માણસ કેટલી હદે સુરક્ષિત રહી શકે?

દીપક સોલિયા
21-04-2019

ફિલ્મ ગોડફાધરમાં ઘરડો થઈ ચૂકેલો ગોડફાધર વિટો કોર્લિયોની એના દીકરા માઈકલને મરતાં પહેલાં એક અત્યંત મહત્ત્વની સલાહ આપતો જાય છે કે આપણો જે માણસ આપણા સૌથી મોટા દુશ્મન (બાર્ઝિની) તરફ્થી સમાધાનનો સંદેશો લાવે તેને ગદ્દાર જાણજે.

કરો વાત. વિટોની મુખ્ય ટીમમાં બધા સભ્યો વર્ષો જૂના વફાદારો જ હતા. એમાંના કોઈ એક વફાદારને સંદેશવાહક બનાવીને દુશ્મન સુલેહ-સંદેશ પાઠવે તો પેલો વફાદાર ગદ્દાર થઈ જાય?

હા, કારણ કે જમાનાનો ખાધેલ અને અત્યંત વિચક્ષણ એવો વિટો કોર્લિયોની જે દેખાય તેનાથી સાવ ઊંધું વિચારી જોવાની કળાનો માસ્ટર હતો. એ દેખાવ પાછળની સચ્ચાઈ અને રૂપની પાછળનું સ્વરૂપ જોઈ શકતો હતો. આ માસ્ટરી સૌએ કેળવવા જેવી છે. એ કામ અઘરું નથી. કરવાનું આટલું જ છેઃ સાવ જ ઊંધું વિચારી જોવાનું.

જેમ કે, ચારે તરફ જો એવી બૂમરાણ સંભળાય કે ઉજાલા હૈ … ઉજાલા હૈ … તો એક વાર આંખ ખોલીને ચેક કરી લેવાનું કે ક્યાંક અંધારું તો નથી ને … કોઈ ધર્મગુરુ એવી વાત કરે કે હું આપણા ધરમ પરનો ખતરો ઘટાડીશ, ત્યારે વિચારી જોવું કે એ મુલ્લાજી-બાવાજી-પાદરીજી ક્યાંક ધરમ પર ખતરો વધારી તો નથી રહ્યા ને … કોઈ પણ પક્ષના નેતાજી જો એવું કહે કે હું દેશનું ભલું કરીશ ત્યારે બે ઘડી વિચારી જોવું કે નેતાજી દેશને ખાડે નાખે એવા તો નથી ને … કોઈ ગરીબી દૂર કરવાની વાત કરે ત્યારે એ જોઈ લેવું કે એને ગરીબી ટકાવી રાખવામાં તો રસ નથી ને … કોઈ માણસ તમારો ઉદ્ધાર કરવાની વાત કરે ત્યારે એવું વિચારી જોવું કે એ માણસ કોના ઉદ્ધાર માટે વધુ મથી રહ્યો છે, તમારા કે એના પોતાના?

ટૂંકમાં, એક વાર ઊંધેથી વિચારી જોવું.

અત્યારની ચૂંટણીની વાત કરીએ તો એમાં સૌથી વધુ ગાજેલો મુદ્દો સુરક્ષાનો છે. આવામાં, સુરક્ષાના મુદ્દે પણ એક વાર ઊંધું વિચારી જોવા જેવું ખરું કે શું અસલમાં સુરક્ષા જેવું ક્યાં ય કશું હોય છે ખરું?

મોત ગમે ત્યારે, ગમે તેને ઝપટમાં લઈ શકે છે. ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે. એક નહીં તો બીજી નહીં તો ત્રીજી … કોઈ ને કોઈ અસુરક્ષા લગભગ બધા જ લોકોને સતાવતી હોય છે. જેમ કે, આતંકીઓ મન ફવે ત્યારે બોમ્બ ફેડશે તો? બાપાની સંપત્તિ ભાઈ હડપ કરી જશે તો? ઓફ્સિમાં મારી વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું હશે તો? મારો પતિ સૌતનના પડખામાં ભરાઈ જશે તો? મને બગલમાં થયેલી ગાંઠ કેન્સરની હશે તો? હું વાર કરું તે પહેલાં દુશ્મન મારા પર વાર કરી લેશે તો?

ટૂંકમાં, અસુરક્ષા એટલી અપરંપાર છે કે શાયર ફિરાક ગોરખપુરીએ હાથ ઊંચા કરી દેતાં કહેલું,

મૌત કા ભી ઇલાજ હો શાયદ,
ઝિંદગી કા કોઈ ઇલાજ નહીં.

માધવ ક્યાં ય નથી મધુવનમાં, એમ સુરક્ષા ક્યાં ય નથી જીવનમાં. જે છે તે છે ફ્ક્ત અસુરક્ષા. એ પણ પાછી બે પ્રકારનીઃ વાસ્તવિક અને માનસિક. વાસ્તવિક અસુરક્ષા પૃથ્વી પરની હવા જેવી છે. એ બધે જ હોય. જંગલમાં હરણાં કઈ ઘડીએ વાઘનો કોળિયો બની જાય એ નક્કી ન હોય અને એ હરણને ખાનારો વાઘ પોતે પણ અસુરક્ષિત હોય, કેમ કે વાઘ ફ્લ્ટિર્ડ પાણી પીતો નથી અને જેના પર માખીઓ બણબણતી હોય એવું ઉઘાડું માંસ ખાય છે તથા કોઈ દિવસ બ્રશ કરતો નથી. એટલે એને ગમે ત્યારે કોઈ રોગનો ચેપ લાગી શકે અને એન્ટિબાયોટિક્સની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ ન હોવાને કારણે રિબાઈ રિબાઈને મરી શકે છે. છતાં, રોગોની સંભાવના તથા પ્રકૃતિનાં ઠંડી-ગરમી-વરસાદનાં આક્રમણો વચ્ચે એ વાઘ જંગલમાં ચોતરફ ગુંજતા મોતની અસુરક્ષા વચ્ચે પોતાની મસ્તીમાં જીવે છે. તો શું આપણે માણસો અસુરક્ષા વચાળે હરણ-વાઘની જેમ ભાર વિના જીવી ન શકીએ? ના, યે ન થી હમારી કિસ્મત … આપણને વાસ્તવિક ઉપરાંત પેલી બીજા પ્રકારની, માનસિક પ્રકારની અસુરક્ષા કનડતી હોય છે.

