શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે

ચંદુ મહેરિયા
19-04-2019

શિક્ષણના અધિકાર કાનૂન ૨૦૦૯માં સુધારો કરતું, સંસદના શીતકાલીન સત્રમાં પસાર થયેલું સુધારા બિલ, શિક્ષણના અધિકારના મૂળમાં ઘા સમાન છે. શિક્ષણના અધિકાર કાયદામાં એવી જોગવાઈ હતી કે દેશના કોઈપણ બાળકને ધોરણ ૧ થી ૮માં નાપાસ કરવામાં આવશે નહીં. ૨૦૧૮માં લોકસભાએ અને હવે રાજ્યસભાએ પસાર કરેલ ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન (સેકન્ડ એમેન્ડમેન્ટ) બિલથી કેન્દ્ર સરકારે રાજ્યોને ધોરણ ૫ અને ૮માં વિધાર્થીઓને પરીક્ષામાં નાપાસ કરવાનો  અધિકાર આપ્યો છે. કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરની દલીલ હતી કે દેશના ૨૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ માટેની માંગણી કરી હતી.

ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૧૪માં દેશના ચૌદ વરસ સુધીના તમામ બાળકોને બંધારણ અમલી બન્યાના દસ વરસમાં સાર્વત્રિક, ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણનું વચન આપવામાં આવ્યું છે. એ બાબત નોંધપાત્ર છે કે બંધારણની બીજી કોઈ જોગવાઈઓમાં આવી સમયમર્યાદા નિર્ધારિત કરી નથી. પરંતુ તમામ સરકારોએ આ વચનની ઉપેક્ષા જ કરી. ૧૯૯૩માં દેશની સર્વોચ્ચ અદાલતે શિક્ષણના અધિકારને જીવનના અધિકારનો અભિન્ન હિસ્સો ગણ્યો હતો. તે પછીના પોણા દાયકે સરકાર જાગી અને ૨૦૧૦માં પ્રાથમિક શિક્ષણના અધિકારનો કાયદો કરવામાં આવ્યો.

મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારનો આ કાયદો એપ્રિલ ૨૦૧૦થી અમલી બન્યો છે. આ કાયદો તેની ઐતિહાસિક મહત્તા છતાં ઘણો ઊણો છે. હવે સરકારો તેમાં સુધારા કરીને તેની ધાર વધુ બુઠ્ઠી બનાવી રહી છે. ૨૦૦૯ના કાયદાના સેકશન ૧૬માં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કોઈ પણ બાળકને પ્રાથમિક શાળામાં નાપાસ કરવામાં ન આવે. પરીક્ષામાં તે શૂન્ય માર્કસ મેળવે તો પણ તેને ઉપલા વર્ગમાં ચઢાવવાની આ જોગવાઈ પરીક્ષા પદ્ધતિની ખામી અને બાળક પ્રત્યેના ભેદભાવમાંથી ઉદ્દભવી હતી. પરંતુ રાજ્ય સરકારોની દલીલ એવી હતી કે બાળકોને નાપાસ થવાનો ડર ન હોવાથી તેઓ અભ્યાસમાં ખૂબ જ નબળા રહે છે અને શિક્ષકો પણ યોગ્ય રીતે ભણાવતા નથી.

ગુણવત્તા વગરનું પ્રાથમિક શિક્ષણ કંઈ શિક્ષણ અધિકારના કાનૂન પછી જ ઉદ્દભવ્યું નથી. વરસોથી પ્રાથમિક શિક્ષણની ગુણવતાના પ્રશ્નો  છે જ. દેશની ૯૦ ટકા શાળાઓ પ્રાથમિક શિક્ષણ અધિકાર કાનૂનની જોગવાઈઓ પ્રમાણેની નથી. સરકારોને તેની કશી શરમ પણ નથી અને તેને સુધારવી પણ નથી. પરંતુ એ જ સરકારોને ધરાર વિધાર્થીઓને નાપાસ કરવા છે ! પાંચમા અને આઠમાની પરીક્ષામાં નાપાસ કરવાની જોગવાઈ કરતું સુધારા બિલ હજુ તો કાયદો નથી બન્યું ત્યાં જ ગુજરાતમાં તો તેના અમલની જાહેરાતો થઈ ગઈ છે. એટલું જ નહીં  હરખપદુડી ગુજરાત સરકાર તો ત્રીજા ધોરણમાં પણ બાળકને નાપાસ કરવાની માંગ કરે છે.

રાજ્યસભામાં જ્યારે આ સુધારા બિલ ચર્ચામાં આવ્યું ત્યારે કેન્દ્રના માનવ સંશાધન મંત્રીએ તો કેટલાક બાળકો ભણવાને બદલે શાળામાં મધ્યાન્હ ભોજન માટે જ આવે છે એમ પણ કહી દીધું હતું ! જો કે ડાબેરી પક્ષો અને લાલુપ્રસાદ યાદવના પક્ષે તેમની ગરીબ તરફી નિસબત દર્શાવી બિલનો વિરોધ કર્યો હતો. મંત્રી મહોદયે ૨૫ રાજ્યોની માંગણી અને પાર્લામેન્ટરી કમિટીએ બિલને ચકાસ્યું હોવાનું જણાવીને બિલને પસાર કરવા સભ્યોને જણાવ્યું હતું. તો દેશના અનેક શિક્ષણવિદો તથા શિક્ષણ અને માનવ અધિકારના ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓએ બિલનો વિરોધ કરવા રાજ્યસભાના સભ્યોને અપીલ કરી હતી.

