ગાંધી એક વાર પંજામાં લે પછી છોડે નહીં : ભીખુ પારેખ

આશિષ મહેતા
13-01-2019

બેરોન ભીખુભાઈ પારેખે એંસી તો ક્યારના વટાવી લીધાં, પણ હજુ સંપૂર્ણ સ્ફૂર્તિ સાથે અભ્યાસ-સંશોધનમાં રત છે. આશરે દોઢ વર્ષ પહેલાં દિલ્હીમાં ગાંધી-શોધ અને ગાંધી-સમજ વિશે તેમની સાથે વાતચીત કરી હતી, તે અંગ્રેજીમાં તો પ્રકાશિત થઈ ગઈ, પણ ગુજરાતી વાચકો સમક્ષ રજૂ કરવાની બાકી હતી. Governance Nowમાં પ્રકાશિત એ મુલાકાતના અંશો થોડા ભાષાફેર અને સ્પષ્ટતા પૂરતા સંપાદન સાથે અહીં ...

પ્રશ્ન : અમલસાડમાં જન્મથી લઈને લંડનમાં અભ્યાસ-સંશોધન સુધીની તમારી જીવનયાત્રા વિશે જણાવશો? અને એમાં ગાંધી કેવી રીતે આવ્યા?

ઉત્તર : એક રીતે ગાંધીની ડિસ્કવરી તો બાળપણથી જ. મારું જન્મસ્થળ અમલસાડ દાંડી અને ધારાસણાની નજીક છે. મારો જન્મ ૧૯૩૫માં [દાંડીકૂચનાં પાંચ જ વર્ષ પછી] એટલે ઘરમાં ગાંધી વિશે અવારનવાર વાત થાય, એક રાજકીય અને નૈતિક વ્યક્તિ તરીકે એમની પ્રેઝન્સ ખરી. પણ ગાંધી પર ઇન્ટેલેક્‌ચ્યુઅલ કામ કરવાની ઇચ્છા નહોતી. જ્યારે પીએચ.ડી. કરતો હતો, ત્યારે મારો થીસિસ ‘સમાનતા’ પર હતો. એમાં ગાંધી ના આવે.

૧૯૮૧માં ભારત આવ્યો, મ.સ. યુનિવર્સિટીમાં (વાઇસ-ચાન્સેલર તરીકે) જોડાયો અને મારી હોદ્દાની મુદત પૂરી થઈ ૧૯૮૪માં, ત્યારે થયું કે નવું કંઈક કરવાની જરૂર છે. એ વખતે મારું માર્ક્સ પરનું પુસ્તક બહાર આવ્યું હતું.

મને ત્યારે લાગ્યું કે ભારતને લગતા વિષય પર અભ્યાસ કરું અને ગાંધી પર કામ શરૂ કર્યું. ગાંધીનું એવું છે કે એક વાર પંજામાં લે પછી છોડે નહીં. મને એમ કે એકાદ વર્ષમાં કામ પતી જશે, પણ અભ્યાસ લંબાતો ગયો. અંતે ત્રણ પુસ્તકો લખાયાંઃ ગાંધીઝ પોલિટિકલ ફિલોસૉફી (૧૯૮૯), કૉલોનિયાલિઝમ, ટ્રેડિશન ઍન્ડ રિફોર્મ : એન એનાલિસિસ ઑફ ગાંધીઝ પોલિટિકલ ડિસ્કોર્સ (૧૯૮૯) અને ગાંધી : એ વેરી શૉર્ટ ઇન્ટ્રોડક્શન (૧૯૯૭-૨૦૦૧). આ ત્રીજું, નાનું પરિચય-પુસ્તક ઘણું લોકપ્રિય રહ્યું છે.

પ્રશ્ન : ગાંધીનાં બે પાસાં છે : રાજકીય અને આધ્યાત્મિક. આમ તો બંને જોડાયેલાં જ છે, પણ દરેક સ્કૉલર બેમાંથી એકને આગળ ધરીને ચાલે છે. આ વિશે તમારું શું મંતવ્ય છે ?

