ઉલુરુ સાખે સૂર્યાસ્તદર્શન

આરાધના ભટ્ટ
04-01-2019

ઓસ્ટ્રેલિયા પૃથ્વીના ગોળા પર લગભગ તળિયે આવેલો દેશ છે. પ્રકૃતિએ પોતાના વિવિધ રંગોથી રંગોળી પૂરીને આ દેશને બહુરંગી બનાવ્યો છે. ચોતરફથી નીલરંગી સમુદ્રનું આલિંગન ઓઢીને દક્ષિણ ગોળાર્ધમાં ઊભેલો આ દેશ એક તરફ એના લીલાં ગાઢ રેઇનફોરેસ્ટની હરિયાળીથી તરબતર છે, તો બીજી તરફ શિયાળામાં અહીંના કેટલાક પર્વતો સફેદ બરફની ચાદર તાણે છે. ઓસ્ટ્રેલિયાના મધ્યમાં લાલ રંગનો વિશાળ રેતાળ પટ છે, જે રણપ્રદેશ ‘નલાર્બર’ (અર્થાત્‌ વૃક્ષ વિનાનો - ઉજ્જડ વિસ્તાર) તરીકે ઓળખાય છે. આ લાલ મધ્ય એ ભૌગોલિક દૃષ્ટિએ અને સંસ્કૃતિક દૃષ્ટિએ ‘હાર્ટ ઓફ ધ નેશન’ કહેવાય છે.

આ રણપ્રદેશની મધ્યમાં છે ‘ઉલુરુ’ અથવા ‘ઍયર્સ રોક’ - એ ખડક જે પિક્ચર પોસ્ટકાર્ડથી દૂનિયાના ખૂણેખૂણે પહોંચ્યો છે અને જેનાથી ઓસ્ટ્રેલિયા ઓળખાય છે. એક જ શિલાના આ બંને નામ સરકારી ગેઝેટમાં સ્વીકૃત છે. ‘ઍયર્સ રોક’ નામ ૧૮૭૩માં ત્યાં પહોંચનાર પ્રથમ અંગ્રેજ સર્વેયરે આપ્યું હતું, પરંતુ ઉલુરુ એનું પરંપરાગત, ત્યાની અનાન્ગુ પ્રજાની બોલીનું, વિશેષ નામ છે, જેનો કોઈ અર્થ નથી પરંતુ ઉલુરુ એ ત્યાંની મૂળ પ્રજામાં સ્થાનવાચક અટક તરીકે વપરાતો શબ્દ છે. જેમ સિડનીનું ઓપેરા હાઉસ કલાપ્રેમી પ્રવાસીઓનું યાત્રાધામ છે, તેમ ૧૯૮૭માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ઘોષિત ઉલુરુ, એક કુદરતી અજાયબી તરીકે દેશની ઓળખ બની છે. છસો મિલિયન વર્ષ પૂર્વે આકાર પામેલા, ઇંટોડી લાલ રંગના, ઊંધા વાળેલા માટીના વાડકા જેવો આકાર ધરાવતા, આ ખડકને દૂરથી જોઈએ અથવા ચિત્રોમાં જોઈએ તો એના કદની કલ્પના કરવી મુશ્કેલ છે. પૃથ્વીની સપાટીની ઉપર આ શિલા પેરિસના આયફિલ ટાવર કરતાં ચોવીસ મીટર ઊંચી છે અને પૃથ્વીની સપાટી નીચે એ લગભગ અઢી કિલોમીટર ઊંડે સુધી પહોંચે છે. ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં ઉલુરુ એ 'મોનોલિથ' છે, અર્થાત્‌ એ શિલાઓનો સમૂહ નહીં પણ ૯.૪ કિલોમીટરના પરિઘવાળો આખો એક ખડક છે.