ખરો સવાલ આપણી પ્રાથમિક શાળાઓને પૂરતી સગવડો અને ગુણવત્તાવાળા શિક્ષકો પૂરા પાડવાની છે નહીં કે બાળકોને નકામી પરીક્ષા પદ્ધતિને કારણે નાપાસ કરવાની. ગુજરાત સરકાર ગુણોત્સવના પરિણામો જાહેર કરતી નથી, પૂરા પગારે શિક્ષકોની નિમણૂક કરતી નથી પણ તેની નિષ્ફળતાનું ઠીકરું બાળકો પર ફોડે છે. કેમ પાંચમા ધોરણના અડધોઅડધ બાળકોને પહેલા ધોરણ જેટલું પણ આવડતું નથી તેના સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને શૈક્ષણિક કારણો શોધવાની જરૂર છે. પ્રાથમિક શિક્ષણ પછીના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ અને યુનિવર્સિટી શિક્ષણમાં તો વરસોથી નાપાસ કરવાની પદ્ધતિ અમલી છે તેમ છતાં કેમ ત્યાં વિદ્યાર્થીઓ નબળા છે ? દસમી બારમીની બોર્ડ એકઝામમાં શૂન્ય પરિણામ મેળવતી શાળાઓ છતાં કેમ શાળાઓ ચાલે છે અને શિક્ષકોને પગારો મળે છે ?

રાજ્યસભામાં સરકારે એવું આશ્વાસન આપ્યું છે કે માર્ચ માસમાં જે વિધાર્થી નાપાસ થશે તેની બે મહિના પછી ફરી પરીક્ષા લેવાશે અને તેમાં જો પાસ થશે તો ઉપલા વર્ગમાં મોકલવામાં આવશે. પરંતુ અતિરિક્ત પરીક્ષા સાથે વેકેશનના એ બે મહિનામાં અતિરિક્ત શિક્ષણની કોઈ ઠોસ જોગવાઈ કરી નથી. સરકાર કેરળ, તેલગંણા અને સિક્કિમમાં ખાનગી શાળાના બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા હોવાનો દાવો કરી તેના સરકારી શિક્ષણની વાહવાહી કરે છે. પરંતુ ૨૦૧૫માં ઉત્તર પ્રદેશના ખાડે ગયેલા પ્રાથમિક શિક્ષણની હાલત સુધારવા  અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) હાઈકોર્ટે નેતાઓ, અધિકારીઓ અને તમામ સરકારી કર્મચારીઓને તેમના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવા આદેશ કર્યો હતો તેના અમલનું શું થયું ?તેનો જવાબ કેમ અપાતો નથી? શિક્ષણને બજારના અને ખાનગી ક્ષેત્રના હવાલે કરવા સતત પ્રયાસો કરવા, ગરીબોના બાળકોના માથે સગવડો વગરની ગુણવત્તાહીન સરકારી શાળાઓ મારવી અને તેમની પાસે સારા પરિણામની પણ અપેક્ષા રાખવી તે શું યોગ્ય છે?

જેમ ખાનગી શાળાઓનું શિક્ષણ ઉત્તમ મનાય છે તેમ શિક્ષણનું માધ્યમ માતૃભાષાને બદલે અંગ્રેજી રાખવાનું પણ ચલણ વધ્યું છે. આ બધા પ્રશ્નો પ્રત્યે આંખ આડા કાન ક્યાં સુધી કરતા રહીશું ? પૂરતા અને તાલીમી શિક્ષકો, સાધનસજ્જ શાળાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની સગવડો ન આપી શકતી સરકારો બાળકોને નબળા હોઈ નાપાસ કરવામાં વધુ ધ્યાન આપે છે. દેશમાં વર્ગખંડો વિનાની, ઓછા વર્ગખંડોવાળી કે શિક્ષકોવાળી શાળાઓ શિક્ષણની બદહાલી દર્શાવે છે. તો એકલ શિક્ષકોવાળી શાળાઓ આ બદહાલીની ટોચ છે. દેશની ૯૮,૪૪૩ સરકારી પ્રાથમિક શાળાઓના ૧ થી ૫ ધોરણ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. ગણિત વિજ્ઞાનના શિક્ષકો ગુજરાતમાં આજે પણ પૂરતા નથી અને આદિવાસી વિસ્તારોમાં તો જરા ય નથી. આ સ્થિતિમાં સાર્વત્રિક અને સમાન શિક્ષણ તો બહુ દૂરની વાત છે. પ્રજાસત્તાકના સાઠ વરસ પછી મળેલા શિક્ષણના અધિકારને છીનવવાનો પ્રયાસ થયો હોય અને તે અંગે દેશમાં કશો ઊહાપોહ ન થાય તે ભારે ચિંતાજનક છે.

e.mail : [email protected] gmail.com

‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, સંદેશ”, 16 જાન્યુઆરી 2019

Category :- Opinion / Opinion