નવરંગપુરનો વાસીઃ સન એકવીસસો ચોર્યાસી

વિરાફ કાપડિયા
10-05-2019

શ્રીમાન સોલી સબાવાલા ખીંટી પર લટકાવેલી ફેલ્ટ હેટ લેવા ગયા ત્યારે ઉપરની ભીંત પર જડેલી લટક મટક લોલકની ઘડિયાળ રાતના નવનો સમય બતાવતી હતી. હેટ પહેરી, બારી પાસે ખૂણામાં મૂકેલી વૉકિંગ સ્ટિક લઈ, બારણું વાસી એ પોતાની પ્રિય પ્રવૃત્તિ માટે તૈયાર થઈ ગયા. શહેરમાં રાતે લાંબી લાંબી લટારો મારવી એ એમનો મનગમતો ઉદ્યમ હતો.

સોલી સબાવાલા ચાર મહિના પહેલાં જ નવરંગપુર આવીને વસ્યા હતા. તે પહેલાંનો એમનો ઇતિહાસ આશ્ચર્યકારક છે, અને એક સદીથી પણ લાંબો છે. જી હાં, સદીથી પણ લાંબો, પણ એ બધી હકીકતોની એકવીસસો ચોર્યાસીના આજના જગતમાં કોઈને ખબર નથી.

જો ભૂતકાળના કેમેરાનું ફોકસ સોલી સબાવાલા પર લાવીને મૂકીએ તો કંઈ કેટલા ય જમાનાઓ પહેલાં એ હિમાલય તરફ પ્રયાણ કરી રહેલા દેખાશે. ભારત સરકાર તરફથી એમને એ જાણવા મોકલવામાં આવ્યા હતા કે હિમાલય પર માનવી કેટલા પ્રકારની ગંદકીઓ છોડી જાય છે અને તેની વાતાવરણ પર શી અસર થાય છે. ખાસ તો એવરેસ્ટ પર આરોહણ જ્યારથી એક રમત બની ગઈ હતી ત્યારથી અનેક પ્રકારની માનવીય મલિનતા ત્યાં વધી ગઈ હતી, જેના નિરાકરણનો ઉપાય તરત જ કાઢવો જરૂરી હતો.

પણ એ આવ્યા હતા કંઈ કરવા અને કરી બેઠા કંઈ બીજું. પોતાના સાથીઓનો ડેરો વટાવી એ હિમાલયની ઊંચાઈ પર જ્યાં દેવદારનાં ગીચ વનો હતાં ત્યાં પહોંચ્યા ત્યારે એક વિસ્મયવિલોકનીય ઘટના ઘટી. એમણે ૧૧૫ પ્રકોષ્ઠોનો એક મઠ જોયો. ત્યારે તો એ આગળ વધી ગયા પણ એક અઠવાડિયા પછી ફરી એ મઠ કોઈ બીજી જગ્યાએ ઊંચાઈ પર દેખાયો. હા એ જ મઠ હતો; એના જેવો બીજો કોઈ મઠ નહોતો. મઠના દરવાજા પર એક જબરજસ્ત તાળું હતું અને અંદર જટાધારીઓ વિહરતા હતા. જિજ્ઞાસુ અને બૌદ્ધિકવાદી માનસના એ માણસે મઠને દરવાજે લટકતા વજનદાર તાળાને ખેંચ્યું અને એ આપોઆપ ખૂલી ગયું. પછી એ મઠની ઇમારત તરફ ચાલ્યા અને એને પહેલે પગથિયે પગ મૂકતાં જ સીડી અને ઇમારત અને આખું દૃશ્ય બદલાઈ ગયું. એમણે પોતાને એક ઘણા જ સ્વચ્છ અને સુંદર ધોધની સામે ઊભેલા જોયા જ્યાં થોડાંક તરુણ-તરુણીઓ ધોધમાંથી પાણી સીધું વાટકામાં ભરી ભરીને પી રહ્યાં હતાં. નજીક ઊભેલા એક તરુણની પાસે જઈ સોલીએ પ્રણામ કર્યા અને પોતાની ઓળખાણ આપી.

