અમેરિકન હાઈવે પરની ત્રણ ઘટનાઓ

સુરેશ જાની
15-05-2013

ડલાસ અને ફોર્ટવર્થના મહાનગરોને વીંધીને સોંસરવા જતા, એટલેંટિક અને પેસિફિક મહાસાગરોને જોડતા, રાષ્ટ્રની અર્થવ્યવસ્થાની ધોરી નસ જેવા, ઈન્ટર-સ્ટેટ હાઈવે (આઈ-૨૦) ઉપરથી મારી ગાડી કલાકના ૬૦ માઈલની ઝડપે પૂરપાટ પસાર થઈ રહી છે. આ રશ અવર છે. મારી આજુબાજુ રસ્તાની ચાર લેનો મારા જેવી જ અસંખ્ય ગાડીઓ, વાનો અને ખટારાઓથી ભરચક ભરેલી છે. વાહનોની વચ્ચે બહુ જ ઓછી જગ્યા છે. ગાડીઓનો સતત પ્રવાહ ધસમસી રહ્યો છે.  સામેની દિશાની ચાર લેનોની પણ આ જ પરિસ્થિતિ છે. મને એમ પ્રતીતિ થઈ રહી છે કે, હું દેશની ધોરી નસ જેવા આ હાઈવેમાંથી વહી રહેલા, અને દેશના આર્થિક વ્યવહારને ધમધમતું રાખતા, કરોડો રક્તકણો જેવો એક રક્તકણ છું. ગતિનો પ્રાણવાયુ અને પેટ્રોલનું ઈંધણ મને ફુલાવીને ટેટા જેવો બનાવી રહ્યાં છે. સતત ધસમસતા મારા જેવા આ બધા રક્તકણો, તેમ જ ટ્રેનો, જેટ પ્લેનો અને મહાકાય સ્ટીમરોમાં વહી રહેલા, આવા જ અનેક રક્તકણો રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાને ધમધમતી રાખી રહ્યાં છે. વિશ્વના આ સૌથી સમૃદ્ધ દેશ જેવા તગડા બનવા, દુનિયાના પ્રત્યેક રાષ્ટ્રે હોડ બકી છે. આખું માનવજગત એક ન અટકાવી શકાય તેવી દોડમાં પ્રવૃત્ત છે, અને પ્રત્યેક ક્ષણે આ દોડ જેટની ઝડપે, સતત વર્ધમાન થતી રહે છે. આ મૂશકદોડનો કોઈ અંત નજર સમક્ષ દેખાતો નથી. બધાં વિનાશની, સર્વનાશની દુર્ગમ ખીણ તરફ, પ્રચંડ ગતિએ, એકશ્વાસે, ધસમસી રહ્યાં છે. કોઈને બ્રેક લગાવવાની ફુરસદ, ઇચ્છા કે સમય નથી.

ત્યાં જ આવી વિચારધારામાં મારા ખિન્ન માનસમાં સત્યનો એક ઝબકારો થાય છે કે, હું એક એક્ઝિટ ચૂકી ગયો છું; અને ખોટો એક્ઝિટ  લઈ પૂર્વ (!) દિશામાં જવાને બદલે પશ્ચિમ (!) તરફ ધસી રહ્યો છું !

