એમનું આગમન

‘નવ્યાદર્શ’
09-01-2019

દી-એ કહ્યું કે,
‘એ આવશે.’
ત્યારે મારું હૃદય હર્ષથી છલકાઈ ગયું હતું
શું કહેવું શું કરવું ?
એ વિશે વિચારવા લાગી હતી
એ રાત્રે મેં બહુ જ વહેલી સૂવાનો પ્રયત્ન કર્યો હતો
તો પણ ઊંઘ એમ કંઈ આવે
આખરે એનો અવાજ સાંભળ્યા પછી જ ઊંઘ આવી
સવારે જ્યારે દી ઊઠી ત્યારે તેણે જોયું
ટિફિન તૈયાર હતું,
હું આવી કડકડતી ઠંડીમાં પણ સવારના પહોરમાં
નાહીને,
વાળ ધોઈને તૈયાર થઈ ગઈ હતી
કારણ કે, એ આજે આવવાનો હતો ને
બાળક જેવો માસૂમ
અને માત્ર મારો જ બનીને રહેનારો એ
દી-એ કહ્યું,
‘આજે સવાર સવારમાં?’
હું શું બોલું, બસ કનખીઓથી કહી દીધું
અને તૈયાર પણ થઈ ગઈ
મેરુન ડ્રેસમાં,
એક કાગળની ચબરખીમાં પાઉડર પણ ભરી લીધો
મેકઅપ નહીં કરવાનો?
આખરે એ જો આવે છે.
મારા સ્મિતની સાથે આજે સુંદરતા પણ ખીલી રહી હતી
એવું સ્ટાફના મિત્રોએ પણ કહ્યું મને હો
પણ હું તો તેની જ રાહમાં અડધી થઈ ગઈ હતી
આખરે એ આવ્યો સૂરજ ઢળતા
મારા માટે ચંદ્ર જેવી શીતળતા લઈને
એણે આવતાં જ મારી નાદાનિયત પર ગુસ્સો કર્યો
પણ બરફની જેમ પીગળી પણ ગયો
એણે મારા વાળમાં જ વહાલથી ચુંબન કર્યું
મેં કહ્યું,
‘વાળને જ પ્રેમ કરે છે? જો તારા માટે એને પણ ધોવા પડ્યા.’
તેણે પોતાના ગરમ હાથોથી મારા ઠંડા હાથ થામી કહ્યું,
‘તું એટલો બધો પ્રેમ કરે છે મને?’
‘હા, આ બાગનાં બધાં વૃક્ષો છે એટલો
હવે કહીશ નહીં કે પાનખર આવે તો?
આવે તો આવે,
ફરી નવાં પાંદડાની માફક હું નવા જ પ્રેમથી તને ચાહવા લાગીશ.’
ને પેલી પાવડર ભરેલી ચબરખી તેની જ સામે કાઢી
(મેકઅપ કરવા સ્તો, એ ભુલાઈ ગયું હતું તેના આગમનમાં)
મારી નાદાનિયત અને માસૂમતા જોઈ
એનો હસતો માસુમ ચહેરો ખીલી રહ્યો ….

Email : [email protected]

Category :- Poetry