ત્યારે એ સાલસ હૃદયના માનવી સાથે પ્રશ્નોત્તરી કરતાં સોલી સબાવાલાને ઘણી અજબ વાતો જાણવા મળી, જેનો સારાંશ આમ છેઃ આ લોકોનો નિવાસ કોઈ એક જ સ્થાન પર નથી હોતો; તમે થોડા સમય પછી આવો તો એ નિવાસ જ્યાં હતો ત્યાં તમને નહીં જડે. બહારના જગતના માનવીઓમાંથી કોઈકને જ એ મઠનાં દર્શન થાય છે. અને તે મનુષ્યને યથેચ્છા ત્યાં વસવાટ કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. વળી એ નગરી કેવલ તરુણોની છે. ત્યાં રહેતા મનુષ્યો લહક નામનું પીણું પીને તરુણતા જાળવી રાખે છે, અને એમની ભોગ કરવાની શક્તિનો ક્યારેયે અંત આવતો નથી. જો કોઈ વ્યક્તિ છેવટે ભોગથી થાકીને અથવા કોઈ બીજા કારણે પણ કાયમ માટે બહારના જગતમાં જવાનો અંતિમ અને અફર ઇરાદો સેવે છે તો તેને તેમ કરેવાની પૂરેપૂરી છૂટ હોય છે.

અને બાળકોની વાત આવી ત્યારે એ સાલસ માનવીએ જણાવ્યું કે સ્ત્રી-પુરુષ જ્યારે સંયુક્ત રૂપથી ભોગ ત્યાગવાનો સંકલ્પ કરે છે ત્યારે તેઓ સંતાનની ઇચ્છા કરે છે. બાળક જન્મ્યા બાદ સ્ત્રી એક અન્ય લોકમાં, એકાંતલોકમાં, ચાલી જાય છે, જ્યાં પિતાનું આવવું અસંભવ છે. અને બાળક બોલતો થાય ત્યારે તેને ગુરુ કોટિની વ્યક્તિઓના સહવાસમાં વળી એક અન્ય લોકમાં મૂકી આવવામાં આવે છે, જ્યાં માતાપિતા માટે બાળકને મળવા જવાનો પણ નિયત સમય હોય છે. સંતાન તરુણ થઈ ગયા પછી તેમની સાથે આવીને રહી શકે છે.

એ સાલસ તરુણે સોલીને એક જળાશય આગળ લઈ જઈ નૌકામાં મૂકેલી સુરાહીમાંથી પેલું લહક પીણું એક કાચલીમાં રેડીને આપ્યું, જેને પીવાથી સોલીના કાન, ગર્દન અને આખું શરીર ગરમ થઈ ગયાં. પીણું બહુ સ્વાદિષ્ટ હતું, કેવડામાં પીસીને ઘોળેલી બદામ જેવો સ્વાદ હતો! પહાડની ઠંડીની સામે એ પીણાની ગરમી પર્યાપ્ત રક્ષણ આપતી અને હિમની મોસમમાં સહુ મઠની ઇમારતમાં જઈને રહેતા, જ્યાં એમના ભંડારો હતા.

એ ઇતિહાસ લાંબો છે, પણ ટૂંકમાં એ પછી સોલી ત્યાં જ રહી ગયા. બહારના જગત માટે સોલીનું અસ્તિત્વ નાબૂદ થઈ ગયું. ઘણી શોધ પછી પણ સોલીનો પત્તો ન જડ્યો ત્યારે સાથીદારોએ માની લીધું કે કોઈ પર્વતીય હોનારતમાં એમનું મૃત્યુ થયું હશે.

