‘બાપુ, તમારા ચરખામાં મને લેશમાત્ર શ્રદ્ધા નથી'

રંજના હરીશ
13-12-2018

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજીઃ ભાગ-3

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી વિષયક આ લેખમાળાનો ત્રીજો મણકો એટલે એક એવી આત્મકથા લેખિકા કે જે અન્યથી સાવ ભિન્ન છે. મેં કરેલ સંશોધનના આધારે 1921થી 1991 દરમિયાન, ભારતીય સ્ત્રીઓ દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ આત્મકથાઓની કુલ સંખ્યા ત્રેવીસ છે. આ ત્રેવીસ આત્મકથાઓમાંથી બાવીસ આત્મકથાઓમાં સ્ત્રીના 'સ્વ'ની પરિભાષા તથા નેરેટિવ ટેકનિક સ્ત્રી લેખનનાં પરિમાણો પ્રમાણે છે. આ બધી સ્ત્રીઓના 'સ્વ'ની વ્યાખ્યામાં ક્યાં ય 'કેપિટલ આઈ' આવતો નથી. તો વળી, આ સઘળી લેખિકાઓની આત્મકથાનાં કેન્દ્રમાં તે પોતે તથા પોતાના અનુભવોને મુકવાને બદલે પિતૃસત્તાક સમાજની અપેક્ષાઓ કે કોઈ એક વિશેષ પુરુષને સ્થાપિત કરે છે. વિજયાલક્ષ્મી પંડિત, દુર્ગાબાઈ દેશમુખ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય જેવી અત્યંત સફળ તથા પદ્મવિભૂષણ જેવું સમ્માન પ્રાપ્ત કરનાર સ્ત્રીઓ પણ એમ જ કરે છે. 70 વર્ષના સુદીર્ઘ સમયપટ પર ભારતમાં અંગ્રેજી ભાષામાં પોતાની આત્મકથા લખનાર તથા પ્રકાશિત કરનાર કુલ ત્રેવીસ સ્ત્રીઓમાંથી એંસી ટકા જેટલી સ્ત્રીઓ 1900 થી 1910 દરમિયાન જન્મેલી. અન્ય બેએક 1875ની આસપાસ જન્મેલી. આમ ગાંધી વિચારનો પ્રભાવ તે પેઢીની સ્ત્રીઓ પર હોય તે સ્વાભાવિક છે. કમલા દાસ, કૃષ્ણા હઠીસિંગ, રેણુકા રે, તારા અલી બેગ જેવી મહદંશની આત્મકથા લેખિકાઓનાં લેખનમાં ગાંધીજીની હાજરી તથા ગાંધી જીવન મૂલ્યો વિશેની સભાનતા સતત વર્તાય છે. જેની વાત આગળના લેખોમાં થઈ છે. તો વળી આ ત્રેવીસમાંથી 'દ ગર્લ ઇન બોમ્બે'ની લેખિકા ઈશ્વાની સુદ, ‘દ સિટી ઓફ ટુ ગેટવેઝ'ની લેખિકા સાવિત્રી નંદા, કે 'બિયોન્ડ દ જંગલ'ની લેખિકા સીતા રત્નમાલની આત્મકથાઓમાં સમસામયિક રાજકીય સભાનતાનો સમૂળગો અભાવ હોઈ, સ્વતંત્રતા આંદોલન કે ગાંધીજીનો ઉલ્લેખ માત્ર ન હોય તે પણ સમજી શકાય તેમ છે.

