મતનાં મૂલ, મોલ અને મોલ

ઉર્વીશ કોઠારી
21-04-2019

મતદાનનાં કે મતદારોની ઉદાસીનતાનાં કારણોની ચર્ચા કર્યા  વિના કે તેનો નીવેડો આણવાની દિશામાં કશો વિચાર કર્યા  વિના, ફ્ક્ત મતદાનની પવિત્રતાનાં ગાણાં ગાયા કરવાં, એ  બેટીની સલામતી પ્રત્યે ગુનાઇત ગાફ્લિયત રાખીને, બેટી  બચાવોની ઝુંબેશ ઉપાડવા જેવી વાત છે. ઇચ્છનીય અને જરૂરી, છતાં  અધૂરી અને અધકચરી.

ચૂંટણી લોકશાહીનો એવો કર્મકાંડ છે, જેમાં (સાચી દિશામાં થતું) કર્મ ઓછું ને કાંડનો પાર નથી હોતો. એક તરફ મતદારોને તેમના ઘરેથી મતદાન મથકે લઈ જવા માટે આગોતરા હાકોટા શરૂ થઈ જાય છે. મતદાન કેટલી પવિત્ર બાબત છે, તેનાં ગુણગાન જનહિતની જાહેરખબરો સ્વરૂપે દેખાવા લાગે છે. તત્ત્વતઃ એમાં કશું ખોટું નથી. મતદાન પવિત્ર નહીં તો પણ ઇચ્છનીય અને ફરજરૂપ તો છે જ. પરંતુ ઓછા મતદાનનાં કે મતદારોની ઉદાસીનતાનાં કારણોની ચર્ચા કર્યા વિના કે તેનો નીવેડો આણવાની દિશામાં કશો વિચાર કર્યા વિના, ફ્ક્ત મતદાનની પવિત્રતાનાં ગાણાં ગાયા કરવાં, એ બેટીની સલામતી પ્રત્યે ગુનાઇત ગાફ્લિયત રાખીને, બેટી બચાવોની ઝુંબેશ ઉપાડવા જેવી વાત છે. ઇચ્છનીય અને જરૂરી, છતાં અધૂરી અને અધકચરી. મહદ્ અંશે પ્રતીકરૂપ અને પ્રચારકેન્દ્રી.

લોકશાહીમાં મત કેવો અમૂલ્ય છે તેની કલ્પના આઝાદી અને બંધારણના અમલની સાથે જ મતનો અધિકાર મેળવી લેનાર ભારતીયોને કદાચ ન આવે. આપણા બંધારણમાં કરાયેલી ‘યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ’ (પુખ્ત વયના સૌ નાગરિકોને મતાધિકાર) અને ‘વન પર્સન, વન વોટ’(એક વ્યક્તિ, એક મત)ની જોગવાઈ કેટલી ક્રાંતિકારી છે, તે આટલાં વર્ષે સ્વાભાવિક રીતે જ વિસરાઈ ગયું છે.

અત્યારે કોઈને એવો પણ વિચાર આવે કે એક વ્યક્તિનો એક મત હોય, તેમાં વળી કયો મોટો સિદ્ધાંત છે? એ તો એમ જ હોય ને? એક વ્યક્તિને બે-ચાર મત થોડા આપવાના હોય? પરંતુ ઇતિહાસ સહેજ ઉથલાવતાં સમજાશે કે અમેરિકા અને બ્રિટન જેવા, જૂની અને મજબૂત લોકશાહી ધરાવતા દેશોમાં મહિલાઓને મતનો અધિકાર કેટલો મોડો મળ્યો. બ્રિટનમાં એકાદ સદીની લાંબી લડાઈ પછી છેક ૧૯૨૮માં ૨૧ વર્ષ કે તેથી વધુ વયની તમામ મહિલાઓને મતાધિકાર મળ્યો. અમેરિકામાં પણ મહિલાઓને એકાદ સદી સુધી સંઘર્ષ કરવો પડયો. ત્યારે તેમને બંધારણના ૧૯મા સુધારા અંતર્ગત, ૧૯૨૦માં મતાધિકાર મળ્યો. યાદ રહે, તે બંધારણમાં નિહિત કે સમાવિષ્ટ ન હતો. સુધારા દ્વારા તેને દાખલ કરવો પડયો. નોંધપાત્ર વાત એ છે કે અમેરિકામાં કાળા લોકોને (આંતરિક યુદ્ધના પરિણામસ્વરૂપે) મહિલાઓથી પચાસ વર્ષ પહેલાં, ૧૮૭૦માં મતાધિકાર મળી ગયો હતો. ત્યારે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે એ ફ્ક્ત કાળા પુરુષો અને મુક્ત કરાયેલા ગુલામ પુરુષો માટે જ છે. તેમાં સ્ત્રીઓનો સમાવેશ થતો ન હતો.

ભારતની વાત કરીએ તો, આઝાદી પહેલાં મતાધિકાર માટે અમુક સંપત્તિ હોવી જરૂરી હતી. એટલે કે ગરીબોનો મત હોઈ શકે અથવા તેમનો મત હોવો જોઈએ, એવો કોઈ ખ્યાલ ત્યારના અંગ્રેજી રાજનો ન હતો. આવો મતાધિકાર ધરાવતો ઉચ્ચ અને ઉચ્ચ મધ્યમ વર્ગ, શું ત્યારે કે શું અત્યારે, સરકારની કૃપા થકી પોતાનું હિત સાધી લેવાના પ્રયાસોમાં એટલો વ્યસ્ત અને રાજી હોય કે બાકીના લોકો ગણતરીમાં લેવાવા જોઈએ, એવું તેને પણ ન સૂઝે.