મઠવાસમાં જ્યારે દાયકાઓ પર દાયકાઓ વીતી ગયા ત્યારે સોલી સબાવાલાએ હૃદયમાં ઊંડે ઊંડે એક ઇચ્છાનો અંકુર ફૂટતો અનુભવ્યો. ધીમે ધીમે એમને બાહ્યજગતમાં જવાની ઇચ્છા કોરવા લાગી. રહી રહીને ઊમટતા એ અગમ ખેંચાણને જ્યારે સોલીએ માન આપ્યું ત્યારે મઠના વાસમાં સત્તર દાયકાઓની તરુણાઈ ગુજરી ચૂકી હતી. આપણે એમ ન કહીએ કે સોલી મઠવાસથી વિમુખ થઈ રહ્યા હતા, પણ કહીએ કે એ પૃથ્વીવાસની સન્મુખ થઈ રહ્યા હતા. એકવીસસો ચોર્યાસીના જૂનમાં એ નવરંગપુરમાં ઠરીઠામ થયા. અને હવે વર્તમાનના કેમેરાનું ફોકસ એમને લાંબી લાંબી લટારો મારવાની તૈયારીમાં ઘરથી નીકળતા બતાવી રહ્યું છે.

ફૂટપાથના પથ્થરિયા ચોસલા પર પગ મૂકી, આસપાસના ઘાસની નરમ સુંવાળપને વટાવી, એક હાથમાં વૉકિંગ સ્ટિક, બીજો હાથ તાલબદ્ધ ઝૂલતો, અને રાતની નીરવતામાં પગલાં ભરતાં આગળ વધવું એ બધું સોલી સબાવાલાને ઘણું જ ગમતું. થોડે છેટે માર્ગોના મિલનબિંદુ પર જઈ એ રસ્તો પસંદ કરતા -- આજે ઊર્મિલ નદીનો રસ્તો લઈશ, કે આજે પરમહંસ પબ્લિક સ્કૂલ તરફ જઈશ.

પણ ખરેખર તો બધા જ રસ્તા સરખા હતા, એ સંસારમાં એકલા જ હતા. અને રસ્તો નિર્ધારિત થઈ જતાં એમનાં પોચાં ટેનિસ શૂઝ ધીમી પુચ પુચ કરતાં એની પર આગેકૂચ કરવા લાગતાં. એમણે એ પોચાં મંદરવ પગરખાં ખાસ તો એટલા માટે પસંદ કર્યાં હતાં કે ગલીગૂંચીમાં સૂતેલાં કૂતરાં ઊઠીને એમનો પીછો કરતાં ભસવા ન લાગે, કે કોઈ મકાનમાં એકાએક બત્તીનો ચમકારો ન થાય, કૌતુકભર્યા ચહેરાઓ કોઈ ઉઘાડી બારીઓમાં દેખા ન દે અને વિચારે નહીં કે અત્યારે વળી આ જનશૂન્ય નીરવતામાં કઈ દેહાકૃતિ એકલી અટૂલી અહીંથી પસાર થઈ રહી છે.

ખરેખર, રાતનું એ વિહરણ કોઈ સ્મશાનમાંથી ગુજરવા કરતાં કંઈ બહુ જુદું નહોતું. રસ્તાની બન્ને બાજુનાં મકાનો એમની અંધારઘેરી બારીઓ લઈને નિસ્તબ્ધ ઊભેલાં દેખાતાં, જેમના કાચ પાછળ બહુ ધીમા પ્રકાશની થોડીક લકીરો ઝબૂકતી જણાતી, યા તો પરદો હજી ખુલ્લો રહી ગયો હોય તેવા આવાસના અંદરના ઓરડામાં એકાએક કોઈ ઓળાનું હળવું હલનચલન નજરે પડતું, અથવા તો દાદરો ચડીને બારણા પાછળ ગુસપુસ કરાતી અફવાનો મર્મરધ્વનિ કોઈ કબરગાઢ મકાનની ખુલ્લી બારીમાંથી સંભળાતો.

