વિજ્યારાજે સિંધિયાની 'પ્રિન્સેસ' નામક આત્મકથા

રંજના હરીશ
14-12-2018

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજીઃ ભાગ-4ઉપરોક્ત લેખશ્રેણીના ચોથા મણકારૂપે આજે આપણે 1921થી 1991 દરમિયાન ભારતીય સ્ત્રીઓએ મૂળ અંગ્રેજીમાં લખેલ કુલ 23 આત્મકથાઓમાંથી રાજકુમારી લેખા દિવ્યેશ્વરી ઉર્ફે ગ્વાલિયરનાં મહારાણી વિજ્યારાજે સિંધિયાની, વર્ષ 1985માં, પ્રકાશિત આત્મકથા 'પ્રિન્સેસઃ ધ ઓટોબાયોગ્રાફી' વિશે વાત કરીશું. કુલ 23 ભારતીય સ્ત્રીઓની અંગ્રેજીમાં લખાયેલ આત્મકથાઓમાંથી ચાર આત્મકથાઓ મહારાણીઓની કલમે લખાઈ છે. નોંધપાત્ર બાબત એ પણ છે કે ભારતીય સ્ત્રી દ્વારા અંગ્રેજીમાં લખાનાર પ્રથમ આત્મકથા કુચબિહારનાં રાજમાતા તથા જયપુરનાં મહારાણી ગાયત્રીદેવીનાં દાદી એવાં સુનીતિદેવીએ 1921માં લંડનથી પ્રકાશિત કરેલી. આ ચાર મહારાણીઓની આત્મકથાઓમાંની ત્રણમાં સ્વતંત્રતા આંદોલન કે ગાંધીજીની કોઈ જ વાત ચર્ચાઈ નથી. અલબત્ત, સ્વતંત્રતા બાદ થયેલ રજવાડાઓનું વિલીનીકરણ અને તેના લીધે રાજ ઘરાણાઓએ અનુભવેલી અસુરક્ષાની વાત આ બધી જ આત્મકથાઓમાં લંબાણપૂર્વક ચર્ચાઈ છે. આત્મકથા લખનાર આ ચાર રાજવી સ્ત્રીઓમાંની એક જ પોતાની આત્મકથામાં સ્વતંત્રતા આંદોલન, અસહકાર ચળવળ તથા ગાંધીજીની વાત કરે છે. તે એક મહારાણી એટલે મૂળ નેપાલના રાણા પરિવારની સાગર નગરમાં જન્મેલી દોહિત્રી લેખા દિવ્યેશ્વરી.

નેપાળ રાજઘરાણાંના ચારમાંના એક વારસદાર એવાં ખડગ શમશેરજંગ બહાદુર રાણા નેપાળ રાજવી પરિવારના રક્તરંજિત ઇતિહાસનું એક પૃષ્ઠ હતા. આ એક એવો ઇતિહાસ હતો જેમાં દર પેઢીમાં ગાદી પર આસીત થનારા અન્ય વારસદારોને મારીને ગાદી મેળવી હતી. ખડગ શમશેરજંગ બહાદુર રાણા લોહીના તરસ્યા પોતાના ભાઈઓની સિંહાસન લોલુપતાથી બચીને પોતાના પરિવાર સાથે વતન છોડીને રાતોરાત ભારતના સાગર નામક નગરમાં આવીને વસ્યા હતા. રાણા કુટુંબના ભારતમાં સ્થાયી થયા બાદ તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. જેને પરિવારે આધુનિક રીતે જીવવાની છૂટ આપી હતી. રાજવી રીતભાત ત્યજીને આ દીકરી અંગ્રેજી મીડિયમ સ્કૂલમમાં ભણેલી અને મેટ્રિક બાદ લખનઉની ઇઝાબેલા થબર્ન વિમેન્સ કોલેજમાં ભણવા ગયેલી. કોલેજના એ વર્ષો દરમિયાન મહેન્દ્રસિંહ નામના યુવા ડેપ્યુટી કલેક્ટર સાથે તેને પ્રેમ થઈ ગયેલો. રાજવી પરિવારના અણગમા છતાં તેમણે પોતાની દીકરીને બ્રિટિશરોની નોકરી કરતા યુવક મહેન્દ્રસિંહ સાથે પરણાવી આપેલી. એ લગ્નનું એકમાત્ર સંતાન એટલે કુંવરી લેખા દિવ્યેશ્વરી. જેના જન્મ દરમિયાન જ તેની માતા મૃત્યુ પામી હતી. જેને કારણે કુંવરી લેખાનો ઉછેર તેના સાગર ખાતેના મોસાળમાં થયેલો.

