સ્મરણ : ગાંધી-નિર્વાણદિન નિમિત્તે

રતિલાલ પંડ્યા
05-03-2019

ગાંધીજીની હત્યા દિલ્હીમાં ૩૦-૧-૧૯૪૮ના રોજ થઈ. પણ મને તેની ખબર, મારી બાર વર્ષની ઉંમરે, ૩૧-૧-૧૯૪૮ના રોજ બપોરે બે વાગે લાઠી પાસેના નાના રાજકોટ ગામે એક ખેડૂત દ્વારા મળી. ગામડામાં તે વખતે રેડિયો તો કોઈ પાસે ન હતો, તેથી અમોને આ સમાચાર એક દિવસ મોડા મળ્યા.

લાઠી(જિલ્લા અમરેલી)થી પાંચેક કિલોમીટર દૂર નાના રાજકોટ એ અમારું વતનનું ગામ. ગામના ખેડૂત ભગવાનભાઈ ડોબરિયા લાઠીના દવાખાને ગયેલા. તેઓ તા. ૩૧મીએ બપોરે બે વાગે ગાંધીજીના અવસાનના ખબર મારા પિતાજી માઘાજી માસ્તરને આપવા ઘરે આવેલા. એ પટેલ ખેડતે કહ્યું, “લાઠીમાં રેડિયો બોલી ગયો કે ગાંધીને મારી નાખ્યા છે.”

પિતાજી આશરે ૬૦ વર્ષની ઉંમરે બંને આખે અંધ થયેલા. સમાચાર સાંભળી તેમણે પ્રતિભાવ રૂપે ‘રામ... રામ...’ના ઉદ્‌ગાર કાઢેલા તે મને બરાબર યાદ છે. તેઓ ગાંધી ગયાના સમાચાર ઘરમાં તથા આસપાસના લોકોને શોકવદને આપતા રહ્યા. મારાં બાને કહે, “પાણી ગરમ મૂકો, મારે ફરી નહાવું પડશે.” અને એ વૃદ્ધ-અંધ ગાંધીચાહકે ફરી બપોરે ૪ વાગે ગાંધીને યાદ કરી સ્મરણાંજલિ રૂપે સ્નાન કર્યું. ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. એ વખતે ગામના અમારા એ ઘરમાં ગાંધીજીની તસવીર નહોતી, પરંતુ કસ્તૂરબાની છબી ભીંતે ટીંગાડેલી હતી.

રાત્રે ૮-૦૦ વાગે મન કહે, “કાગળ-પેન્સિલ અને નીચે ટેકા રૂપે પિત્તળની થાળી લઈ લે. મને ગાંધી વિશે લખવાની એક કવિતા સૂઝી છે.” એમ કહી તેઓ ૧૦-૧૨ લીટીની એક કવિતા બોલી ગયા. પછીથી ધીરે ધીરે મને લખાવતા ગયા. મેં એ પંક્તિઓ રદ્દી કાગળમાં અને ગરબડિયા અક્ષરે નોંધેલી. તેને થોડો સમય સાચવી રાખી, પરંતુ તેને કાયમી ધોરણે સાચવી ન શક્યો, તેનું અત્યારે દુઃખ પણ થાય છે. છતાં કેટલીક પંક્તિઓ યાદ છે. સ્મૃતિને આધારે કહું તો એ પંક્તિઓ કાંઈક આવી હતી :

“ગાંધી ગયાથી ભારતભૂમિનો
હર્ષ અને ઉત્કર્ષ ગયો.
હિંદુમુક્તિનો તારણહાર
વેગ વડે વિદાય થયો.
ઓતા ગાંધીનો પૌત્ર પનોતો
કસ્તૂરબાનો કંથ કોડીલો, વેગ વડે વિદાય થયો.
અહિંસાનાં વેધક શસ્ત્રોથી, શોષક અંગ્રજોને
ગાંસડા-પોટલાં બાંધી વિદાય કર્યા.”

મને અત્યારે વચ્ચેની પંક્તિઓ યાદ નથી, પરંતુ છેલ્લે પંક્તિઓ આ મુજબ હતી :

“ફટ્‌ ગોઝારા ગોડસે તને
આત્મહત્યા લાગી, હિન્દુમુક્તિના
તારણહારને વેગ વડે વિદાય કર્યો તે.”

આ નાનકડા બનાવથી કહી શકાય કે ગાંધીજી કેટલા બધા પ્રભાવક રીતે જનમાનસમાં ખૂંપી ગયા હશે! ગાંધીની વિશાળતા અને વ્યાપકતા એક દૂરસુદૂરના ગામડાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને કેટલી સ્પર્શી ગઈ હશે, તે વાત હૃદયને જણાવતાં આજે પણ આંખો ભીની થાય છે. મારા પિતા માધવજી શિવશંકર પંડ્યા ગાયકવાડી રાજમાં પ્રાથમિક શાળાના શિક્ષક હતા. તેઓ ૧૯૪૫માં આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા. વાચનનો ભારે શોખ ધરાવતા પિતાજીની દૃષ્ટિ ઝામરના કારણે ધીરે ધીરે ઝાંખી થતી ગઈ. ૧૯૪૬માં તેમને અંધાપો આવ્યો. ૧૯૬૧માં તેમનું અવસાન થયું.

મારા પિતાજીને લેખક ઝવેરચંદ મેઘાણી સાથે વ્યક્તિગત પરિચય હતો. તેઓ અવાર-નવાર રૂબરૂ મળતા અને સૌરાષ્ટ્રનાં કેટલાંક ગામડાંમાં મેઘાણી સાથે રહીને ગામના પાળિયા તેમ જ વૃદ્ધ માણસોને મળી માહિતી એકઠી કરતાં. મેઘાણીભાઈને આ પ્રકારના સંપર્કો ગામડાંમાં હતા. નાનપણમાં અને પિતાજીના મુખે કવિ દુલા ભાયા કાગનું પ્રસિદ્ધ ગાંધીગીત સાંભળતા હતા.

“સો સો વાતુંનો જાણનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો
ડગલે ડગલે હાલ્યા કરે ઇ
ઊંચાણમાં ન ઊભનારો
એ ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે
ઢાળમાં નવ ધ્રોડનારો મોભીડો મારો
ઢાળમાં નવ ધ્રાંડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો ...”

ગાંધીને તમે જાયા છે? એમ અમે પિતાજીને પ્રશ્ન પૂછતા, ત્યારે તેઓ કહેતા કે ગાંધીજી જ્યારે ભાવનગર આવેલા, ત્યારે તેમના દર્શન કરવા તેઓ ગયેલા. મેં કહ્યું કે “... પણ અમે તો ગાંધીજીને જોયા નથી’, તેઓ કહેતા કે, ‘ગાંધીજીને તમે તો જોયા નથી, પણ મારા જેવા જેણે ગાંધીને જોયા છે, તેને તો તમે જોઈ શકો છોને!” ગાંધીની વાતો બચપણમાં કિશોરાવસ્થામાં અને યુવાનીમાં પિતાજી પાસેથી અવાર-નવાર સાંભળવા મળતી. તેમાંથી મળેલી પ્રેરણાને કારણે જ લોકભારતી-સણોસરા જેવી ગાંધીવિચારની સંસ્થામાં પાંત્રીસ વર્ષ જેટલા દીર્ઘકાળ સુધી કામ કર્યાનો આનંદ અને સંતોષ છે.

વસ્ત્રાપુર, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2019; પૃ. 20 તેમ જ 19

Category :- Gandhiana