ઇતિહાસ સાક્ષી છે કે શ્રી એચ.કે. આર્ટસ કૉલેજ એટલે સામાજિક નિસબત, વૈચારિક વિમર્શ, સત્તા સામે સંઘર્ષ

સંજય શ્રીપાદ ભાવે
04-03-2019

ગુજરાતપ્રસિદ્ધ એચ.કે. આટ્‌ર્સ કૉલેજના કાર્યકારી આચાર્ય હેમન્તકુમાર શાહનું રાજીનામું આ નોંધ લખાય છે ત્યારે સુરખીઓમાં છે. કૉલેજના પૂર્વછાત્ર અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને એમણે અતિથિવિશેષરૂપે નિમંત્ર્યા તે સંદર્ભમાં કોઈ ભા.જ.પ. તરફી પરિબળોની ધમકીગર્ભ પ્રતિક્રિયા મળતાં કૉલેજ પ્રબંધને કાર્યક્રમ ન થઈ શકે એવા સંજોગો સર્જ્યા એથી એક સ્વમાની આચાર્યને શોભે તેમ હેમન્તકુમારે રાજીનામું ધરી દીધું છે. બહારનાં પરિબળોની ધમકીવશ શૈક્ષણિક સંસ્થામાં આવી અનવસ્થા પેદા થાય એનો તાજેતરનો નોંધપાત્ર દાખલો અમદાવાદ યુનિવર્સિટીમાં અતિથિ અધ્યાપક તરીકે રામચંદ્ર ગુહાને આવતા અટકાવાયેલા તે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અધૂરી જાણકારી અને અધકચરી સમજને ધોરણે અમદાવાદ યુનિવર્સિટી પર પાઠવેલા વિરોધપત્રને કારણે આમ બન્યું હતું. સ્મરણીય છે કે અ.ભા.વિ.પે. આ પત્રની નકલ શિક્ષણમંત્રી અને પૂર્વઅધ્યાપક એવા મહામહિમ રાજ્યપાલ બેઉને મોકલી હતી, પણ એમણે યુનિવર્સિટીની સ્વાયત્તતા તરફે દરમ્યાન થવાની કોઈ જરૂરત જોઈ નહોતી. ગમે તેમ પણ, જેનો પૂર્વરંગ અને એનું એકંદર સાતત્ય અહીં સંજય શ્રીપાદ ભાવેએ સુપેરે ઉપસાવ્યાં છે તે સન્માન્ય શિક્ષણસંસ્થા ધોરણસર પુનર્વિચાર કરે તે શોભીતું લેખાશે.

− પ્રકાશ ન. શાહ

સત્ત્યાવીસમી ફેબ્રુઆરી ૨૦૦૨ થયેલાં ગોધરાકાંડને પગલે ગુજરાત કોમી રમખાણોમાં સપડાયું. માર્ચ મહિનાના આખરી દિવસોમાં પણ અત્યંત હિંસક વાતાવરણ હતું. છતાં ગુજરાત યુનિવર્સિટીએ તેની વાર્ષિક પરીક્ષાઓ મોકૂફ નહીં કરવાની જક પકડી હતી. એટલે અમદાવાદની શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આટ્‌ર્સ કૉલેજના કેટલાક અધ્યાપકો તેમ જ યુનિવર્સિટીના બે અધ્યાપકોએ વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા મોકૂફીની માગણી કરતું આવેદનપત્ર બનાવ્યું. તેમાં એચ.કે. આર્ટસ અને કૉમર્સ કૉલેજના આચાર્યો અને બધા અધ્યાપકોએ સહીઓ કરી. બીજી કૉલેજોમાં જઈને પણ આવેદનપત્ર પર સહીઓ મેળવી. એંશી સહીઓ સાથેનું આવેદનપત્ર વાઇસ-ચાન્સલરને આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓના જાન દાવ પર લગાવીને દુનિયાને ‘સબ સલામત’ બતાવવા માગતી રાજ્ય સરકારને ઢંઢોળવાની હિમ્મત કરવામાં એચ.કે.એ પહેલ અગ્રણી હતી.  

