હવે એક પણ રાજકીય પક્ષને બિમાર નર્મદા મૈયાનાં ખબર અંતર પૂછવાની પડી નથી !

મનીષી જાની
01-05-2019

1961માં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કેવડિયા ગામમાં સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ ક,ર્યો ત્યારથી, દાયકાઓ લગી ચૂંટણી ટાણે આપણા ગુજરાતમાં નર્મદા ડેમ, નર્મદા યોજનાનો મુદ્દો એક યા બીજી રીતે સતત ગાજતો રહ્યો.

1974માં જનતા દ્વારા જેમને ઘરે બેસાડી દેવાયેલા તે ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે,1992માં નર્મદા ગુજરાતની જીવાદોરી છે, એવા આક્રમક પ્રચાર દ્વારા ચૂંટણી જીતી સત્તાનાં રાજકારણમાં મજબૂત બનેલા.

દેશની સૌથી પ્રાચીન એવી નર્મદા નદી ત્રણ રાજ્યોમાંથી પસાર થાય છે. મધ્યપ્રદેશથી નીકળી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થઇ સમુદ્રને મળે છે. એટલે આ મહત્ત્વાકાંક્ષી અને વિશાળ કાયની નર્મદા યોજનામાં પોતાના લાભ-ગેરલાભને લઈ, ત્રણ રાજ્યોની ખેંચાખેંચી વર્ષો લગી ચાલુ રહી અને તે પણ ચૂંટણીઓમાં રમવાનું રમકડું બની રહી. ગુજરાતને અન્યાય થાય છે એવી નારાબાજી કરવામાં નર્મદા યોજનાનું મોટું પ્રદાન રહ્યું એવું કહીએ તો ચાલે !

ખાસ તો 1982થી આ મહાકાય નર્મદા ડેમને લઈ જે એક લાખ જેટલાં લોકો વિસ્થાપિત થવાનાં હતાં તેમને જમીનના બદલામાં જમીન મળે તેવી માગણી સાથેની લડત આપણા ગુજરાતમાંથી જ શરૂ થઈ હતી. આદિવાસીઓના હક્ક માટે સતત સંઘર્ષશીલ રાજપીપળાના ફાધર જોસેફ અને આર્ચવાહિની-ગુજરાતના સાથીદારોએ આ વળતરના મુદ્દે આદિવાસીઓને સંગઠિત કરી વિશાળ રેલી કેવડિયા કોલોની ખાતે યોજી હતી. એ રેલીમાં હું સામેલ થયેલો અને તે વખતે એ આંદોલન વિશેનો લેખ પણ વર્તમાનપત્રમાં લખ્યો હતો તે અત્યારે યાદ આવે છે.

ત્યારબાદ તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં તમામ વિસ્થાપિતોની સંગઠિત લડાઈ તેજ બનતી રહી.

મેં હમણાં જ એક પરદેશી ફિલ્મકારે બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ, જે 1992માં બની હતી. તે વખતે સમાજસેવક બાબા આમટેએ આ મુદ્દે મહારાષ્ટ્રથી ગુજરાત સુધીની પદયાત્રા યોજી હતી અને તેઓ ગુજરાતમાં પ્રવેશવાના હતા.

આ પદયાત્રાનો વિરોધ કરવા ચીમનભાઈની સરકારે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓને તૈયાર કરી હતી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ઊર્મિલાબહેન પટેલની આગેવાનીમાં અમદાવાદ શહેરની મહિલાઓને બાબા આમટે ગુજરાતમાં પ્રવેશે નહીં, તેમને રોકવા રસ્તે બેસી રામધૂન કરવા મોકલેલી.

બાબા આમટેએ ગુજરાતની સીમા પર, ફેરકૂવા ખાતે રાત્રી રોકાણ કર્યું હતું ત્યાં મોટા માઈકના ભૂંગળા ગોઠવી તેમને કેવી રીતે માનસિક ત્રાસ આપણા આ ગુજરાતના આગેવાનો આપતા હતા તેનું આબાદ દસ્તાવેજીકરણ આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં થયેલું જોવા મળે છે.

રાજકીય રોટલા શેકવા, ચૂંટણી વખતે કેવાં ખેલ પડાય છે, કેવાં આંદોલનો-પ્રતિ આંદોલનોનો રાજકીય પક્ષો લાભ લે છે તેનો વરવો નમૂનો આ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોતાં જણાય છે.

અને રસપ્રદ વાત એ છે કે આ સરકાર દ્વારા વિસ્થાપિતોના હક્ક માટેની લડાઈ - આંદોલનનો વિરોધ કરવામાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પણ સાથ આપ્યો. અને નર્મદા ડેમની તરફેણમાં આંદોલનો ચલાવવા, મહાકાય-બીગ ડેમનો વિરોધ કરનારા આંદોલનની સામે પ્રતિ આંદોલન કરવા માટે મંચ પણ અમદાવાદના વેપારી મહામંડળના કાર્યાલયમાંથી ચાલતો રહ્યો.