ઉત્તર : બંને પાસાં સંકળાયેલાં જ છે, બે રીતે : ગાંધીના વિચારમાં આધ્યાત્મિકતા પરના જે વિચારો છે, તે તેમની રાજકીય વિચારધારા સમજાવે છે અને તેના પાયામાં રહેલા છે. એ જ રીતે જીવનમાં પણ, આધ્યાત્મિકતામાંથી રાજકીય મૂલ્યો જન્મે છે. બંને પાસાં મહત્ત્વનાં છે, માત્ર એક ના ચાલે.

પ્રશ્ન : ગાંધીના વ્યક્તિત્વના વિકાસમાં વિવિધ ધાર્મિક/આધ્યાત્મિક પરંપરાઓ, દૃષ્ટાઓ, પુસ્તકો વગેરેનો ફાળો રહ્યો છે. તેમના રાજકીય વિચારોના મૂળ કે સ્રોત ક્યાં છે?

ઉત્તર : દેખીતી રીતે જ, ટૉલ્સ્ટૉય, રસ્કિન અને થોરો. આધ્યાત્મિક પક્ષે ચાવી રૂપ સ્રોત ગીતા અને ક્રિશ્ચિયાનિટીમાં છે. ગાંધી કહે છે કે સાચી અહિંસા હું શીખ્યો હોઉં તો ટૉલ્સ્ટૉય પાસેથી. હિન્દુધર્મમાં અહિંસા પૅસિવ, નિષ્ક્રિય છે, તેનું સક્રિય પાસું પ્રેમ છે. રસ્કિનનું પુસ્તક ‘અન ટુ ધિસ લાસ્ટ’ ગાંધી માટે મહત્ત્વનું છે. થોરોના નિબંધ ‘સિવિલ ડિસ્‌ઓબેડિયન્સ’માંથી ગાંધી સવિનય કાનૂનભંગનો પાઠ શીખ્યા. સરકાર જે કાંઈ પણ કરે તે માટે આપણે જવાબદાર છીએ. ત્યાંથી મને ટૉલ્સ્ટૉયમાંથી ગાંધીએ ‘રાજ્ય(સ્ટેટ)નું વિવેચન વિકસાવ્યું કે રાજ્ય કોઈ અમૂર્ત વસ્તુ (એબ્સ્ટ્રેક્ટ ઍન્ટિટી) નથી, તે લોકોનું જ બનેલું છે. રાજ્યનું હિત એટલે લોકોનું જ હિત, બીજું કાંઈ ન હોઈ શકે. રાજ્ય (એટલે કે સરકાર) જે કાંઈ કરે તે પ્રજા વતી અને પ્રજાના હિતમાં હોય. ગીતામાંથી ગાંધી નિષ્કામ કર્મ શીખ્યા. ખ્રિસ્તી ધર્મમાંથી ટૉલ્સ્ટૉૅય મારફતે તેમણે મિશનરી સ્પિરિટ કેળવ્યો અને સહન કરવાનું મહત્ત્વ શીખ્યા. સફરિંગ દ્વારા સામેનાના દિલને સ્પર્શી શકો છો.’

પ્રશ્ન : એકવીસમી સદીના આજના દોરમાં, અસહિષ્ણુતાના વાતાવરણમાં ગાંધીનું મહત્ત્વ સ્પષ્ટ જ છે. પણ એ મૂલ્યોને અમલમાં કેવી રીતે મૂકવાં? ગાંધીએ જેમ એમના સમયમાં નવીન રાજકીય પદ્ધતિઓ વિકસાવી તેમ દેશકાળ મુજબ આજે શું થઈ શકે ?