સપ્ટેમ્બર ૧૯૯૬માં એક પક્ષે રાજકીય દાવપેચના ભાગરૂપે શક્તિ-પ્રદર્શન તરીકે તેના કાર્યકર્તાઓની આશ્રમ રોડ પરથી રેલી કાઢી. તે દરમિયાન પક્ષના  કાર્યકરોએ એચ.કે. કૉલેજનાં  કૅમ્પસમાં ઘૂસીને તોડફોડ મચાવી. કૉલેજના અધ્યાપકોએ સામનો કરીને તેમને બહાર ખદેડી મૂક્યા. કૉલેજે પોલીસ ફરિયાદ પણ નોંધાવી. આ જિગર પણ એચ.કે. આર્ટસે બતાવી હતી.

ફેબ્રુઆરી ૧૯૯૭થી દોઢેક વર્ષના સમયગાળાની વાત છે. અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની વીસ નંબરની શાળા આવેલી હતી. અત્યારે ત્યાં ઊંચી ફી લેતી એક ખાનગી શાળા આવેલી છે. કૉર્પોરેશને ગરીબોના બાળકોને ભોગે પૈસાદારોના બાળકો માટેની આ શાળા માટે મંજૂરી આપી. આ સાફ અન્યાય ભરેલું લોકવિરોધી પગલું હતું. તેની વિરુદ્ધ  મીઠાખળી ગામમાં આવેલી નર્મદ-મેઘાણી લાઇબ્રેરી પરનાં કાર્યકર્તાઓ અને નિસબત ધરાવતા નાગરિકોએ છએક મહિના આંદોલન ચલાવ્યું. તેમાં એચ.કે.ના સ્થાપક આચાર્ય, ટ્રસ્ટી અને એ વખતે બ્યાંશી વર્ષના સમાજ ચિંતક યશવંતભાઈ ઉપવાસ પર બેઠા હતા. આંદોલનના પ્રચાર માટે એચ.કે.ના વિદ્યાર્થીઓએ સૌમ્ય જોશીની રાહબરી હેઠળ શેરી નાટકના પચાસેક શો કર્યા -પહેલો શો એચ.કે.ની વિશાળ અગાશીમાં હતો. ત્યાર બાદ આંદોલન માટે પૈસા ઊભા કરવા સી.યુ. શાહ આર્ટસ કૉલેજ અને એચ.કે.એ મળીને ત્રણ એકાંકી નાટકોનો એક ચૅરિટી શો યોજ્યો હતો.

સામાજિક નિસબતવાળા નાટક એચ.કે.ની ખાસિયત રહી છે. સૌમ્ય જોશી કૉલેજના પૂર્વ વિદ્યાર્થી અને પૂર્વ અધ્યાપક. તેમના લેખન-દિગ્દર્શન હેઠળ કૉલેજના કલાકારોએ ૧૯૯૬થી દસેક વર્ષમાં ભજવેલાં સાત એકાંકી નાટકોમાં છેવાડાનો માણસ કેન્દ્રસ્થાને હતો. એચ.કે.ની રંગમંચ પ્રવૃત્તિના શિરમોર સમું પૂરા કદનું નાટક એટલે સૌમ્યનું ‘દોસ્ત, ચોક્કસ અહીં નગર વસતું હતું’. ધર્મઝનૂની શાસકના કિમીયામાં આવી જતા લોકો માત્ર પોતાનાં નગરનો જ નહીં સિવિલાઇઝેશનનો નાશ કરી દે છે એવી ચેતવણી આ નાટકમાં હતી. તે સાંપ્રદાયિકતા સામેનું એક સ્ટેટમેન્ટ હતું. અત્યારે સૌમ્યનો વારસો પૂર્વ વિદ્યાર્થી મૌલિકરાજ શ્રીમાળી ચલાવી રહ્યા છે. તેમણે એચ.કે.ના કલાકારો પાસે ગયાં વર્ષે જે ‘ઉર્ફે આલો’ નાટક કરાવ્યું તે ગટરમાં ગૂંગળાઈને મોતને ભેટતા સફાઈ કામદાર વિશે હતું, અને સ્કિટ કરાવી તે મહિલાઓના માસિકધર્મને સમજપૂર્વક સ્વીકારી લેવાના સંદેશ સાથેની હતી. થોડા દિવસ પહેલાં ઇનામ મેળવી ચૂકેલું તેમનું ‘નાચ’ એકાંકી પૂતળાંના રાજકારણથી થતાં આદિવાસીઓના વિસ્થાપન વિશે, સ્કિટ એલ.જી.બી.ટી. અને  શેરી નાટક લિન્ચિન્ગ વિષેનું હતું. મૌલિકના જ કલાકાર સાથી અને એચ.કે.ના જ વિદ્યાર્થી એવા બાવળાના નિલેશે બે વર્ષ પહેલાં, આગ લાગેલી એસ.ટી. બસમાંથી મુસાફરોને બચાવ્યા હતા અને પોતે ખૂબ દાઝ્યા હતા. એચ.કે.ના બધાં નાટકોની પ્રક્રિયામાં સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થી કલાકારોની સામાજિક ચેતના સંકોરાતી રહી છે.

