ધારા

ઉમેશ સોલંકી
15-01-2019

કેટકેટલી ધારા
વહેતી મારામાં
એક ધારા ડુબાડે
બીજી તરત ઉગારે
ડૂબીને જીવી જાઉં છું
ઊગરીને તરી જાઉં છું
જીવી જનાર હું નથી
તરી જનાર હું નથી
છતાં હું છું
ધારાઓમાં વહેંચાયેલો છું.
ધારા મને ગમે છે
ધારાઓ મને બહુ ગમે છે
ધારા વગર જીવી શકું છું
ધારા વગર હરીફરી શકું છું
ધારા વગર શ્વાસ એકેય ના લઈ શકું છું
ધારાઓમાં વહેંચાયેલો છું.
ધારા જોતી જંગલ
જંગલની લીલી પીળી ધોળી એમ વિવિધરંગી રંગત
રંગતમાં વસતી હાલતી-ચાલતી દોડતી કૂદતી નાચતી
નિયમને માથે રાખતી સંગત
સંગત સંકોચાવા લાગી
રંગતમાં ફીકાશ ભળવા લાગી
ફીકી પડતી રંગત
સંકોચાતી સંગત
ધારા જોતી જંગલ.
ધારા જોતી ગામ
સદીઓ વીતી તોય ઠરીઠામ
એક ગામ
ગામની બહાર બીજું ગામ
એમ દરેક ગામ
ધારા જોતી એક ગામનાં બે ગામ.
ધારા જોતી નગર
નગરની નાનીમોટી ડગર
મોટી ડગર પર મંદિર
મંદિર ક્યારેક કશુંક પી નાખે
પીધા પછી તાંડવ કરે
દરેક ડગર ડગમગવા લાગે
ડગમગતી ડગર અડે જેને 
એ પણ ડગર બનવા લાગે :
દુકાન ડગર લારી ડગર
ઘર ડગર મઢી ડગર
મસ્જિદ ડગર મૂર્તિ ડગર
તિલક ડગર ટોપી ડગર
ટાલ ડગર ચોટી ડગર
ડગર ડગર બધું ડગર
જડ ડગર ચેતન ડગર
ડગરને તીણી ધાર નીકળે
ચેતનને એ ચીરી નાખે
તણખા ઝેરવી બાળી નાખે
ઠેબું મારી કાસળ કાઢી નાખે
ડગર ડગરને પીંખી નાખે
પગલાં વગરની નાગી ડગર
ધારા જોતી આ નગર તે નગર
ધારાને યાદ આવ્યું અચાનક જંગલ
ફીકું જંગલ સંકોચાતું જંગલ
ગમે તેવું પણ રંગતવાળું જંગલ
સંગતવાળું જંગલ
ધારાએ એક ઠૂમકો માર્યો
ડગર બધી થઈ ગઈ જળ
ઠંડું ઠંડું મીઠું જળ.
મંદિર ફરી કંઈક પી ગયું છે
તાંડવ એણે શરૂ કર્યું છે
પણ
એકેય ડગર ડગમગતી નથી
ઠંડી મીઠાશ ડગરમાંથી ખસતી નથી
તાંડવ ધીરે ધીરે જોર કરીને વધી રહ્યું છે
ઠૂમકો મારવા પગનું તળિયું સ્હેજ ઊંચું થયું છે.

E-mail : [email protected]

[‘નિર્ધાર’ના ‘અયોધ્યા વિશેષાંક’માંથી સાભાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 15

Category :- Poetry