આ બધી વિગતો લક્ષમાં લીધા પછી વિચારો કે ભારતનું બંધારણ અમલમાં આવતાં વેંત, અમીર-ગરીબ, સાક્ષર-નિરક્ષર, સ્ત્રી-પુરુષ, શહેરી-ગ્રામ્ય બધાને મત આપવાનો અધિકાર મળ્યો. બીજી બાબતમાં સમાનતા આવે કે ન આવે, મતના અધિકાર બાબતે સૌ સરખા થયા. એટલું જ નહીં, સમાનતા પણ એકદમ આદર્શ બનીઃ ભલભલા અબજોપતિના મતની કિંમત પણ એક મત અને ઝૂંપડામાં રહેતાં ગરીબ માણસના મતની કિંમત પણ એક મત. આ જોગવાઈ વખતે એવું પણ કહેવાયું કે ભારતના મોટા ભાગના લોકો મતાધિકારને લાયક નથી. સાક્ષરતાનો દર સાવ ઓછો છે. આવા લોકોના હાથમાં મતનો અધિકાર આપવાથી લોકશાહીને સુકાન વગરના વહાણમાં બેસાડી દીધા જેવું થશે. એ વહાણ કિનારા સુધી નહીં પહોંચે. ખરાબે ચડશે ને નષ્ટ થશે.

પરંતુ આટલાં વર્ષોના અનુભવે જણાય છે કે જેમના વિશે અનેક આશંકાઓ હતી, એવા મતદારોના વખતમાં લોકશાહી સલામત રહી. (તેમાં મતદારોની ખાસ કશી કમાલ ન હતી. છતાં, મતદારોની જ વાત હોય ત્યારે આટલો ઉલ્લેખ કરવો પડે.) પરંતુ ભણેલા મતદારો અને હવે અધકચરું ભણેલા મતદારોના સમયમાં લોકશાહીની જે દુર્દશા થઈ છે, તે ચિંતાજનક છે. માત્ર ભણેલા જ નહીં, બૌદ્ધિક ગણાતા અને ઉચ્ચ સ્તરની વિદેશી યુનિવર્સિટીઓમાં ભણેલા લોકો પણ રાજકીય અભિપ્રાયો બાંધતી વખતે જે હદે ભરમાય છે, ભોળવાય છે, અંજાય છે કે સ્વાર્થવશ દોરવાય છે અને જે હદે સાચું સમજવાની કે સમજ્યા પછી તે સ્વીકારવાની શક્તિ ખોઈ બેઠા છે, તેમની સરખામણીમાં અભણ કહેવાતા મતદારો સારા લાગે. બહુ ડાહ્યો બહુ ખરડાય, એ કહેવતને તેમનામાંથી ઘણાએ સાચી પાડી બતાવી છે.

ઘણા વખતથી મતનાં મૂલ તો કહેવા ખાતરનાં, સૂત્રોમાં ને પ્રચારમાં જ રહી ગયાં છે. દેશમાં ખેતીનું ને ખેડૂતોનું જે થવાનું હોય તે થાય, આપણા નેતાઓ મતના મોલ (પાક) ઉતારવાનું શીખી ગયા છે. વધુમતીની અસલામતીના નામે, લઘુમતીના હિતના નામે, રાષ્ટ્રીય સુરક્ષાના બહાને કે સુપરપાવર બનવાના આંબાઆંબલી બતાવીને, સૈન્યના પરાક્રમના નામે ને કોમવાદી ઉશ્કેરણીના નામે અને આ બધા ઉપરાંત જ્ઞાતિની સંકુચિત ઓળખોની ધાર કાઢીને નેતાઓ મતનો પાક વાવે છે. તેમાં ઉશ્કેરાટ, અસલામતી, ઝાકઝમાળ, ભય, આભાસી ગૌરવ જેવાં ખાતરપાણી નાખવામાં આવે છે. તેમાંથી પેદા થતી ફ્સલનો ઊભો મોલ લણી લેવા માટે નેતાઓ આતુર જણાય છે.

તેમાં પણ છેલ્લાં થોડા સમયથી ચૂંટણીમાં નાણાંની બોલબાલાનું પ્રમાણ આસમાનને આંબી ગયું છે. પહેલાં ખેતરના ઊભા મોલ જેવી કિંમત ધરાવતા મત હવે જાણે વિધવિધ પેકિંગમાં અને આકારપ્રકારમાં બાકાયદા મોલમાં વેચાતા હોય, એવી રીતે વેચાતા થઈ ગયા છે. એ જોઈને મોટા ભાગના નેતાઓ લાળ ટપકાવે છે અને તેને ખરીદવા માટે યેનકેનપ્રકારેણ રૂપિયા એકઠા કરે છે. પાછા બેશરમ એવા છે કે પારદર્શકતાની ને કાળાં નાણાંના વિરોધની વાતો કરતાં કરતાં ચૂંટણી માટે અઢળક નાણાં ઉઘરાવે છે અને સર્વોચ્ચ અદાલતમાં બેશરમ થઈને કહી દે છે કે આ નાણાં ક્યાંથી આવ્યાં તે લોકોએ જાણવાની જરૂર નથી.

આપણા એક મતથી ક્રાંતિ થઈ જશે એવું માની લેવાની જરૂર નથી, એવી જ રીતે આપણા એક મતને નકામો ગણવાની પણ જરૂર નથી. તરફેણમાં મત આપવાની ઊલટ ન થાય, તો વિરોધમાં મત આપીને, કમ સે કમ આપણે, મતના માલિકો તો તેનું મૂલ પ્રમાણીએ.

e.mail : [email protected]

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ઍપ્રિલ 2019

Category :- Opinion / Opinion