આજના વિહરણમાં સોલીએ મધુવાસ ઉપવન તરફનો રસ્તો લીધો, જ્યાં જનેટિકલી મોડિફાઇડ ફૂલછોડનો એક આખો અલાયદો વિભાગ હતો. ત્યાં એક નવી જાતની રાતરાણી પણ હતી, અને તેની મંદ સુગંધ સોલીની ચાલમાં હમેશાં તરલતા ભરતી. સોલીએ ખ્યાલોના ખ્વાબમાં જ એ સુગંધ નાકમાં ઊંડે ખેંચી; છાની મસ્તીમાં હોઠોની નીચે ગીત ગણગણતા એ આગળ વધ્યા. એમણે ફૂટપાથ પર પડેલું એક પાકું જમરૂખ ઊંચક્યું અને રૂમાલમાં લપેટી ખીસામાં મૂક્યું.

‘સલામ, ઓ ભીતરવાસીઓ,’ એમણે જમણી કોરના મકાનો ભણી ફરીને કહ્યું. ‘કયો શો ચાલી રહ્યો છે? ચાણક્યની સિરીઝ કે ટીપૂ સુલતાનની? અને પેલા દીવાનખાનામાંથી શું મન્ના ડેનો અવાજ સંભળાઈ રહ્યો છે?’

રસ્તો એકદમ સૂનો અને ખાલીખમ હતો, ફક્ત એમનો કાળો પડછાયો હિમાલય પર મંડરાતા ગરુડની જેમ સરી રહ્યો હતો. એમણે નયન મીંચીને કલ્પનામાં હિમાલયની પેલી સૂની સળંગ તળેટી જોઈ અને આજુબાજુની જનશૂન્ય સડકોને તેની સાથે સરખાવી. આ ચાર મહિનાના વિહરણ દરમ્યાન એમને પગપાળા જતા એકે માણસનો ભેટો થયો નહોતો, એકેનો નહીં.

સોલી હવે માઇલો ચાલી ચૂક્યા હતા. મધુવાસ ઉપવનમાં ઘૂમી આવીને વિશાળ ચક્કર લગાવી ઘરની દિશામાં ચાલતા હતા. ડાબી તરફના મકાનમાં રસોડાની બારી પર બહુ બારીક પરદા હતા. એક આભાસી ઓળાએ રેફ્રિજરેટરનું બારણું ખોલ્યું, અને એકાએક અંધારાના જલરાશિમાં કોઈ મરજીવાએ ટોર્ચનો લીસોટો છોડ્યો હોય તેમ પ્રકાશ પથરાઈ ગયો. સોલીને લાગ્યું કે રેફફ્રિજરેટરના બારણામાં ખોસેલી પીણાની અને સૉસની બાટલીઓ તરવૈયાની પીઠે બાંધેલાં શ્વસનયંત્રનાં સિલિન્ડર હતાં.

એવા વિચારોમાં ચાલી રહેલા સોલી ઘરથી થોડા જ દૂર હશે તેટલાંમાં એક કાર ગલીમાંથી ટર્ન લઈને એમની સામેની દિશામાંથી પ્રકાશનો તીવ્ર પુંજ છોડતી આવી અને થોડે જ દૂર ચાલુ એન્જિને ઊભી રહી ગઈ. સોલી એકદમ અંજાઈ ગયા; સ્તબ્ધ થઈને થંભી ગયા.

ઘંટના નાદ જેવા સ્વરે એમને પોકાર્યા, ‘જ્યાં છો ત્યાં જ ઊભા રહો, એકદમ સ્થિર, જરાય હલશો નહીં.’

સોલી જડાઈ ગયા.

‘હાથ ઊંચે.’

‘પણ—‘ સોલીએ કહ્યું.

‘હાથ ઊંચે, નહીં તો ગોળી છૂટશે.’

સોલીને લાગ્યું કે આ સખત સ્વર કોઈ સરકારી સત્તાધારીનો છે. પોલીસનો જ છે. એમણે પેપરમાં વાંચ્યું હતું કે ગુનાઓની સંખ્યા ખૂબ ઘટી રહી હતી અને આ નાના નગરમાં હવે પોલીસની એક જ કાર રાખવામાં આવી હતી, જે રાતની ખાલીખમ સડકો પર ચક્કર ખાતી ફર્યા કરતી.

