મેજ

જયેશ દૂધરેજિયા
11-03-2019

મેજ એક રાજકીય કૂટણખાનું છે.
સપાટ, સીધું,
લીસું,
સાફ કાચ વાળું.
ત્યાંથી સત્તાના થપ્પા લાગે છે,
લાંચની ગંગા ત્યાંથી ખળખળ વહે છે,
એના ખાનામાં સોનેરી પાક લહેરાય છે,
તો
ક્યારેક રંગબેરંગી પેનો કાગળ પર ઉઝરડા કરે છે.
મેજ એક નિર્દયી હકીકત છે,
ત્યાં ઇતિહાસ લખાય પણ છે,
અને
વિકૃત દ્વેષના વાઘા પણ પહેરાવાય છે.
મેજ નેતાઓની સૌથી પ્રિય મૂડી છે,
એના ચાર પાયા -
ખંધાઈ, નાગાઈ, લુચ્ચાઈ અને ભ્રષ્ટાચાર.
મેજ પર જ શહિદ લોહી લુહાણ પડ્યા હોય છે અને લોહીથી લથબથતું લોઢું કાઢવામાં આવે છે,
મેજ પર જનતાની ભૂખના હિસાબ મંડાય છે,
તો
ખેડૂત - બેરોજગાર - ગરીબને ભીખ આપવા માટેના મોડલ પણ રચાય છે,
મેજ પર બાળકીના શરીરને ચીરીને પોસ્ટમોર્ટમ કરાય છે,
મેજ પર પૈસા ભરીને વિમાન પહેલાં ઉડે છે, પછી એ જ વિમાનમાંથી -
સૈનિક છત્રીથી ભૂસકો લગાવે છે,
અથવા તો એક કોથળીમાં સમાય એટલા માંસના લોચા તાબૂતમાં લાવવામાં આવે છે.
માનવજાત માટે
આ મેજ એક કોયડો છે
એક તક છે, એક શક્યતા છે,
આ મેજ વાટ જુએ છે
એક
કાવ્યની.

Category :- Poetry