પ્રવસન આજે એક મોટું ધંધાકીય ક્ષેત્ર બન્યું છે. પ્રવાસો કરવા એ સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતીક છે. આ આબોહવામાં પ્રવાસનો સામાન્ય અર્થ સ્થળો જોવાં, ત્યાંની સંસ્કૃતિનો અનુભવ કરવો, ત્યાં વસતી પ્રજાનું નિરીક્ષણ કરવું, ત્યાંનાં બોલી-રહેણીકરણી-પહેરવેશ-ખાનપાનનો પરિચય મેળવી, ખરીદી કરી પાછા આવવું, એવો થાય છે. ઉલુરુના ફોટા પાડીને આહલાદ થાય એવી, એ કુદરતી અજાયબી હોત તો એ પ્રવાસ સૌન્દર્યદૃષ્ટિથી કરેલો પ્રવાસ હોત અને એ પ્રવાસની સ્મૃતિઓ કદાચ એટલી ચિરંજીવી ન હોત. પરંતુ આ સ્થળના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભો વિષે, એ ભૂમિના મૂળ માલિકો-ત્યાંની આદિજાતિની પરંપરા વિષે થોડું વાંચવાથી એવું સમજાયું હતું કે ઉલુરુ એ મુલાકાતનું સ્થળ નહીં, પણ અનેક સાંસ્કૃતિક સંદર્ભોવાળું દર્શનનું એક સ્થાનક છે.

આવા ભાવ સાથે જૂન મહિના દરમ્યાન સિડનીથી લગભગ સાડા ત્રણ કલાકની ફલાઇટ લઈને રેડ સેન્ટર પહોંચ્યાં. જીવનમાં રણ કદી જોયું ન હોય, એટલે પ્લેનની બારીમાંથી હજારો કિલોમીટર વિસ્તરેલી સાવ શુષ્ક-વેરાન લાલ ધરતીનું દૃશ્ય રોમાંચક લાગે. અને પછી એ રેતાળ ધરતી પર જ્યારે પગ મૂક્યો ત્યારે કોઈક બીજા જ ગ્રહ ઉપર ઉતરાણ કર્યું હોય એવો અનુભવ થયો. પ્રવાસીઓની સંખ્યા ખૂબ પાંખી, વેરાન રણ વચ્ચે માંડ ત્રણ-ચાર નાની-મોટી હોટેલ અને પ્રવાસીઓની પાયાની જરૂરિયાત પૂરી થાય એટલી ગણીગાંઠી દુકાનોનું એક ઝૂમખું, બસ એનાથી વિશેષ ત્યાં કાંઈ નહીં. દૂકાનોમાં અથવા હોટેલમાં જે મળે તે પૈકી કશું જ ત્યાંની સ્થાનિક પેદાશ નહીં, બધું જ હજારો માઈલથી માલવાહક ટ્રક દ્વારા અહીં લાવવું પડે.

જે નૈસર્ગિક છે એ સુંદર જ હોય, એ નિયમ તો ગળથૂથીમાં મળ્યો હતો. છતાં, શુષ્ક્તા પણ આટલી સુંદર હોઈ શકે, એ એહસાસ પહેલી વાર થયો. ધરતી અને આકાશ વચ્ચે ભાગ્યે કશું નજર આવે. નીચા છૂટાછવાયા ઝાંખરાં સિવાય ખાસ કોઈ વનસ્પતિ નહીં, એટલે નજર ફેરવીએ તો વચ્ચે ક્યાં ય અટક્યા વિના એ સીધી ક્ષિતિજે પહોંચે. જૂન મહિનો અહીંનો શિયાળો છે, છતાં રણનો તગતગતો તડકો આંખ સોંસરો ઊતરે અને ચામડીને પણ દઝાડે. ‘બુશ ફ્લાઈ’ તરીકે ઓળખાતી માખીનું અહીં સામ્રાજ્ય. ચહેરા આગળ સતત ઊડતી રહેતી આ માખીઓથી અને તડકાથી મોં અને આંખોને બચાવવા અહીં ખાસ ટોપી મળે છે, જેમાં ચહેરા આગળ મચ્છરદાની જેવી જાળી હોય છે.