‘તમારું નામ?’ પોલીસની કારે ઘંટનાદના સ્વરમાં પૂછ્યું. કારની અંદર કોણ છે એ સોલી તીવ્ર પ્રકાશમાં જોઈ શક્યા નહીં.

‘બોલો તો.’

‘સોલી સબાવાલા.’

‘શું કહ્યું? એ કઈ જાતનું નામ? કયા ધરમનું?’

‘પારસી.’

‘પારસી?’ થોડીક ક્ષણો વીતી ગઈ. કારમાંથી કીબૉર્ડના બટન દબાવા જેવો ઠક ઠક અવાજ આવતો સંભળાયો. ‘અમારી જાણકારી પ્રમાણે એવો ધરમ અત્યારે પ્રચલિત નથી.’ પછી સ્વગત બોલાતા શબ્દો સંભળાયા, ‘ધરમ-- કોઈ નહીં.’

સોલી ચુપ રહ્યા. એમને લાંબી વાતોમાં પડવાની કોઈ ઇચ્છા નહોતી.

‘વ્યવસાય શું?’

‘માની લો કે લેખક.’

‘વ્યવસાય -- કોઈ નહીં.’ પોલીસની કારે કહ્યું. સોલીના વક્ષ પર સીધી પડી રહેલી હેડલાઇટે એમને મ્યુઝિયમના કોઈ વિરલ નમૂનાની જેમ જકડી રાખ્યા હતા.

‘હા, બરાબર,’ સોલી સબાવાલાએ કહ્યું. એમણે પૃથ્વીવાસમાં આવ્યા પછી કશું લખ્યું નહોતું, અને તે પહેલાં મઠવાસમાં જ્યારેત્યારે જે કંઈ લખ્યું હતું તેનો પૃથ્વીવાસમાં કોઈ ખપ નહોતો. અરે, સામયિકો ને પુસ્તકો તો હવે અહીં વેચાતાં જ નહોતાં. રાતે બધું કબરગાઢ ઘરોમાં જ ગુજરતું; ટીવીના ઝબૂકતા પ્રકાશથી દીપ્ત કબરોમાં લોકો મૃતકની જેમ બેસતાં, અને રંગબેરંગી રોશની એમના ચહેરાઓને સ્પર્શી જતી, પણ ખરેખર તો એમને સ્પર્શતી જ ક્યાં હતી?

‘કોઈ વ્યવસાય નહીં.’ ગ્રામોફોન જેવા સ્વરે કહ્યું, અને જીભની ટચ ટચનો ઉમેરો કર્યો. ‘તમે અહીં બહાર કરો છો શું?’

‘ચાલું છું.’

‘ચાલો છો?’

‘હા, બસ ચાલું છું,’ સોલીએ કહ્યું.

‘ચાલો છો, બસ ચાલો છો?’

‘હા જી.’

‘પણ ચાલીને જાવ છો ક્યાં? ને શા માટે?’

‘હવા ખાવા ચાલું છું, જોવા માટે.’

‘તમારું એડ્રેસ?’

’નિર્માણ કોટેજ, ૨૬ દિવ્યાનંદ રોડ.’

‘અને તમારા ઘરમાં હવા છે? એર-કન્ડીશનર છે, શ્રીમાન સબાવાલા?’

‘હા.’

‘અને તમારી પાસે જોવા માટે ટીવી છે?’

‘નહીં.’

‘નહીં?’ અને પછી જે ચચરતી ચુપકીદી છવાઈ તે સ્વયં એક આરોપ જેવી હતી.

‘તમે પરણેલા છો, શ્રીમાન સબાવાલા?’

‘નહીં.’

‘અપરિણીત,’ સળગતા પ્રકાશની પાછળથી પોલીસના સ્વરે કહ્યું. ચંદ્ર તારાઓ વચ્ચે સ્પષ્ટ દેખાતો હતો, અને ઘરો સ્તબ્ધ અને ભૂખરાં અન્યમનસ્ક ઊભાં હતાં.

