શું ગાંધીજી રંગદ્વેષી હતા?

પ્રવીણ ગઢવી
05-03-2019

આજકાલ ગાંધીજી રંગદ્વેષી હતા, તેવી હવા કેટલાક આફ્રિકન દેશોમાં અને કેટલાક દલિત બૌદ્ધિકોમાં ચાલી છે. ઘાના જેવા દેશમાંથી ગાંધીજીની પ્રતિમા હટાવ્યાના પણ સમાચાર છે.

ગાંધીજી જેવો માનવતાવાદી અને અસ્પૃશ્યતાનો હાડોહાડ વિરોધી મહાત્મા રંગદ્વેષી હોઈ શકે? માનવા મન તૈયાર થતું નથી.

ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’થી તપાસવાની શરૂઆત કરીએ. આત્મકથામાં ભાગ-૨માં પ્રકરણ-૧૩ કુલીપણાના અનુભવ પર છે. દક્ષિણ આફ્રિકામાં શ્યામવર્ણના લોકો માટેના જે કાયદા હતા, તે જ એશિયનોને લાગુ પડતા હતા. તે મુજબ કાળા અને એશિયનો ફૂટપાથ પર ચાલી ન શકે, રાતના નવ પછી બહાર ન નીકળી શકે. ગાંધીજીને ત્યારે રાતે ચાલવા જવાની ટેવ હતી. એટલે એમણે મિત્ર વકીલ કોટ્‌સ પાસેથી પરવાનો મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ તે ન મળી શક્યો, એટલે કોટ્‌સે ભલામણપત્ર લખી આપ્યો. ગાંધીજી તે કાયમ પોતાની સાથે રાખતા, જેથી પોલીસ પરેશાન ન કરે.

તેમ છતાં એક દિવસ ગાંધીજી દક્ષિણ આફ્રિકાના પ્રમુખ ક્રુગરના ઘર પાસેથી નીકળ્યા. પ્રમુખશ્રીનું ઘર તદ્દન સાદું, કંપાઉન્ડવૉલ વગરનું હતું! લક્ષાધિપતિઓનાં ઘર મહેલ જેવાં હતાં. પ્રમુખ અત્યંત સાદગીથી રહેવામાં માનતા હતા. આવા પ્રમુખ ગાંધીજી થકી આઝાદી મેળવેલ આપણા દેશમાં ક્યારે મળશે? રામ જાણે!

ખેર, એક દિવસ તેમને એક સિપાહીએ લાત મારીને ફૂટપાથ પરથી ફેંકી દીધા! ગાંધીજી તો કપડાં ખંખેરી ચાલતા થયા! કોટ્‌સે કેસ કરવાનું કહ્યું, પરંતુ ન માન્યા. ‘સિપાહી બિચારો શું જાણે ?’ તેને મન તો કાળા એટલા કાળા જ. તે હબસીઓને પગથી પરથી આમ જ ઉતારતો હશે. એટલે તેણે મને પણ ધક્કો માર્યો.

આમ, ગાંધીજીનું હબસી પ્રત્યે અનુસંધાન તો સંધાયું જ પરંતુ આ પ્રસંગે ‘હિંદી નિવાસીઓ પ્રત્યેની મારી લાગણી વધારે તીવ્ર કરી.’

હવે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ તપાસીએ. ૧૯૨૫માં તે પ્રગટ થયેલો. દક્ષિણ આફ્રિકાના પરિચય માટે ગાંધીજીએ પહેલું પ્રકરણ ભૂગોળ વિશે અને બીજું ઇતિહાસ વિશે આપ્યું છે. આ પ્રકરણની ભાષા જોતાં અવશ્ય લાગે કે જો ગાંધીજી રાજપ્રકરણી ન થયા હોત, તો અવશ્ય મહાન સાહિત્યસર્જક થયા હોત!

