સ્વગત સર્વોક્તિ

હરિકૃષ્ણ પાઠક
14-05-2019

માન્યો સૌએ ગહન-ગભીરો, છીછરો કાં વહું છું?
શ્રદ્ધા - જેની મુજ પર - પડી સાવ ભોંઠી લહું છું.
વાતે વાતે વળ બદલવો, છેતરું જાત પહેલા -
જેથી હૈયું લવ ન થડકે અન્યને છેહ દેતાં.

ટૂંકા સ્વાર્થે નિજ, અવરની હાણ છાની કરું છું,
દાવા પાછો પ્રબળ કરતો : શ્રેય સૌનું ચહું છું.
પામ્યો ઊંચાં પદ અવનવાં ને રળ્યો કંઈ પ્રતિષ્ઠા
ખેલ્યું ભેદી છળ, ધરી દીધી હોડમાં સર્વ નિષ્ઠા.

ભોગે-જોગે પણ પનારું પડ્યું જેમને તે
વાળી લેતાં મનઃ વરદ કેવો ફળ્યો વક્ર રીતે!
સાચી-ખોટી સમજણ ધરીને કશો બાખડ્યો છું;
આજે પાછો અચરજ કરું - શો મને સાંપડ્યો છું!
માઠું લાગ્યું કદીક પણ? - તો ચીંતવો સ્વસ્થ ચિત્તે,
નિર્ભ્રાતિનું સુખ રળવિયું લો. નજીવા નિમિત્તે..

[“પરબ” - જુલાઈ ૨૦૧૦માંથી સાભાર]

સૌજન્ય: “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 06

Category :- Poetry