લોઢું

ઉમેશ સોલંકી
16-12-2018

ભટકી ભટકીને થાકી જતા
માંડ માંડ કશુંક પેટમાં જતું
પેટમાં જતું હંમેશાં કાચું રહેતું
બહુ બહુ વાસી જતું
કોઈકવાર તાજું જતું
કોઈના શિકાર પર નભી નભી શિકાર શીખ્યા
શિકાર કરતાં થાકી જતા
શિકારની કરવાની નવી રીતો શોધી :
પગની ગતિને આંખમાં મૂકી
હાથની ચપળતાને પથ્થરમાં ભરી
લાકડામાં નાખી વેગીલી કરી
ધાતુમાં ગોઠવી ઘાતક કરી
ઘર્ષણમાં લાવી તણખામાં ફેરવી.
પેટને થોડી રાહત થઈ
રાહતમાંથી દાણો ફૂટ્યો
દાણો ફૂટીને આંખમાં વસ્યો
આંખમાં વસ્યો તો હાથમાં ગયો
હાથની ચપળતાને ગમી ગયો
ગમી ગયો તો મગજ હલ્યું
મગજ હલ્યું તો કણના મણ દાણા થયા
વેરવિખેર પડવા લાગ્યા
હાથની ચપળતાએ ભેગા કર્યા.
ધીરે ધીરે પગ થોભવા લાગ્યા
ભટકવાને બદલે ચાલવા લાગ્યા
ચાલ્યા થોડું, થોડું વધારે ચાલ્યા
વચ્ચે વચ્ચે પાછા વળ્યા
પાછા વળ્યા તો કદ ઘટનું ઘટી ગયું
ઘટેલું કદ ઘટમાં ગયું
ઘાટ ધરીને બહાર આવ્યું
ઘટેલા કદને કેદ કર્યું
ઘણું સારું થયું, થોડું નઠારું થયું
નઠારું થોડું થોડું વધવા લાગ્યું
વધ્યું તો સારાને હડપવા લાગ્યું
હડપીને વૈતરામાં જોતરવા લાગ્યું
જોતરાયેલા ભૂમિમાં ખૂંપવા લાગ્યા
ખૂંપીને ક્ષણ ક્ષણ કણસવા લાગ્યા
કણસવાનું ધીમે ધીમે ભેગું થયું
ભેગું થઈ ઊંચુંનીચું થયું
ધીરેથી ધરમનો પાલવ આવ્યો
સુંવાળા સ્પર્શથી ગલગલિયા કરવા લાગ્યો
ઊંચુંનીચું છેક નીચે ગયું
પાલવ નીચે ઢંકાઈ ગયું
એકલદોકલ છણકો સપડાઈ જતો
આંસુનો રેલો શોષાઈ જતો.
છણકાને રેલામાં ભેળવી દીધો
ભેળવી ભેળવી એનો પાયો પૂર્યો
પાયા પર પરસેવાની ઇમારત ચણી
ઇમારતની અંદર ટાઢક ઠરી
ધરમઘેલાને હૂંફ આપતી રહી
બહાર રહેલાને અંદરથી ધીમું બાળતી રહી.
બળવાની ગંધ બહાર આવી
ધુમાડો થઈ આંખને બાળતી રહી
બળતી આંખો જાગી ગઈ
જાગેલી આંખો ભેગી થઈ
ટાઢકને બહાર ખેંચી લાવી
પાયામાંથી છણકાને છૂટો કર્યો
રેલાને છણકા સાથે ભેગો કર્યો
ટાઢકમાં બેઉંને ભેળવી દીધો
ટાઢકમાં ભળતાં ખાતર થયું
લોઢાને અડતાં લોકોનું ખેતર થયું
લોકોની રીતે ખેતરમાં વાવેતર થયું
વાવેતરથી ઘણાને અહીં ઇતર રાખ્યા
કરતા વાવેતર છતાં ન ખેતરની ભીતર રાખ્યા.
વરસો ગયાં
સદીઓના તીસ તાસ કાફલા ગયા
ખેતરનો શેઢો માંડ ઘરના પંથને અડ્યો
પોતીકો રોટલો પથ્થરિયા પેટમાં પડ્યો
પથ્થરિયા પેટને છેવાડો મળ્યો
સુંવાળા પેટને કિનારો ગમ્યો.
સુંવાળું પેટ ભરપૂર નદીની આ પાર હઠીલું
પેલી પા લીલુંછમ જંગલ લચીલું.
નદીનું પાણી શોષાતું ગયું
જંગલનું લીલુંછમ લૂંટાતું ગયું
જંગલનું ખેતર નદીના પટમાં ખેચાતું ગયું.
જંગલના ખેતરની માટી કાળી
ખરા ઉનાળે પોચી ને ભેજવાળી
સુંવાળા પેટે ધસીને એમાં લોઢું રોપ્યું :
કાળી માટી થઈ ગઈ કાઠી
પગ મૂકો તો લાગે પથરાળી
પહેલાં એમાં ચકલાં આવતાં
ભોળાં ભોળાં બગલાં આવતાં
આજકાલ નાનાંમોટાં ટોળાં આવે
ટોળાં ક્યાંથી ચકલાં ભાળે
ક્યાંથી ભોળાં બગલાં ભાળે!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 16

Category :- Poetry