ગાંધીજી લખે છે : ‘હબસીઓમાં ઝૂલુ વધારેમાં વધારે કદાવર અને રૂપાળા ગણી શકાય.’ ‘રૂપાળા’ વિશેષણ હબસીઓને વિશે મેં ઇરાદાપૂર્વક વાપરેલું છે. સફેદ ચામડી અને અણિયાળા નાકમાં આપણે રૂપનું આરોપણ કરીએ છીએ. આ વહેમ જો ઘડીભર બાજુએ મૂકીએ તો ઝૂલુને ઘડીને બ્રહ્માએ કંઈ કચાશ રાખી હોય, એમ આપણને નહીં લાગે.’

હવે કહો, આને દલિત સૌંદર્યશાસ્ત્રની સ્પષ્ટ વિભાવના ન કહેવાય? હવે આગળ : હોઠ અવશ્ય મોટા અને જાડા હોય છે, પણ આખા શરીરના આકારના પ્રમાણમાં હોઈ જરા ય બેડોળ છે, એમ હું તો નહીં કહું, આંખ ગોળ અને તેજસ્વી હોય છે. નાક ચપટું અને મોટા મોઢાને શોભે એવું જ મોટું હોય છે. અને તેના માથાના ગૂંચળિયા વાળ તેની સીસમ જેવી કાળી અને ચળકતી ચામડીની ઉપર શોભી નીકળે છે.’

હબસીઓનું આવું મનોહર વર્ણન કરનારો રંગદ્વેષી કેવી રીતે હોઈ શકે?

વળી, ગાંધીજી કાળી ચામડીની વાસ્તવિકતા પણ બરાબર સમજે છે. ‘ભૂમધ્ય રેખાની નજદીક રહેનારી વસ્તીની ચામડી કાળી જ હોવી જોઈએ. એ કુદરતી નિયમ છે.’ વિશેષમાં ગાંધીજી ઉમેરે છે : ‘કુદરત જે-જે ઘાટો ઘડે છે, તેમાં સૌંદર્ય જ હોય છે, એવું આપણે માનીએ તો સૌંદર્ય વિશેના આપણા સાંકડા અને એકદેશીય વિચારોમાંથી બચી જઈએ.’

વાહ! કોઈ સૌંદર્યશાસ્ત્રી પણ ન વિચારી શકે, એવું ગાંધીજીએ વિચાર્યું  છે. દલિત સૌંદર્યશાસ્ત્રની વિભાવના આને કહેવાય. ‘એટલું જ નહીં, પણ હિન્દુસ્તાનમાં કેટલાક અંશે આપણને આપણી પોતાની જ ચામડી જો કાળાશ પડતી હોય, તો જે અણછાજતાં શરમ અને અણગમો ઊપજે છે. તેમાંથી પણ આપણે મુક્ત થઈએ.’

હજી પણ આપણને ગોરો જમાઈ, ગોરી વહુ, ગોરી દીકરી જોઈએ છે. દીકરી જો કાળી જન્મી, તો તે સાપનો ભારો નહીં, કાળોતરા સાપનો ભારો બની રહે છે. નવાઈ એ વાતની છે કે આપણે આટલા ગૌરવર્ણ ચાહક, પરંતુ આપણા સઘળા દેવ-રામ, કૃષ્ણ, શિવ શ્યામવર્ણી છે! એમાં ય કૃષ્ણ તો ઘનશ્યામ!

અળખામણી વર્ણાશ્રમ વ્યવસ્થા પણ ‘વર્ણ, અર્થાત્‌ રંગ પરથી આવી છે. આર્યો ગોરા હતા અને દાસ-દસ્યૂ-અસૂર શ્યામ હતા. કાળાંતરે એ કર્માશ્રમ વ્યવસ્થા બની ગઈ. પછી શુદ્રગૌર હોય તો ય શુદ્ર જ ગણાય!

