‘ન્યાય’તંત્ર

અંબાલાલ ઉપાધ્યાય
17-12-2018

ગુજરાતભરમાં હિંમતનગરમાં ચાલતા એકમાત્ર સહકારી પ્રિન્ટિંગ પ્રેસના સ્થાપક અને પ્રમુખ નૂરભાઈ લાઘાણીનું મૃત્યુ થતાં કામદારોએ મને આવીને પ્રમુખ થવા કહ્યું. મેં કહ્યું કે પ્રિન્ટિંગ પ્રેસના કામનો મને અનુભવ નથી, એટલે ઉપયોગી થઈ શકીશ નહીં. ત્યારે કામદારોએ કહ્યું કે પ્રેસનું કામકાજ અમો સંભાળી લઈશું. આપ પ્રમુખ હોવ તો પંચાયત, સહકારી અને સરકારી કામકાજ મળી શકે. મારા પ્રમુખ થયા પછી જિલ્લાની સહકારી સંસ્થાઓ સભ્ય બનાવી શૅરભંડોળ વધાર્યું. પ્રેસ ધમધોકાર ચાલવા માંડ્યો અને મોડાસામાં તેની શાખા શરૂ કરી, છ માસમાં જ પ્રિન્ટિંગ પ્રેસના મૅનેજર ઉપર પ્રોવિડન્ટ ફંડ લાગુ ન કરવા માટે પ્રોવિડન્ટ ફંડના ઇન્સ્પેક્ટરે કોર્ટમાં ફરિયાદ મૂકી, ત્યારે મૅનેજરે કહ્યું કે પ્રેસમાં પૂરા કામદારો નથી. એટલે પ્રોવિડન્ટ ફંડ દાખલ કર્યો નથી. આ તો ઇન્સ્પેક્ટર બધા પાસેથી હપતા ઉઘરાવે પણ આપણે આપીએ નહીં, એટલે ખોટો કેસ કર્યો.

કોર્ટમાં કેસ દાખલ થયા પછી ચાર મુદ્દતો પછી કોર્ટના ન્યાયમૂર્તિએ કેસમાં પ્રિન્ટિંગ પ્રેસના તમામ કારોબારી સભ્યોને તહોમતદાર તરીકે ઉમેરી લીધા. પ્રિન્ટિંગ પ્રેસના પ્રમુખ તરીકે તહોમતદારમાં મને પણ લીધો હતો. મારા ગામથી હિંમતનગર કોર્ટમાં આવતાં ૫૦ કિલોમીટરનું અંતર હતું. એટલે એક મુદ્દતે મોડો પડ્યો ન્યાયમૂર્તિએ વૉરંટ કાઢી લીધું. બીજી મુદ્દતે હાજર થતાં કેસ નીકળ્યો. એટલે ન્યાયમૂર્તિએ મને દરવાજા પાસેના પાંજરામાં બેસવાનું કહ્યું. કોર્ટનો સમય બંધ થતી વખતે ન્યાયમૂર્તિએ મને પોલીસમાં સોંપી હિંમતનગરની સબજેલમાં લઈ જવા આદેશ આપતાં મારે જેલમાં જવું પડ્યું. ઍડ્‌વોકેટને જાણ થતાં ન્યાયમૂર્તિને કહ્યું કે તે એ મુદ્દતના દિવસે હાજર હતા, પણ થોડાક મોડા પડેલા એટલે જેલમાંથી મુક્ત કરવા માંગણી કરી. ન્યાયમૂર્તિએ કહ્યું કે આવતી કાલે કોર્ટમાં જામીન રજૂ કરજો. ઉંમરલાયક હોઈ અને  કોઈ ગુનો કર્યો નથી એટલે છોડવા માગણી કરી, ન્યાયમૂર્તિએ જામીન રજૂ કરવા કહેતાં ઍડ્‌વોકેટ પોતે જામીન થયા. મને જેલમાંથી મોડી સાંજે છોડવામાં આવ્યો. ન્યાયમૂર્તિ મોડાસાની કોર્ટમાં હતા, ત્યારે તેમનાં પત્ની મેઢાસણ રેફરલ હૉસ્પિટલમાં નોકરી કરતાં હતાં. તેઓની બદલી મેઢાસણ હૉસ્પિટલમાં મોડાસા મુકામે કરવા મારા ગામના ઍડ્‌વોકેટ સાથે હું જિલ્લાપંચાયતનો પ્રમુખ હોઈ કહેવડાવાયું. તપાસ કરતાં જાણ્યું કે રેફરલ હૉસ્પિટલ સરકાર હસ્તક હતી એટલે જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે મારાથી બદલી થઈ શકે નહીં. તેમ ઍડ્‌વૉકેટ મારફતે આ કહેવડાવ્યું, ત્યારે ન્યાયમૂર્તિએ કહ્યું કે કામ કરવું નથી, એટલે બહાનું બતાવ્યું છે. તે જ ન્યાયમૂર્તિ મોડાસા કોર્ટમાંથી બદલાઈ હિંમતનગર કોર્ટમાં આવેલા, તેમની પાસે કેસ હોઈ મારું નામ યાદ રાખી વૉરંટ કાઢી બીજી મુદ્દતે જેલમાં પૂરવા આદેશ આપ્યો હતો. કેસમાં ૪થી ૫ ન્યાયમૂર્તિ બદલાયા. એક મુદ્દતે ૧૧ વાગે કોર્ટમાં આવી હાજર થયા હતા. દરમિયાન લઘુશંકા માટે કંપાઉન્ડમાં મૂતરડીમાં ગયો હતો, તે વખતે જ કેસ નીકળતાં હું સહેજ મોડો પડ્યો, એટલે ન્યાયમૂર્તિએ કહ્યું : કેમ મોડા પડ્યા છો? બાપના બગીચામાં ફરવા આવ્યા છો?

