જગ વંદનીય કસ્તૂરબા

આશા બૂચ
01-04-2019

આ ઉક્તિ અગણિત વખત કહેવાઈ ચૂકી છે. તો આજે ફરી તેનો ઉલ્લેખ શા માટે? ગાંધી 150 નિમિત્તે ભારત અને દુનિયાના અન્ય દેશોમાં અસંખ્ય કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે, જે ઉચિત જ છે. માર્ક ટવેઇને જાણે કે આપણને તેવા મહાનુભાવોની સિદ્ધિ પાછળ કોનો કોનો ફાળો હોઈ શકે એ તપાસવા સૂચન કર્યું હતું. આ એમણે દીધું અવતરણ છે : ‘Behind every successful man, there is a woman.’ — Mark Twain

ગાંધીજીના સંદર્ભમાં જોઈએ તો તેમના ચારિત્ર્ય ઘડતરમાં પિતાશ્રી કરમચંદ ગાંધી જેટલું જ અથવા તેથી ય વિશેષ માતા પૂતળીબાઈનું પ્રદાન રહ્યાંનું પ્રમાણ તેમની આત્મકથામાંથી મળી રહે છે. આપણે ગાંધીજીને જેવા જાણીએ છીએ તેવા બનાવવામાં બીજી વ્યક્તિ કે જેણે જાણ્યે અજાણ્યે ભાગ ભજવ્યો હોય તો તે છે કસ્તૂરબા. એ હકીકત નિર્વિવાદ છે. છતાં આપણે ‘બા’ વિષે કેટલું જાણીએ છીએ?

એપ્રિલ 1869(એક સ્ત્રોત મુજબ 11 એપ્રિલ 1869)માં પોરબંદર ખાતે ગોકળદાસ અને વ્રજકુંવરબા કાપડિયાને આંગણે બે ભાઈની લાડકી બહેન કસ્તૂરનો જન્મ. પિતા કાપડ, અનાજ અને રૂનો વેપાર દેશદેશાવરમાં કરતા અને દરિયો પણ ખેડેલો. કસ્તૂર ખૂબ લાડમાં ઉછરેલી. વ્રજકુંવરબા અને ગાંધીજીનાં માતા પૂતળીબાઈ સહિયર. આટલું તેમના બાળપણ વિષે જાણીએ છીએ.

જગતને તો ‘સત્યના પ્રયોગો’ મારફત જ કસ્તૂરબાનો પ્રથમ પરિચય થયો ગણાય. ત્યાર બાદ સ્વાતંત્ર્ય સંગ્રામની વિગતોમાં કસ્તૂરબાનો ઉલ્લેખ જોવા મળે ખરો, પરંતુ તેમની જીવની લખાઈ નથી. ગાંધીજીના પુત્ર મણિલાલના સુપુત્ર અરુણભાઈ ગાંધીએ એ કાર્ય પાર પાડવાનું બીડું ઝડપ્યું. તેઓ લખે છે, “મોટા ભાગના લોકો એવું માનતા કે બા એક અલ્પશિક્ષિત, સાધારણ અને સુશીલ સન્નારી હતાં. તેઓ પોતાના પતિને જરૂર અનુસરતાં પણ પતિ જે વિરાટ કાર્યો કરતા તે ભાગ્યે જ સમજતાં”. આ માન્યતાને હકીકતનો આયનો બતાવવા અરુણભાઈએ કસ્તૂરબા વિષે લખવાનું નિરધાર્યું. આ કામ ધાર્યા કરતાં કઠિન સાબિત થયું. માતા-પિતા અને ભાઈઓનું નાની વયે અવસાન અને પોરબંદરના પૂરમાં ધોવાઈ ગયેલા તમામ દસ્તાવેજોને કારણે મૌખિક ઇતિહાસ એ જ એક માત્ર સંશોધન માટેનો સ્ત્રોત બની રહ્યો. અહીં નોંધવાનું એ છે કે મુલાકાત આપનારાઓ ગાંધીજીના પ્રેરક વ્યક્તિત્વ અને તેમની અતુલ સિદ્ધિઓથી અંજાયેલા હતા, તેથી કસ્તૂરબાને કેન્દ્રમાં રાખીને માહિતી એકઠી કરવી મુશ્કેલ હતી. આ હકીકત પૂર્વના એક તત્ત્વજ્ઞાનીનાં કથન ‘વટવૃક્ષ નીચે બીજું કશું ઊગી શકતું નથી’ એ પૂરવાર કરે છે. છેવટ ‘અ ફરગોટન વુમન’ પુસ્તક તૈયાર તો થયું, પણ જોજો, તેને પ્રકાશિત કરવામાં ય અડચણો આવી. યુરોપ-અમેરિકાના પ્રકાશકો તરફથી ‘કસ્તૂરબામાં કોને રસ પડે? તમે તમારા દાદા મહાત્મા ગાંધી વિષે કેમ નથી લખતા?’ એવા પ્રતિભાવો મળ્યા. છેવટ 1979માં એક જર્મન પ્રકાશકે તેની જર્મન આવૃત્તિ પ્રગટ કરી. સોનલ પરીખે તેનો ગુજરાતી અનુવાદ આપીને આપણા સહુ પર મોટો ઉપકાર કર્યો. એક બેઠકે વાંચવું ગમે તેવું પુસ્તક. એ પુસ્તકના વાંચનમાંથી ચયન કરીને થોડું પીરસું છું.

