ચાદર-ઓછાડ

પ્રફુલ્લ રાવલ
19-04-2019

છેલ્લા સાઠ માસના મારા શ્વાસ-ઉચ્છવાસની
લખવા બેઠો છું વહી
ત્યાં જાણે કોઈક મને પૂછી રહ્યું છે.
‘કોન હાટે તૂઈ બિકોતે ચાસ
            ઓ રે આમાર ગાન?’
શો ઉત્તર વાળું?
કેટકેટલી મંડાઈ છે મારી આજુબાજુ હાટ!
ચકરાવે ચડ્યા છે શબ્દો -
            વ્યવહારના, વેપારના, વાયદાના
હું છું તો
‘We, the people’માંનો એક
કહો, કહેવું હોય તો ‘હું નાગરિક છું.’
પણ મારે માનવાનું છે એ જ સત્ય
જે મને સંભળાવાય છે
મારે નથી ગાવાની પેલી પ્રાર્થના ...
‘અસત્યો માંહેથી પ્રભુ પરમ ...’
મારે મારા તર્કને મારી દેવાનું છે તાળું
મારે બસ આટલું જ સમજવાનું :
‘સાંભળો, અમે લઈ આવ્યા છીએ
તમારા માટે આવતી કાલ, ઊજળી આવતી કાલ,
તમે સુરક્ષિત છો. બદલશો નહીં ચાદર-ઓછાડ.

Email : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 20

Category :- Poetry