હવે તો થવા દો અમને આઝાદ?

સલિલ ત્રિપાઠી
11-03-2019

સો વરસ પછી
જોહાનિસબર્ગની કચેરી સામે
જ્યારે તમે દેખાતા હશો છટાદાર,
ઊભા હશો ટટ્ટાર,
અને ચાલતા જશો એકલા ન્યાયાલય તરફ -

ત્યારે
એ લોકો આવી
તમારા કાળા પૂતળાને
ધોવળાવશે,

કારણ
તમે
શ્યામલ નથી, શ્વેત છો
કાળા નથી, ગોરા છો
ત્યાંના નથી, અહીંના છો
ક્રાંતિકારી નથી, બાયલા છો
શિલ્પ નથી, બાવલા છો -

અને તમારી પ્રપૌત્રી આવશે ત્યાં
બાલદી, પાણી, અને સાબુ લઈને,
અને હળવેથી ધોશે ને ભૂંસશે
ધોળો રંગ -

કારણકે નિષ્કલંક શાંતિદૂતને
સફેદ રંગ શા કામનો?

‘તોડી પાડવું છે આ પૂતળું?

તો તોડો,’ તમે કહ્યું.

‘થયા ખુશ?

મળી શાતા તમને?’ તમે એમને પૂછ્યું

‘સરસ.’

અરે,
તમારું જીવન અને તમારું સત્ય
કંઈ એક પૂતળામાં થોડું સમાવાય?

તમારે તો હજુ જોજનો પાર કરવાના છે
એકલા ચાલવાનું છે, કોઈ આવે સાથે કે ન આવે
ઝેરના કટોરા પીવાના છે,
નથી કોઈ ને ખબર
છેલ્લો કટોરો ક્યાં છે

અમને તો રસ છે તમારા ચશ્માંમાં
અમે તો બનાવી દીધા છે
તમને દેશના
સાફસૂફીવાળા કર્મચારી -

અમારી ચલણીનોટો પર
જોઈએ છીએ તમારી છબિ

અને દાટી દીધા છે
તમને રાજઘાટમાં -
તમારી ઉપર એટલાં બધાં
જથ્થાબંધ ફૂલ ફેંક્યા
કે જેથી તમે બહાર જ નીકળી ન શકો
અને ફૂલની સુવાસ અને
અગરબત્તીની ધુમ્રસેર
તમારા શ્વાસ રૂંધવે
ચડાવે ઘેન

સૂતા રહો તમે -

ઊભા થયા અને પાછા આવ્યા
તો
શું જવાબ આપીશું અમે તમને?

દોઢસો વરસ થઇ ગયા -

હવે તો તમે જાવ?

તમારાં પૂતળાં તોડીએ તો ય તમે હાજર;

રસ્તાના નામ પાડ્યા, ટપાલટિકિટો છાપી,
ફિલ્મો બનાવી, જેથી અમે તમને ભૂલી શકીએ -

અરે
એક ગામમાં તો ગોડસેની મૂર્તિની પૂજા પણ કરી
અને એક બાઈએ તો
તમારા ફોટાને મારી દીધી ગોળી દે ધનાધન!
લાલ રંગ ફેલાયો જમીન પર

તો ય સાલું તમારું મોં તો મલક્યા કરે?

જાણે કશું ય ન થયું હોય?

શરમ નથી આવતી?

તમને મર્યે સિત્તેર વરસ થયા -

હવે તો થવા દો અમને આઝાદ?

e.mail : [email protected]

Category :- Poetry