ઉલુરુનો સૂર્યાસ્ત એ વિશ્વના શ્રેષ્ઠ સૂર્યાસ્તો પૈકીનો એક ગણાય છે. વળી રણપ્રદેશ એટલે અહીં વાદળ-વરસાદની શક્યતા નહીંવત્‌ હોવાથી પ્રવાસીઓને મૉટે ભાગે નિરભ્ર આકાશમાં સાંગોપાંગ સૂર્યાસ્તદર્શન કરવાનો લ્હાવો મળે. હોટેલથી પ્રવાસી-બસમાં નીકળી પહેલાં તો બસમાં આખા ખડકની પ્રદક્ષિણા કરી. એને જુદાજુદા પ્રકાશમાં અને જુદાજુદા બિંદુએથી નિહાળ્યો. ખડકના અમુક ભાગ બતાવી બસના ચાલકે ખડકની એ તરફની તસવીરો ન લેવાની સૂચના આપી. કારણ કે એ ભાગ અહીંની 'અનાન્ગુ' જાતિની પારંપરિક કથાઓ સાથે સંકળાયેલો છે અને એમને માટે પવિત્ર છે. એના ફોટા પાડવા એ એમના પવિત્ર સ્થળનો અનાદર લેખાય છે. ઉલુરુ અને આસપાસનો વિસ્તાર 'ઉલુરુ-કાટાટૂટજા નેશનલ પાર્ક'માં આવેલો છે અને એક સુરક્ષિત વિસ્તાર તરીકે સરકાર દ્વારા અને અહીંની મૂળ પ્રજાની માન્યતાઓ દ્વારા એ પર્યાવરણની જાળવણી થાય છે. ઉલુરુનું ચડાણ કરવું એ સરકાર દ્વારા નિષિદ્ધ નથી પરંતુ તળપદની સંસ્કૃતિનું એ શ્રદ્ધાસ્થાન છે જેની સાથે કેટલીક લોકકથાઓ જોડાયેલી છે. તેથી આદિવાસીઓ, જેને ‘એબોરિજિનલ’ પ્રજા કહેવાય છે, તેઓ ઉલુરુનું ચડાણ ન કરવા પ્રવાસીઓને વિનંતી કરે છે. કોઈ પગથિયાં કે અન્ય વ્યવસ્થાના અભાવે એનું ચડાણ ખાસ્સું કપરું પણ છે. સરકારી નોંધમાં ૧૯૫૦થી અત્યાર સુધી ઉલુરુનું ચડાણ કરતાં ૩૭ મૃત્યુ નોંધાયાં છે.