માતાની જેમ લેખા દિવ્યેશ્વરી પણ શિક્ષણમાં ઊંડો રસ ધરાવતી હતી. મેટ્રિક સુધી સાગરમાં શિક્ષણ મેળવ્યા બાદ તેણે આગળ અભ્યાસ માટે બહારગામ મોકલવી પડે તેમ હતી, પરંતુ મોસાળનું રાણા પરિવાર કુંવરીને શહેર જવા દેવા તૈયાર નહોતું. તેમને દહેશત હતી કે શહેરમાં ભણવા ગયેલી લેખા પોતાની માનાં પગલે ચાલી શકે, જે લેખા માટે હિતાવહ ન હતું. તેવામાં મોસાળની સદંતર નારાજગી વચ્ચે લેખાના પિતા મહેન્દ્રસિંહ સાગર આવીને લેખાને મુરતિયો બતાવવાના બહાને પોતાના ઘરે ઝાંસી લઈ ગયા. પરંતુ ઝાંસી જવું તો એક બહાનું હતું. તેઓએ લેખાને બનારસ લઈ જઈને ત્યાંની બેસન્ટ વિમેન્સ કોલેજ તથા હોસ્ટેલમાં પ્રવેશ અપાવી દીધો ! અને ત્યારબાદ લેખાના મોસાળિયાઓને સાચી વાતની જાણ કરી. આમ યુવતી લેખા દિવ્યેશ્વરીને નેપાળના રાજ ઘરાણાંના પરંપરાવાદી માહોલમાંથી બનારસના સ્વતંત્ર માહોલમાં આવીને વસવાનો મોકો મળ્યો.

કોલેજના એ વર્ષો દરમિયાન સ્વતંત્રતા આંદોલન પૂરજોશમાં હતું. અસહકાર ચળવળ તથા સ્વદેશીના જુવાળમાં તે વખતના જુવાનિયાઓ ઉત્સાહપૂર્વક કૂદી પડ્યા હતા. લેખા દિવ્યેશ્વરી પણ આ આંદોલનમાં જોડાયાં. રાજ ઘરાણાંને શોભે તેવાં રેશમી વસ્ત્રો અને આભૂષણોને બદલે ગાંધીજીના સ્વદેશી આંદોલનના પ્રભાવમાં તેમણે આજીવન ખાદી પહેરવાનું તથા શાકાહારી ભોજન જમવાનું પ્રણ લીધું. સાગરના ઘરમાં રંગબેરંગી રેશમી કપડાંમાં શોભતી કુંવરી લેખા દિવ્યેશ્વરી પોતાના કોલેજકાળમાં ફક્ત ખાદીની સફેદ સાડી પહેરતી થઈ ગઈ ! ઘરેણાં ત્યજી દીધા !