ગાંધીજીએ હબસીઓની સંસ્કૃતિનું બહુ ઝીણવટથી નિરીક્ષણ કરેલું છે. જુઓ : ‘બ્રિટિશસત્તા દાખલ થઈ તેની પહેલાં સ્ત્રીપુરુષો લગભગ નગ્નાવસ્થામાં જ ફરતાં. હાલ પણ દેહાતોમાં ઘણા એ પ્રમાણે જ વર્તે છે. ગુહ્ય ભાગોને એક ચામડાથી ઢાંકે છે.’ ગાંધીજી આ નગ્નાવસ્થાને કુદરતી ગણી સરસ બચાવ કરે છે. ‘આનો અર્થ કોઈ વાંચનાર એવો ન કરે કે તેથી એ લોકો પોતાની ઇન્દ્રિયોને વશ નથી રાખી શકતા. આ હબસીઓ એકબીજાની તરફ જોયા કરવાને નવરા હોતા જ નથી.’ ગાંધીજી નગ્નાવસ્થામાં રહેતા શુકદેવજીને પણ યાદ કરે છે. શુકદેવજીમાં વિકાર નહોતો.

એટલે ગાંધીજીને હબસી સ્ત્રી-પુરુષોની નગ્નાવસ્થા સામે પણ વાંધો નથી.

ગાંધીજી હબસીઓના ખોરાક વિશે પણ સારું જાણે છે. પોતે નિરામિષ હોવા છતાં હબસીઓના માંસાહાર વિશે નિઃસંકોચ લખી શકે છે. ‘જ્યારે- જ્યારે માંસ મળી શકે, ત્યારે કાચું અથવા પાકું, બાફેલું અથવા ભૂંજેલું માત્ર મીઠાની સાથે ખાઈ જાય છે. ગમે તે પ્રાણીનું માંસ ખાતાં તેને આંચકો નહીં આવે.’

હવે ગાંધીજી ઝૂલુઓની ભાષા વિષે વાત કરે છે. ‘ઝૂલુભાષા અત્યંત મધુર છે. શબ્દોમાં અર્થ અને કાવ્ય બંને રહેલાં છે, એમ મેં વાંચ્યું છે.’

આપણે પછાતવર્ગ, દલિતો, આદિવાસીઓની ભાષા વિશે ઊંચો અભિપ્રાય ધરાવતા નથી. મહેસાણી કે કાઠિયાવાડી બોલીની મશ્કરી કરીએ છીએ. કલાપી જેવા મહાન કવિ પણ શોભનાની ભાષામાં કચ્છી ભાષાની ‘કાંકરી’ ન રહી, એમ સહજતાથી લખે છે ! જ્યારે ગાંધીજીને ઝૂલુઓની ભાષામાં નાદમાધુર્ય દેખાય છે. આવા ગાંધીજી રંગદ્વેષી કેવી રીતે હોઈ શકે?

ગાંધીજી હબસીઓ પર ગુલામીએ કેવી ભયંકર અસર કરી છે, તેની વાત કરતાં કહે છે, ‘શરીરની મજબૂતીમાં જગતમાં કોઈ પણ કોમથી ન ઊતરે એવી આ કોમ ખરે એટલી મોળી છે કે ગોરા બાળકને જુએ તો પણ ડરે છે!’ હબસીઓ તીરકામઠાં સારી રીતે જાણતા હતા, તે છીનવી લેવામાં આવ્યાં અને ‘જેને નથી દીવાસળી લગાવવી પડતી, નથી હાથની આંગળી સિવાય કોઈ ગતિ કરવી પડતી, છતાં નાનીસરખી ભૂંગળીમાંથી એકાએક અવાજ નીકળે, ભડકો જોવાય અને ગોળી વાગતાં ક્ષણ માત્રમાં માણસના પ્રાણ જાય તેવી બંદૂકથી હબસીઓ ડરી ગયા છે. ભારત, ચીન, સહિત એશિયા- આફ્રિકાનાં સઘળી પ્રજા યુરોપિયનોની બંદૂક, તોપોથી જ ડરીને ગુલામ બનેલીને?’