કુદરતી સૌંદર્યના અનેક સ્થળોએ સૂર્યાસ્તો જોયા છે. હીલ સ્ટેશનના 'સનસેટ પોઇન્ટ'ની ઊંચાઈએ કે સમુદ્રના તળિયે ડૂબકી મારતો સૂર્ય જોઈને દર્શક-મેદની ચિચિયારીઓ પાડે કે તાળીઓથી સૂર્યને એ દિવસ પૂરતો વિદાય કરે એવા અનેક પ્રસંગો અનુભવ્યા છે. ઉલુરુ આગળ આવી કોઈ મેદની જામી નહોતી. સૂર્યાસ્ત જોવા માટે બનાવેલો એક ખાસ્સો મોટો વિસ્તાર છે. બેસી શકાય એવાં લાકડાના ખૂંટા રેતીમાં ખોસેલા છે, એ સિવાય પ્રવાસ-સ્થળે હોય એવી કોઈ વ્યવસ્થા અથવા ખાવા-પીવાની લારીઓ, ચા-કોફીની હાટડી કશું જ ત્યાં નથી. આ જગ્યાએ બસમાંથી ઊતરેલા થોડા લોકો પથરાઈ જાય એટલે લગભગ એકાંતમાં આ દર્શનનો લ્હાવો મળે. ખડકનો ઘેરાવો એટલો મોટો છે કે એનાથી 3-4 કિલોમીટર દૂરના સ્થળેથી આ દૃશ્ય જોવું પડે. આગળ પહાડ જેવો ઉલુરુનો ખડક અને એની પછીતમાં ઢળતા સૂર્યની લાલિમા. જેમજેમ સૂર્ય ઢળતો જાય તેમતેમ આકાશનો રંગ અને એની સાથે ઉલુરુની લાલિમા પણ જુદાજુદા રંગોની ઝાંય પકડે. લાલમાંથી એ જાબુંડી અને પછી રાખોડી રંગ ધારણ કરવા જાય. એ અલૌકિક દૃશ્ય નિષ્પલક અને નિઃશબ્દ બનીને જોઈ રહીએ ત્યારે વિરાટ પ્રકૃતિ સમક્ષ આપણી વામનતાનું દર્શન થાય. ઉલુરુ, સૂર્યાસ્ત અને સરરિયલ લાગે એવું એ વાતાવરણ, આ ત્રણે તત્ત્વો જાતનું દર્શન કરાવનાર બને. જાતને અને જગતને વિસરી જવાય એવી એકાદ કલાકની આ વિચારશૂન્ય સ્થિતિમાંથી બહાર નીકળીને બસ તરફ જવાનો સમય થયો ત્યારે પગ ઊપડતા નહોતા અને હજીયે ઉલુરુ પર સ્થિર થયેલી આંખો ત્યાંથી ખસવા તૈયાર નહોતી. જે જોયું એને દૃશ્ય કહીએ તો એ અપૂર્ણ લાગે, જે અનુભૂતિ છે એ કદાચ શબ્દાતીત છે.

ધીમા ડગલે, અનિચ્છાથી, બસ તરફ અમારો નાનકડો કાફલો પહોંચ્યો. ઉલુરુને પહેલીવાર બસમાંથી જોયો ત્યારે સૌમાં જે ઉત્તેજના હતી તે હવે આથમી ગઈ હતી. એ ઉત્તેજનાનું સ્થાન ધ્યાનાવસ્થાના મૌને લીધું હતું. મનમાં હતું કે ટુર-ગાઈડની અદાથી આંક્ડાકીય અને ઐતિહાસિક માહિતીનો ધોધ વહાવતો બસ-ચાલક અથવા બીજું કોઈ પ્રવાસી હવે કશું ન બોલે તો સારું. બસ ચાલુ થઇ ત્યારે આકાશમાં અંધકાર વિસ્તરી રહ્યો હતો. એક તરફ ચંદ્રમા ઉદયમાન હતો અને ઝીણા તારાઓ ટમટમી રહ્યા હતા. કાળા અંબરની, આભલા ભરેલી ઓઢણી ઓઢીને ઉલુરુ શયન કરવાની તૈયારીમાં હતો. ઉલુરુનું અડધું ચક્કર મારીને બસ રસ્તા પર પહોંચી. એ વખતે થયું કે આ લાલ શિલા જો સ્થાનક હોય તો એના નવ કિલોમીટરના પરિઘની ફરતો નવરાત્રિનો ગરબો ગવાય? ભૂતનો વાસ પીપળે હોય તેમ ગુજરાતીનો શ્વાસ ગરબે! બસની ઘરઘરાટીના સથવારે મારા મને તો અંદરોઅંદર, ચૂપચાપ ગાવા માંડ્યું ‘ખમ્મા રે ખમ્મા મારી માવલડીને ઝગમગ દીવડાનો ઝાગ, માડીને માથે ચંદરવો રે. લખકોટિ માની આંખલડીમાં તારાઓની ભાત, માડીને માથે ચંદરવો રે’ ...