પરંતુ આ સઘળી આત્મકથા લેખિકાઓમાં ઓરિસ્સા પ્રાંતનાં કર્મઠ રાજકીય નેતા તથા પૂર્વ મંત્રી તેમ જ સ્વતંત્ર ભારતનાં સાંસદ એવાં શૈલબાલા દાસની, વર્ષ 1956માં કટકથી પ્રકાશિત આત્મકથા 'અ લૂક બિફોર એન્ડ આફટર' નોખી તરી આવે છે. આ આત્મકથાની પ્રથમ વિશેષતા છે તેની આગવા પ્રકારની કથનશૈલી. બીજી વિશેષતા છે તેમાં પ્રબળ મુખર 'સ્વ'નું કેન્દ્રસ્થાને હોવું. અને ત્રીજી વિશેષતા છે ગાંધી વિચારનો, ગાંધીવાદી જીવનશૈલીનો તથા કૉન્ગ્રેસ પાર્ટીનો વાચાળ અસ્વીકાર. ભારતીય સ્ત્રીની આત્મકથામાં ગાંધી વિષય પર થઈ રહેલ આ ચર્ચામાં ગાંધીવિચારનો અસ્વીકાર કરતી આ આત્મકથાની ચર્ચા અત્યંત આવશ્યક છે. આ એક જ એવી આત્મકથા લેખિકા છે કે જે ગાંધીજીનો તેમની હાજરીમાં વિરોધ કરે છે. એટલું જ નહીં પોતે જે માને છે તે ગાંધીજીને જણાવે છે. અને એવી ઘટનાઓને પ્રામાણિકપણે પોતાના આત્મકથનમાં વણે છે.

શૈલબાલા દાસ (1875-1968) ઓરિસ્સા પ્રાંતના મહત્ત્વપૂર્ણ ગર્ભશ્રીમંત રાજકીય આગેવાન તથા ઉત્કલ યુનિયન કોન્ફરન્સના સ્થાપક મધુસૂદન દાસના દત્તક પુત્રી હતાં. શૈલબાલાના પિતા શ્રી અંબિકાચરણ હજારા અને મધુસૂદન દાસ પરમ મિત્રો હતા. નિઃસંતાન મધુસૂદન દાસ તથા તેમનાં પત્નીને મિત્ર અંબિકાચરણની સૌથી મોટી નટખટ દીકરી પ્રિય હતી. અને તેમણે આ દીકરીને તેનાં નાનપણમાં જ દત્તક લઈ લીધેલી. સમૃદ્ધ પરિવારની એક માત્ર સંતાન બનેલ આ દીકરીને પાલક માતા-પિતાના લાડકોડે ઉદ્ધત બનાવી દીધેલી. એવી તો ઉદ્ધત કે હંમેશ પોતાનું ધાર્યું કરતી. આ એ જ નટખટ છોકરી હતી કે જેણે વર્ષ 1898માં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ કટકની સુવિખ્યાત રેવનશો કોલેજ ફોર બોયઝમાં પિતાની રાજકીય વગનો ઉપયોગ કરીને બારોબાર પ્રવેશ મેળવી લીધેલો ! તેને અપાયેલ આવો પ્રવેશ ખોટો જ હતો, પરંતુ કોલેજના કોઈ સત્તાવાળાઓનું ચાલે તેમ નહોતું. દીકરીની જીદને પૂરી કરવા પિતાએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને છોકરાઓની કોલેજને 'કો-એડ' કોલેજ બનાવડાવી દીધેલી. એટલું જ નહીં મિત્રવર્ગની દીકરીઓને તેમાં ઊભાઊભ એડમિશન પણ અપાવી દીધેલું ! આમ મધુસૂદન દાસની કુંવરીને કારણે વર્ષોથી ફક્ત છોકરાઓનાં શિક્ષણમાં પ્રવૃત્ત રેવનશો કોલેજ 'કો-એડ' કોલેજ બનેલી. જેનો લાભ ઘણીબધી પેઢીઓની કન્યાઓને મળ્યો.

રેવનશો કોલેજના શિક્ષણનાં થોડાં વર્ષો બાદ શૈલબાલાએ વર્ષ 1906માં લંડન જઈને ટિચર્સ ટ્રેનિંગ કોર્સ પૂર્ણ કરેલો અને સ્વદેશ પાછાં આવ્યાં બાદ પિતા સાથે ઉત્કલ યુનિયન કોન્ફરન્સના રાજકારણમાં ઝંપલાવેલું. વિદેશમાં શિક્ષિત શૈલબાલાના લેખનમાં અંગ્રેજી સાહિત્ય પરંપરાની અસર સતત વર્તાય છે. પોતાના 'કેપિટલ આઈ'ને કેન્દ્રમાં રાખીને લખાયેલ આ આત્મકથાની લેખન પદ્ધતિ રસપ્રદ છે. અંગ્રેજી નવલકથાકાર થેકરે કે ડિકન્સની અદાથી લેખિકા અવારનવાર વાચકને સંબોધીને વાત કરે છે. દા.ત. 'હે વાચક મારા સંસ્મરણો ઉપરથી તું એટલું તો જાણી ચૂક્યો છે કે મને કોઈનીયે પાસેથી 'ના' સાંભળવાની આદત જ નથી …. એક વાર હું કોઈ કામ કરવાનો નિશ્ચય કરું એટલે થયું. મારે તે કામ કરવું જ પડે. આજ મારી તાસીર છે.' (પૃ. 205).