સરદાર સરોવર ડેમ બને તો તેમાંથી ઉદ્યોગોને સતત પાણી મળ્યા કરે એ હિતને લઈ ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રધારો સરકારની સાથે ચાલી રહ્યા હતા.

ડેમ બની ગયો અને એના વિજયોત્સવો ઉજવી ચૂંટણી પ્રચારમાં ગુજરાતની જીવાદોરી કહેવાનું નાટક ચાલતું રહ્યું.

ગઈ ચૂંટણીમાં "કેન્દ્ર સરકારની આડોડાઈ હોવાં છતાં અમે ડેમના દરવાજા નાંખી દીધા !" - એમ કહીને પણ ગુજરાતની ભા.જ.પ. સરકારે કેન્દ્ર વિરુદ્ધ ગુજરાતની વાત બનાવી ચૂંટણી પ્રચાર ચલાવે રાખ્યો.

સામાન્યજનનાં મનમાં ડેમના દરવાજા ન બાંધવા દીધા એટલે જાણે કે પડોશી-પડોશી વચ્ચેના ઝગડામાં કોમન જમીનને લઈ, ઈર્ષાને લઈ એકબીજાને ઓટલા કે દિવાલ ન કરવા દે એવી વાત બનાવી દીધી ! ટેકનિકલ અને કાયદાકીય બાબતને મામૂલી વાત બનાવી દઈ કોંગ્રેસ વિરુદ્ધ ભા.જ.પ.નો પ્રચાર ચાલ્યો.

મુખ્ય મુદ્દો તો નર્મદા યોજનાના વિસ્થાપિતોને યોગ્ય જમીનો ને ન્યાયી પુનર્વસન મળ્યું કે નહીં તે હોઈ શકે, ગુજરાતમાં ગામેગામ નાની કેનાલો બની કે નહીં તે હોઈ શકે, નર્મદાનું પાણી ક્યાં ક્યાં પહોંચ્યું એ હોઈ શકે. પણ આવા બધા મુદ્દાઓને લઈ ચર્ચા તો જાહેરમાં ખાસ કોઈએ કરી નહીં.

વર્ષો પહેલાં જીવાદોરીના નામે ઠેઠ કચ્છમાં ઘરે ઘરે પાણી પહોંચશે અને ગુજરાતના ખેડૂતો અને ઉદ્યોગો માલામાલ થઈ જશે એવાં રૂપકડાં ચિત્રો ઊભાં કરાયાં હતાં ..! હવે તો એને યાદ કરીને ય કોઈ વાત કરતું નથી !

એટલી વાત જરૂર કે અત્યારે ડેમનું 30% જેટલું પાણી 481 જેટલાં ઉદ્યોગોને પહોંચતું થઈ ગયું છે.

પણ આ વર્ષે આ 2019ની ચૂંટણીમાં કોઈ પણ પક્ષે નર્મદા ડેમની વાત છેડી નહીં, દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પૂતળાની વાત અને તેની આજુબાજુ ટુરિઝમ વિકાસની મોટી મોટી વાતો કરી જરૂર પણ એ સિવાય સૌએ મૌન રહેવાનું પસંદ કર્યું ..! પ્રશ્ન થાય કે એવું કેમ બન્યું ?

આ તો એવો ખેલ થયો કે દુઝણી ગાય વસૂકી જાય એટલે એ ગૌમાતા તરીકે પૂજાતી ય મટી જાય !એની પછી કોઈ પરવા ન કરે .

આવડો મોટો ડેમ બનવાને લઈ જેની મોટી ચિંતા હતી અને તેના વિશે જાણકાર લોકોએ વર્ષોથી હોહા અને ચર્ચાઓ માંડી હતી એ મુદ્દો એ જ હતો કે ડેમ બન્યા પછી ત્યાંથી હેઠવાસમાં નર્મદા નદી સમુદ્રને મળે છે ત્યાં સુધીનું અંતર 161 કિલોમીટર જેટલું છે, આ 161 કિલોમીટરની નર્મદાને કાંઠે ભરુચથી લઈને 211 નાનાંમોટાં ગામોમાં લોકોનો વસવાટ છે. માછીમારોથી માંડી કેટકેટલા પશુપાલકો, ખેડૂતો,પશુ પંખીઓ ને વન-વનસ્પતિનાં જીવનનો ધબકાર નર્મદા મૈયાનાં વહેતાં પાણી પર આધારિત છે તે બધાંનું શું થશે ?

અત્યારે નદી સૂકી ભઠ પડી છે. નદીમાં વહેતું પાણી ન હોવાથી માછીમારોને તેમની હોડીઓ બેકાર પડી છે. 28 પ્રકારની અહીંની માછલીની પ્રજાતિઓ ખતમ થઈ ગઈ.

અને વિશેષમાં ઉદ્યોગો-ફેક્ટરીઓનાં કેમિકલ્સ ને કચરા ઠલવાતાં રહેતાં હોય છે ને ખાસ તો સમુદ્રનું પાણી ને ખારાશ ખાલી પડેલી નદીમાં પાછું ધસી આવતું રહેવાથી નર્મદાનું પાણી ભારે દૂષિત બનતું રહ્યું છે.