કેસ તા. ૧-૨-૧૯૯૧ના રોજ કોર્ટમાં મૂકવામાં આવ્યો હતો. કેસમાં ૧૭ વર્ષ ઉપરાંતના સમય સુધી કેસની મુદ્દતો પડ્યા કરી.

તા. ૨૭-૩-૨૦૧૮ના રોજ ન્યાયમૂર્તિએ કેસને સ્ટૉપ કરવાનો આદેશ આપ્યો અને કેસ બંધ થયો. દરમિયાન કેસ અંગે કાયદાની કલમનું પુસ્તક મંગાવી વાંચતાં જોયું, તો રાજ્યના પ્રોવિડન્ટ ફંડના અધિકારી મંજૂરી આપે તેના પર કેસ દાખલ થઈ શકે. રાજ્યના અધિકારીએ મૅનેજર ઉપર કેસ મૂકવા મંજૂરી આપી હતી. પાછળથી ન્યાયમૂર્તિએ આખી કારોબારી - સમિતિને તહોમતદારમાં લેવા આદેશ આપ્યો હતો. અમોએ કાયદાની કલમ ટાંકી સહીઓ કરી ન્યાયમૂર્તિને જણાવ્યું હતું કે રાજ્યના અધિકારીએ મૅનેજર ઉપર કેસ કરવા મંજૂરી આપેલી છે, એટલે કારોબારી સમિતિને તહોમતદારમાંથી મુક્ત કરવા માંગણી કરી હતી. ન્યાયમૂર્તિએ અમારો સદરહુ રિપોર્ટ વાંચવાની પણ તકલીફ લીધી ન હતી. કેસની દર માસે મુદ્દત પડતી હતી. એટલે અંદાજે ૨૦૪ મુદ્દતોમાં આખી કારોબારીના ૧૫ સભ્યોને કોર્ટમાં આવી બેસી રહેવું પડતું હતું. ફરિયાદી ઇન્સ્પેક્ટર કેસ મૂક્યા પછી એકેય વખત કોર્ટમાં આવ્યા ન હતા, છતાં ય તેની નોંધ લેવાયા સિવાય જેમના પર કેસ થયેલો તે પૈકી કોઈ આવવામાં મોડા પડે, તો વૉરંટ કાઢી જેલમાં પૂરવાનો પ્રસંગ બન્યો હતો. છેલ્લા ન્યાયમૂર્તિએ કેસની ચકાસણી કરતાં ફરિયાદી એકેય વખત હાજર થયેલ ન હોઈ કેસ સ્ટૉપ કરવા આદેશ આપ્યો હતો. ન્યાય માટેની કોર્ટમાં પણ ગુનો ન બન્યો. છતાં ય અધિકારીએ મૅનેજર ઉપર કેસ મુકવા મંજૂરી આપી હોવા છતાં ય ન્યાયમૂર્તિએ પોતે આદેશ આપી આખી કારોબારી કમિટીને તહોમતદારમાં લેવા આદેશ આપ્યો જેના કારણે ૧૭ વર્ષ ઉપરાંત સમયથી ૨૦૪ મુદ્દતોમાં કોર્ટમાં આવીને બેસી રહ્યા પછી કેસમાંથી છુટકારો મળ્યો. ન્યાય માટેની કોર્ટોથી જ ત્રાસજનક સ્થિતિમાં ૧૫ વ્યક્તિઓને ગુજરવું પડ્યું છે.

રાજ્યના એકમાત્ર સહકારી પ્રિન્ટિંગપ્રેસને એના કારણે ફડચામાં લઈ જવો પડ્યો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 08

Category :- Samantar Gujarat / Samantar