ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી

રંજના હરીશ
12-12-2018

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં પ્રતિબિંબિત ગાંધીજીની છબિ અંગે આપણે ગયે અઠવાડિયેથી વાત કરી રહ્યા છીએ. રેણુકા રે બ્રિટિશ રાજ દરમિયાન પશ્ચિમ બંગાળના એક આઈ.સી.એસ. અધિકારી તેમ જ જાણીતા બ્રહ્મોસમાજી શ્રી સતીશ મુખર્જીનાં પુત્રી તથા કલકત્તા પ્રેસિડેન્સી કોલેજના પ્રથમ ભારતીય પ્રિન્સિપાલ ડો. પી.કે. રેના દોહિત્રી હતાં. તેઓ માતા પિતા બંને પક્ષેથી ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારનો વારસો લઈને જન્મ્યાં હતાં. તેમના નાનાજી ડો. પી.કે. રે રાજેન્દ્રબાબુ તથા ડો. રાધાકૃષ્ણન્‌ના કોલેજકાળના શિક્ષક રહી ચૂક્યા હતા. નાનીજી સરલાદેવી રે કલકત્તાની પ્રેસિડેન્સિ કોલેજમાં પ્રવેશ મેળવનાર સૌપ્રથમ યુવતી. તો રેણુકા રેનાં માતા ચારુલતા તેમના જમાનાના નામાંકિત નારીવાદી હતાં.

બ્રિટિશકાળમાં 1904માં જન્મેલ અને પાછલી ઉંમરે 'માય રેમિનન્સીઝ' (1982) નામક આત્મકથા લખનાર રેણુકા રે કદાચ એક માત્ર ભારતીય આત્મકથા લેખિકા હશે કે જેના જન્મને ઉત્સવની જેમ ઉજવાયો હતો. રેણુકા રેના નાનાજીનું કલકત્તા ખાતેનું ઘર ગાંધીજી, દાદાસાહેબ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે તથા અન્ય સ્વાતંત્રસેનાનીઓ માટે એક મિલન સ્થળ સમાન હતું. આમ નાનકડી રેણુકાનું બાળપણ ગાંધીજીના પ્રભાવમાં વીતેલું. અલબત્ત પિતા આઈ.સી.એસ. અધિકારી હોઈ તેમની નિયુક્તિ લંડનમાં થતાં રેણુકાનું ઉચ્ચ શિક્ષણ લંડનમાં થયેલું. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકમાં હેરોલ્ડ લાસ્કી તથા મેજર એટલી જેવા સમર્થક પ્રોફેસરોના હાથ નીચે તૈયાર થયેલ રેણુકા એક બાહોશ યુવતી હતાં. વિદેશી ભણતર છતાં નાનપણમાં મળેલ દેશપ્રેમના સંસ્કાર તેનામાં જળવાયા હતા. લંડનમાં તેમની મુલાકાત એક ભારતીય યુવક, સત્યેન રે, સાથે થઈ. લંડનમાં વસતો તે યુવક ઇન્ડિયન સિવિલ સર્વિસમાં ઉત્તીર્ણ થયો હતો. બંનેને પ્રેમ થઈ ગયો, અને 1921માં તેમણે સગપણ કરી દીધાં. ત્યારબાદ 1925માં બંને ભારત પાછા ફંર્યા. ઘરે પહોંચતાની સાથે રેણુકાને સંદેશ મળ્યો કે બાપુ તેના મંગેતરને મળવા માગે છે. 70 વર્ષની જૈફ વયે પોતાની આત્મકથા લખી રહેલ પશ્ચિમ બંગાળના પૂર્વ મિનિસ્ટર રેણુકા રે ગાંધીજી સાથે તેમના ભાવિ પતિની તે વિશેષ મુલાકાતનો સંવાદ શબ્દશઃ લખે છેઃ

બાપુઃ હું માનું છું કે રેણુકા સાથે લગ્ન કરતી વખતે તમે એ તો જાણતા હશો કે એમ કરીને તમે શું માથે લઈ રહ્યા છો. રેણુકાની પ્રાથમિકતા દેશસેવાની છે.

સત્યેનઃ હા મને ખ્યાલ છે. રેણુકાની લગ્નની આનાકાની જોતાં મેં તેને ખાતરી આપી છે કે, મારી કારકિર્દી તેના દેશપ્રેમ અને સ્વતંત્રતાની ચળવળમાં આડી નહીં આવે.

બાપુઃ તમારા બંનેમાંથી એકેય માટે આ લગ્ન મુશ્કેલ ના બને તે માટે હું પૂરતો પ્રયત્ન કરીશ. અને રેણુકાને એ જાતનું કામ જ સોંપીશ કે જેમાં શક્ય હોય ત્યાં સુધી તમે બંને ભેગા રહી શકો.