આ બધી ગંભીર બાબતો અને તેના ઉકેલ વિશે લગીરે ચર્ચા આપણી આ ચૂંટણીમાં કોઈએ ના કરી.

આ ચૂંટણીનાં ઢોલ પીટાતા હતા તેવા સમયે જ ગુજરાતનાં કેટલાક સંગઠનોએ ભેગા થઈ આ ઝેરી બની ગયેલાં પાણીનો અભ્યાસ કર્યો અને અત્યારે આ પાણી માનવજીવન માટે કેટલું બધું જોખમી છે તે વાતને લઈ સરકારને લાગતાં વળગતા તંત્રોને તેમણે કાયદાકીય નોટિસ ફટકારી છે.

આ વાત પણ કોઈ રાજકીય પક્ષે ચૂંટણીના સમયમાં ઉપાડી નહીં.

આ અભ્યાસ કરનારાં સંગઠનોમાં પર્યાવરણ સુરક્ષા સમિતિ, સમસ્ત ભરુચ જિલ્લા માછીમાર સમાજ, નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ, ભરુચ સિટીઝન્સ કાઉન્સિલ, પ્રકૃતિ સુરક્ષા મંડળ, બ્રોકીસ વોટર રિસર્ચ સેન્ટરનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓએ જે અભ્યાસનાં પરિણામો આવ્યાં તે ટાંકીને સામૂહિક કાનૂની નોટિસ સરકારનાં પર્યાવરણ મંત્રાલયથી માંડી વિવિધ તંત્રોને આપી છે.

સંગઠનોએ મૃતઃપ્રાય બની રહેલી નર્મદા નદીનાં પાણીનાં વિવિધ જગ્યાઓએથી લીધેલાં સેમ્પલોનાં અભ્યાસ પરથી તારણો કાઢ્યાં છે તે ચિંતાજનક છે.

ટી.ડી.એસ. એટલે કે પીવાનાં પાણીમાં ટોટલ ડિઝોલ્વ સોલીડની માત્રા વધુમાં વધુ લિટરે 500 મીલીગ્રામ ચાલી શકે. તેનાથી વધુ હોય તો તે પાણી પીવા માટે જોખમી બની ગયેલું કહેવાય. આ અભ્યાસમાં સરાસરી 19000 મીલીલિટર ટી.ડી.એસ.ની માત્રા જોવા મળી જે ખતરનાક કહી શકાય. આ ઉપરાંત પાણીમાં ડિઝોલ્વ ઓક્સિજનની માત્રા લિટરે 5 મીલીગ્રામથી પણ ઓછી જોવા મળી.

જીવંત બની રહેવા હાંફી રહેલી આ નદી પર બનેલા ડેમને લઈ થયેલી રાજકીય ચર્ચાઓનો પચાસ વર્ષનો હિસાબ તપાસીએ તો તેમાં લોકલક્ષી, લોકોને શું નક્કર ફાયદો કે ગેરફાયદો થશે તેની ચર્ચા ઓછી થઈ છે પણ 'જીવાદોરી' કે 'ડેમની ઊંચાઈ' કે 'ડેમનાં દરવાજા' જેવા શબ્દો વાપરી લોકોની લાગણી અને સમજણ સાથે સાથે છેતરપિંડી થઈ છે એવું જરૂર આપણે હવે કહી શકીએ.

હવે તો નર્મદા નદી કેવી રીતે જીવતી રહે એ અંગે તાકીદે વિચારવું ને કંઈક નક્કર કરવું રહ્યું.

નિષ્ણાતો એ ઠેઠ 1990માં અભ્યાસ કરી એમ જણાવ્યું હતું કે બંધ બની ગયા બાદ રોજનું ઓછામાં ઓછું 600 ક્યુસેક પાણી છોડવું પડે તો જ આ બારમાસી નદીમાં સતત પાણી વહ્યાં કરે.

આ હિસાબ તો જૂના અંદાજ પ્રમાણે હતો. અત્યારે વધી ગયેલી વસતિના હિસાબે આ આંકડો ઘણો નાનો છે એવું નિષ્ણાતો માને છે.

પણ વાસ્તવિકતા એવી છે કે આ જૂનાં અંદાજ કરતાં ય ઓછું પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. જે દુ:ખદ છે.

અત્યારના નિષ્ણાતોના અંદાજ પ્રમાણે રોજ 4000 ક્યુસેક પાણી ડેમમાંથી છોડાય તો જ નર્મદા નદી વહેતી - જીવતી અને લોકોને જીવાડતી બની રહે.

આ માગણી માટે સહિયારો અવાજ બુલંદ નહીં બને તો વિકાસને નામે, મુઠ્ઠીભર સ્વાર્થી લોકો માટેની કુદરતી સંપદાની બેફામ લૂંટ ચાલુ રહેવાની છે એટલી વાત નિશ્ચિત.

સૌજન્ય : “ગુજરાત ગાર્ડિયન”; 01 મે 2019

Category :- Samantar Gujarat / Samantar