ગાંધી@૧૫૦: મહાત્મા આજે જીવતા હોત તો?

રાજ ગોસ્વામી
07-01-2019

આપણે મહાત્મા ગાંધીની જયંતીનું ૧૫૦મું વર્ષ ઉજવી રહ્યા છીએ. ઘણા બધા લોકો ઘણી બધી રીતે મહાત્માને યાદ કરી રહ્યા છે. ગાંધી એક નદી જેવા હતા, અને અનેક વહેણમાંથી એ પસાર થયા હતા. જયારે એમનું અવસાન થયું ત્યારે એમની ઉંમર ૭૮ વર્ષની હતી. એક માણસની સરેરાશ ઉંમર એટલી જ ગણાય છે, પણ એ જેવી શિસ્તબદ્ધ જિંદગી જીવતા હતા એ પરથી એટલું ચોક્કસ છે કે, ગોડસેએ એમનો શ્વાસ રૂંધ્યો ન હોત તો, એમના પૌત્ર ગોપાળકૃષ્ણ દેવદાસ ગાંધીના શબ્દોમાં, ગાંધી આજે ૧૪૧ વર્ષના હોત. તો શું થયું હોત?

ગાંધીજીનાં અંતિમ વર્ષોને લઈને ઘણું બધું નજરઅંદાઝ કરવામાં આવે છે. જેમકે એ નાસીપાસ થઇ ગયા હતા, એ કૉન્ગ્રેસથી નારાજ હતા, જિદ્દી બની ગયા હતા, એ વ્યવહારુ વિચારતા ન હતા, એ અંતર્મુખી થઇ ગયા હતા, એ નવા સમયને સમજતા ન હતા, વગેરે. ગાંધીજી એમના અંતિમ કાળમાં સપૂર્ણ સ્વસ્થ હતા, અને એમનું સપનું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો બહેતર હોય. એમની ઈચ્છા હતી કે કૉન્ગ્રસનું વિસ્થાપન થાય અને ગામડાંઓનું નવીનીકરણ થાય. ગાંધીજીને, ભારતની જેમ જ, પાકિસ્તાનના વિકાસની પણ એટલી જ ચિંતા હતી, અને એમની પાકિસ્તાન જવાની યોજના હતી.

પાકિસ્તાન જવા માટે એમણે જિન્હાને લખ્યું પણ હતું. ૧૩થી ૧૮ જાન્યુઆરી વચ્ચે લાહોરનો એમનો પ્રવાસ ગોઠવાય, જે એમનો ઉપવાસ વચ્ચેનો ગાળો હતો. આ ઉપવાસ પાકિસ્તાન માટે જ હતા. એ પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા માંગતા હતા. કાશ્મીરમાં તનાવના કારણે એ પેમેન્ટ અટકી પડ્યું હતું. એ પછી ૨૭ જાન્યુઆરીએ એ પ્રવાસની તારીખો ફરીથી ગોઠવાઈ, પણ એ દરમિયાન જ, ૩૦મી જાન્યુઆરીએ, ગોડસેએ એમને ગોળી મારી દીધી.

ગાંધીજીના બીજા પૌત્ર, રાજમોહન ગાંધીએ પણ આ સવાલ વિચાર્યો હતો; ગાંધીજી જીવતા હોત તો? એ લખે છે, "૪૦ અને ૫૦ના દાયકામાં જીવતા ગાંધીજીએ (૧) ભારત-પાકિસ્તાનના જખ્મો ભર્યા હોત અને (૨) સરકાર-જનતા વચ્ચેનું સંતુલન બહેતર બનાવ્યું હોત, અને એમાં કૉન્ગ્રેસની ભૂમિકા સાવ જુદી જ હોત." રાજમોહન ગાંધી આ યોજના પર થોડો પ્રકાશ ફેંકે છે:

છેક ૧૯૪૭થી ગાંધી પાકિસ્તાન જવા માંગતા હતા. ૨૩ સપ્ટેમ્બરે એમણે કહ્યું હતું, "મારે લાહોર જવું છે … રાવલપિંડી જવું છે." ગાંધી વતીથી, સંયુક્ત બંગાળના પ્રધાનમંત્રી સુહ્રાવર્દી, દિલ્હી અને કરાંચી વચ્ચે પોસ્ટમેનનું કામ કરતા હતા. ગાંધીના પ્રવાસની તૈયારી માટે ત્રણ પારસીઓ, મુંબઈના વેપારી જહાંગીર પટેલ, પુનાના ડોક્ટર દિનશા મહેતા અને કરાંચીના ખાદીધારી મેયર જમશેદ મહેતા પણ કરાચી જઈ આવ્યા હતા. ૨૭ જાન્યુઆરીએ એવું નક્કી થયું હતું કે, ગાંધીજી ૮ કે ૯ ફેબ્રુઆરીએ પાકિસ્તાન આવશે. ગાંધીજીએ તો સશસ્ત્ર પાકિસ્તાન પોલીસના રક્ષા-કવચની પણ ના પાડી હતી પણ જિન્હાએ કહ્યું હતું કે એ જરૂરી છે.

