ચશ્માં

‘નવ્યાદર્શ’
15-04-2019

એક દિવસ મારાથી એના ચશ્માં તૂટી ગયાં
જ્યારે મારી સાળીના પાલવનો હળવો ઝોક લાગ્યો ત્યારે
એના બે દિવસ પછી ફરી એના ચહેરા પર નવાં ચશ્માં હતા
એ દિવસે એને મન ભરીને જોયો
કારણ કે, બે દિવસ તો એમની ચશ્માં વગરની આંખોથી બચતી રહી
રખેને જોવાઈ જાય તો ગુસ્સો જ ફૂટી નીકળે એનો
પણ એના નવાં ચશ્માંએ એનો ગુસ્સો પીગળાવી દીધો હતો
ના ના
નવાં ચશ્માં સાથેના મારા વહાલે
એનો ગુસ્સો ઊતારી દીધો હતો
એ દિવસે એ પણ દર્પણનો દીવાનો બન્યો હતો
જ્યારે ઘરે જતો તો મસ્તીખોર બાળકોના હાથોથી એમનાં ચશ્માં તૂટતાં
ત્યારે બાળકો સામે હસતો તે
ક્યારેક પોતાના જ હાથ અડવાથી જમીન પર પડી જતાં
ત્યારે ચશ્માંના કાચ તૂટી જતા
તેમનું હૃદય પણ તૂટતું
આખરે એમણે
અનબ્રેકેબલ કાચ નંખાવ્યા
તો પણ ક્યારેક પોતાના હાથથી મારોડાય જતાં અને બટકી જતાં
આજે જ્યારે એ ચશ્માં પહેરી સામે આવે છે
હું સંભાળીને મૂકી રાખું છું
આજે જ્યારે હું અરીસામાં મારા ચહેરાને જોઉં છું
અને તેમાં મારી આંખોને
ત્યારે ચશ્માં અંદરની તેની
ભોળી અને ભાવભીની આંખો તરી આવે છે મારી યાદોમાં
વારંવાર તૂટતાં હૃદયની એને આદત પડી ગઈ હતી
કદાચ એ હૃદય પણ એના ચશ્માં માફક
અનબ્રેકેબલ બની ગયું હશેને?
કે પછી કોઈએ એને પણ મારોડી નાખ્યું હશે?
મારું હૃદય એના અનબ્રેકેબલ ચશ્માં માફક હવે તૂટતું નથી
જીવનની વરવી વાસ્તવિકતાનો સ્વીકાર કરી
એક કદમ, બસ એક કદમ આગળ ચાલી ગઈ હતી
અનબ્રેકેબલ હૃદય સાથે
હવે જયારે ક્યારેક અતીતની વાટે જાઉં છું
ત્યારે તે મને ત્યાં જ મળે છે જ્યાં મેં એને છોડ્યો હતો
હવે તે પોતાના ચશ્માંને નથી સાચવતો
બસ એની બે ભોળી આંખો
શોધ્યે રાખે છે
ખાલી અને સૂનસાન રસ્તાઓમાં, કે પછી ક્યારેક ભીડમાં
કે ક્યારેક કોઈ મળી જાય એને
ઘણીવાર વાસ્તવિકતા આગળ
સપનાઓ હારી જતાં હોય છે
પણ ઉમ્મીદ એની આંખોમાં આજે પણ
એવી જ હતી.

e.mail : [email protected]

Category :- Poetry