકાત થઈ. તેમાંના અમુક બુદ્ધિથી પ્રૌઢ, અમુક ઉંમરથી, અમુક બંનેથી પ્રૌઢ. આવા પચાસની આસપાસના પ્રૌઢોથી યુવાનોએ ખાસ ચેતવા જેવું હોય છે. એવા લોકો તમારામાં થોડો ચમકારો જોશે, એટલે તેને પોતાના માટે કેવી રીતે વાપરવો તેની વેતરણમાં લાગી જશે. શરૂઆતમાં તે તમારી દરેક વાતનાં વખાણ કરશે. તમારી પોસ્ટના ટેકામાં ફકરો ભરીને જ્ઞાન પીરસશે અને તમારી વિચારસરણી છે તેવી જ રહે, એ માટે ભરપૂર પ્રયાસ કરશે. એમ કરીને ધીમે ધીમે એ તમારા મન પર કબજો કરી લેશે. તમને એમ જ લાગવા માંડશે કે તમે જે વિચારો છો એ સાચું જ છે. તમને ક્યારે ય તમારા વિચાર બદલવાની કે તેના વિશે ફેરવિચાર કરવાની પણ ઇચ્છા નહીં થાય. કારણ કે તમને એ લોકોએ ઢગલા લાઇક અને કમેન્ટ આપીને તેમના ઉપકારના બોજ તળે દબાવી દીધા હશે. ઘણી વાર માતાપિતા પોતાનાં અધૂરાં સપનાં સંતાનો દ્વારા પૂરાં કરાવવા મચ્યાં હોય, તેમ આ પ્રૌઢ હાઇજૅકર્સ પોતાના કટ્ટર અને પછાત વિચારો પૂરેપૂરા અમલમાં મૂકી ન શકયા હોય, એટલે એ વારસો આપણને આપવા માગતા હોય એવું પણ લાગે.

બીજી તરફ વ્યવસ્થિત વિચારસરણીવાળા લોકોનાં લખાણ પર લાઇક અને કમેન્ટના ઢગલા નથી થતા. એટલે યુવાનોને તેમના જેવા બનવાનું મન થતું નથી. આ વ્યવસ્થિત લોકો પ્રત્યે મને હંમેશાં એક ફરિયાદ રહી છે કે તે પોતાનું ખાસ માર્કેટિંગ કરતા નથી અને યુવાનો સાથે ઝાઝો સંવાદ કરતા નથી. તેના પરિણામે જે અવકાશ રચાય છે, તેમાં ગમે તેવા લોકો આવી જાય છે અને એ જગ્યા પચાવી પાડે છે. એવા લોકોને ખબર પડે કે તમે બોલકા છો, બેબાક છો, એટલે તે તમારો ઉપયોગ કરવા લાગશે. અંગ્રેજી ફિલ્મ ‘ઇન્સેપ્શન’ની જેમ એ લોકો પોતાના વિચારો તમારા મનમાં રોપશે અને તમને એવું લગાડશે, જાણે એ વિચારો તમારા પોતાના છે. એટલે આપણને ઢગલાબંધ લાઇક-કમેન્ટ આપનારાથી ચેતતા રહેવું. તેમનું લેવલ મહાન માની ન લેવું. એ લોકોની કમેન્ટ દેખીતી રીતે જ્ઞાન કે ઍનાલિસિસથી ભરપૂર લાગે, એટલે તમને આકર્ષણ પણ થઈ જાય. ત્યારે યાદ રાખવું કે જ્ઞાન પ્રત્યે ખેંચાવું હોય તો ગૂગલના પ્રેમમાં પડો, પણ આવા પ્રૌઢ હાઇજૅકર્સના સકંજામાં નહીં.

આ બધા તોફાન વચ્ચે કેટલુંક પૉઝિટિવ પણ બની રહ્યું હતું. ૨૦૧૨માં મોદીના-ભા.જ.પ.ના-સંઘ પરિવારના ટીકાકાર એવા એક લેખક વિરુદ્ધ મેં એક તોફાની પોસ્ટ મૂકી. તેમણે એ વાંચીને મને મેસેજમાં કહ્યું કે તમને ક્યારેક સત્ય સમજાશે. હું તો ઘેનમાં હતો. તેમને ટાંકણી મારીને આનંદ લીધો, પણ તેમણે મને ન અનફ્રેન્ડ કર્યો, ન અપશબ્દો કે ધાકધમકી આપ્યાં. જૈન ધર્મમાં ‘બોધિબીજ’ નામે એક તત્ત્વ આવે છે. એ મળે પછી ધીરે ધીરે સમકિત આવે અને પછી ધીમે ધીમે વૈરાગ્ય આવે. આ ઘટના મારા માટે બોધિબીજ જેવી બની. ત્યાર પછી મને એમનાં રાજકીય સિવાયનાં બીજાં લખાણ ગમવા લાગ્યાં. એક ઇન્ટરવ્યૂમાં તેમણે દલિતોની સમસ્યા વિશે વાત કરી. પ્રશાંત દયાળ સાથેની વૈચારિક મુલાકાત પણ તેમણે કરાવી. પછી પ્રશાંત દયાળનો નરેન્દ્ર મોદીના માનસનું વિશ્લેષણ કરતો લેખ વાંચવા મળ્યો. તેમણે લખ્યું હતું કે નરેન્દ્ર મોદી હિન્દુત્વવાદી પણ નથી, મુસ્લિમવાદી પણ નથી. એ તકવાદી છે. મને ધૂંધળું યાદ છે કે એ લેખે મારા ઘેનમાં પહેલું કાણું પાડ્યું.