ભારતીય સ્ત્રીઓની અન્ય આત્મકથાઓથી વિપરીત, પ્રસ્તુત આત્મકથા એક 'સક્સેસ સ્ટોરી' છે. અનેક વિઘ્નદોડોને અંતે મળતી ઝળહળતી સફળતાની કહાણી. જેની નાયિકાને પોતાની સફળતા વિશે વાત કરવામાં લેશમાત્ર સંકોચ નથી. દુર્ગાબાઈ દેશમુખ કે રેણુકા રે જેવી સફળ સ્ત્રીઓ પોતાની આત્મકથા લખતી વેળાએ પોતાની સફળતાને મુખ્ય કથ્ય બનાવતી નથી. વિશ્વભરની 20મી સદી સુધીની આત્મકથા લેખિકાઓ પોતાની સફળતાને સતત ગોપાવે છે. જ્યારે શૈલબાલા પોતાની એકેય સફળતા વિશે લખવાનો મોકો ચૂકતાં નથી. જગન્નાથપુરી મંદિરમાં હિન્દુઓને જ પ્રવેશ આપવાની પરંપરા હોવા છતાં પૂજારીઓના સખત વિરોધ વચ્ચે તેઓ ક્રિશ્ચિયન હોવા છતાં તે મંદિરમાં પ્રવેશેલાં તે વાત તેઓ ગૌરવપૂર્વક લંબાણથી કરે છે. આજકાલ શબરીમાલામાં સ્ત્રીઓના પ્રવેશ અંગે ચાલી રહેલ આંદોલનના સંદર્ભે 1910ની આસપાસ બનેલ આ ઘટનાનું આગવું મહત્ત્વ છે.

ઉત્કલ યુનિયન કોન્ફરન્સના રાજકારણમાં સક્રિય શૈલબાલા દાસની મુલાકાત ગાંધીજી સાથે ન થઈ હોય તે તો કેમ બને ? તેઓ ગાંધીજીને અનેકવાર મળેલાં. પરંતુ ગાંધીજી સાથેની તેમની પ્રથમ મુલાકાત તેમને મન યાદગાર હતી. ઓરિસ્સા આવેલા ગાંધીજીને શૈલબાલાના પિતાએ પોતાના આવાસે નિમંત્ર્યા હતા. અને ત્યાં રાજકારણ તથા સમાજસેવામાં વ્યસ્ત તેવાં શૈલબાલાનો પરિચય તેમના પિતાએ ગાંધીજીને કરાવેલો. અન્ય રાજનેતાઓની હાજરીમાં બનેલ આ ઘટનાનું આબેહૂબ વર્ણન લેખિકા પોતાની આત્મકથામાં કરે છે. પરિચય થતાંની સાથે ગાંધીજીએ શૈલબાલાને ઓરિસ્સાની ગરીબ સ્ત્રીઓમાં ચરખા તથા ખાદીની પ્રવૃત્તિ વિકસાવવાનું કામ હાથમાં લેવા કહેલું. તેમનું માનવું હતું કે શૈલબાલાની આ પ્રવૃત્તિ ગ્રામિણ સ્ત્રીઓને આત્મનિર્ભર બનવામાં મદદ કરશે. ગાંધીજીના મતે આ કામ માટે શૈલબાલા સુયોગ્ય હતાં. પરંતુ ગાંધીજીનો પ્રસ્તાવ સાંભળતાં જ સ્પષ્ટવક્તા શૈલબાલાએ વિવેકપૂર્વક, દૃઢ શબ્દોમાં, બાપુને આ કામ કરવાની ના પાડી દીધેલી ! એટલું જ નહીં પોતાને ચરખામાં કે કોંગ્રેસમાં શ્રદ્ધા નથી એ વાત કહેતાં તેઓને કોઈ સંકોચ ન હતો ! ગાંધીજી સાથેનો તેમનો આ સંવાદ લેખિકા પોતાની આત્મકથામાં નીચે પ્રમાણે અક્ષરશઃ ઉતારે છે.