હાલ કદાચ અપ્રાપ્ય એવી ગાંધીજીની ‘મારો જેલનો અનુભવ’ પુસ્તિકા ગાંડીવ સાહિત્યમંદિર, સુરતે ઈ.સ. ૧૯૨૨માં પ્રગટ કરેલી, તેની એક નકલ મારા પિતાજીના પુસ્તકાલયમાં હતી, તે ગાંધીજીનો ‘કાફરા’ પ્રતિનો દૃષ્ટિકોણ સમજવા-જોવા જેવી છે.

ગાંધીજી અહીં હબસીઓ માટે ‘કાફરા’ શબ્દનો પ્રયોગ કરે છે. તેઓ જેલનો અનુભવ વર્ણવતાં લખે છે કે, ત્યાં અમારાં કપડાં ઉપર ‘એન’ એવી છાપ મારી. એટલે કે અમે બરાબર નેટિવની પંક્તિમાં મુકાયા. ઘણી સગવડો ઉઠાવવા અમે સૌ તૈયાર હતા. પણ અમારી આ વલે થશે એમ માન્યું નહોતું. ગોરાઓની સાથે આપણને ન મૂકે એ સમજી શકાય એવું છે. પણ આપણને છેક કાફરાઓની સાથે રાખે એ સહન ન થઈ શકે એવું જણાયું. આવી દશા જોઈ વિચાર કર્યો કે સત્યાગ્રહની લડત જરાયે વધારે પડતી કે વખત વિચાર્યા વિનાની નથી. હિન્દીએ તદ્દન નમાલા કરી મૂકવાનો ખૂની કાયદો હતો, એમ વધારે સાબિત થયું.

“તો પણ, અમને કાફરાઓની સાથે રાખ્યા, એ ઘણે ભાગે સંતોષ પામવા જેવું થયું. તેઓની હાલત તેઓની તરફથી વર્તણૂક અને તેઓના ખવાસ જાણવાની આ ભલી તક મળી. બીજી રીતે જોતાં તેઓની સાથે મૂકવામાં હલકાઈ ગણવી એ મનને ઠીક ન લાગ્યું. છતાં સાધારણ રીતે હિન્દીને અલગ રાખવા જોઈએ, એમાં પણ શક નથી. અમારી કોટડીની પડખે જ કાફરાઓની કોટડીઓ હતી, તેમાં અને બહારના મેદાનમાં તેઓ કકળાટ કરી મૂકતા હતા. અને વગરમજૂરીના કેદી હતા, તેથી અમારી કોટડી નોખી હતી. નહિ તો અમને તે જ કોટડીમાં પૂરી શકત. મજૂરીવાળા હિન્દીઓને કાફરોની સાથે જ પૂરવામાં આવે છે.

“આ વાત હલકાઈભરેલી છે કે નહીં તે વિચાર અલગ રાખતાં એ બહુ જોખમભરેલી છે, એટલું કહેવું તે બસ છે, કાફરો ઘણે ભાગે જંગલી હોય છે. તેમાં વળી કેદમાં આવેલા કાફરોનું તો પૂછવું જ શું? તેઓ તોફાની બહુ ગંદા અને લગભગ જાનવરની સ્થિતિમાં રહેનારા છે. એકેક કોટડીમાં ૫૦થી ૬૦ માણસ સુધી પૂરવામાં આવે છે. કોઈ વેળા તેઓ કોટડીની અંદર રમખાણ મચાવે છે ને માંહોમાંહે લડે છે. આવી સોબતમાં ગરીબડા હિન્દીના કેવા હાલ થાય, તે વાંચનાર સહેજે જાણી શકે છે.