સ્થળની મુલાકાત પૂરી થાય એટલે પ્રવાસ પૂરો થાય એવું સામાન્યતઃ બને, પણ એવું આ પ્રવાસના કિસ્સામાં ન બન્યું. અહીં જે ચાર-પાંચ દૂકાનો છે, એમાં બીજા દિવસે ચક્કર માર્યું. એક દુકાનમાંથી પુસ્તક હાથ લાગ્યું - ‘સ્પીકિંગ ફ્રોમ ધ હાર્ટ’. અંગ્રેજોના આગમન અને એમનું અહીં સામ્રાજ્ય થયું પછી અહીંના આદિવાસીઓ ઉપર અંગ્રેજોના દમનની ઘટનાઓ આલેખતા વિવિધ એબોરિજીનલ લેખકોના આત્મકથાત્મક લેખોનો આ સંગ્રહ છે, કહો કે એમના હૃદયના ઉદ્દગારો છે. સાવ સરળ, બોલચાલની ભાષામાં લખાયેલ આ પુસ્તક સાહિત્ય કરતાં વધુ, એક દસ્તાવેજ છે. કથાકથન એ વિશ્વની તમામ આદિપ્રજાઓની પરંપરાનો અંશ છે. દાસ્તાંગોઇની ફારસી પરંપરા, હકાવતીની અરબી પરંપરા, પ્રાચીન ચિની, ગ્રિક અને રોમન સંસ્કૃતિઓમાં કથાકથનની પરંપરાઓ અને ભારતમાં તો અનેકવિધ પ્રાચીન કથા-પરંપરા હતી. ઓસ્ટ્રેલિયાની એબોરિજીનલ પ્રજાને પણ કથાકથનની શક્તિમાં અપાર શ્રદ્ધા છે. હૃદયથી કહેવાયેલી અને પેઢી દર પેઢી કહેવાતી આવેલી એમની જીવનકથાઓ એ એમનું જ્ઞાન, એમના પૂર્વજોનું ડહાપણ, પ્રકૃતિ સાથેનું એમનું તાદાત્મ્ય અને એમની સંવેદનાઓ અન્યો સુધી પહોંચાડવાનું એમનું સબળ માધ્યમ છે. અને એ જ રીતે કોઈકની વાર્તાના શ્રોતા બનીને કથાકાર પ્રત્યે આદર વ્યક્ત કરવાની એમની પ્રણાલી છે.

અહીં આલેખાયેલી જીવનકથાઓ એમના 'ડ્રીમટાઈમ'ના પુરાતન ઇતિહાસથી લઈને અંગ્રેજ કાળના જીવનની સત્યકથાઓ છે. કથાઓ કહેનાર વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત આદિવાસીઓ છે. 1901માં ઓસ્ટ્રેલિયન કોમનવેલ્થનો જન્મ થયો. એના ન્યાયતંત્રમાં આ ભૂમિના મૂળ માલિકો માટે મૂળભૂત માનવઅધિકારોની જોગવાઈ નહોતી. જેમ ભારતમાં પ્રજાનું વિભાજન કરીને પોતાની સલ્તનતની ધજા ઊડતી રહે એવી અંગ્રેજોની નીતિ હતી એમ ઓસ્ટ્રેલિયામાં આદિજાતિની વસ્તી ઉત્તરોઉત્તર ઘટતી જાય અને એ રીતે એમની પ્રજા અને સંસ્કૃતિ નામશેષ થાય એવા પ્રયત્નો એમણે કર્યા. એ માટે બળજબરીથી યુરોપિયન સાથે આદિવાસીઓનાં લગ્નો કરાવવામાં આવતાં. ઇતિહાસમાં 'સ્ટોલન જનરેશન' સામે આદરાયેલા જુલમો માનવઅધિકારના ઇતિહાસનું કાળું પાનું છે, જેનું 'રેબિટ પ્રુફ ફેન્સ' નામના 2002માં બનેલ ચલચિત્રમાં હૃદયસ્પર્શી અને કલાત્મક નિરૂપણ છે. 'સ્પીકિંગ ફ્રોમ ધ હાર્ટ' પુસ્તકમાં આલેખાયેલી કેટલીક દર્દનાક કહાનીઓ હચમચી જવાય એવી છે.

