કલમ અને તું

‘નવ્યાદર્શ’
15-04-2019

મને ખબર છે
તારા પ્રેમની
એ ક્યારે ય ઓછો નથી થવાનો
તો પણ હવે સમય આવી ગયો છે
તારા અને મારા વચ્ચે દૂરતાનો
મને ખબર છે
તારું સામે હોવું અને દૂર જવું કેટલું વસમું હોય છે
જ્યારે તારી આંખોને જોઉં છું.
વસમું હોય છે
જ્યારે તારા ગાલો પર હાથ રાખી
દૂર જવાનું કહેવું
તારા હાથોનો સ્પર્શ જ એવો છે
કે તેને ન છોડી શકાય.
તો પણ
આજે હું ચાહું છું દૂર જવા
શા માટે? મને ખબર નથી.
બસ એટલી ખબર છે
કે આજે નહીં તો કાલે
હું જઈશ તારી જિંદગીમાંથી
આજે હું છું તારી સાથે
અને સમજી શકું છું તારી વેદનાને
જાઉં એ પહેલાં જ તને બનાવવા માંગુ છું હું
કે તું બને એક પથ્થર
શિલ્પ માફક ઘડી લઉં તને સુંદર રીતે
કોઈ જુએ તને તો પણ અહેસાસ ન હોય એને
કે હું નથી હવે તારી જિંદગીમાં
તો પણ
ચાહી શકું છું હું
આવી શકું છું હું
જઈ પણ શકું છું હું
કારણ મને ખબર છે
તારા હૃદયના દરવાજા ખુલ્લા જ હશે મારા માટે
એટલે તો જઈ શકું છું
અને તોડી શકું છું તારી જિદ્દને
આ વ્યસ્ત જીવનમાં ક્યારેક યાદ કરીશ તને
ક્યારેક તારા માટે લખવાનો ફરી પ્રયાસ કરીશ
કલમ અને તું
જાણે બંને એકરૂપ છો
હું કલમ ઉઠાવીશ, તું શબ્દ બનીને આવીશ ને?

e.mail : [email protected]

Category :- Poetry