“આખી જેલમાં અમારા સિવાય ભાગ્યે જ ત્રણ ચાર હિન્દી કેદી હતા. તેઓને કાફરોની સાથે પુરાવું પડતું હતું, એટલું અમારા કરતાં વધારે હતું. તોપણ મેં જોયું કે તેઓ ખુશ-દિલથી રહેતા હતા. અને બહાર હતા તે વખતના કરતાં તેઓની તબિયત વધારે સારી હતી.”

કાફરાઓ અને હિન્દીઓને એકસમાન ગણી જેલમાં સાથે રાખ્યા. કાફરાઓ સાથે રહેવાનો એ પહેલો અનુભવ હતો. ‘કાફરાઓ સાથે રાખે એ સહન ન થઈ શકે,’ એવું એમને જણાયું. પરંતુ ગાંધીજી ત્યારે પણ સહનશીલતાની મૂર્તિ બની ચૂક્યા હતા, તેથી તેમને કાફરા સાથે રહેવાનું ‘સંતોષ પામવા જેવુ થયું.’ ‘હલકાઈ’ ગણવી ઠીક ન લાગી.

તે વેળાના કાફરા એમને ‘જંગલી’ જેવા લાગ્યા, તે સહજ છે. વળી, તે ગુનેગાર કેદી હતા. ‘તોફાની’, ‘ગંદા’ અને ‘જાનવરની સ્થિતિ’માં રહેનારા હતા. સત્યાગ્રહી હિન્દીઓ મોટે ભાગે વેપારી હતા, તેથી ‘ગરીબડા હિન્દી’ઓના હાલ સમજવાનું એમણે વાચક ઉપર છોડ્યું.

હવે બીજી વાર જોહાબિસબર્ગ જેલમાં ગાંધીજીને જવાનું થાય છે. તેનો અનુભવ વર્ણવતાં તેઓ લખે છે, “જોહાનિસબર્ગ પહોંચ્યા તે વખતે સાંજ પડી હતી તેથી મને બીજા હિંદીની પાસે નહોતા લઈ ગયા. મુખ્યત્વે કેદખાનામાં જ્યાં કાફરા કેદીઓ દરદી હતા, તેઓની કોટડીમાં મને બિછાનું આપ્યું. કોટડીમાં મારી રાત ઘણા દુઃખમાં તથા ભયમાં ગઈ. મને બીજે જ દહાડે આપણા લોકો પાસે લઈ જશે, એમ ખબર નહોતી અને આવી જગ્યાએ રાખશે, એમ માની હું ભય પામ્યો ને બહુ અકળાયો. છતાં મન સાથે નિશ્ચય કર્યો કે મારું કર્તવ્ય તો એ જ હતું કે મારે જે દુઃખ હોય તે સહન કરવું.”

“અકળાવાનો સબબ એ હતો કે કાફરો તથા ચીના કેદી જંગલી, ખૂની તથા અનીતિવાળા લાગ્યા. તેઓની ભાષા હું જાણતો નહોતો. કાફરોએ મને સવાલો પૂછવા શરૂ કર્યા. તેમાં પણ મેં મશ્કરી જેવું જોયું. હું તે સમજી શક્યો નહીં. મેં કંઈ જવાબ ન વાળ્યો. તેણે મને ભાંગલા અંગ્રેજીમાં પૂછ્યું, ‘આમ મને શા સારુ લાવ્યા છે?’ મેં થોડો ઉત્તર દીધો ને મૂંગો રહ્યો. પછી ચીનાએ શરૂ કર્યું. તે વધારે ખરાબ જણાયો. મારી પથારી આગળ આવી તે મને જોવા લાગ્યો. હું ચૂપ રહ્યો, પછી તે કાફરાની પથારી આગળ ગયો. ત્યાં બંને જણ એકબીજાંની ભૂંડી મશ્કરી કરવા લાગ્યા ને એબ ઉઘાડવા લાગ્યા. આ બંને કેદીઓ ખૂનના કે મહાચોરીના આરોપવાળા હતા. આવું જોઈ મને ઊંઘ તો શાની જ આવે? બીજે દહાડે ગવર્નરને આ બધું સંભળાવીશ, એમ વિચાર કરી મોડી રાત્રે હું થોડું ઊંઘ્યો.

