દિલી અલ્વિદા?

ઉમાશંકર જોશી
18-04-2019

 

અલ્વિદા, શાહજહાનાબાદ, આમ પ્રજાની દિલ્હી!
જામા મસ્જિદના ઊડવા કરતા નમણા મિનારા,
લાલ કિલ્લાના સ્વપ્નિલ કોટકાંગરા,
રાજઘાટ શાંતિવન વિજયઘાટની ઊની ઊની સ્મૃતિરાખ
- તે તો હૈયે સદાયે -
નિર્જીવ મૃત્યુદમામ અલ્વિદા!

અલ્વિદા, પુરાણા કિલ્લા! એક અસ્ત પામેલી દિલ્હી.
કાંકરે કાંકરે, અધઊભી ભીંત-કરાડે, કરાળ બખોલે,
મૃત્યુનાં જડબાંની નિશાની ભીષણ.
મહાનગરની વચ્ચે વચ્ચે અનેક
બાવળની કાંટ્યમાં સાંજુકી વેળા
જાગી ઊઠતી શિયાળવાંની લાળી,
જાણે મહાનગરની કરોડરજ્જુમાં કાળધ્રુજારી.

નવી, સાતમી દિલ્હી, ખબર છે તને તો -
ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.

ખેડુની - શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છે
એને વધુ વાંકી વાળતી
દુનિયાની રાજધાનીઓ
રૂડી રૂડી વાતોને નામે.
સાતમી દિલ્હી, નીચે ઊતરી શકીશ,
જીવી જઈશ,
દિલ્હીપણાને કરી તારી - અને મારી પણ -
દિલી અલ્વિદા?

નવી દિલ્હી, 25 ઍપ્રિલ 1976

[વંચાયું તા. 08 જાન્યુઆરી 1977, અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદના કાવ્યસંમેલનમાં]

‘અલ્વિદા દિલ્હી, એ દીર્ઘ રચનાનો અંતિમ અંશ, શીર્ષકફેરે

(સાભાર : ‘સમગ્ર કવિતા’, દ્વિતીય આવૃત્તિ, ડિસેમ્બર, 1981)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 24

રસિકજનોને સારુ, આ દીર્ઘ કાવ્યની કડી સાદર :

http://opinionmagazine.co.uk/details/1273/અલ્વિદા-દિલ્હી

Category :- Poetry