એ પાકિસ્તાન જઈને શું કરત? એમનો એજન્ડા સ્પષ્ટ હતો; પાકિસ્તાનમાં હિન્દુઓનું રક્ષણ. સુહ્રાવર્દીને એમણે લખ્યું હતું, "મને જાણ છે કે પંજાબ, સિંધ અને ફ્રન્ટિયર પ્રદેશમાં લઘુમતીઓની સ્થિતિ શું છે." ભારતમાં પણ ગાંધીજી આજ દિશામાં કામ કરી રહ્યા હતા. પાકિસ્તાનને ૫૫ કરોડ આપવાની ગાંધીજીની હિમાયતના કારણે પાકિસ્તાનમાં એમના પ્રત્યે સન્માન ઊભું થયું હતું. રાજમોહન ગાંધી લખે છે કે, આ સદ્દભાવનાના દમ પર ગાંધીજી હિંદુ-મુસ્લિમ એકતા પર કામ કરી શક્યા હોત એટલું જ નહીં, કાશ્મીર સહિતના મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સમાધાન લાવી શક્યા હોત.

ગાંધીજીની બીજી યોજના કૉન્ગ્રેસનું વિસર્જન કરવાની હતી. કૉન્ગ્રેસના નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે એવી ફરિયાદ એમને મળી હતી. ગોડસેને ગોળી મારતાં જોનાર સ્વાતંત્ર્ય સેનાની વી. કલ્યાણમ્‌ ગાંધીજીની પાછળ જ હતા, અને એમણે જ અંતિમ શબ્દો 'હે રામ' સાંભળ્યા હતા. એ વી. કલ્યાણમ્‌ કહે છે, "સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સંબધિત નાગરિકો તરફથી ગાંધીને રોજની ૫૦ ટપાલ મળતી હતી, જેમાં કૉન્ગ્રેસના મંત્રીઓ અને નેતાઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે તેવી ફરિયાદો હતી. ગાંધીજી આનાથી બહુ દુ:ખી અને નિરાશ હતા. તેમણે પ્રધાનમંત્રી નેહરુનું ધ્યાન પણ દોર્યું હતું, પણ એ બહેરા કાને અથડાઈને પાછું આવ્યું હતું."

૧૯૪૭ના અંતમાં ગાંધીજીએ કલ્યાણમ્‌ને લખાવ્યું હતું, "દેશમાં જે થઇ રહ્યું છે તેના માટે હું જવાબદાર નથી. મેં અનેકવાર કહ્યું છે કે આજે દેશમાં જે કંઈ થઇ રહ્યું છે, તેમાંની ઘણી બાબતોમાં ન તો હું સંલગ્ન છું કે ન તો મારું કંઈ ચાલે છે. હકીકત એ છે કે હું હવે ખોટો સિક્કો છું. મારો અવાજ જંગલમાં પડઘાય છે. મારી આજ્ઞા ચાલતી નથી. એક સમય હતો, લોકો મારી વાતને અનુસરતા હતા. હવે મારો સૂર એકલો પડી ગયો છે. હવે હું જે કહું છું એને કોઈ સાંભળતું નથી. છતાં, હું એ જ બોલું છું જ સત્ય છે."