જોહાનિસબર્ગનો અનુભવ વધારે ખરાબ હતો. ગાંધીજી ગવર્નરને રજૂઆત કરવા ઇચ્છતા હતા, ત્યારે એમણે જોયું કે કેટલાક સત્યાગ્રહી હિન્દીઓ કાફરા સાથે રહેવામાં ખુશ હતા. કેમ? તો કાફરાઓ પાસેથી તમાકુ મળી રહે! માનવસ્વભાવ સર્વત્ર સરખો છે. ગાંધીજીએ કેવા લોકો સાથે કામ પાડ્યું હતું, તે વિચારવા જેવું છે.

ગાંધીજી આગળ લખે છે, “આ કેદીઓને કાફરોની સાથે રાખવામાં આવતા હતા. હું ગયો ત્યારે વડા દરોગાએ હુકમ કર્યો કે અમને બધાને નોખી કોટડી મળે. મેં દિલગીરીની સાથે જોયું કે કેટલાક હિંદીઓ કાફરાની સાથે સૂવામાં રાજી રહે છે. તે આવા કારણથી કે ત્યાં ચોરીથી તમાકુ વગેરે મળી શકે છે. આ આપણે શરમ ઉપજાવનારું છે. આપણને કાફરા કે કોઈની ઉપર તિરસ્કાર ન હોય, પણ તેઓની વચ્ચે તથા આપણી વચ્ચે સાધારણ વ્યવહારમાં એકતા નથી એ ન ભુલાય તેવું છે.”

ગાંધીજીને જોહાનિસબર્ગની જેલમાં જાજરૂ જવાની પણ કેવી તકલીફ પડી હતી, તે જોવા જેવી છે. જેલમાં બે વિભાગ હતા : એક વિભાગ ગુનેગાર કેદીઓ માટે અને બીજો વિભાગ દીવાની જેલના કેદીઓ માટે. ગાંધીજીનું સૂવાનું બીજા વિભાગમાં હતું, પરંતુ તે વિભાગનું જાજરૂ તેઓ વાપરી ન શકે પહેલા વિભાગના જાજરૂમાં કેદીઓ વધુ હોવાથી ‘મહાપંચાત’ પડે, તેથી દરોગાની સંમતિ લઈ બીજા વિભાગના જાજરૂમાં ગયા.

“આ જાજરૂમાં ભીડ તો હોય છે. વળી, જાજરૂ ખુલ્લાં હોય છે. તેને દરવાજા નથી હોતા. હું જેવો બેઠો કે તેવો જ એક જબરો મજબૂત વિકરાળ કાફરો આવ્યો. તેણે મને ઊઠી જવા કહ્યું ને ગાળો દેવા લાગ્યો. મેં કહ્યું, હમણાં જ ઊઠું છું. તેટલામાં તો મને બાથ ભીડીને ઊંચક્યો ને બહાર ફેંક્યો. સારે નબીસે મેં બારસાખ પકડી લીધી, એટલે હું ન પડ્યો. આમાં કંઈ હું ગભરાયો નહોતો. હસીને હું તો ચાલતો થયો. પણ એક-બે હિંદી જેણે આ બનાવ જોયો તેઓ રડી પડ્યા.”

આવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ કાફરા પ્રત્યે દ્વેષ કરતો થઈ જાય, તે સહજ છે. આપણે પણ વાતવાતમાં અમુક નાતવાળા કંજૂસ, અમુક નાત, ધર્મવાળા ગુંડા, અમુક નાતવાળા ચોર, અમુક નાતવાળા ગંદા, અમુક નાતવાળા લુચ્ચા, એવા અભિપ્રાયો વ્યક્ત કરતા હોઈએ છીએ. પણ ગાંધીજીમાં ને કાફરાઓ પ્રત્યે દ્વેષ ન થયો, એમણે ગવર્નરને હિન્દીઓને જુદા રાખવાની રજૂઆત કરી. આ બાબતની મેં ગવર્નરને વાત કરીને જણાવ્યું કે હિંદી કેદીઓને સારુ નોખા જાજરૂની ખાસ જરૂર છે. ને એમ પણ જણાવ્યું કે, કાફરા કેદીઓની સાથે હિંદી કેદીઓને મુદ્દલ ન રાખવા જોઈએ. ગવર્નરે તુરત હુકમ કર્યો કે મોટી જેલમાંથી જાજરૂઓ હિંદી કેદીને સારુ કાઢી આપે.

બસ, ગાંધીજીનો આ ‘મહાઅપરાધ’ થયો. હિન્દીઓને કાફરાથી અલગ રાખવા કહ્યું, એટલે કેટલાક દલિત બૌદ્ધિકોએ પ્રચાર શરૂ કર્યો કે ગાંધીજી રંગદ્વેષી હતા અને કાફરાઓને ‘જંગલી’ કહ્યા હતા!

ખેર, ગાંધીજી હિન્દીઓમાં રહેલા વર્ણભેદનો પણ દુઃખ સાથે ઉલ્લેખ કરવાનું ચૂકતા નથી. “એમ જોવામાં આવ્યું કે બહારની ઈજાઓ કરતાં અંદરની ઈજાઓ વધારે ભારે પડતી હતી. હિંદુ અને મુસલમાન તથા ઊંચ અને નીચ જાત એવો આભાસ કોઈકોઈ વેળા જેલમાં જોવામાં આવતો હતો. જેલમાં બધા વર્ગના ને બધા વર્ણના હિંદી સાથે રહેતા હતા. તેમાં જોઈ શકાયું કે આપણે સ્વરાજ્ય ન ચલાવીએ એવું કંઈ નથી, કેમ કે છેવટે જે ચડચણો આવી તે દૂર થઈ હતી. કેટલાક હિંદુ એમ કહેતા હતા કે અમે મુસલમાનોનું રાંધેલું નહીં ખાઈએ, અમુક માણસના હાથનું રાંધેલું નહીં ખાઈએ એમ કહેનાર માણસે હિંદુસ્તાનની બહાર પગ જ ન મૂકવો જોઈએ. મેં એમ પણ જોયું કે કાફરાઓ કે ગોરાઓ આપણા અનાજને અડકે તેમાં ચડચણ નહોતી. એક વખત એવું બન્યું કે પેલો તો (અછૂત) છે, તેની પાસે હું નથી સૂવાનો, એવો સવાલ નીકળ્યો. આ પણ આપણને શરમાવા જેવું થયું. ઊંડા ઊતરતાં એમ માલૂમ પડ્યું કે આવી ચડચણ લેવાનું કારણ તે માણસને પોતાને બાધ હતો એમ નહીં, પણ દેશમાં ખબર પડે તો તેનાં સગાં હરકત કરે. હું તો માનું છું કે આમ નીચઊંચના ડોળથી ને પછી નાતના જુલમના ડરથી આપણે અસત્ય આદરી બેઠા છીએ. જો આપણે જાણીએ કે (અછૂત)નો તિરસ્કાર કરવો એ અઠીક છે, તો પછી નાતથી કે બીજાથી ખોટી રીતે ડરી, ખરું છોડી આપણે સત્યાગ્રહી કેમ કહેવાઈએ? આપણે બધા હિંદી છીએ, તો પછી ખોટા ભેદ રાખી વઢીમરીશું ને હક માગશું તો કેમ થશે!”

“આપણે દેશમાં હોઈએ કે પરદેશમાં-વર્ણભેદ-ધર્મભેદ ભૂલતા નથી. આજે પણ અમેરિકા-ઇંગ્લૅન્ડમાં વરસોથી રહેવા છતાં નાતજાત તો ઠીક, ગોળ-પરગણાં પણ ભુલાયાં નથી!