સમાંતરે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલનો ઉદય થયો. હું એના ફુલ પ્રેમમાં. બાકી બધી પાર્ટીઓ કરતાં એ પાર્ટી મારું ઘેન તોડવામાં એટલે સફળ થઈ, કેમ કે તેની શરૂઆતથી જ એ મારા રડાર પર હતી. જૂની પાર્ટીઓએ પચીસ-પચાસ વર્ષ પહેલાં શું કર્યું હોય, એનો ખ્યાલ ન હોય. એટલે એના વિશે જે ફોરવર્ડ થયેલું આવે એ જ જાણ્યું હોય. જૂના નેતાઓની માનસિકતાથી માંડીને બૉડી લૅન્ગ્વેજ સુધીનું કશું લાઇવ જોયું ન હોય. આમઆદમી પાર્ટી આવી એટલે મને થયું કે ભા.જ.પ.વાળા કૉંગ્રેસ વિરુદ્ધ ગમે તે બોલે, પણ ‘આપ’ વિરુદ્ધ ન બોલવા જોઈએ . કેમ કે એ પક્ષને હું પહેલેથી ઓળખું છું ને એની એક પણ ઘટના મિસ નથી કરી. એના વિશે મને અમુક પાકી ખબર છે.

પણ ભા.જ.પ. અને તેના સમર્થકોએ રંગ દેખાડવાનું શરૂ કર્યું. કેજરીવાલને નક્સલી, આતંકી અને પાકિસ્તાની તરીકે ઓળખાવ્યા. જાતજાતના મીમ બનાવ્યાં. ત્યારે મને સમજાયું કે ભા.જ.પ.ની વિરુદ્ધમાં ભગવાન શ્રી રામ આવે તો તેમનાં ય મીમ બનાવવામાં આ લોકો શરમ નહીં રાખે.

સવાલ એ થાય કે આપણે હાઇજૅક થયા કે નહીં, તે ખબર કેમ પડે? એના માટે મેં એક તરકીબ રાખી છે. સમયે સમયે જાણી જોઈને મારા વિચારોથી સાવ સામેની દિશાના વિચારો મૂકવા. આવું કરું એટલે શરૂઆતમાં હાઇજૅકર્સ પ્રેમથી સમજાવશે. પછી પણ હું ન અટકું એટલે એ ગરિમા ને ડહાપણ ભૂલીને મને ટ્રોલ કરવા લાગે. બેફામ લખવા લાગે. વાત ધાકધમકી સુધી પણ પહોંચેલી છે. આવું થાય એટલે એવા લોકોની અસલિયત જાણવા મળી જાય.

૨૦૧૩માં એક ફિલ્મનો અમુક લોકોએ હિંદુત્વના નામે બહુ વિરોધ કર્યો. ત્યારે મેં અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમર્થન કરતો એક લેખ લખ્યો. તેના પછી મને ઘણી ધમકીઓ મળી. હું તો આઘાતથી ડઘાઈ ગયો, અવાક થઈ ગયો અને ગભરાયો પણ ખરો. ઇસ્લામ અંગેની ટીકા કરું ત્યારે જે લોકો મારા રસ્તામાં કમળ બિછાવવાં તૈયાર રહેતા, એ જ લોકો મારી એક પોસ્ટથી આટલા ભડકી જાય! એ નિમિત્તે મને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું મહત્ત્વ સમજાયું. પછી એ મારા માટે સર્વસ્વ બન્યું. તેના લીધે મારા દલિતો વિશેના, સ્ત્રીઓ વિશેના, ધર્મ વિશેના રૂઢિગત વિચાર તૂટવાની શરૂઆત થઈ. સાથોસાથ, એક વખત ધાર્મિક બાબત પર લખવાને કારણે મુશ્કેલી ઊભી થઈ, ત્યારે તાહા મન્સુરીએ મારું સમર્થન કરતો શેર મૂક્યો. ત્યારે મને સમજાયું કે આ માણસ ધાર્મિક મુસ્લિમ છે, પણ કટ્ટર કે ઝનૂની જરા ય નથી અને કટ્ટરતા પર કોઈ એક ધર્મનો ઇજારો નથી.