હવે એમની પ્રજા માટે માનવાધિકારની લડતમાં સક્રિય કેન કોલ્બન્ગ 1931માં એમના જન્મની વાત કરતાં કહે છે કે તેમની 19 વર્ષીય મા પર એક ગોરા અફસરે બળાત્કાર કર્યો અને એને ગર્ભ રહ્યો. એ પુત્ર તે પોતે - કેન. બળાત્કાર કરનાર અફસરને સજા ન થઇ પણ કેનની માને સજા થઇ કારણ કે તે સાંજના સમયે બહાર ગઈ, એકાંતમાં ગોરા અફસરે એને જોઈ અને એમાંથી બળાત્કારની ઘટના બની. જેલના અત્યાચારોથી કેનની માનું સ્વાસ્થ્ય કથળ્યું અને કેનને જન્મ આપી તે મૃત્યુ પામી. એને દફનાવતાં ઓઢાડવાની ચાદરના પૈસા એની પાસે નહોતા, એટલે એને વિના ચાદરે દફનાવી દેવામાં આવી. એના મૃતદેહને ઓઢાડેલી ચાદર એ લોકો પાછી લઇ ગયા.

બીજી એક કથા છે એક પ્રસુતા માની. એમના સમૂહની દાયણ એની પ્રસૂતિ કરાવી ન શકી, કારણકે ગર્ભમાં તકલીફ હતી. પ્રસૂતા મહિલાને ટ્રેક્ટર જેવા વાહનમાં પાછળ નાખીને નજીકની હોસ્પિટલ પહોંચાડી તો ખરી પણ હોસ્પિટલની સારવાર માત્ર ગોરા લોકો માટે હોવાથી હોસ્પિટલની બાજુમાં આવેલા શબઘરમાં મૃતદેહોની સાથે એ મહિલાને રાખવામાં આવી જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો .. આવી દારુણ, ઘૃણાસ્પદ ઘટનાઓનો ઇતિહાસ લઈને જીવતા હોવા છતાં આ કથાકારોની પ્રત્યેક કથાનું સમાપન એમના પૂર્વજોના સ્પિરિટમાં અને કુદરતના નિયમોમાં એમની દૃઢ શ્રદ્ધાના નિવેદનથી થાય છે.

આપવીતી કહેનાર દરેક વડીલ હવે પછીની પેઢીને એક જ બોધ આપે છે - પ્રકૃતિ સર્વોપરી છે અને એને તમે જાળવશો તો એ તમને જાળવશે. આવી ‘હજારો વર્ષની જૂની વેદનાઓ અને કલેજાં ચીરતી કંપાવતી ભયકથાઓ’ આલેખતા પુસ્તક ‘સ્પીકિંગ ફ્રોમ ધ હાર્ટ’ની કથાઓ આ પ્રવાસ પૂરો કર્યા પછી વાંચી ત્યારે ઉલુરુની મૂળ પ્રજાનું પ્રકૃતિ સાથેનું અનુસંધાન અને પ્રકૃતિનાં તત્ત્વોમાં એમની અપાર શ્રદ્ધાને, અનેક વિષમતાઓ સામે ટક્કર લઇ એમની પ્રાચીનતમ સંસ્કૃતિ અને એમની અસ્મિતાને જાળવવાના એમના આત્મબળને નતમસ્તક વંદન કરવાનું મન થયું. આ પુસ્તકે આ પ્રવાસને સાર્થક અને સંપૂર્ણ કર્યો. 

e.mail : [email protected]

(પ્રગટ : દીપોતસ્વી - પ્રવાસ વિશેષાંક, “નવનીત સમર્પણ”, નવેમ્બર 2018)

Category :- Diaspora / Features