આલૂપૂરી અને બીજાં ચટાકેદાર કાવ્યો

દીપક બારડોલીકર
02-01-2019

લો જી, આવ્યાં આલૂપૂરી
અસુખની કરશે એ નાબૂદી

ખાયે બુઢ્ઢા, થાય ટટ્ટાર
જાણે ઘોડા પાણીદાર
દમિયલજી તો પાડે ત્રાડ
ઉખડી જાયે જંગી ઝાડ

ફડફડતો પૂરીનો ઘાણ
પથ્થરમાં પૂરી દે પ્રાણ
ને આલૂનું ચટક શાક
બેસાડે દુશ્મન પર ધાક

આલૂપૂરી શક્તિસાર
જગાડે રુચિનો રણકાર
ચાખે છે સૌ ભાયગશાળી
ખાવે તેનો બેડો પાર

લો જી, આવ્યાં આલૂપૂરી
અસુખની કરશે એ નાબૂદી
ખાઓ, કરશો ના કંજૂસી !

વાલવલોળ

તાજાં વાલવલોળ
જાણે તારા બોલ

હરા મિરચમસાલે આથ્યાં
લીલ્લા લશુન સંગે પાક્યાં
ચટાકેદાર
લિજ્જતદાર
ખાઓ, વાલવલોળ
ખાયે તેનાં વાગે ઢોલ !

સ્વાદ એનો ભૂલાય નહીં
ચટાકા મોંથી જાય નહીં
લિજ્જત એવી, જાણે તારા
લટકાની રસછોળ !
તાજાં વાલવલોળ
ખાયે તેનાં વાગે ઢોલ !

વઘાર

એ હતો
ઘીમાં કડકડાવેલાં
રાઈ-મરચાંનો વઘાર;

કે મસૂરની દાળ
બની ગઈ શાહી પકવાન !

શાકાહારી

હું છું શાકાહારી
છે સૌથી દિલદારી

મારી સૃષ્ટિ છે લીલીછમ
ને નસ નસમાં છે ઉચ્છલતાં
ધરતીમાનાં રસકસ - દમખમ
ના છે આ પતરાજી
હું છું શાકાહારી

ખેતર - વાડી મારી અંદર
દાણોદૂણી મારી અંદર
ફળરસકૂંડી મારી અંદર
આ છે હકીકત સાચી
હું છું શાકાહારી

દૂધમલાઈનો હું ભેરું
સ્નેહસગાઈનો હું ભેરુ
સર્વ ખુદાઈનો હું ભેરું
ના છે આ લફ્ફાઝી
હું છું શાકાહારી

તુવેરપુલાવ

અમસ્તા આપ
ખાઓ ના ભાવ

આવો, હ્યાં બેસો પાટલે
કંબલ આ ફેંકો ખાટલે

છે તૈયાર
સુગંધીદાર
લહેજતદાર તુવેરપુલાવ !

ઓ રે સાહબ
થોડુંક ચાખો
ચિંતા બધીયે થાશે ગાયબ
વ્યાપશે ભીતર આનંદલ્હાળ
ખાઓ તુવેરપુલાવ

માણો ભેગી મઠાની મોજ
રહે ન પાપડ, અચારની ખોટ
ઉચ્છલશે લહેજતરસછોળ

હો જાણે ગેબી સરપાવ
ખાઓ તુવેરપુલાવ !

રતાળુ તાજાં

આવો ને ઓ મોટમજી
કરો ન નખરા ફોગટજી

છે રતાળુ તાજમતાજાં
ચટાકેદાર ને ફડફડતાં
લિજ્જત એની છે રુચિકર
ગુણકારી ને સુગંધસભર

ચાખો રતાળુ મસાલેદાર
વિસરાશે લાડુ-કંસાર

ઉભરાશે તાકતનો તોર
ઉખડી જાશે કીકર, કોટ
ખાયે નવાબ - રાજા
રતાળુ તાજમતાજાં

ગરમમસાલો

ગરમમસાલો ચતડ, તીખો
છે તમતમતો ખુશ્બૂદાર
ગરમમસાલો નાખો ત્યારે
રસોઈ થાયે લિજ્જતદાર
ગરમમસાલો આ ઠાઠ
મરીઝ ત્યજી દે છે ખાટ

Category :- Poetry