ટપ ટપ ટપ

ઉમેશ સોલંકી
08-03-2019

મળમાં પહેલાં ડૂબકી મારતો
અધ્યાત્મથી હું તો ભરાઈ જતો
પણ
અતિનો એક કંટાળો છે
અધ્યાત્મનો પણ આ જ ગોટાળો છે
પછી શું
અધ્યાત્મથી થોડી આભડછેટ રાખવા
પીને દારૂની પોટલી
માથે પહેરું પ્લાસ્ટિકની કોથળી
પણ આમ તો દેશ બદનામ થાય
અધ્યાત્મનું નાક કપાય
આવો આવો તેથી આવો
નજીક આણેલી આભડછેટને આઘી કરવા
બિલકુલ મારી નજીક આવો
તમે તો લો અકળાઈ ગયા !
મૂંછો આમળી ભૌતિકવાદી થઈ ગયા !

હું હવે જો અડું મળને
એવું લાગે મને ગાંધી અડે
બોખા મોંઢે પછી શબ્દો બોલે :
‘અસ્પૃશ્યતા તો કલંક છે
એ રહી તો
હિન્દુ ધર્મનું રસાતળ જજો !’
મેંય કહ્યું
મૂંગા મરોને, તમેય બાપુ
મોંઢું તમારું, ભૂંડા, બાસ મારે
બાસ તમારી ઓછી કરવા
મેં થોડું જો પાણી માંગ્યું
સનનન કરતો પથ્થર આવ્યો
ચશ્માં તમારાં ફોડી ગયો
મૂંગા મરોને, તેથી બાપુ
મોંઢું તમારું, ભૂંડા, બાસ મારે
અને હું રડી પડ્યો
રડી રડીને હીબકે ચડ્યો
હીબકાં મારાં સાંભળીને
મળમાંથી બહાર ભારતમાતા આવ્યાં
પેગમ્બરને સાથે લેતાં આવ્યાં 
‘તકનિક તકનિક’ ‘વિકલ્પ વિકલ્પ’
ચારેકોર પોકાર કરવા લાગ્યાં
થાકીને પછી
      મારી પડખે બેસી
      આંસુ મારાં લૂછવા લાગ્યાં
      આંસુ એમનાં
      મળમાં પડવા લાગ્યાં ટપ ટપ ટપ.

સૌજન્ય  : “નિરીક્ષક”, 01 માર્ચ 2019; પૃ. 15

Category :- Poetry