આ માનસિક અસુરક્ષા કમાલની હોય છે. એ અસુરક્ષાનો તો જન્મ જ સુરક્ષા માટેની ઇચ્છામાંથી થતો હોય છે. મારો દેશ એકદમ સુરક્ષિત હોવો જોઈએ … મારો પતિ ફ્ક્ત મારામાં જ ડૂબેલો રહેવો જોઈએ … આવી બધી ઇચ્છાઓ પહેલી નજરે એકદમ સ્વાભાવિક અને વાજબી લાગે તો પણ સમજવા જેવું એ છે સુરક્ષાની સ્વાભાવિક ઇચ્છા જ્યારે રઘવાટનું રૂપ ધરે છે ત્યારે તેમાંથી અસુરક્ષા જન્મે છે અને પછી એ જ અસુરક્ષાની લાગણીના પેટમાંથી ભય, ઇર્ષ્યા, હિંસા વગેરે જન્મે છે. એ ભય-ઇર્ષ્યા-હિંસા વકરે ત્યારે સુરક્ષા માટેનો રઘવાટ બળવત્તર બને છે અને સુરક્ષા માટેના રઘવાટમાંથી પા છી અસુરક્ષા જન્મે છે.

આ ચક્ર તૂટે કઈ રીતે? પોતાની પૂંછડી મોઢામાં નાખતા સાપ જેવું આ વર્તુળ છે. જો સાપ પૂંછડી છોડી દે તો વર્તુળ વિખરાઈ જાય, પણ સાપ પૂંછડી છોડે કઈ રીતે?

આ સવાલનો જવાબ ન જડે તો, લેખના આરંભે કહ્યું છે તેમ, ફરી ઊંધું વિચારી જોવું.

જેમ કે, આપણે સાવ જ અસુરક્ષિત છીએ એના સામેના છેડાનો વિચાર કયો હોઈ શકે?

એ જ કે આપણે એકદમ સુરક્ષિત છીએ.

હા, ખરેખર આપણે સુરક્ષિત છીએ. ચારે બાજુએથી સુરક્ષિત છીએ. ઉપર જુઓ તો ઉપરવાળો આપણી રક્ષા કરે છે. સરહદે નજર કરો ત્યાં દેશની મજબૂત સેના બેઠી છે. શરીરની અંદર નજર કરો તો આપણી સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ આપણી સુરક્ષા માટે હંમેશાં તૈયાર હોય છે. જે કુદરત માણસને ગમે ત્યારે ખતમ કરી નાખે છે એ જ કુદરત માણસને ખતમ કરતાં પહેલાં પ્રત્યેક પળે તેની સુરક્ષાની ગજબની કાળજી પણ લે છે. આપણા શરીરમાં ઉપસ્થિત અબજો બેક્ટેરિયા શરીરને ખતમ ન કરી નાખે એટલા માટે કુદરતે ભલભલા શાકાહારીના શરીરમાં પણ બેક્ટેરિયાની મોટા પાયે હત્યા કરવાની જવાબદારી નિભાવતા શ્વેતકણો તથા એન્ટિજન-એન્ટિબોડીનું મિકેનિઝમ ગોઠવ્યું છે. આ ઉપરાંત હવામાંના ઓક્સિજનથી માંડીને બીજી એવી અસંખ્ય બાબતો છે જે આપણને જીવતા રાખે છે, સુરક્ષિત રાખે છે…

એક તરફ, કુદરત પળેપળ આપણને સુરક્ષિત રાખવામાં કોઈ કચાશ નથી છોડતી અને બીજી તરફ, એ જ કુદરત કોઈ પ્રાકૃતિક આફત કે રોગ કે અકસ્માત કે યુદ્ધ વડે માણસને ગમે તે ઘડીએ ઉઠાવી પણ લે છે. યમરાજ ગમે ત્યારે સુરક્ષાનું કવચ ભેદીને આપણને ઉઠાવી શકે છે એ વાત સાચી, પણ યમરાજ આપણને ઉઠાવી જાય તે પહેલાં દાયકાઓ સુધી આપણે સુરક્ષિત કવચમાં જીવતાં રહીએ છીએ તેનું શું?

તો, બે સચ્ચાઈ થઈ …

૧) આપણે સાવ અસુરક્ષિત છીએ.

૨) આપણે એકદમ સુરક્ષિત છીએ.

આવી સામસામેના છેડાની સચ્ચાઈઓ વચ્ચે માનવજાત જીવતી હતી, જીવે છે, જીવતી રહેશે.

માટે, ઝાઝી ચિંતા કરવી નહીં. સુરક્ષાના મામલે બહુ ઊંચાનીચા થવું નહીં.

ડોન્ટ વરી, બી હેપી.

facebook .com / dipaksoliyal

સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ઍપ્રિલ 2019

Category :- Opinion / Opinion