યુનિવર્સલ બેઝિક ઈન્કમ, નેગેટિવ ટેક્સ અને જીવનયોગ્ય દરમાયો

ચંદુ મહેરિયા
12-01-2019

૨૦૧૯ની સામાન્ય ચૂંટણી માટે સત્તાપક્ષ અને વિપક્ષ બરાબર તૈયાર થઈ ગયાં છે.  કિસાન ઋણ માફીને વિપક્ષ ૨૦૧૯નો ચૂંટણી એજન્ડા બનાવવા માંગતો હોય ત્યારે એને ખાળવા કેન્દ્ર સરકાર યુનિવર્સલ બેઝિક ઈન્કમ(UBI)નો આશરો લઈ શકે છે. દેશના સાવ જ ગરીબ કે રોજીરોટીવિહોણાં લોકોને માસિક કોઈ ચોક્કસ રકમ સરકાર તરફથી આપવાની યોજના એટલે યુનિવર્સલ બેઝિક ઈન્કમ. આ કોઈ નવો ખ્યાલ નથી. નોટબંધી પછીના ૨૦૧૭ના કેન્દ્રીય બજેટ પૂર્વેની આર્થિક સમીક્ષામાં યુનિવર્સલ બેઝિક ઈન્કમની જિકર હાલની સરકાર દ્વારા કરવામાં આવી હતી. ૨૦૧૩ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના ઢંઢેરામાં બી.જે.પી.એ મતદારોને ન્યૂનતમ આવકનું વચન આપ્યું હતું. આ હકીકતોથી એ વાતને બળ મળે છે કે લોકસભા ચૂંટણી પહેલાંના અઢીત્રણ મહિનામાં સરકાર યુનિવર્સલ બેઝિક ઈન્કમ અંગે  વિચારી શકે છે.

ગરીબો કે બેરોજગારોના બેન્ક ખાતામાં સરકાર કોઈ રકમ જમા કરાવશે તેવું બે ત્રણ વરસથી સંભળાઈ રહ્યું છે. જો કે આ પ્રકારની યોજનાના માપદંડો અને અમલીકરણ આડેની આડશો સૌથી મોટી સમસ્યા છે. આપણાં દેશમાં ગરીબોનું પ્રમાણ ગરીબીની વ્યાખ્યા સાથે બદલાતું રહે છે. ખરા ગરીબોને બદલે ભળતા જ લોકો બી.પી.એલ. કાર્ડધારકો છે એવું ગ્રામીણ ભારતમાં ઠેરઠેર બન્યું છે. એટલે ખરા લાભાર્થીને ખોળવા અને વગર ઘાલમેલે એના સુધી લાભ પહોંચાડવો તે સૌથી અગત્યની બાબત છે. એક ખ્યાલ એવો છે કે સરકાર હાલમાં જે સાવ બેરોજગાર છે તેને આ યોજના હેઠળ મદદ કરશે. આ સહાયની રકમ માસિક રૂ.૨૫૦૦/- થી ૧૫૦૦૦/- સુધીની હોઈ શકે છે. અસંગઠિત કામદારોનો મોટો વર્ગ સામાજિક-આર્થિક અસલામતી ભોગવી રહ્યો છે તેને સહાયની જરૂર છે. દેશમાં એક જાડી ગણતરીએ પણ જેઓ આવકના હિસાબે સાવ તળિયે છે તેવા લોકો ૨૦ થી ૨૭ કરોડની આસપાસ છે. સરકાર આવા બેરોજગારો, ગરીબો કે ભૂખમરાની સ્થિતિમાં જીવતા નાગરિકોને દર મહિને નિશ્ચિત રકમ આપી શકે છે.

આટલા મોટા પ્રમાણમાં આર્થિક મદદ માટે બહુ મોટા બજેટ અને નાણાંની જરૂર રહેવાની. કેન્દ્ર સરકારની લગભગ ૯૫૦ જેટલી લોકકલ્યાણની યોજનાઓ અમલમાં છે. વળી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજ, ખાતર, રાંધણગેસ વગેરેને સરકાર મોટી સબસિડી આપે છે. આ તમામ યોજનાઓ અને સબસિડી ચાલુ રાખીને સરકાર યુનિવર્સલ બેઝિક ઈન્કમની યોજના લાગુ પાડી શકે કે બંધ કરીને તે પણ વિચારવાનું છે. ન્યૂનતમ આવકની આ આકર્ષક યોજનામાં જેમને આવરી લેવામાં આવશે તે ગરીબોને કોઈ જાતિનો માપદંડ લાગુ પડવાનો નથી તેથી ‘જાતિ”ની હાયવોય કરનારાને રાહત રહેશે. પરંતુ ગરીબોમાં મોટું પ્રમાણ દલિત–આદિવાસી-પછાતનું છે તે પણ સ્વીકારવું પડશે.