ઉપરોક્ત સંવાદમાં અપાયેલ વચન પ્રમાણે બાપુ તથા સત્યેન રેએ રેણુકાને મનવાંછિત કામ કરવાની બધી જ સંભાવનાઓ પૂરી પાડી. અને રેણુકાએ દેશપ્રેમ તથા પરિવાર બંનેને સુપેરે નભાવ્યાં. એટલું જ નહીં સ્ત્રીના હક્ક માટે રેણુકા રેએ આજીવન લડત આપી. રેણુકા રેએ સ્વતંત્ર ભારતમાં 1952 થી 1957 દરમિયાન પશ્ચિમ બંગાળનાં મંત્રી તરીકે સેવાઓ આપી. 1957થી 1967 દરમિયાન તેઓ સંસદસભ્ય રહ્યાં. તથા 1958થી 1960 દરમિયાન પ્લાનિંગ કમિશનમાં ઉચ્ચ પદે સેવાઓ આપી. પરંતુ 1967માં તેમને કોંગ્રેસ દ્વારા ચૂંટણી ટિકિટ ન અપાતા તેમણે પોતાની રાજકીય કારકિર્દી પૂરી કરી.

તેમની આત્મકથા ગાંધીજી તેમ જ ગાંધી જીવનમૂલ્યો પ્રત્યેનું તેમનાં આજીવન સમર્પણને વાચા આપે છે. 70 વર્ષની ઉંમરે લખાઈ રહેલ રેણુકા રેનું જીવનવૃત્તાંત તત્કાલીન ગાંધીમૂલ્યોના હ્રાસની ચર્ચા પણ કરે છે. પોતાની હતાશા તથા વ્યથાને અભિવ્યક્ત કરતાં લેખિકા લેશમાત્ર પણ ખચકાતાં નથી. તેઓ લખે છે કે તેમના પતિ સત્યેને તેમને ચેતવ્યા હતા. 'તારા માટે આ બધા પ્રેમાળ દેવદૂતની જેમ પાંખો પ્રસારીને ઊભા છે. અને તું પણ તેમને તારા ગુલાબી ચશ્માંથી જુએ છે... પરંતુ તારા સતત સંપર્કમાં રહેનાર આ બધાઓ મોટેભાગે ગાંધીજીથી પ્રભાવિત થઈને તેમની પાસે આવે છે. તેમનું તારા પ્રત્યેનું હૂંફાળું વર્તન બાપુના તારા પ્રત્યેના સ્નેહને કારણે છે. જ્યારે બાપુ નહીં હોય ત્યારનો વિચાર તારે કરવો જોઈએ. બાપુની ગેરહાજરીમાં શું આ લોકો અત્યારે વર્તે છે તેમ વર્તશે ખરા ?' બાપુના મૃત્યુ બાદ સત્યેન રેના આ શબ્દો સાચા પડ્યા. રેણુકાના અનુભવે તેને સમજાવ્યું કે બધાઓનો તેના માટેનો પ્રેમ ગાંધીજીથી પ્રેરિત હતો.

•••••••

85 વર્ષની જૈફ ઉંમરે પોતાની આત્મકથા 'ઇનર રિસેસીશ અ આઉટર સ્પેસીસ' (1986) લખનાર કમલાદેવી ચટ્ટોપાધ્યાય પોતાની આત્મકથામાં સ્વતંત્રતા આંદોલનના જમાનાના ગાંધીજુવાળનું દસ્તાવેજીકરણ કરે છે. તદુપરાંત તેમની આત્મકથા ગાંધીજીને એક પિતૃતુલ્ય સૌજન્ય મૂર્તિ તરીકે આલેખે છે. આજીવન ગાંધીજી સાથે સતત કાર્યરત રહ્યા છતાં કમલાદેવીએ પોતાની પારિવારીક વાતો તેમને ક્યારે ય કરી નહોતી. કમલાદેવીની આત્મકથાની એક વિશેષતા એ પણ છે કે તેમાં સ્વતંત્રતા સંગ્રામ કે કલાજગતના નાનાશા માનવની વાત કરવા માટે તેઓ છ-સાત પૃષ્ઠો લખે છે, પરંતુ સરોજિની નાયડુના ભાઈ હરીન્દ્રનાથ ચટ્ટેપાધ્યાય સાથેના પોતાના લગ્નની વાત તેઓ એક જ ફકરામાં પૂરી કરે છે. આવી આત્મકથામાં જો એક પ્રસંગ સ્મરણીય હોય તો તે ગાંધીજીએ તેમનાં પારિવારિક જીવનમાં રસ લીધાનો પ્રસંગ. એકવાર ગાંધીજીને કોઈ સુદૂર પ્રદેશમાં જઈને અમુક ચોક્કસ કામ સફળતાપૂર્વક પાર પાડી શકે તેવા સુયોગ્ય કાર્યકરની જરૂર હતી. કમલાદેવીએ આ કામ ઉપાડી લેવાની તત્પરતા બતાવી અને તરત બાપુ બોલી ઊઠ્યા, 'કમલા તારાથી નહીં બને. જે પોતાના એકમાત્ર દીકરાની સંભાળ લેતી નથી, તે આ કામ ક્યાંથી કરવાની હતી ?' કમલાને આશ્ચર્ય થયું. તેમને દીકરો છે, અને તે દીકરો બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે, તેવી વાત તેમણે તો બાપુને ક્યારે ય કરી નહોતી ! કમલાનું આશ્ચર્ય જોઈને બાપુ બોલ્યા, 'હું બધાયનું ધ્યાન રાખું છું. ગયા વખતના મારા એ વિસ્તારના પ્રવાસ દરમિયાન મેં બોર્ડિંગમાં રહેતા તારા દીકરાને બોલાવેલો અને તેની સાથે વાતો કરેલી.' પોતાનાં વ્યક્તિગત જીવન વિશે જવલ્લે જ ઉલ્લેખ કરનાર કમલાદેવી ચટ્ટોપાધ્યાય ગાંધીજીની આ વાત પ્રેમપૂર્વક આલેખે છે.

