મરાઠા અનામત : મામાનું ઘર કેટલે ?

ચંદુ મહેરિયા
12-01-2019

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર અસરકર્તા મુદ્દાઓમાં એક મુદ્દો અનામતનો પણ હતો. છત્તીસગઢમાં અનુસૂચિત જાતિને તેની વસ્તીના પ્રમણમાં અનામતવધારો મળતો નથી તેનો રોષ હતો તો તેલંગણામાં સત્તાધારી તેલંગણા રાષ્ટ્રીય સમિતિએ મુસ્લિમોને અનામત આપી ખુશ રાખ્યા હતા. ૨૦૧૯માં લોકસભા ચૂંટણી પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી છે. આ રાજ્યનો બળુકો મરાઠા સમુદાય લાંબા સમયથી અનામતની માંગણી કરી રહ્યો છે. એટલે મહારાષ્ટ્રમાં મરાઠાઓને શિક્ષણ અને નોકરીઓમાં ૧૬ % અનામત આપતો કાયદો સર્વાનુમતે પસાર થયો છે. મહારાષ્ટ્રમાં હાલ ૫૨ % અનામત અમલમાં છે. નવી ૧૬ % સાથે અનામતનું પ્રમાણ ૬૮% થયું છે. ૪૯ % કરતાં વધુ અનામત આપી શકાય નહીં તે અને અન્ય બાબતોને લઈને આ અનામતને બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. અદાલતે જો કે કોઈ મનાઈહુકમ નથી આપ્યો પણ જ્યારે આ મેટર સબજ્યુડિસ છે ત્યારે નવી મરાઠા અનામત પ્રમાણે સરકારી ભરતીની જાહેરાત અંગે કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપર્ડી ગામે અઢીએક વરસ પહેલાં, ૧૬મી જુલાઈ ૨૦૧૬ના રોજ, મરાઠા કિશોરી પર કેટલાક દલિતોએ સામૂહિક બળાત્કાર કરી તેને મારી નાંખી હતી. આ બનાવથી આક્રોશિત મરાઠાઓએ દોષિતોને ફાંસીની સજા અને દલિત આદિવાસી અત્યાચાર પ્રતિબંધક કાયદાની નાબૂદીનું આંદોલન ઉપાડ્યું હતું. સ્વયંભૂ, સામૂહિક નેતૃત્વ ધરાવતું, બિનરાજકીય, ખાસ્સું અહિંસક અને ભારે લોકસમર્થન ધરાવતું “મરાઠા ક્રાંતિ મોરચા”નું આંદોલન કોપર્ડીકાંડથી હઠીને મરાઠા અનામત આંદોલન બની ગયું. ૫૦ કરતાં વધુ મૂકમોરચા અને લાખોની મેદનીએ તમામ રાજકીય પક્ષોને મરાઠા અનામતની તરફેણમાં મૂકી દીધા.

૧૩ કરોડની મહારાષ્ટ્રની વસ્તીમાં મરાઠાઓ ૩૦% હોવાનું મનાય છે. વિધાનસભાની સો કરતાં વધુ બેઠકો પર મરાઠા વોટ નિર્ણાયક છે. રાજ્યના મોટાભાગના મુખ્યમંત્રીઓ મરાઠા હતા. સુગર ફેકટરીઓ સહિતના સહકારી ક્ષેત્ર, ખાનગી, સ્વનિર્ભર શિક્ષણ સંસ્થાઓ મરાઠાઓના હાથમાં છે. જો કે તેને કારણે રાજ્યનો સઘળો મરાઠા સમુદાય સાધન સંપન્ન નથી. એક નાનકડો વર્ગ જરૂર સુખી અને સંપન્ન છે પણ મોટો ગ્રામીણ સમાજ પછાત અને ગરીબ છે.

૨૦૧૪માં રચાયેલી નારાયણ રાણે સમિતિ અને તે પૂર્વેના બાપટ આયોગ અને સર્રાફ આયોગે તેના અહેવાલોમાં મરાઠાઓની વિકટ સ્થિતિ દર્શાવી હતી. વર્તમાન અનામત આંદોલન પછી રાજ્ય પછાત વર્ગ પંચે ૨ લાખ રજૂઆતો, ૨૦ લોકસુનાવણીઓ અને ૩૬ જિલ્લાઓનો સર્વે કરીને મરાઠાઓ પછાત હોવાનું તારણ કાઢી,  ૧૬% અનામતની ભલામણ કરી છે. સ્ટેટ બેકવર્ડ ક્લાસ કમિશનના અહેવાલ મુજબ મહારાષ્ટ્રના ગામડાંઓમાં મોટા ખેડૂત મરાઠાઓ અલ્પ છે જ્યારે નાના સીમાંત ખેડૂતો અને ખેતમજૂરોનો વિશાળ વર્ગ છે. શહેરોમાં તે કૂલી અને માથોડી કામદાર તરીકે પણ જીવે છે. ૭૦% મરાઠા કાચા ઘરોમાં રહે છે, ૭૮.૮૬% ખેતી અને ખેતમજૂરી પર નભે છે. ૫૨% દેવાદાર છે. ૩૭.૨૮% ગરીબીની રેખા હેઠળ જીવે છે. ૧ લાખ રૂપિયા કરતાં ઓછી વાર્ષિક આવક ધરાવતા મરાઠા ૯૩ % છે. માત્ર ૪.૩૦% જ ઉચ્ચ શિક્ષણ મેળવે છે અને સરકારી નોકરીઓમાં તેમની ટકાવારી ૬.૯૨ % જ છે.

