શુદ્ધ રહ્યો છું ખરો?

પ્રફુલ્લ રાવલ
30-12-2018

પગ પછાડીને હું બોલેલો :
‘અડીશ, અડીશ ને અડીશ’,
ત્યારે છણકો કરીને ફઇબા બોલેલાં;
‘વાંદરપૂંછું, સમજતું જ નથી.’
અને સાવરણો આડો રાખીને,
પાછાપગલે ખસતી જતી મણિવહુ
ત્યારે કરગરતી’તી મને;
‘ના અડો, મને ના અડો,’
તો ય રેશમી ધોતલી પહેરેલો હું
એને અડીને દોડી ગયો’તો,
મહોલ્લાના શિવલિંગને જળનો લોટો ચડાવવા.
સાંજે તો વાતનો વિષય હતો મારી સ્વચ્છંદતાનો
ડિસેમ્બરની એ સાંજે તો ખભે દફતર ભરાવીને
હું ઘેર આવ્યો, ત્યારે પ્રવેશના પ્રતિબંધ વચ્ચે
ગોળાનું ઠંડું પાણી રેડીને, મને શુદ્ધ કરાયો’તો.
આજે સાઠ વર્ષપૂર્વેનો એ માહોલ
દસ્તક દઈને મને ઢંઢોળી રહ્યો છે
અને હું મને પૂછું છું;
‘હું શુદ્ધ રહ્યો છું ખરો?’

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 15

Category :- Poetry