વર્ષ 1941માં કુંવરી લેખા દિવ્યેશ્વરીના લગ્ન ગ્વાલિયરના મહારાજા જીયાજીરાવ સિંધિયા સાથે ખૂબ ઠાઠમાઠપૂર્વક થયા. અને લગ્ન સાથે તેમનું નવું જીવન પ્રારંભાયું. કુંવરી લેખા દિવ્યેશ્વરી મટીને તેઓ મહારાણી વિજ્યારાજે સિંધિયા બન્યાં. લગ્ન પૂર્વે ભાવિ પતિને તેમણે પોતે આજીવન ખાદી પહેરવાના તથા શાકાહારી રહેવાના વ્રતની વાત કરી દીધી હતી. અને સામા પક્ષે તેમની તે વાતને સહર્ષ સ્વીકારી લીધી હતી. લગ્ન પછી મહારાજા જીયાજીરાવ સિંધિયા તેમને લઈને ગ્વાલિયર ઘરાણાંના મુંબઈ ખાતેના આવાસે ગયેલા. ત્યાં તેમણે પોતાની ભાવિ પત્ની માટે વિવિધ સ્થળોએથી મંગાવેલી સુંદરમાં સુંદર સાડીઓનું કલેક્શન તેમને બતાવેલું. ખાદીધારી પત્ની એ બધું નિર્વિકારભાવે જોઈ રહેલી. રાજાજી બબડેલા, 'આ બધી રેશમી અને જોર્જટની સુંદર મજાની સાડીઓ હવે શા કામની ? તમારે તો ખાદીનો ભેખ જ ખપે છે !' એક દિવસ બપોરના આરામ બાદ રાજાસાહેબે પત્નીને રાજવીભવનના દિવાનખાનામાં આવવા આગ્રહ કર્યો. કેમ કે ત્યાં મુંબઈના જાણીતા વેપારીઓ પોતપોતાને ત્યાંથી ખાદીની સાડીઓ લઈને હાજર કરાયા હતા. મહારાણી વિજ્યારાજે સિંધિયાએ જ્યારે દિવાનખાનામાં પગ મૂક્યો ત્યારે તેઓ દંગ રહી ગયા. કેટકેટલી ખાદીની સાડીઓ ત્યાં પ્રદર્શનરૂપે લટકાવવામાં આવી હતી ! પણ એ બધી જ સાડીઓ ધોળી અને બરછટ હતી. ક્યાં રાજાસાહેબે શયનખંડમાં બતાવેલ વિવિધ, સુંદર, મુલાયમ સાડીઓનું કલેક્શન અને ક્યાં આ બધી એકસરખી ભાસતી ખાદીની જાડી, ધોળી સાડીઓ ! નવોઢા પોતાના પતિએ ભાવિ પત્ની માટે ભેગી કરેલ સાડીઓના સુંદર કલેક્શન પર વારી ગઈ. તે પતિની ઇચ્છા પામી ગઈ. તે સમજી ગઈ કે રાજાસાહેબ પોતાની પત્નીની ઇચ્છાને ઉપરવટ જઈ તેને રેશમ પહેરવા મજબૂર કરવા માગતા નહોતા. પરંતુ અંદરખાને પોતાની પત્ની મહારાણીને શોભે તેવા સુંદર વસ્ત્રો તથા આભૂષણો પહેરે તેવી ઇચ્છા ધરાવતા હતા. પતિની ઇચ્છાને માન આપીને નવોઢાએ દિવાનખાનામાં બેઠેલા વેપારીઓને એક પણ સાડી ખરીદ્યા વગર નમ્રતાપૂર્વક વિદાય કર્યા. અને ત્યારબાદ શયનખંડમાં જઈને સારામાં સારી સુંદર રેશમી સાડી પહેરી તે પોતાના પતિ સામે આવી ઊભાં. પોતાના જીવનનો આ પ્રસંગ વિજ્યારાજે સિંધિયા રસપ્રદ રીતે આલેખે છે.