***********

મારા આખા શરીરે પરસેવો વળી ગયો છે. હું મારી પથારીમાં સાવ શબવત્ પડેલો છું. એક બિભિશણ દુઃસ્વપ્ન હમણાં જ પસાર થઈ ગયું છે. એ સ્વપ્ન ચાલીસ વરસ પછીના આ જ આઈ-૨૦ હાઈવેનું હતું. આખો રસ્તો સવારના આઠ વાગે ભેંકાર, ખાલી પડેલો હતો. એની ઉપરથી સમ ખાવા બરાબર, એક પણ વાહન ચાલી રહ્યું નહોતું. એની ઉપર ઠેકઠેકાણે વનરાજીએ સામ્રાજ્ય જમાવી દીધું હતું. વિતેલી અર્થવ્યવસ્થાના મહાઅજગર જેવો આ હાઈવે શબની જેમ સડતો પડેલો જણાતો હતો. દુર્દશાની અસંખ્ય કીડીઓ તેના દેહનું ભક્ષણ કરી રહી હતી. બધી જ રેલવે લાઈનો, બધા જ મહાસાગરો અને સમસ્ત આકાશમાં ક્યાં ય એક પણ વાહન સરકી રહ્યું ન હતું. આખી દુનિયામાંથી પેટ્રોલિયમનું છેલ્લું ટીપું અને કોલસાનો છેલ્લો ટુકડો વપરાઈ ગયાને પણ પાંચ વર્ષ  વીતી ગયાં હતાં. છેલ્લા વિશ્વયુદ્ધમાં તોડી નાંખવામાં આવેલા બંધોને કારણે બધાં જળાશયો પણ ખાલી પડેલાં હતાં. થોડા વરસો પહેલાં, પાણી અને શક્તિસ્રોતો માટે ખેલાયેલા, ત્રીજા વિશ્વયુદ્ધમાં નેવું ટકાથી ય વધારે માનવજાત નાશ પામી ચૂકી હતી.    

અણુયુદ્ધના કારણે પેદા થયેલી ગરમીથી પીગળેલા ધ્રુવીય બરફે વિશ્વનાં બધાં જ બંદરોને પાણી નીચે ગરકાવ કરી દીધાં હતાં. બધી સલ્તનતો તહસ નહસ બની ચૂકી હતી. જગતની બધી અર્થવ્યવસ્થા, અરે ! આખું સમાજજીવન ભાંગીને ભુક્કો બની ગયાં હતાં. મારા જેવાં ગણ્યાંગાંઠ્યાં કોક’જ દુર્ભાગી માનવજીવો આમતેમ ખોરાક અને પાણી માટે જંગલોમાં વલવલતાં, આથડતાં હતાં. જુના શહેરના બહુમાળી મકાનોના બધાં ખંડેરો ભયાવહ વનરાજીમાં અરણ્યરૂદન કરી રહ્યાં હતાં. સમસ્ત માનવજીવન ખોડંગાતું, કણસતું, આક્રંદતું ગુફાજીવન તરફ મંથર ગતિએ, કીડીવેગે સરકી રહ્યું હતું. આજુબાજુના જંગલનો ભાગ બની ચુકેલા આઈ - ૨૦ ઉપર હું ભુખ્યો અને તરસ્યો, નિર્વીર્ય અને નિષ્પ્રાણ, હતપ્રભ અને હતાશ ઊભેલો હતો. કઈ ઘડીએ, કોઈ રાની જાનવર આવીને મારો કોળિયો કરી જશે, તેના ભયથી હું થરથરી રહ્યો હતો. મારું આખું શરીર આ ભર શિયાળામાં પણ પસીને રેબઝેબ બની ગયેલું હતું. અને મારા ખોટા એક્ઝિટે મને ક્યાંથી ક્યાં લાવી મુક્યો; તેની મરણપોક પાડીને હું ઝબકીને જાગી જાઉં છું.

