ના માનશે

ધીરેન્દ્ર મહેતા
16-12-2018

‘ના માનશે, ના માનશે
કેમે કરીને આવનારી કાલ,
આ માણસ બનેલો હાડનો ને ચામનો
- બસ આપણા જેવો -
હતો હરતો અને ફરતો અહીં
આ આપણી ધરતી ઉપર ...’
- આ શબ્દ જેવા સાંભળ્યા,
ભીતર ભરી લીધા બરાબર :
ના, કદી માન્યું નહીં,
આવો હતો, (હોઈ શકે?)
કો’ માનવી?
મારગ તમે ઝાલ્યો હતો
એના વિશે
કૈં સાંભળ્યું’તું, યાદ છે,
પણ માર્ગ એ તો એટલો સીધો હતો
કે આવડ્યું ના (કે પછી ફાવ્યું નહીં?)
કૈં ચાલવાનું તે ઉપર.
ઘટના કદી કો’ પાપની
દેખાડતી મારગ અજાણ્યો પુણ્યનો
ભીતર થઈને લઈ જતો
પણ ના અમે દેખી શક્યા
(ક્યાં આંખને ઝીણી કરી પેખી શક્યા?)
ને તો ય કહેતા તો રહ્યા
- માથું ધુણાવી જોરથી -
આફત ખડી થઈ જે ઘડી ,
‘જે માગણીઓ છે, અમારી એ બધી
મંજૂર હો
નહીં તો પછી
જોજો અમે
આગળ લડતને લઈ જશું
હો ગાંધીચીંધ્યા મારગે .’
પૂછયું નહીં પણ એ ક્ષણે
નિજ જાતને -
‘જોયો કદી -
જાણ્યો ખરો,
એ ગાંધીચીંધ્યો માર્ગ ક્યાં-ક્યાં લઈ જતો ...?

(ગાંધી દોઢસોના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય સાહિત્ય અકાદેમી, દિલ્હી - યોજિત બહુભાષી કવિસંમેલનમાં રજૂ કર્યું.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 16

Category :- Poetry