‘હજુ એવું કોઈ મળ્યું નથી,’ સોલીએ સ્મિત કરીને કહ્યું.

‘તમને બોલવા કહીએ ત્યારે જ બોલવું, સમજ્યા?’

સોલી અંધકારને ભેદતા જલદ પ્રકાશની લાઇન પર સુકાવા મૂકેલા કપડા સમા લટકતા હતા.

‘બસ ખાલી ચાલો છો, શ્રીમાન સબાવાલા?’

‘હા.’

‘પણ તમે એનું કારણ તો જણાવ્યું નહીં.’

‘મેં કહ્યું તો ખરું; હવા ખાવા, જોવા, ને બસ ફરવા.’

‘આવું તમે વારંવાર કર્યું છે?’

‘રોજ રાતે કેટલાયે વખતથી.’

પોલીસની કાર સડકની વચ્ચોવચ રેડિયો કૉમ્યુનિકેશનનો ધીમો અવાજ રેલાવતી ઊભી હતી.

‘વારુ, શ્રીમાન સબાવાલા,’ કારે કહ્યું.

‘તો પછી હું જાઉં?’ એમણે વિનયથી પૂછ્યું.

‘હંઅઅ -- જવાનું નથી, આવવાનું છે.’ અને ધડાક કરતું કારનું પાછલી સીટનું બારણું ખૂલ્યું. ‘અંદર બેસી જાવ.’

‘અરે, પણ મેં કંઈ કર્યું હોય તો ને!’

‘શ્રીમાન સબાવાલા, અંદર બેસી જાવ. મારી પાસે આખી રાત નથી.’

‘હું ફરિયાદ નોંધાવું છું.’

‘શ્રીમાન સબાવાલા!’

બહુ થાક લાગ્યો હોય એવી ચાલથી ચાલતા સોલી કારની લગોલગ આવ્યા. પસાર થતાં થતાં એમણે આગલી સીટ પર નજર કરી, પણ ત્યાં કોઈ નહોતું, આખી કારમાં કોઈ હતું જ નહીં.

‘અંદર આવી જાવ.’

પાછળની સીટ માત્ર સળિયાઓથી મઢેલું એક પાંજરું જ હતું, જેની ધાતુમાંથી હોસ્પિટલના વૉર્ડ જેવી વાસ આવતી હતી. ત્યાં કશું જ મુલાયમ નહોતું. સોલી એ સખત સીટ પર બેઠા ને બારણું બંધ થઈ ગયું, કાર આગળ વધી. બેચાર ટર્ન લઈ રસ્તાઓ પસાર કરતી એ એક અતિ પ્રકાશિત બિલ્ડિંગ આગળ આવીને ઊભી રહી. બધા જ રસ્તાઓ ખાલીખમ હતા, સાવ અવાજ વિનાના, કશીયે હલચલ રહિત.

‘તમે મને ક્યાં લઈ જાઓ છો?’ સોલીએ પૂછ્યું.

‘જુઓ, વાંચો, બિલ્ડિંગના પ્રવેશની ઉપર ચોખ્ખું લખ્યું છે.’

સોલીએ સીટ પરથી વાંકા વળીને ફ્લડલાઇટથી ચમકતા બિલ્ડિંગના પ્રવેશદ્વારની ઉપર નજર કરી. ત્યાં અક્ષરો ઝગમગતા હતા-- दिमाग-डांवांडोल-आलय.

સમાપ્ત

(વાર્તા-વિચાર રે બ્રેડબરીની કૃતિ ઉપરથી; અસંખ્ય ફેરફારો તથા બૃહદ વિભાગનો ઉમેરો)

NJ, USA. e.mail : [email protected]

[પ્રગટ : “નવનીત સમર્પણ” માર્ચ 2019; પૃ. 59-65]

Category :- Opinion / Short Stories