“દક્ષિણ આફ્રિકાના હિન્દીઓને ગોરા કે કાફરા રાંધેલા ધાનને અડી જાય તો વાંધો નહીં. પરંતુ દેશભાઈ એવા અછૂતો કે મુસલમાનો અડે તો અભડાઈ જાય! આજે પણ એમાં કંઈ ફેર પડ્યો છે?”

“ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની જેલોમાં અસહ્ય દુઃખો વેઠેલાં. બંધ કોટડીમાં ઊભાં-ઊભાં ખાવું પડતું. કપડાં ઉતારી નાગા થઈ ખુલ્લામાં નહાવું પડતું. જાજરૂ પણ નિરાંતે ન જવાતું, દરોગો બે મિનિટ થાય કે ત્રાડ પાડે. ‘સામ, હવે નીકળ!”

મહાત્મા એમ કંઈ સહેલાઈથી, પ્રચારનાં ઢોલ-નગારાં વગાડવાથી કે ચોતરફ ફોટા ચોંટાડવાથી નથી થવાનું!

ગાંધીજી કરતાં આઠ વર્ષ મોટા અંગ્રેજી પાદરી રેવરન્ડ જૉસફ ડોકે ૧૯૦૮માં ‘ગાંધીજીનું પહેલું ચરિત્ર’ લખ્યું હતું. તેમાં તેમણે નોંધ્યું છે કે ઝૂલુ બળવો થયેલો, ત્યારે અંગ્રેજોએ ચાબખા મારી લોહીલુહાણ કરેલા ઝૂલુઓની સારવાર કરવા કોઈ યુરોપિયન તૈયાર નહોતો, ત્યારે ગાંધીજીએ તેમની સારવાર કરેલી!

દક્ષિણ આફ્રિકાના સત્તાધીશો ગાંધીજીના સત્યાગ્રહથી ડરતા નહોતા, કેમ કે તે ફક્ત દસ હજાર હિંદીઓનો જ હતો, પરંતુ તેમને ભય હતો કે આ સત્યાગ્રહનું હથિયાર ‘કાફરાઓ’ના હાથમાં આવશે, તો શું થશે? અને એ કાફરાઓના નેતા નેલ્સન મંડેલાએ ગાંધીનું હથિયાર જ ખપમાં લઈ આઝાદી મેળવી. નેલ્સન મંડેલાએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે ભારતવાસીઓએ તો ગાંધીને વકીલ તરીકે દક્ષિણ આફ્રિકામાં મોકલ્યા હતા અને અમે ‘મહાત્મા’ બનાવી પાછા મોકલ્યા! કોઈ રંગદ્વેષીને કોઈ કાફરો આવી શ્રદ્ધાંજલિ અર્પે ખરો?

ગાંધીજીએ ૧૯૨૫માં ‘નવજીવન’માં લખ્યું હતું કે ‘સૃષ્ટિનાં પ્રાણીમાત્રની તાત્ત્વિક એકતા અને અભેદના જ્ઞાનમાં ઊંચનીચના ભાવને અવકાશ જ નથી. જીવન એ કર્મક્ષેત્ર છે, અધિકાર અને સત્તાનો સંચય નથી. જે ધર્મ ઊંચનીચના ભેદની પ્રથા ઉપર આધાર રાખે છે, તેનો સર્વથા વિનાશ જ છે.’

અત્રે રજૂ કરેલા પુરાવાથી સાબિત થાય છે કે ગાંધીજી રજમાત્ર, અંશમાત્ર, પણ રંગદ્વેષી નહોતા, પરંતુ હાડોહાડ મહાન માનવતાવાદી હતા. ઇતિ સિદ્ધમ્‌!

ગાંધીનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2019; પૃ. 16 - 18

Category :- Gandhiana