યુનિવર્સલ બેઝિક ઈન્કમ અનેક સરકારી યોજનાઓ જેવી કોઈ યોજના હશે કે તેને કોઈ કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે ? દેશમાં જેમ શિક્ષણનો અધિકાર, માહિતીનો અધિકાર અને અન્ન સુરક્ષા કાનૂનથી મળેલો અન્નનો અધિકાર છે તેમ સરકારી કાયદાની બાધ્યતા ઉમેરીને પ્રત્યેક ભારતવાસીને ન્યૂનતમ આવકનો અધિકાર અપાશે ? જો તેને કાનૂની આવો હક હશે તો જ આવો લાભ મળશે ? સરકાર જેમ ગરીબીની રેખા નક્કી કરે છે તે ધોરણે કે અન્ય ધોરણે મિનિમમ આવક નક્કી કરે અને જો તેના કરતાં ઓછી આવક હોય તો તે નાગરિકને કમસેકમ નક્કી કરેલી આવક જેટલી રકમ સરકાર આપશે એવું થઈ શકશે ? ન્યૂનતમ આવકના આ વિચારનો અમલ થતાં જો તેનાથી ગરીબી અને બેરોજગારી નાબૂદ ન થાય તો પણ તાત્કાલિક રાહત થઈ શકે છે. આ સંદર્ભમાં મહાત્મા ગાંધી રુરલ એમ્પલોયમેન્ટ ગેરંટી સ્કીમનું ભાવિ શું હશે? જો મનરેગા દ્વારા રોજીવિહોણાને નિશ્ચિત દિવસોની રોજી પૂરી પડાતી હોય તો પછી કોઈ નાગરિક સંપૂર્ણ આવક કે રોજીવિહોણો કઈ રીતે હોઈ શકે ? મનરેગામાં તો માત્ર ૧૨૦ દિવસની જ રોજીનો સવાલ છે જ્યારે યુનિવર્સલ બેઝિક ઈન્કમ હેઠળ તો વરસોવરસ કાયમી મદદ કરવાની છે. વળી આ યોજનામાંથી કોણ ક્યારે બાકાત થઈ શકશે તે પણ જોવાનું રહે.

વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્યપદેથી તાજેતરમાં છૂટા થયેલા અર્થશાસ્ત્રી સુરજિત ભલ્લાએ  અગાઉના વરસોમાં “નેગેટિવ ઈન્કમ ટેક્સ”નો વિચાર રજૂ કર્યો હતો. તે મુજબ હાલમાં જે ઈન્કમ ટેકસના સ્લેબ છે તેની સરેરાશ ૧૨ ટકા છે. એટલે તેમનું સૂચન હતું કે હાલમાં જે આવકવેરાની મુક્તિમર્યાદા છે તેને યથાવત રાખી તે ઉપરની આવક પર ૧૨ ટકાના દરે  આવકવેરો લેવામાં આવે. આ આવકવેરાની રકમમાંથી જેઓ આવકવેરામુક્ત આવક ધરાવે છે તેવા તમામને તેમની ન્યૂનતમ આવક કરતાં ઓછી હોય તેટલી રકમ સરકાર ચૂકવશે. આ ‘નકારાત્મક વેરો’ એક રીતે ગરીબી વેરો કે આર્થિક અસમાનતા આબૂદી વેરો પણ બની શકે. નેગેટિવ ટેક્સનો ખ્યાલ રજૂ કરનાર તેને આવકવેરામાં ક્રાંતિ અને આર્થિક અસમાનતા નાબૂદીની દિશામાં મહત્ત્વનું કદમ ગણાવે છે. યુનિવર્સલ બેઝિક ઈન્કમની જેમ નેગેટિવ ઈન્કમ ટેક્સનો અમલ પણ અઘરો છે.

હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ રમૂજમાં કહેતા હોય છે કે સિત્તેર વરસમાં ગ્રામ પંચાયતથી સંસદ સુધી ચૂંટાયેલા જે રીતે સમૃધ્ધ થયા છે તે રીતે જો દેશના તમામ નાગરિકને વારાફરતી સરપંચથી સાંસદ થવાની તક આપીએ તો દેશમાં કોઈ ગરીબ ન રહે ! 

આ વાતમાં રહેલી રમૂજને બાદ કરીએ તો સંશાધનોથી ઉભરાતો આપણો દેશ ગરીબ છે તે સ્વીકારવું પડે. નવી આર્થિક નીતિમાંથી પાછા વળવાનું હવે મુશ્કેલ છે અને દેશના બંને મુખ્ય રાજકીય પક્ષો આર્થિક નીતિમાં એકસરખા જ છે ત્યારે ચૂંટણીઓમાં ગાંધીજીના છેવાડાના માણસની અને અંત્યોદયની દુહાઈ દેવાશે. ‘તારી રોટી તારો પસીનો રેડીને કમાજે” એ બાઈબલ વાણી કે જાતમહેનત અંગ્રેજી શબ્દ “બ્રેડબટર”નો અનુવાદ હોય તે સંદર્ભમાં ગાંધીજીની “જીવનયોગ્ય દરમાયો”ની વાત વિસરાવી ન જોઈએ. જ્યારે ગાંધી જીવનયોગ્ય દરમાયાની વાત કરે છે ત્યારે તેમના મનમાં વ્યક્તિને તેના શ્રમનું વળતર, તેના કુંટુંબનું પોષણ, શિક્ષણ અને આરોગ્યની સવલતો મળે રહે તેટલું તો હોવું જ જોઈએ તે છે. અમાપ આર્થિક વિષમતાનો ઉપાય કર્યા વિનાના અને જીવન યોગ્ય દરમાયાનો વિચાર કર્યા વિનાના સઘળા પગલાં માત્ર થીગડાં જ હશે.

e.mail : [email protected]  

Category :- Opinion / Opinion