ઉત્તર : ગાંધીની અમુક વસ્તુઓ એમના ગયા પછી ગઈ તે સારું થયું. દાખલા તરીકે, બ્રહ્મચર્ય, ફૅમિલી-પ્લાનિંગનો વિરોધ, દારૂબંધી. આવા કેટલાક વિચારો પ્રજાને મંજૂર નહોતા, બીજાં જે મૂલ્યો સાચાં અને સનાતન હતાં, તેમાંનાં ત્રણચાર કાયમ રહેશે. સત્ય, અહિંસા, ટ્રસ્ટીશિપ - પ્રોપર્ટી મારી નથી, હું એનો ટ્રસ્ટી છું. એ બહુ મહત્ત્વની વૅલ્યુ છે. તેમાંથી તેમણે સત્યાગ્રહ ઊભો કર્યો. જ્યારે કેટલાક મતભેદો આવીને ઊભા રહે છે, અન્યાય સામે લડવું છે તો કેવી રીતે લડવું? લડત ન્યાયી હોવી જોઈએ. તાર્કિક ચર્ચા પૂરતી નથી. હિંસા સ્વીકાર્ય નથી. તો કરવું શું? સત્યાગ્રહ, દુઃખની વાત એ છે કે આઝાદ હિન્દમાં સત્યાગ્રહની પ્રણાલી હવામાં ઊડી ગઈ લાગે છે. એ જમાનામાં ઑર્ગેનાઇઝ્‌ડ, રિલેન્ટલેસ મૂવમેન્ટ હતી, તે ધીરેધીરે નથી રહી. એ સત્યાગ્રહ અનુકૂળ છે આજે પણ, આઉટ-ઑફ-ડેટ નથી. સોશિયલ મીડિયા વગેરે ધ્યાનમાં લઈને સત્યાગ્રહનાં નવાં રૂપ લેવાઈ શકે.

ગાંધી પછી વિનોબા આવ્યા, પણ સ્કિલફુલ નહીં. એટલે ભૂદાન - ચળવળ ત્રણચાર વર્ષમાં ખતમ થઈ ગઈ. વિનોબાને પોતાને આઝાદ - દેશમાં સત્યાગ્રહના સ્થાન વિશે શંકા હતી. ‘આપણી સરકાર સામે?’ જે.પી.એ કહ્યું કે હા, આપણી સરકાર સામે પણ સત્યાગ્રહ થઈ શકે. આ બે વિચારો ઊભા થયા. વિનોબાના વિચારમાંથી કાંઈ ઊપજ્યું નહીં, જ્યારે જે.પી.ના કેસમાં ૭૪-૭૫માં છાત્ર મૂવમેન્ટથી સત્યાગ્રહ શરૂ થયો, પણ એમના હાથમાંથી ચાલ્યો ગયો. ચળવળે ઑર્ગેનાઇઝ્‌ડ મિલિટન્સીનું રૂપ લીધું.

સત્યાગ્રહમાં આવશ્યક વસ્તુ છે પ્રેમ. તમે સામેના પક્ષને ધિક્કારતા નથી. ‘તમે આટલા સારા માણસ છો, છતાં તમે આટલું જોઈ શકતા નથી? તમારા પ્રેમી પર મૂકતા હો એવું દબાણ કરવાનું છે. સત્યાગ્રહની અસર ત્યારે મળે, જ્યારે જનતાનું દબાણ થાય. હિટલર સત્તા પર આવ્યો એ પછી ગાંધીનો સત્યાગ્રહ ના ચાલત. હિટલરનો જ્યારે ઉદય થઈ રહ્યો હતો, ત્યારે સત્યાગ્રહ જરૂર કામ કરત. કયા સમયે એનો ઉપયોગ કરવામાં આવે છે, પ્રજાને જાગૃત કરીને, તે અગત્યનું છે. મેધા પાટકર સારું કામ કરે છે, પણ સત્યાગ્રહ છાશવારે ના હોય. ઘેટ ઇઝ નોટ ધ વે. ભૂખહડતાલ એ સત્યાગ્રહ નથી, એમાં સામેવાળા પર માત્ર દબાણ લાવવામાં આવ્યું. તે ઉપવાસ પણ નથી, ઉપવાસ તો જાતને પરિશુદ્ધ કરવા માટે હોય.’