શૈલબાલાઃ બાપુ તમે ચરખા તથા ખાદીની પ્રવૃત્તિ માટે મને યોગ્ય માની માટે આભાર. પરંતુ એ કામ હું કરી શકું તેમ નથી.

બાપુઃ તમને શા માટે એમ લાગે છે કે તમે એ કામ નહીં કરી શકો ? અહીં હાજર બધા તો એવું માને છે કે એકમાત્ર તમે જ આ કામ કરી શકે એમ છો.

શૈલબાલાઃ જ્યાં સુધી હું કોઈપણ કામમાં શ્રદ્ધા ન ધરાવું અને મારી સમગ્ર જાતને તેમાં પરોવી ન શકું ત્યાં સુધી હું તેને સફળ નહીં બનાવી શકું તે હું જાણું છું.

બાપુઃ શું તને ચરખામાં વિશ્વાસ નથી ?

શૈલબાલાઃ ના જી. બાપુ તમારા ચરખામાં મને લેશમાત્ર શ્રદ્ધા નથી. હું માનું છું કે ચરખો ભારતની આર્થિક સમસ્યાનો ઉકેલ નથી. (પૃ.132)

આ સંવાદ બાદ બાપુએ આવી સ્પષ્ટવક્તા સ્ત્રીને કૉન્ગ્રેસમાં જોડાઈને સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવાનો આગ્રહ કરેલો. તેમણે શૈલબાલાને આજીવન ખાદી પહેરવા માટે રાજી કરવાનો પ્રયત્ન કરેલો. પરંતુ શૈલબાલા એટલે શૈલબાલા. તેણે કૉન્ગ્રેસના સભ્ય બનવાની ચોખ્ખી ના પાડી દીધેલી. ખાદી પહેરવાનો સવાલ તો હતો જ ક્યાં ? શૈલબાલા બોલેલાં, 'બાપુ જ્યારે હું કૉન્ગ્રેસની નીતિ તથા કૉન્ગ્રેસના સભ્યોમાં વિશ્વાસ ધરાવતી થઈશ ત્યારે હું કૉન્ગ્રેસની સભ્ય બનવાનું પસંદ કરીશ. ત્યાં સુધી મને તમારી પાર્ટીનું સભ્યપદ ન ખપે' (પૃ. 133). અલબત્ત ઉત્તરાવસ્થામાં તેઓ કૉન્ગ્રેસમાં જોડાયેલાં. તથા 1952થી 1954 દરમિયાન રાજ્યસભાનાં સભ્ય પણ બનેલાં.

શરૂઆતના શૈલબાલા સાથેના આવા સ્પષ્ટ નકારાત્મક સંવાદ છતાં ગાંધીજીએ તેમના પ્રત્યે ક્યારે ય અશ્રદ્ધા કે અણગમો દર્શાવ્યા ન હતા. પરસ્પર સદ્દભાવનો સંબંધ હંમેશ રહેલો.

તા.ક. સામેવાળાના નકારાત્મક વિચારનું ન્યાયપૂર્ણ સ્વાગત અને તે વિચારભેદ અવગણીને અસંમતિ ધરાવનાર પ્રત્યે સદ્દભાવ જાળવવો તે ગાંધી વિચારની એક વિશેષતા હતી. જેનો એક સબળ પુરાવો એટલે ગાંધીજીનો શૈલબાલા પ્રત્યેનો આજીવન સદ્દભાવ.

E-mail : [email protected]

[પ્રગટ : ‘અંતર્મનની આરસી’ નામક સાપ્તાહિક કટાર,  “નવગુજરાત સમય”, 28 નવેમ્બર 2018]

Category :- Gandhiana