ગુજરાતના પાટીદાર, રાજસ્થાનના ગુર્જર, હરિયાણાના જાટ, આંધ્રના કાપૂ અને મહારાષ્ટ્રના મરાઠા લાંબા સમયથી અનામતની માંગ કરી રહ્યા છે. આ પ્રદેશોની સરકારો પૂરતા બંધરણીય અને કાયદાકીય અભ્યાસ વિના, જાણે કે થોડા સમય માટે મુદ્દાને થાળે પાડવા જ, અનામત આપી દે છે. અદાલતો તેને ગેરબંધારણીય ઠેરવે છે. તેથી દોષનો ટોપલો કોર્ટો પર ઢોળી પોતે તો પછાતોના હામી છે પણ અદાલતો અંતરાય છે તેવી છાપ ઊભી કરે છે. ૨૦૧૪માં મહારાષ્ટ્રની કોંગ્રેસ-એન.સી.પી. સરકારે અને ૨૦૧૫માં વર્તમાન બી.જે.પી.-શિવસેના સરકારે મરાઠાઓને અનામત આપી હતી. પણ તે અદાલતમાં  ટકી નહોતી. હાલની ૧૬% અનામત પણ અદાલતમાં ટકશે કે કેમ તે સવાલ છે જ. મહારાષ્ટ્ર સરકારે બચાવ તો કરી જ દીધો છે કે “તેણે મરાઠાઓની માંગણી માટે ઈમાનદાર અને ઉત્તમ પ્રયાસ કર્યો છે.”

ભારતના બંધારણના આર્ટિકલ ૧૬માં રાજ્યની નોકરીઓમાં નાગરિકને ભેદભાવ વિના સમાન તકની જોગવાઈ છે. તેમાં “જે વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું ના હોય તેવા વર્ગો માટે જગ્યાઓ અનામત રાખવાની” અને તેથી “સમાન તકનો ભંગ થશે નહીં” તેમ જણાવી અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાતો માટે અનામતની જોગવાઈ કરી છે. અનુસૂચિત જાતિ, જન જાતિને બંધારણના અમલ સાથે જ અનામત આપવામાં આવી છે જ્યારે અન્ય પછાત વર્ગો માટેની અનામતો ઘણી મોડી અમલી બની હતી. રાષ્ટ્રીય કક્ષાએ વી.પી. સિંઘના પ્રધાનમંત્રીત્વ કાળમાં મંડલ કમિશનના સ્વીકાર પછી ૨૭ % ઓ.બી.સી. અનામત આવી છે.

અનામતનો માપદંડ સામાજિક શૈક્ષણિક પછાતપણું અને વહીવટ તથા રાજકારણમાં અપૂરતા પ્રતિનિધિત્વનો છે. ભારતના બંધારણમાં હાલમાં ગરીબો માટે એટલે આર્થિક પછાતપણાના આધારે અનામતની જોગવાઈ નથી. નરસિંહરાવની કૉન્ગ્રેસી સરકારે ગરીબો માટે ૧૦% અનામતની જોગવાઈ કરી હતી. તેને સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય જાહેર કરી હતી. અદાલતે અનામતની મહત્તમ મર્યાદા ૪૯ % ઠરાવી હતી. તે પછી જુલાઈ ૨૦૧૦માં ચોક્કસ કારણો અને હકીકતોના આધારે તે મર્યાદામાં થોડી છૂટ આપી હતી. દેશના કેટલાક રાજ્યોમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં, અનામતનું પ્રમાણ ૪૯% કરતાં વધારે છે.

મહારાષ્ટ્રમાં અનુસૂચિત જાતિની ૧૩%, જનજાતિ ૭%, ઓ.બી.સી. ૧૯%, વિચરતી અને વિમુક્ત જાતિ સહિતની ખાસ જાતિઓની ૧૩ % મળી કુલ ૫૨% અનામતો અમલી છે. હવે નવી ૧૬% મરાઠા અનામત ઉમેરતાં કુલ પ્રમાણ ૬૮% થયું છે. રાજ્ય સરકાર મરાઠા અનામતને વાજબી ઠેરવવા ઓ.બી.સી. કમિશનનો આધાર લે છે. પરંતુ દેશમાં અને રાજ્યોમાં ઓ.બી.સી. અનામત એક જથ્થે અને વધુમાં વધુ ૨૭% જ રાખી શકાતી હોય ત્યારે મરાઠા અનામત રાજ્યની હાલની ૧૩% ઓ.બી.સી. અનામત ઉપરાંત માત્ર મરાઠાઓ માટે જ રાખવી કાયદાકીય રીતે ન સમજાય તેવી બાબત છે. વળી ૪૯% કરતાં વધુ પ્રમાણ માટે રાજ્ય ઓ.બી.સી. પંચનો રિપોર્ટ જ પર્યાપ્ત નથી. તમિલનાડુ સરકારની જેમ મરાઠા અનામતને અદાલતી સમીક્ષાથી પર રાખવા, તેને બંધારણની નવમી અનુસૂચિમાં મુકવાનો બંધારણ સુધારાનો માર્ગ પણ સરકારે લીધો નથી. એટલે સરકાર જેને ઈમાનદાર પ્રયાસ ગણાવે છે તે લોલીપોપ પણ બની જાય તેમ છે.

e.mail : [email protected]

Category :- Opinion / Opinion