મૃત્યુના એક દિવસ અગાઉ, ૨૯ જાન્યુઆરીએ એમણે પ્રસ્તાવ મુક્યો હતો કે, સ્વતંત્રતાનું એનું કામ ખતમ થાય એટલે, રાજકીય પક્ષ તરીકે કૉન્ગ્રેસને વિખેરી નાખીને એણે સમાજ સેવામાં લાગી જવું જોઈએ. ગાંધીજી ઇચ્છતા હતા કે આઝાદ ભારતમાં કૉન્ગ્રેસે ગામડાંઓમાં સાક્ષરતા, સ્વાસ્થ્ય, રોજગારી, સમાનતા અને કોમી સદ્દભાવના કામમાં લાગી જવું જોઈએ. જો આમ થયું હોત, તો સરકાર ચલાવા માટે એક અલગ પક્ષ હોત અને સેવા માટે બીજો. '૬૦ વર્ષમાં કૉન્ગ્રેસે દેશનું અહિત કર્યું છે' એવા આરોપો આજે સંભાળવા મળે છે, તેના બદલે સમય સમય પર સરકારને પ્રજા વતી ટપારતી કૉન્ગ્રેસનો આખો ઇતિહાસ જ અલગ હોત.

જેમ ગાંધીજી જિન્હા અને પાકિસ્તાનીઓ સુધી પહોંચી ના શક્યા, તેમ તેમનો આ પ્રસ્તાવ પણ કૉન્ગ્રેસ સુધી જઈ ના શક્યો. રાજમોહન ગાંધી કહે છે, "૧૯૪૮માં ૭૮ વર્ષનો આ 'ડોસો' મનથી અને શરીરથી બીજા કોઈપણ કૉન્ગ્રેસી નેતા કરતાં સાબૂત હતો. એ એમના વિચારો માટે લડવા સક્ષમ હતા. એ જો જીવતા હોત તો ભારતીય સ્ટેટ માલિક ઓછું અને સેવક વધારે હોત."

એક પત્રકારે ગયા વર્ષે રાજમોહન ગાંધીને પૂછ્યું હતું કે, "તમે આજે ગાંધીજીનો ઈન્ટરવ્યુ કરો, તો શું પૂછો?"

રાજમોહને જવાબ આપ્યો હતો, "૭૦ વર્ષ પહેલાં ગાંધીની હત્યા કરવામાં આવી. એમણે ઘણું સિદ્ધ કર્યું હતું, પણ એમના સમયની અને આજની ઘણી સમસ્યાઓ એ ઉકેલી શક્યા ન હતા. આપણે આજે શું કરવું એની સલાહ ગાંધી શા માટે આપે? આપણે જાતે જ એનાં સમાધાન શોધવાં જોઈએ.

"પણ, હા, 'ગાંધી આજે હોત તો શું કરતા હોત?' એ સવાલ ખાસો કુતૂહલ પ્રેરક છે. આજના બદલાતા સમયને એ કેવી રીતે મૂલવતા હોત એ જાણવાનું ગમે. મને એમને ચીન વિષે પૂછવાનું મન થાય. ભારતીયો અને ચીનાઓ એક બીજા વિષે જેટલું જાણતા નથી એટલું દુનિયા બાબતે જાણે છે. પછી તો આફ્રિકા અને લેટિન અમેરિકા વિષે પણ પૂછવા જેવું છે. એ માનતા હતા કે દરેકે પોતાનાં વસ્ત્રો જાતે વણવાં જોઈએ. એ વૃદ્ધો, સ્ત્રીઓ, બેરોજગારો અને બાળકોને કામ શીખવાડવા માંગતા હતા - દરેકે ચરખો ચલાવીને કૈંક બનાવવું જોઈએ. હું એમને પૂછું કે, ચરખાની સરખામણીમાં આજે શું હોય, સ્માર્ટ ફોન? કે બીજું કંઈ?"

વડોદરાના પ્રસિદ્ધ ચિત્રકાર, પદ્મશ્રી અને પદ્મભૂષણ, ગુલામ મોહમ્મદ શેખને કોઈએ, કોમી હિંસાના સંદર્ભમાં, એક સવાલ પૂછેલો કે, "ગાંધીજી આજે જીવતા હોત તો એ શું કરતા હોત?" એમણે જાવાબમાં કહ્યું હતું, "વાંકદેખ્યાઓ તો કદાચ એવું કહે કે, અત્યારની આ હિંસા સામે એમણે જો અહિંસાનું શસ્ત્ર ઉગામ્યું હોત, તો સૌથી પહેલાં તો એમની જ હત્યા થઇ ગઈ હોત, પણ એ જીવતા નથી એટલે સવાલ ગાંધી-વિચારધારાને લાગતો હોવો જોઈએ. કેટલાક લોકોને લાગે છે કે, આપણે ક્યારની ય એની હત્યા કરી નાખી છે.”

(પ્રગટ : “નવનીત સમર્પણ”, ડિસેમ્બર, 2018; પૃ. 27-30)

Category :- Gandhiana