ઠેબે ચડ્યો છું મારામાં

પ્રફુલ્લ રાવલ
17-03-2019

સાઠ વર્ષના અન્તરાલે,
આ પોષની થાકેલી સાંજે,
જૂના મહોલ્લાના ઝાંપે
વીજળીના થાંભલાને અઢેલીને ઊભો છું,
ત્યારે
એ ફળિયું ને એ સરિયામ
એ તુલસીક્યારો ને એ મંદિર
સંતાકૂકડી રમતાં બાળકો
કોઈ ખીલેલા, કોઈ કરમાયેલા
કોઈ રુક્ષ, કોઈ ચિંતાગ્રસ્ત ચહેરાઓ
વીંટળાઈ વળ્યા છે જાણે મને કંઈક ને કંઈક કહેવા.
જીમાશીનો પથરાયેલો કડપ,
સાથે મધુબાનું વેરાતું સ્મિત,
હજુયે જાણે સ્પર્શે છે મને,
સવારે ફળિયું વાળતાં-વાળતાં ઊડતી ઝીણી ધૂળ,
આંગણે મૂકેલી સગડીમાંથી નીકળતો ભૂખરો ધુમાડો,
હવાની દિશા પકડીને ભરાતો કોઈના ઘરના ઓરડામાં
ને આરંભાતું વિનિતાઓનું વાક્‌યુદ્ધ
બધાયે ચહેરામાં એક સાવ નોખો ચહેરો અત્યારે પણ જોઉં છું,
કેવો નિરાધાર!
એ ચહેરાના આધારે ભરાઈ ગઈ છે મારી વહી,
બસ, અવગણનાની એક ગીતા રચાઈ ગઈ છે.
તોય નહોતો કળાતો
કશોય અભાવ એ ચહેરા પર
‘અમે તો ઓળગાણાં
અમારે વળી શું ભાવ, શું અભાવ?’
હા, હું મણિવઉની વાત કરું છું,
એ કહેતી’તી :
‘જે દિ’ ન કોઈ ધુત્કારે અમને
તે દિ’ અમારે મન સોનાનો.
બાકી તો નસીબમાં ઠેબાં ને ઠેબાં.’
આ ક્ષણે હુંય જાણે ઠેબે ચડ્યો છું મારામાં.

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 11

Category :- Poetry