ગાંધીજીનાં ઉત્તમ અર્ધાંગિની હોવા ઉપરાંત કસ્તૂરબા ખરેખર કેવાં ગુણો અને શક્તિઓનાં ધની હતાં એ ભાગ્યે જ પ્રકાશમાં આવ્યું છે.

આપણે એ જાણીએ છીએ કે ગાંધીજીએ અન્યાયી કાયદાઓ અને સામાજિક-રાજકીય મુદ્દાઓ લઈને અનેક લડાઈઓ કરી. એ લડાઈના રથના ચક્ર હતાં સત્ય અને અહિંસા. પણ અહિંસાની એક સાધન તરીકેની પોતાની ખોજ વિષે ગાંધીજીના જ શબ્દો ટાંકું, “હું અહિંસા (સત્યાગ્રહ)નો પહેલો પાઠ મારી પત્ની પાસેથી શીખ્યો. મેં તેને મારી ઈચ્છા મુજબ વાળવાનો પ્રયત્ન કર્યો. એક તરફ મારી ઇચ્છાનો મક્કમ પ્રતિકાર અને બીજી તરફ મારી મૂર્ખામીને કારણે પડતાં કષ્ટોનો મૂંગે મોઢે સહન કરવાની તેની શક્તિ, કે જેણે છેવટ મને શરમિંદો બનાવ્યો અને હું તેના પર ધણીપણું કરવા જન્મ્યો છું એવી માન્યતામાંથી બચાવી લીધો. અને અંતે તે મારી અહિંસાની ગુરુ બની.” તો એ હતું કસ્તૂરબાનું વ્યક્તિત્વ જે તેર-ચૌદ વર્ષની કુમળી વયે ગાંધીજીના જીવનને સ્પર્શી ગયું અને એક જુદો જ વળાંક આપી ગયું.

મોહનદાસ અને કસ્તૂરબાઈનાં લગ્ન માત્ર તેર વર્ષની કુમળી વયે થયેલ. બંનેને ઉત્તમ સંસ્કાર વારસો મળ્યો, પણ એક તફાવત હતો; કિશોર મોહનને શાળાનું શિક્ષણ મળતું હતું જ્યારે કસ્તૂરને ઘરકામની તાલીમ મળતી હતી. લગ્ન બાદ ગાંધીજીએ કસ્તૂરબાને લખતાં-વાંચતાં શીખવવા માટે ભરચક પ્રયાસો કર્યા, પણ જે અધિકાર સદીઓથી કન્યાઓને કે સ્ત્રીઓને મળેલો જ નહોતો તેની ઝંખના કસ્તૂરબામાં જાગે એ સંભવ નહોતું. જો કે અહીં નાની વયમાં પણ ગાંધીજીમાં સુધારાવાદી વિચારો હોવાનો પુરાવો મળે છે. પરંતુ સમયનાં વહેણ સાથે જે બાળાને ઘરમાં પોતાના પતિ પાસે લખતાં-વાંચતાં શીખવા પ્રત્યે અણગમો હતો, તે કસ્તૂરબા એ તો શીખી જ ગયાં એટલું જ નહીં, જાહેરમાં પ્રવચનો પણ આપવા લાગ્યાં. તેમનું કાઠું કેટલું મોટું થઇ ગયું હશે?