એચ.કે.ના વિદ્યાર્થીઓની સામાજિક ચેતનાનું એક સ્વરૂપ કુદરતી આપત્તિઓ વખતે પણ જોવા મળ્યું હતું. ઑક્ટોબર ૧૯૯૯માં વાવાઝોડાનો ભોગ બનેલાં દૂરનાં રાજ્ય ઓડિશાના નાગરિકો માટે અમદાવાદમાં રેલી કાઢીને કપડાં ભેગાં કરીને પહોંચાડવાનું કામ એચ.કે. સિવાય ભાગ્યે જ કોઈ કૉલેજે કર્યું હતું. તેના પછીનાં જ વર્ષે ગુજરાતમાં દુષ્કાળમાં રાહત કામ પરનાં લોકોને અનાજ પહોંચાડવાનાં કામમાં કૉલેજ જોડાઈ હતી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારના વિદ્યાર્થીઓની ફી માફી માટે જે ચળવળ ચાલી તેમાં ય એચ.કે.ના વિદ્યાર્થીઓ હતા. ભૂકંપમાં કૉલેજના એન.સી.સી. અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ કામ કર્યું જ હોય. વળી ગયાં બે વર્ષમાં અતિવૃષ્ટિથી તારાજી પામેલાં બનાસકાંઠા અને ગીરગઢડા જિલ્લાના ગામોમાં એન.એસ.એસ. થકી રાહતસામગ્રી પહોંચાડીને  એચ.કે.એ  સમાજ તરફની ફરજ ફરી એક વાર બજાવી હતી.

સમાજથી ક્યારે ય દૂર ન રહેનાર એચ.કે.ને રાજકારણનો ય છોછ નથી. દેશના ઇતિહાસમાં સીમાચિહ્‌ન ગણાતાં ‘નવનિર્માણ’ નામનાં વિદ્યાર્થી આંદોલન(ડિસેમ્બર ૧૯૭૩-માર્ચ ૧૯૭૪)ના સહુથી જાણીતા નેતા અને અત્યારના કર્મશીલ મનીષી જાની એચ.કે.ના વિદ્યાર્થી હતા, અને કૉલેજ આંદોલનકારીઓ માટેની બેઠક હતી. દેશમાં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી (જૂન ૧૯૭૫-માર્ચ ૧૯૭૭) સામેની રાજકીય લડતમાં, રાજ્યમાં કૉલેજના સંચાલકોની જોહુકમી  સામેની અધ્યાપક મંડળની લડતમાં અને એકંદર જાહેર જીવનનાં મુદ્દા પર એચ.કે.ના અધ્યાપકો ખૂબ સક્રિય હતા. અંબુભાઈ દેસાઈ, ઉજમશી કાપડિયા, પ્રકાશ ન.શાહ, સિદ્ધાર્થ ભટ્ટ જેવાં નામ સહેજે યાદ કરી શકાય. સાંસદ મધુસૂદન મિસ્ત્રી અને ભરત મહેતા જેવા જાગ્રત અધ્યાપક એચ.કે.માં ભણેલા છે. નારીસંગઠન ‘અવાજ’ના સ્થાપક અને આજીવન લડવૈયા ઇલાબહેન પાઠકે એચ.કે.માં અંગ્રેજીનાં અધ્યાપન સાથે વિદ્યાર્થીઓમાં મહિલાશક્તિનાં બીજ રોપ્યાં. કોમવાદનો સામનો કરવા માટે રચાયેલાં ‘મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસી’ નામનાં મંચમાં પણ ઇલાબહેન અને એચ.કે.ની પૂર્વ વિદ્યાર્થિનીઓનો ફાળો. તેમાંથી દામિનીબહેન શાહ અને મીનાક્ષીબહેન જોશી તો ચૂંટણીઓ પણ લડેલાં.