શાકાહારી ભોજનના પણ ખાદીની સાડીઓ જેવા જ હાલ થયા. રાજવી માહોલમાં સોનાની મોટી થાળી અને અગણિત વાડકીમાં પીરસાયેલ માંસાહારી ભોજન જમતાં રાજ પરિવાર વચ્ચે નવોઢા ક્યાં સુધી સીધું સાદું શાકાહારી ભોજન જમી શકત ! તેણે માંસાહાર અપનાવી લીધો. અને આમ ગાંધી વિચારના રંગે રંગાયેલ એક કોલેજિયન યુવતીએ રાજ પરિવારમાં પરણીને ગાંધી વિચારને તિલાંજલિ આપી દીધી. સુગ્રથિત સ્વતંત્ર ભારતની કલ્પના સાથે નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલ રજવાડાઓની હસ્તીનો કોઈ તાલમેલ ન હતો. એ વાત મહારાણી વિજ્યારાજે રજવાડાના વિલીનીકરણ પહેલાં જ બરાબર સમજી ગયાં હતાં. આવનાર સમયમાં પોતાની યુવાવસ્થામાં જોયેલ સ્વતંત્ર ભારતનું સ્વપ્ન સાકાર થતાંની સાથે રજવાડાનો હ્રાસ નક્કી હતો. અને શાહી ઠાઠમાઠ તથા શાસનના ભોગે ગાંધીવાદ તેમને ખપે તેમ ન હતો. યુવાનીની એ આદર્શવાદી સ્વપ્નશીલ કોલેજિયન છોકરીએ ભલે ખાદી અને શાકાહારી ભોજનના પ્રણ લીધા હોય પરંતુ તે પ્રણ ત્યજીને હવે મહારાણી સિંધિયા મનોમન રજવાડા ટકી રહે તેવી પ્રાર્થના કરી રહ્યાં હતાં. કે જેથી તેમના પતિની હકુમત યથાવત રહે. તેમણે તેમના બંને વ્રત ત્યજ્યાં હતાં. જેનું એક પ્રતિકાત્મક આકલન કરી શકાય. આ ફક્ત બે નાનાશા વ્રતો ત્યજવાની વાત ન હતી, આ વાત હતી સમૂળગી જીવનપદ્ધતિ, સમૂળગા ગાંધીવિચારને પોતાના જીવનમાંથી તિલાંજલિ આપવાની.

સ્વતંત્રતા બાદ રજવાડાના વિલીનીકરણની પીડાનો દસ્તાવેજ એટલે રાજમાતા વિજ્યારાજે સિંધિયા તથા મહારાણી ગાયત્રીદેવીની આત્મકથાઓ. આ બંને મહારાણીઓ સ્વતંત્ર ભારતમાં ચૂંટણી લડી અને ખૂબ મોટી બહુમતીથી જીતી પણ ખરી. પણ એ બધું સત્તા ગુમાવ્યાનાં દુઃખને સરભર કરવાના પ્રયત્નોસમું હતું. રાજમાતા સિંધિયાએ ઉત્તરાવસ્થામાં પુનઃ ખાદીના પરિધાનને અપનાવ્યું. પરંતુ આ વખતના તેમના ખાદીના સ્વીકારમાં તથા લગ્ન પૂર્વે એક મુક્ત આદર્શવાદી યુવતી લેખા દિવ્યેશ્વરીની ખાદીની પસંદગીમાં જમીન-આસમાનનો ફરક હતો. હવે રાજમાતાના ખાદીના પરિધાનમાં ગાંધીજી પ્રત્યેની શ્રદ્ધા અને ઉમળકો ન હતો. ખાદી હવે રાજમાતા માટે માત્ર પાવર ડ્રેસીંગનું પ્રતીક હતી. ખાદીના તાણાવાણામાં ધબકતો ગાંધી વિચાર તેમણે અપનાવેલ ખાદીમાંથી ગાયબ હતો.

તા.ક. રાજમાતા વિજ્યારાજે સિંધિયાની યુવાનીના વર્ષોની ગાંધિયન રહેણીકરણી તથા આચારવિચાર તેમને અન્ય બધી મહારાણીઓથી નોખા સાબિત કરે છે. બાપુ પ્રત્યેના લેખા દિવ્યેશ્વરીના આદરનું પલ્લું મહારાણી વિજ્યારાજેની પતિ પ્રત્યેની કર્તવ્યપરાયણતાથી નીચું ક્યાંથી હોય ? સમજી શકાય તેવી વાત છે. આનું નામ તે સ્ત્રી જીવન.

E-mail : [email protected]

[પ્રગટ : ‘અંતર્મનની આરસી’ નામક સાપ્તાહિક કટાર,  “નવગુજરાત સમય”, 05 ડિસેમ્બર 2018]

Category :- Gandhiana