પ્રશ્ન : ગાંધી ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે તમે બહુ સાંસ્કૃતિક સમાજ (મલ્ટીકલ્ચરલ સોસાયટી) વિષય પરના અભ્યાસ માટે પણ પંકાયેલા છો. આજે ટ્રમ્પ-બ્રેક્સિટના સમયમાં આ મુદ્દો ફરી ચર્ચામાં છે. તેની પ્રાથમિક સમજ આપશે?

ઉત્તર : મલ્ટિકલ્ચરીઝમનો પ્રશ્ન છે કે જુદી જુદી પશ્ચાદ્દભૂમિકા ધરાવતા લોકો કેવી રીતે સાથે રહી શકે ? કેવી રીતે એકોમોડેટ કરી શકે? કયા નૈતિક નિયમો એવા છે કે જે સૌને સાંકળી શકે? આવા સમાજમાં બાઇન્ડિંગ ફોર્સ શું છે? ૨૦૦૦માં મેં ‘ફ્યુચર ઑફ મલ્ટિ-એથ્નિક બ્રિટન ‘શીર્ષક હેઠળ રિપોર્ટ રજૂ કર્યો, ત્યારે ઘણા લોકો અકળાયેલા-કન્ઝર્વેટિવ પ્રેસમાં મને ‘મોસ્ટ ડેન્જરસ સબવર્ઝિવ એકેડેમિક ઇન બ્રિટન’ ગણાવવામાં આવેલો. સરકારે એ રિપોર્ટ અંતે સ્વીકારેલો. અત્યારની ઘટનાઓમાં ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે? હિસ્ટરી ડઝન્ટ રિપીટ. કદાચ રિપીટ કરે, તો નવા સ્વરૂપે કરે શિફ્ટિંઝ બાઉન્ડરીઝ ઓફ ટૉલેરન્સ આવતી જાય છે.

પ્રશ્ન : ‘ગાંધી : એ વેરી શૉર્ટ ઇન્ટ્રોડક્શન નાના કદમાં પણ ઉત્તમ પરિચય પુસ્તક છે. કોઈ શિખાઉ વાચક ત્યાંથી આગળ વધવા માગે, તો તમે કયાં પુસ્તકોની ભલામણ કરશો.’

ઉત્તર : પહેલાં તો પ્રાઇમરી, એટલે કે ગાંધીનાં પોતાનાં લખાણો - એનો તો વિકલ્પ જ નથી. એ સિવાય થોડાં પુસ્તકોમાં ફૈઝલ દેવજીનું ‘ઇમ્પોસિબલ ઇન્ડિયન’, રાઘવન ઐયરનું ‘મોરલ ઍન્ડ પોલિટિકલ થોટ ઑફ મહાત્મા ગાંધી’, રોનાલ્ડ ટર્ચેકનું ‘ગાંધી : સ્ટ્રગલિંગ ફોર ઑટોનોમી.’ હિસ્ટોરિકલ ઍન્ગલ માટે જ્યુડિશ બ્રાઉનનાં બે વૉલ્યુમ (‘ગાંધીઝ રાઇટ ટુ પાવર, ગાંધી ઍન્ડ સિવિલ ડિસઓબેડિયન્સ’) અને જીવનકથા માટે રામચંદ્ર ગુહા (ગાંધી બિફોર ઇન્ડિયા, ગાંધી : ધ યર્સ ઘેટ ઍન્જ્‌ડ ધ વર્લ્ડ).

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 01 - 02 તેમ જ 14

Category :- Gandhiana