•••••••••

જે ભારતીય સ્ત્રીઓના લેખનની ચર્ચા આપણે કરી રહ્યાં છીએ તેમાંની મહદંશની સ્ત્રીઓ 1900 થી 1910ના દશકમાં બ્રિટિશ ભારતમાં જન્મેલ હતી. અને નાનપણથી જ ગાંધીજીની વિચારધારાથી પ્રત્યક્ષપણે પ્રભાવિત હતી. એમાંની ઘણી બધીએ 1920ના ઐતિહાસિક પ્રથમ કૉન્ગ્રેસ અધિવેશનમાં સ્વયંસેવિકાઓ તરીકે સેવાઓ આપી હતી. આ બધી એવી સ્ત્રીઓ હતી કે જેઓ સુશિક્ષિત, સુસંસ્કારી પરિવારોની દીકરીઓ હતી. એવાં પરિવારો કે જ્યાં ગાંધીમૂલ્યો હૃદયપૂર્વક આવકાર પામ્યાં હતાં. દુર્ગાબાઈ દેશમુખ, મિસ સ્લેડ ઉર્ફે મીરાબહેન, વિજ્યાલક્ષ્મી પંડિત, કૃષ્ણા હઠીસિંહ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, રેણુકા રે જેવી સ્ત્રીઓ બાળપણમાં વારસામાં મળેલ ગાંધીવાદી મૂલ્યો સાથે જીવેલી. અને આઝાદી બાદ તેમાંની રેણુકા રે, વિજયાલક્ષ્મી પંડિત, દુર્ગાબાઈ દેશમુખ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય જેવી ઘણી બધી આત્મકથા લેખિકાઓને ભારતની પ્રથમ સરકારમાં સ્થાન પણ મળેલું. આમ ગાંધીચીંધ્યા માર્ગે સ્વતંત્રતા આંદોલનમાં સ્ત્રીની ભાગીદારી તેમ જ સફળ નેતૃત્વ પૂરું પાડનાર અહીં ચર્ચિત ભારતીય સ્ત્રીઓએ સત્તાની બાગડોર પણ સંભાળેલી. ઘરનો ઉંબર ઓળંગીને સ્વતંત્રતા આંદોલન તેમ જ જાહેર જીવનમાં પગ માંડનાર ભારતીય સ્ત્રીઓની આ પ્રથમ પેઢીએ ઘરના ઉંબરથી દિલ્હીના સરકારી પદ સુધીની લાંબી મજલ કાપેલી. અને આ સઘળી સફળતાનો મુખ્ય યશ હતો ગાંધીને. જેમણે સ્ત્રીની સુષુપ્ત શક્તિને પીછાણી અને તેને પ્રથમ વાર તક આપી.

તા.ક. આજકાલ નામદાર સુપ્રીમ કોર્ટ ભારતીય સ્ત્રીઓના હક્ક તેમને મળે તે માટે બનતા બધા જ પગલાં લેવા માટે પ્રતિબદ્ધ જણાય છે. આ એ જ કામ છે જે ગાંધીજીએ ભારતની આઝાદી પૂર્વે એકલા હાથે ઉપાડ્યું હતું. એટલું જ નહીં પરંતુ તેમણે તેને પૂરતો ન્યાય પણ આપ્યો હતો. ભારતીય સ્ત્રીનાં સશક્તિકરણનો પાયાનો પથ્થર એટલે ગાંધીવિચાર. બાપુને વંદન.

E-mail : [email protected]

[પ્રગટ : ‘અંતર્મનની આરસી’ નામક સાપ્તાહિક કટાર,  “નવગુજરાત સમય”, 21 નવેમ્બર 2018]

Category :- Gandhiana