એચ.કે.ની વિદ્યાર્થિનીઓએ ૧૯૭૭માં મનોવિજ્ઞાન વિષયની પ્રવેશનીતિની બાબતમાં ચાર દિવસની હડતાળ પાડી હતી તેની આગેવાની અત્યારે દૂરદર્શનના આસિસ્ટન્ટ ડિરેક્ટર (પ્રોગ્રામ્સ) રૂપા મહેતાએ લીધી હતી. મનીષીએ કથળેલાં શિક્ષણ પર કટાક્ષ કરવા માટે કૉલેજના વર્ગખંડમાં ગધેડો ઊભો રાખીને તેને ફૂલહાર કર્યાં હતાં. ખૂબ ગુસ્સે થયેલા યશવંતભાઈ ‘હું અહીં કૉલેજમાં છું ને તમે ગધેડાને લઈને આવો છો ?’ એમ તડૂકેલા એવી ચાલેલી મજાક પણ મનીષીભાઈને સાંભરે છે. ઉજમશીએ આચાર્ય યશવંતભાઈને એક વિવાદ દરમિયાન અધ્યાપક ખંડની મીટિંગમાં ‘યુ આર અ લાયર’ એમ કહ્યું હતું એ ખુદ ઉજમશીએ નોંધ્યું છે. અધ્યાપકને આચાર્યો સાથે ભારે અસંમતિના મુદ્દા ય ઊભા થતા રહ્યા છે. હમણાંના વર્ષોમાં ભગવાકરણ, વાઇબ્રન્ટ તમાશાઓ, નોટબંધી, અત્યંત લોકવિરોધી નીતિઓ, નાગરિક સ્વાતંત્ર્ય, સેમેસ્ટર સિસ્ટમ, શિક્ષણની સ્વાયત્તતા જેવા મુદ્દે એચ.કે.ના કેટલાક અધ્યાપકો શાસક પક્ષનો પ્રખર અને મુખર વિરોધ કરતા રહ્યા છે. પણ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચાર્યો કે સંચાલકોમાં ક્યારે ય અસહિષ્ણુતા આવી નથી. વિચાર-વિમર્શ-વિવાદ-વિરોધનું લિબરલ ડેમોક્રેટિક વાતાવરણ  જળવાતું રહ્યું છે.

કૉલેજના વિદ્યાર્થીઓએ તેમ જ અધ્યાપકોએ રાજકીય પક્ષોના એકાદ ડઝન સારા-નરસા નેતાઓને અને અનેક ડઝન વક્તાઓને ખુલ્લાં લોકશાહી માનસથી સાંભળ્યા છે. તેમાંથી તેઓ પોતાનાં વિવેકથી સારું-નરસું તારવતા રહ્યા છે. વિદ્યાર્થીઓનાં મનની બારીઓ ઉઘડતી રહી છે. ગરીબ કે નિમ્ન મધ્યમવર્ગમાંથી આવતાં વિદ્યાર્થીઓને છ દાયકાથી બધી દિશામાંથી વિચારો મળતા રહ્યા છે. મુક્ત વિચારોના પ્રાણવાયુથી મળેલી ઊર્જાથી સર્જાયેલા વિવિધ આવિષ્કારો સમાજ સમક્ષ તરફ વિદ્યાર્થીઓ ધરી રહ્યા છે. તેમાંના એક વિદ્યાર્થી એટલે લેખક પરેશ વ્યાસ. તેમણે ‘સાહેબ’ ફિલ્મમાં કથા, પટકથા અને સંવાદ લખ્યા છે. સત્તાભૂખ્યા રાજકારણીને ઉથલાવી પાડનાર યુવા નેતા તેમાં છે. એ નેતાનું પાત્ર પણ એચ.કે. સંબંધિત છે, એને સર્જનાર પણ એચ.કે.ના છે.

આ એચ.કે. છે.

મધ્યરાત્રિ, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯   

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2019; પૃ. 02 તેમ જ 19

Category :- Samantar Gujarat / Samantar