***********

બાથરૂમમાંથી પાછો આવી હું પથારીમાં સૂઈ ગયો છું. પેલી દુર્દમ દશા તો એક સ્વપ્ન જ હતું, તેની પ્રતીતિ થતાં હું ફરી પાછો નિદ્રાદેવીને શરણે જાઉં છું. ઘસઘસાટ ઊંઘની વચ્ચે એક નવું પરોઢ ઊગી નીકળે છે. હું ફરી પાછો એવા જ રશ અવરમાં, એ જ આઈ-૨૦ હાઈવે પરથી, મારી હાઈપાવર બેટરીથી સંચાલિત નાનકડી ગાડીમાં પૂરપાટ પસાર થઈ રહ્યો છું. પણ હવે પહેલાં જેવો ધમધમાટ નથી. હવે શહેરમાં ગણીગાંઠી અને નાનકડી ઓફિસો જ છે. સૌ પોતાના ઘેરથી જ ઈન્ટરનેટ પર કામ કરી લે છે. જીવનજરૂરી બધી વસ્તુઓ હવે તેમને ઈ-ઓર્ડર પ્રમાણે ઘેર પહોંચાડવામાં આવે છે. માત્ર શોખની વસ્તુઓ માટે જ લોકો માર્કેટમાં જાય છે. અથવા આનંદપ્રમોદ માટે કે મિત્રો અને સંબંધીઓને મળવા જવા, મારી જેમ ગાડીઓ વાપરે છે. અને તે ગાડીઓ પણ સ્વયંસંચાલિત વીજળીના રેલ સ્ટેશનો પર જ પાર્ક કરવામાં આવેલી હોય છે. મોટા ભાગની યાતાયાત, સ્વયંસંચાલિત, અત્યાધુનિક અસંખ્ય સંખ્યાની બુલેટ ટ્રેનો વડે જ થાય છે. બધાં કારખાનાં રોબોટો ચલાવે છે. બધા સામાનની આપલે પણ સ્વયંસંચાલિત સ્ટોરોમાં રોબોટો જ સંભાળે છે. હાઈવે પર ચાલી રહેલા મોટા ભાગનાં વાહનોમાં આવા રોબોટ ચાલકો જ છે ! મારા જેવા કો’ક જ સહેલાણીઓ અથવા ઈલેક્ટ્રોનિક સાધનો, મહાકાય પાવરહાઉસો કે કારખાનાંઓના તાત્કાલિક મરામતકામ માટે જતાં સ્ત્રીપુરુષો જ ગાડીઓમાં બેઠેલાં છે. બાકીનું બધું રોજિંદું ઉત્પાદન અને મરામતકામ તો રોબોટો જ સંભાળે છે. આખા વિશ્વની શક્તિની જરૂરિયાતો માટે હવે કરોડો ‘ટોકોમેકો’ (*) સુસજ્જ છે. તેમાં પેદા થતી વીજળી આખા વિશ્વની હજારો વર્ષોની જરૂરિયાત માટે પર્યાપ્ત છે. સૂર્યના નાનકડા સંતાન જેવા આ આદિત્યોએ આખા ય વિશ્વની રૂખ બદલી નાંખી છે. બધો વ્યવહાર તેમના થકી પેદા થતી વીજળી વડે ચાલે છે. સમુદ્રના પાણીમાંથી આ જ વીજળી અમર્યાદિત જથ્થામાં શુદ્ધ પાણી પણ બનાવી દે છે. પ્રદૂષણ એ ભૂતકાળની, અને બિનજરૂરી ઘટના બની ચૂકી છે. પાણી અને શક્તિનાં સ્રોતો માટેના દેશ દેશ વચ્ચેના ઝગડા અને ભીષણ યુદ્ધો ભૂતકાળની ઘટનાઓ બની ચૂકી છે. માનવજાતના એક જ ઝંડા નીચે સમસ્ત વિશ્વ એક જ રાષ્ટ્ર  બની ચુક્યું છે.      

અને એ આશાભર્યા વિસ્ફોટના પ્રતાપથી પેદા થયેલી વીજળીથી જ તો અત્યારે મારી આ ગાડી ચાલી રહી છે. માનવજાતની બધી દુર્વૃત્તિઓ, દર્પ, ઈર્ષ્યા, સામર્થ્ય માટેની દોડ અને ખેંચાખેંચી પણ ભૂતકાળની બાબતો બની ચુક્યાં છે. મારી ગાડીના રેડિયો પરથી મંગળના ગ્રહ પરથી પ્રસારિત થઈ રહેલી, મધુરી ગુજરાતી ગઝલોની સૂરાવલીઓ મારા ચિત્તને દિવ્ય આનંદ આપી રહી છે.

આ નવા એક્ઝિટે તો મને મહામાનવજાતિનો એક અંશ બનાવ્યો છે.

***********

અને નવી આશાના સુપ્રભાતમાં, હું આળસ મરડીને, પ્રસન્નચિત્તે, આઈ-૨૦ હાઈવે પરની પહેલી સત્ય ઘટના અને પછીનાં બે સ્વપ્નોને મારા નોટબુક કોમ્પ્યુટરમાં ‘ફોન્ટબદ્ધ’ કરવા માઉસની પહેલી ‘ક્લિક’ લગાવવાનો એ્ક્ઝિટ લેવા પ્રયાણ કરું  છું !

(*) ટોકોમેક – ફ્યુઝન પાવર બનાવતી યાંત્રિક વ્યવસ્થા

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion