વાંસદાના મહારાજાસાહેબ દિગ્વિરેન્દ્રસિંહ - વીરલ વ્યક્તિત્વ

બકુલા ઘાસવાલા
31-12-2018

એક સરસ મજાની સવારે ફોનની ઘંટડી રણકી અને સામે છેડે હતા વાંસદાના  મહારાજાસાહેબ દિગ્વિરેન્દ્રસિંહજી. અમારા બન્નેનો રસનો વિષય હતો ધરમપુરનાં રાજકુંવરીબા અને ગોંડલના મહારાણી નંદકુંવરબા લિખિત પુસ્તક ‘ગોમંડલ પરિક્રમ’. આશરે સવાસો  વર્ષ પર લખાયેલી એ પ્રવાસકથા મારી દૃષ્ટિએ માહિતીપ્રચુર, મનોહર, રોચક, અનુભવસભર, માનવસંબંધોનું મૂલ્યાંકન કરનારી અને અદ્‌ભુત નિરીક્ષણનું દર્શન કરાવનાર છે. ધીરુભાઈ મેરાઈએ રસ લઈ ધરમપુર નગરમાં અને યોગેશભાઈ ભટ્ટે કૉલેજમાં એ પુસ્તકના પરિચય અને રસાસ્વાદનો  કાર્યક્રમ યોજેલો. હું વક્તા તરીકે હતી, ત્યાં મહારાજાસાહેબ સ્વયં હાજર રહેલા. એમણે ધરમપુર અને વાંસદાની અનેક વાતો તાજી કરેલી. હવે તો કેટલીક ભુલાઈ પણ ગઈ છે.

ત્યાર પછી એક દિવસ ફરીથી ફોન પર વાત થઈ કે તેઓ વલસાડ કોઈ મીટિંગમાં હાજરી આપવા આવનાર છે, એટલે સમય અનુકૂળ જોઈ એમને બપોરના ભોજનનું આમંત્રણ આપ્યું. મહારાજાસાહેબે  વગર આનાકાનીએ આમંત્રણ સ્વીકારી લીધું અને તેઓ આવ્યા. સહજ, સરળ, મૃદુ વ્યક્તિત્વ. પોતે કોઈ રાજરજવાડાં સાથે સંબંધિત છે, એનો લેશમાત્ર અણસાર આવવા ન દે. પોતાની સાથે એક પુસ્તક ભેટ  લઈ આવેલા, જે એમના રાજ્ય અને પિતાશ્રી મહારાજાસાહેબ ઇન્દ્રસિંહજીની સ્મૃતિમાં નિરંજના સટ્ટાવાલા સંપાદિત ‘સ્મૃતિસૌરભ’ હતું. (વર્ષ : ૧૯૮૯) પરદા માટે નિઃશુલ્ક શિક્ષણ, એ વિશે પણ મેં એક લેખ કરેલો, જેનું શીર્ષક હતું ‘આ રાજવીઓ પણ હતા, ક્યાં ગયા? ‘આજે પણ એ જ વિચાર સતત આવી રહ્યો છે કે ક્યાં ચાલી જાય છે આવા ઉમદા લોકો? આપણે મોટાભાગે રાજાઓની જાહોજલાલી, એમની અંતરંગ ઐયાશી, યુદ્ધવિજય અને શૌર્યની વાતો સાંભળતાં આવ્યા છીએ. એમણે મને પુસ્તક આપેલું ત્યારે પણ મને કોઈ અહોભાવ જાગ્યો ન હતો, કારણ એ જ કે આપણી  પહોંચબહારની વ્યક્તિઓ વિશે શું વાંચવું? પરંતુ બેત્રણ કલાક એમની સાથે વાતો કર્યા પછી ખ્યાલ આવ્યો કે જે રાજવીઓ પ્રજાવત્સલ, ન્યાયપ્રિય હોય છે, એમની વાત જ અનોખી. એ સ્મૃતિ સૌરભમાંથી પસાર થતાં ખ્યાલ આવ્યો કે વાંસદા વિકસિત રાજ્ય હતું.

દિગ્વિરેન્દ્રજી છેલ્લા જીવંત રાજા હતા, જેમણે વિલીનીકરણ વખતે રાજ્યવાપસી કરેલી. જો કે જે વિકાસની વાત કરીએ છીએ, તેની જોજનો આગળ આ રાજવીઓ વિચારતા હતા. દિગ્વિરેન્દ્રજી તો પર્યાવરણ માટે એટલી હદે સંચિત હતા કે સાચા અર્થમાં એમને ‘પર્યાવરણમિત્ર’ કહેવા જોઈએ. વિલીનીકરણ સાથે એક સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય લાક્ષણિકતાઓ અદૃશ્ય થઈ તે પણ વાસ્તવિકતા છે. જો કે લોકશાહીની ઉપલબ્ધિ નાનીસૂની બાબત નથી, પરંતુ જે વિશિષ્ટતાઓ વાંસદા રાજ્યમાં હતી, તેની આ નાનકડી ઝલક : પ્રજા માટે નિઃશુલ્ક શિક્ષણ, ગરીબ-આદિવાસી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિ, પુસ્તકાલય, શાળાઓ, કન્યાકેળવણી, રમતગમત-વ્યાયામની પ્રવૃત્તિ, પ્રૌઢ શિક્ષણ, નિઃશુલ્ક આરોગ્યસેવા, ફરતાં દવાખાનાં, ગ્રામીણ વિસ્તારમાંથી શહેરમાં જવાની સગવડ (આજની ૧૦૮ ઍમ્બ્યુલન્સ જેવી), નળ-વીજળી-સડકોની સુંદર વ્યવસ્થા, કુટિરઉદ્યોગ, ટપાલસેવા, સસ્તા અનાજની દુકાનો, ખેતી-જંગલ-જળસંરક્ષણની નિસબત, પ્રદર્શનો, લોક-અદાલત, ખુલ્લા દરબાર જેવી ન્યાયપ્રણાલી, મહારાજા સાથે સીધો સંપર્ક, કો-ઑપરેટિવ સોસાયટી (૧૯૨૪), રાજ્ય હિતવર્ધક સભા (૧૯૪૨), સંસ્કૃત પાઠશાળા, નાટકશાળા, ક્લબ, વ્યસનમુક્તિ, સર્વધર્મસમભાવ જેવી પ્રવૃત્તિઓ સમેત વિકાસ અને કલ્યાણરાજ્યની વિભાવના ચરિતાર્થ કરવાનો એ રાજવીઓનો ૬૦-૭૦ વર્ષનો પુરુષાર્થ હતો. આઝાદી પછી તો લોકપ્રતિનિધિઓ ચૂંટાતા આવ્યા અને રાજાઓ પણ રૈયત-ભારતીય પ્રજાજન બન્યા, છતાં મહારાજાસાહેબ માટે પ્રજાની લાગણી યથાવત્ રહી. મહારાજાની જીવનશૈલી સાદગી, અનુશાસનસભર અને પ્રામાણિકતાભરી હતી, જે શિક્ષણ એમનાં સંતાનોને મળ્યું અને હજી અખંડ છે.

પિતાની જીવનશૈલીની એ પરંપરાને દિગ્વિરેન્દ્રજીએ આગળ ધપાવી. મહારાજાસાહેબ ઇન્દ્રસિંહજીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલી અને પોતાના પુત્રને સત્તા સોંપી, પરંતુ ટૂંકા ગાળામાં જ ‘પ્રજાસત્તાક રાજ્ય’ આવ્યું.

ફરીથી મારા એમની સાથેના સ્વાનુભવને જોડું છું. અમારા ઘરે ભાણીબા પ્રીતિબહેનને લઈને આવેલા. એ દિવસે વિનય, વિવેક, નમ્રતા, સરલતા અને સામી વ્યક્તિઓ સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ એની જાજ્વલ્યમાન ઝલક માણવા મળી. મહારાજાસાહેબ અમારા માટે ‘આદિવાસી વાનગી પીઠિયું’નો લોટ લઈ આવેલા, પછી મારી પુત્રવધૂ હેતલને કહે કે આ રીતે બનાવો. હેતલે બનાવ્યું અને બધાંએ ચાખ્યું. એ દિવસે એમનાં કાર્યોની ઝલક પણ મળી. જેમ કે મધુ કાબરા( પૃષ્ઠઃ ૧૩૯) પુસ્તકમાં લખે છે કે આપ, આવશો, જશો, પધારો એવી રોજિંદી ભાષા એમની સહજ છે. એમની પારદર્શક, ખુશમિજાજી વાણીથી સામી વ્યક્તિ પ્રભાવિત થાય જ. મારે ત્યાં આવેલા ત્યારે તેઓશ્રી છ્યાશી વર્ષના હતા. એમના મિત્રવર્તુળમાં જાતિ, ધર્મ, બુદ્ધિ અને પૈસાગત કોઈ ભેદભાવ ન હતો. કલાપારખુ, વૃક્ષમિત્ર, પ્રાણીમિત્ર, માનવમિત્ર દિગ્વિરેન્દ્રજી એમના ભાણેજોના મામાસાહેબ અને પરિવારના મોભી છતાં મિત્ર બની રહ્યા. રાજ્યના વિલીનીકરણ વખતે જંગલોની જે સ્થિતિ હતી અને આજની વાસ્તવિકતાથી તેઓ ખૂબ જ ચિંતિત છે (પૃષ્ઠ-૧૪૨). રાજ્યની જમીનના સાઠ ટકા વનવિસ્તાર હવે દસ ટકા રહ્યો છે. જો કે વાંસદા પાસે સુરક્ષિત એટલું જંગલ તો છે! ૧૯૮૯માં જે ફિકર હતી, તે ૨૦૧૨ અને હવે ૨૦૧૮માં પણ છે જ. મધુ કાબરાજી લખે છે,’ વૃક્ષ કપાયાં તો એ એમના હૃદયને ખૂબ દુઃખ (વ્યથા)  પહોંચાડે છે, આજે પણ તેઓ એમ જ સમજે છે કે ‘આ વિભાગ મારો છે, આ જંગલ મારું છે, એનું જતન કરવાની ફરજ મારી છે. એમાં માલિકીભાવના નહીં, મમતા અને પ્રેમની સુગંધ છે. કાશ! આવી જ ભાવનાઓ આજના રાજકર્તાઓની કે સરકારી અમલદારોની હોત તો?’, પુસ્તકના વિવિધ લેખકોની જે લાગણી છે તેવી જ લાગણી મહારાજાસાહેબ દિગ્વિરેન્દ્રજીને મળ્યા પછી કોઈ પણ વ્યક્તિને થાય. ‘રાજધર્મ’ની વ્યાખ્યા વાંસદા, ધરમપુર, ગોંડલ, વડોદરા, ભાવનગરના રાજવીઓએ જે રીતે પ્રમાણી તે તો હવે સ્વપ્નવત્‌. એમના બન્ને પુત્રો શિક્ષિત અને સંસ્કારી છે. જયવીરેન્દ્રસિંહજી ૧૯૭૭ના બેચના સફળ આઈ.એ.એસ. છે તો બીજા પુત્ર અમરેન્દ્રસિંહજી સારા તસ્વીરકાર છે. રાજવી પુત્રોની ઓળખાણનો અવસર તો ખાસ મળ્યો નથી, પરંતુ મહારાજાસાહેબ સાથે તો મળવાનું બનેલું. એમની વર્ષગાંઠ પહેલી ઑકટૉબર. એક વર્ષગાંઠે રૂબરૂ મળીને એમના પુસ્તક-પરિચયનો મારો લેખ ‘નિરીક્ષક’ સામયિકમાં પ્રકાશિત થયેલો તે આપવાનું બનેલું. તેઓ રાજી થયેલા. અમને મહેલ બતાવવાની ગોઠવણ કરી. હું અને આશા ગયેલાં. તે દિવસે પહેલાં ધરમપુર આર્ચમાં ગયેલાં ત્યારે દિવંગત મિત્ર ડૉ. દક્ષા પટેલે પણ એમની ખૂબ પ્રશંસા કરેલી તે યાદ આવે છે.

રહીરહીને વિચાર આવે છે કે ક્યાં ચાલી જાય છે આવા ઉમદા વ્યક્તિત્વ? પુસ્તકમાંથી જ લીધેલી કચ્છી કવિ દાદા મેકરણની આ પંક્તિઓ સાથે સમાપન :

‘ઉ ભૂંગાં, ઉ ભૈણિયું, ઉ ભિંતે રંગ પેઆ
મેકણ  ચેતો માડુઆ, રંગીધલ વેઆ’ 

(એ જ આવાસો, એ જ રચના અને દીવાલો પરના રંગો રહી ગયા છે, માત્ર તેના રચનારા અને રંગનારા ચાલી ગયા છે.)

e.mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 07 તેમ જ 15

Category :- Samantar Gujarat / Samantar