કિશોર વયની ગૃહિણી કસ્તૂરબાનાં સ્વભાવ અને વર્તન વિષે મુખ્યત્વે ‘સત્યના પ્રયોગો’ પરથી માહિતી મળે છે. તે સમયના ગાંધીજીના કસ્તૂરબા પ્રત્યેના અધિકાર જમાવવા હેતુ ફરમાવેલ નિષેધોનો શાંત પ્રતિકાર તેમના વ્યક્તિત્વનું એક પાસું બતાવે છે. તેઓ એક સ્વતંત્ર નારી છે અને કોઈ પણ અયોગ્ય માગણીઓ કે આજ્ઞાઓને આધીન નહીં થાય તેવો સંદેશ એ કુમળી વયે આપેલો, જે સદાય પાળતાં રહ્યાં. આમ છતાં ગાંધીજીના અનેક નિર્ણયોમાં સમજપૂર્વક સાથ આપ્યો અને પોતાની ઈચ્છાઓને મનમાં ધરબી દીધી એ પણ જાણીએ છીએ. ગાંધીજી અને કસ્તૂરબાનાં સુદીર્ઘ પરિણીત જીવનમાં પરસ્પર સાથે અસહમત થવાના અનેક પ્રસંગો આવ્યા. ગાંધીજી રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં ઘણી ઊંચાઈને આંબી ગયા; પણ ખરું જોતાં કસ્તૂરબા જ એક માત્ર એવી વ્યક્તિ હતાં જે ગાંધીજી સાથે અસહમત થઇ શકે એટલું જ નહીં, તેમની ભૂલો તરફ આંગળી પણ ચીંધી શકે. આવો અધિકાર પરસ્પર પ્રત્યેના પ્રેમ અને આદરમાંથી જ જન્મી શકે. કસ્તૂરબાનું આવું મહત્ત્વનું સ્થાન બતાવી આપે છે કે તેઓની વ્યવહારિક સૂઝ, અન્યોની જરૂરિયાતો સમજવાની દ્રષ્ટિ અને સિદ્ધાંતોથી પર ઊઠીને પોતાના અને અન્યના અધિકારોની રક્ષા કરવાની આંતરસૂઝ અનોખી હતી.

ગાંધીજી અને કસ્તૂરબાનાં જીવનની ઘટનાઓ પર નજર નાખતાં વિચાર આવે કે તેમના જીવન પંથમાં કંટકો ઘણા વેરાયેલા. કસ્તૂરબાને તરુણ વયે માતૃત્વ મળ્યું અને હાથમાંથી સરી ગયું. પછી જ્યારે ખોળામાં તંદુરસ્ત બાળક રમતો થયો ત્યારે ગાંધીજી વિલાયત આગળ અભ્યાસાર્થે ગયા. ત્રણ વર્ષ જુદાઈમાં વિતાવ્યા. બીજા સંતાનનો જન્મ થયો તેવામાં ગાંધીજી પોતાનું નસીબ અજમાવવા દક્ષિણ આફ્રિકા રવાના થયા. ફરીને કસ્તૂરબાને એકલે હાથે શ્વસુર ગૃહે રહીને સંતાનોના ઉછેરની જવબદારી આવી. આખર કસ્તૂરબા દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે પરિવાર તરીકે સાથે રહેવાનો અને આર્થિક સંકડામણમાંથી છુટકારો મળ્યાનો આનંદ ભોગવી શક્યાં. એ સુખ અલ્પજીવી નીવડ્યું. બે સંતાનોની પ્રાપ્તિ થઇ એ લાભ થયો, પણ દક્ષિણ આફ્રિકાના વસવાટનાં વર્ષો ગાંધીજી જાહેર જીવનમાં પડયા હોવાને કારણે તેમની જેમ જ આખા પરિવારે અનેક પ્રકારના લોકોની સાથે રહેવામાં, સત્યાગ્રહમાં ભાગ લઈને જેલવાસ ભોગવવામાં અને બે જુદાં શહેરોમાં રહીને કઠિનમાં કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવામાં ગાળ્યો. તે સમયે કસ્તૂરબાની ધીરજ, ક્ષમાશીલતા, હિંમત અને પ્રેમભાવના ચરમ સીમાએ પહોંચેલી. ભારત પરત થયા બાદ, અસહકારના આંદોલનો સમયે, રચનાત્મક કાર્યોના પ્રસાર અર્થે અને બાકીના સમયમાં જેલવાસને કારણે ગાંધીજીનો પરિવાર ભાગ્યે જ એક જગ્યાએ ઠરીઠામ થયો. જે નારી પોતે, તેના પતિ અને બે પુત્રો એકી સમયે જેલમાં સખત મજૂરીની સજા ભોગવતા હોય તેનું મનોબળ કેટલું અમાપ હશે?

ગાંધીજીની વિચારસરણી અને કાર્યો જેમ જેમ બહોળા સમાજના હિતને વરીને સાર્વત્રિક બનવા લાગ્યા તેમ તેમ કસ્તૂરબાની પણ એ સિદ્ધાંતો અને કાર્યપદ્ધતિને સમજીને અપનાવવાની ક્ષમતા ખીલતી ગઈ. દક્ષિણ આફ્રિકામાં કસ્તૂરબાએ તે સમયની કોઈ મહિલા વિચારી પણ ન શકે એવું હિંમત ભર્યું પગલું ભર્યું અને સત્યાગ્રહમાં ભાગ લઇ જેલવાસ સ્વીકાર્યો. પોતાની સાથેની બહેનોને જેલનો ત્રાસ સહન કરવા અને અહિંસક માર્ગમાંથી ન ડગવા પ્રેરણા આપી, હિંમત આપી. 1914માં ભારત પરત થયા બાદ પોતાનું સ્વાસ્થ્ય નબળું હોવા છતાં નારી ઉત્થાન, સ્ત્રી શિક્ષણ, સફાઈ જેવાં ગ્રામોદ્ધારનાં કાર્યો અને અસહકારની ચળવળોમાં પૂરી શક્તિથી ભાગ લીધો, એટલું જ નહીં, આગેવાની પણ કરી. આ બધાં કાર્યો માટે ફાળો ઉઘરાવવામાં કસ્તૂરબા આગળ પડતો ભાગ લેતાં. અસ્પૃશ્યતા નિવારણ માટે દક્ષિણ ભારતમાં ભ્રમણ કર્યું. માનવ માત્ર પ્રત્યે અનુકંપા અનુભવતાં હોવાને કારણે કસ્તૂરબા 1904ના જોહાનિસબર્ગમાં ફાટી નીકળેલ પ્લેગ દરમ્યાન લોકોને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવું અને પ્લેગના ચિન્હોને કેમ પારખવાં એ શીખવવા દિવસ રાત મજૂર વસ્તીમાં ફર્યાં. તેમ જ ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ ચંપારણમાં શરૂ કર્યો ત્યારે કસ્તૂરબાએ એ વિસ્તારની બહેનોને વ્યક્તિગત સ્વચ્છતા અને જાહેર આરોગ્યના નિયમોનું કઈ રીતે પાલન કરવું એ સમજાવવાનું અને મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાના કાર્યક્રમો હાથ ધરેલા.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં ભાગ લીધો ત્યારથી કસ્તૂરબાએ જાહેર જીવનમાં ઝંપલાવેલું જે 1915માં ભારત આવ્યા બાદ અવિરત પણે ચાલુ રહ્યું. આ તબક્કે જાણે પ્રતીત થાય કે કસ્તૂરબા હવે માત્ર પોતાના પતિના માર્ગે ચાલવાનો એક હિન્દુ સ્ત્રીનો ધર્મ છે માટે જ તેમના કાર્યોમાં સાથ નથી આપતાં, પણ એ સઘળા સિદ્ધાંતો અને કાર્યક્રમોમાં તેમની એક અલગ અને અતૂટ શ્રદ્ધા છે માટે સ્વેચ્છાએ કરતાં હતાં. રાજકીય વાટાઘાટો અને બ્રિટિશ રાજના પદાધિકારીઓ સાથે તથા પક્ષીય નેતાઓ સાથેની મંત્રણાઓમાં ગાંધીજી વ્યસ્ત રહેતા, જ્યારે કસ્તૂરબા રચનાત્મક કાર્યોમાં ગળાબૂડ રહેતાં. કોઈ વખત હરિલાલ પાસે થોડા દિવસ રહે કે દેવદાસના સંતાનોની સંભાળ રાખવા પહોંચી જાય. ક્યારેક દક્ષિણ ભારતમાં અસ્પૃશ્યતા નિવારણનાં કામ અંગે દોડી જતાં એ વાંચતાં વિચાર આવે કે શું તેઓ એકલાં અથવા એકાદ-બે સાથીઓ સાથે આટલી સફર ખેડતાં હશે જ ને? અસહકારના આંદોલનો વખતે પહેલી હરોળના નેતાઓની ધરપકડ થાય તો બીજી હરોળમા અન્ય મહિલાઓ સાથે કસ્તૂરબાનું સ્થાન અચૂક રહેતું.