ભારતમાં કરોડો હિંદુઓ માંસાહારી છે. બકરી ઈદનો હું વર્ષોથી વિરોધ કરતો હતો. તેનું કારણ પ્રાણીઓ પ્રત્યેની દયાભાવના. તેમાં અનેક મિત્રો સૂર પુરાવતા અને તેમને મારું લખાણ પસંદ પડતું. ધીમે ધીમે સમજાયું કે તેમના ટેકામાં દયાભાવ ઓછો ને મુસ્લિમો પ્રત્યેનો અભાવ વધારે હતો. એટલે ફેસબુક પર કે બીજે પણ લોકોના ટેકાથી ખુશ થતી વખતે જોવું પડે કે તે કયા કારણસર ટેકો આપે છે. અજાણપણે આપણે કોઈના ધિક્કારના હાથા ન બની જઈએ એ જરૂરી છે. એ ધિક્કાર જ મોબ લિંચિંગ-ટોળાં દ્વારા હત્યાથી માંડીને કોમી હુલ્લડો કરાવતો હોય છે. બકરી ઈદની જીવહિંસાનો વિરોધ કરનારા કરોડો હિંદુ માંસાહારીઓનો વિરોધ કરવા માટે તૈયાર છે? એ સવાલ પરથી ખબર પડે કે વિરોધનું અસલી કારણ કયું છે.

૨૦૧૨માં ભા.જ.પ.ને પહેલી વાર પ્રેમથી મત આપ્યો. ૨૦૧૪માં બીજી વાર છેલ્લી તક આપી. તે પણ મુખ્યત્વે અહિંસા માટે. એટલે કે માંસની નિકાસ બંધ થાય, કતલખાનાં બંધ થાય. પણ બે વર્ષમાં તો માંસની નિકાસ બમણી થઈ ગઈ. પછી મેં આશા છોડી દીધી. ૬૭,૦૦૦ સભ્યો ધરાવતા જૈન પેજ પર એક પ્રયોગ કર્યો. ત્યારે મને ખબર પડી કે હું જેમને ચુસ્ત અહિંસક માનતો હતો, એમાંથી ઘણાની અહિંસા વ્યક્તિપૂજા સામે ઝૂકી ગઈ હતી. મેં થોડા આડાઅવળા સવાલ પૂછ્યા. જેમ કે માંસની નિકાસ બમણી કરનાર મોદી સરકારને મત આપશો કે લઘુમતીનો દરજ્જો આપનાર કૉંગ્રેસને? ત્યારે ૭૫ ટકા લોકોએ મોદી સરકારને મત આપવાની વાત કરી. આ બધું પૂરતું ઉઘાડું પડી જતાં જૈન ધર્મ સાથે સંકળાયેલું ભા.જ.પી. હિંદુત્વ પણ ગયું.

હવે ભા.જ.પ.ના ટેકેદારમાંથી તેનો વિરોધી બન્યો, એટલે ભીંસમાં લેવા માટે કેટલાક લોકો કહે છે, ’અત્યારે મોદીનો વિરોધ કરો છો એ પણ ભૂલ હોઈ શકે, જેની જાણ તમને ભવિષ્યમાં થશે.’ એ વખતે હું કહું છું કે મેં નેતાઓની જેમ પક્ષ નથી બદલ્યો, પણ વિચારવાની પ્રક્રિયા શીખ્યો છું. દરેક વાતને એકાંતને બદલે અનેકાંતની રીતે જોવાનું શીખી રહ્યો છું. આવો મતદાર કોઈ પક્ષને ખપે નહીં. ભા.જ.પ.ને પણ નહીં કે કૉંગ્રેસને પણ નહીં. જો મતદાર વિચારતાં શીખી જાય તો રાજકીય પક્ષોની ખેર નથી. કદાચ એટલે જ વડાપ્રધાન મોદી મતદારોને વ્યસ્ત રાખે છે.

એક સમયે વૉટ્‌સઍપ યુનિવર્સિટીની સામગ્રીને અંતિમ સત્ય માનનારા મારા જેવા લોકો આજે ભગવાન ખુદ ધરતી પર આવીને એક યા બીજા પક્ષને ટેકો કરે, તો પણ જાતે ચકાસ્યા-તપાસ્યા વિના, ફક્ત કોઈના કહેવાથી માનવાના નથી - એ કહેનાર કોઈ ગમે તેટલો મોટો કેમ ન હોય. મહત્ત્વ વિચારવાની પ્રક્રિયા શીખી જવાનું છે. તેના માટે જાત સાથે લડવાની તૈયારી રાખવી પડે. પણ એ વૃત્તિ એટલી કામ લાગે છે કે રાજકીય વિચાર પલટાયા એ તો બહુ નાનો ફેરફાર લાગે. રોજિંદા જીવનમાં અને રાજકીય સિવાયના વિચારોમાં એ વૃત્તિ જેમ કેળવાય તેમ તેનો વધુ ને વધુ લાભ મળી રહ્યો છે.

[સાર્થક ‘જલસો’ - મે ૨૦૧૯ના સદ્‌ભાવથી]

Email : [email protected]

સૌજન્ય: “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 07-08

Category :- Opinion / Opinion