કસ્તૂરબા અને તેમના જેવી હિંમતવાન મહિલાઓ પારંપરિક દાયરામાંથી બહાર નીકળીને સામાજિક દૂષણોની નાબૂદી, શિક્ષણનો પ્રસાર, સ્વચ્છતા અને સ્વાસ્થ્યની જાળવણી, ખાદી અને ગ્રામોદ્યોગની પુન: સ્થાપના જેવાં રચનાત્મક કાર્યોથી માંડીને રાજકીય ચળવળોમાં ખભ્ભે ખભ્ભા મિલાવીને સ્વાતંત્ર્ય સંગ્રમમાં કૂદી પડી, એ જોઈને જ ગાંધીજીએ કહેલું, “મારી એવી મક્કમ માન્યતા છે કે ભારતની મુક્તિનો આધાર તેની મહિલાઓની જાગૃતિ અને બલિદાન પર આધાર રાખે છે.” આ વિધાન કરવા પાછળ તેમનો કસ્તૂરબા અને તેમનાં જેવી અસંખ્ય મહિલાઓની ઊંડી સમજણ શક્તિ, સંકલ્પ બળ અને ત્યાગનો પ્રત્યક્ષ અનુભવ હોઈ શકે. આપણે જાણીએ છીએ કે ગાંધીજીની દ્રઢ માન્યતા હતી કે પુરુષો કરતાં મહિલાઓ નૈતિક બળમાં ચડિયાતી હોય છે. તેમના મતે સ્ત્રીઓ અહિંસાનું જ મૂર્ત સ્વરૂપ હોય છે અને એનો અહેસાસ તેમને કસ્તૂરબા સાથેના વ્યવહારમાં એક કરતાં વધુ વખત થયેલો. આથી જ તો તેમણે સત્યાગ્રહની લડાઈમાં સ્ત્રીઓને હંમેશ શામેલ કરી.  

આજે કસ્તૂરબાની 150મી વર્ષગાંઠ ઉજવતાં વિચાર આવે કે કાઠિયાવાડની એક સંસ્કારી પણ નિરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનતાં સુધીની બાની યાત્રા કેવી રહી હશે? તેમને પોતાને તો પ્રેમ અને કરુણાથી દોરવાઈને દેશવાસીઓ માટે મુક્તિ સંગ્રમમાં ભાગ લેવો એ સહજ સાધ્ય ધ્યેય લાગ્યું હશે, પણ બાપુને તેનું ઘણું ગૌરવ થયું હશે.

1931માં મીઠુબહેન પિટીટ અને કલ્યાણજીભાઈની નિશ્રામાં નવસારી જિલ્લાના મરોલી ગામે કસ્તૂરબા સેવાશ્રમનો પાયો ગાંધીજીના હાથે નંખાયો. એ સેવાશ્રમની પ્રવૃત્તિઓ હજુ આજે પણ પૂરી નિષ્ઠાથી ચાલતી રહી છે. વધુ રસ ધરાવનારા માટે નીચેની લિંક ઉપયોગી થશે.

http://www.kasturbasevashram.org/#

22 ફેબ્રુઆરી 1944 - આગાખાન મહેલ(કારાવાસ)માં છેવટ બાપુના ખોળામાં કસ્તૂરબાએ નશ્વર દેહ છોડ્યો. ગાંધીજીને કસ્તૂરબા માટે અપરંપાર પ્રેમ, છતાં કસ્તૂરબાના “મારા જેવો પતિ તો દુનિયામાં કોઈને નહીં હોય” એ વચન કસ્તૂરબાનું ગાંધીજી સાથેનું સંવાદી જીવન અને ગાંધીજીના તેમણે આંકેલ મૂલ્યની શાખ પૂરે છે.   

અરુણ ગાંધીએ સાચું જ કહેલું, “ગાંધીજીએ સત્યના પ્રયોગો કર્યા, કસ્તૂરબા સત્યનો અનુભવ કરતાં.”

ભારતની જ નહીં, વિશ્વ આખાની મહિલાઓ માટે એક ધ્રુવતારક સમાં બની ગયેલ આપણા સહુની ‘બા’ને આજે માતૃ દિવસ નિમિત્તે વંદન.

મુખ્ય સ્ત્રોત “બા: મહાત્માનાં અર્ધાંગિની” (મૂળ પુસ્તક Forgotten Woman - લેખક: અરુણ ગાંધી) અનુવાદ: સોનલ પરીખ

e.mail : [email protected]

Category :- Gandhiana