પાંચ સવાલ, જવાબ એક

દીપક મહેતા
01-12-2018

પાંચ સવાલ:

૧. ૧૮૫૭માં સ્થપાયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેની પહેલવહેલી સ્ત્રી-ગ્રેજ્યુએટ કોણ?

૨. અમદાવાદની ગુજરાત કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે નીમાનાર પહેલી બિન-અંગ્રેજ સ્ત્રી કોણ?

૩. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરનાર પહેલી સ્ત્રી કોણ?

૪. ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ પૂરો કર્યા પછી જેને ન તો ડિગ્રી અપાઈ કે ન તો વકીલાત કરવાની પરવાનગી અપાઈ – એવી એક સ્ત્રી તે કોણ?

૫. સાડી પહેરીને ગ્રેટ બ્રિટનની મહારાણીની મુલાકાત લેનાર પહેલી સ્ત્રી કોણ?

સવાલ પાંચ, પણ જવાબ તો એક જ છે. આ અને બીજાં અનેક ક્ષેત્રોમાં પહેલ કરનારી સ્ત્રી તે કોર્નેલિયા સોરાબજી.

આવી એક અનોખી સ્ત્રી વિષે જરા વિગતે વાત: ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની સ્થાપના થઇ ત્યારે એ અંગેના કાયદામાં બધે જ વિદ્યાર્થી માટે ‘હી’નો પ્રયોગ થયો હતો. એટલે કોઈ પણ સ્ત્રી મેટ્રિકની પરીક્ષા ય આપી શકતી નહોતી. (એ વખતે મેટ્રિકની પરીક્ષા યુનિવર્સિટી લેતી હતી.) ૧૮૭૫માં બેળગાંવના પોસ્ટ માસ્તરે યુનિવર્સિટીને પત્ર લખી પૂછાવ્યું કે મારી દીકરી ફીરોઝા મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહિ? જવાબ મળ્યો: ના. કારણ? કારણ પેલો કાયદામાં વપરાયેલો ‘હી’. પોસ્ટ માસ્તરે અને તેની દીકરીએ વાત પડતી મૂકી. પણ યુનિવર્સિટીની સિન્ડિકેટના કેટલાક સભ્યો જ આ વાતથી નાખુશ હતા. તેમણે આઠ વર્ષ સુધી કાયદામાં ફેરફાર કરાવવા માટે પ્રયત્નો કર્યા. છેવટે કાયદામાં એક નવી કલમ ઉમેરવામાં આવી: ‘જો તેમની ઈચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે.’ જાણે આવી તકની રાહ જોઇને જ બેઠી હોય તેમ પૂનાની એક છોકરીએ તરત જ પોતાનું નામ ડેક્કન કોલેજમાં નોંધાવ્યું. ડિસેમ્બર ૧૮૮૭ની બી.એ.ની પરીક્ષા તેણે પહેલા વર્ગમાં પાસ કરી અને ૧૮૮૮માં બી.એ.ની ડિગ્રી મેળવી. યુનિવર્સિટી ઓફ બોમ્બેની જ નહિ, આખા પશ્ચિમ ભારતની તે પહેલી ગ્રેજ્યુએટ સ્ત્રી. કોર્નેલિયા સોરાબજી. યુનિવર્સિટી ઓફ બોમ્બેના જે કોન્વોકેશન હોલમાં તેમને ડિગ્રી મળી હતી તે જ કોન્વોકેશન હોલમાં બરાબર સો વર્ષ પછી, ૧૯૮૮માં, કોર્નેલિયા સોરાબજીનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું.

બી.એ.ની ડિગ્રી તો મળી. પણ પછી શું? અમદાવાદની ગુજરાત કોલેજમાં સરકારે ‘ટીચિંગ ફેલોશિપ’ની ઓફર કરી. પણ છોકરીઓના શિક્ષણ માટે કામ કરવાનો ઈરાદો હતો એટલે પહેલાં તો એ ઓફર નકારી. પણ પછી વિચાર આવ્યો કે એક છોકરીના હાથ નીચે ભણવાથી છોકરાઓનું પણ ભલું થશે, એટલે ઓફર સ્વીકારી. ત્યાં જઈ પ્રિવિયસ અને બી.એ.નો અભ્યાસ કરતા છોકરાઓને (એ વખતે કોઈ છોકરી ત્યાં ભણતી નહોતી.) અંગ્રેજી ભણાવ્યું. જોડાયા પછી ત્રણ મહિને તેમની નિમણૂંક અંગ્રેજીના પ્રોફેસર તરીકે કરવામાં આવી. અગાઉ આ જગ્યાએ કોઈને કોઈ બ્રિટિશરની જ નિમણૂક થતી. એટલે કોર્નેલિયા પહેલાં બિન-બ્રિટિશ અધ્યાપક બન્યાં.

પણ એટલાથી સંતોષ નહોતો કોર્નેલિયાને. વધુ અભ્યાસ કરવા માટે ગ્રેટ બ્રિટન જવું હતું. હિન્દુસ્તાનની બ્રિટિશ સરકારની એક સ્કોલરશિપ માટે અરજી કરી. જવાબ મળ્યો કે તમે બધી જ લાયકાત ધરાવો છો, પણ આ સ્કોલરશિપ માત્ર પુરુષો માટે જ છે, એટલે તમને તે આપી શકાય તેમ નથી. હવે? ૧૮૮૯ના જૂન ૧૨ના અંકમાં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'એ આર્થિક સહાય માટે જાહેર અપીલ કરી. તેને સારો એવો પ્રતિસાદ મળ્યો. પોતાની ૬૦ પાઉન્ડની બચત તો હતી જ. ચાલો લંડન! ઓક્સફર્ડની સમરવિલ કોલેજમાં કાયદાનો અભ્યાસ કરવા. ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કરનારી કોર્નેલિયા પહેલી જ સ્ત્રી હતી. એટલે મુશ્કેલીઓ તો ઘણી વેઠવી પડી. બેચલર ઓફ સિવિલ લોઝની પરીક્ષા આપવાનો વખત આવ્યો ત્યારે યુનિવર્સિટીના સત્તાવાળાઓ કહે કે છોકરાઓની સાથે બેસીને પરીક્ષા નહિ આપી શકાય! અલગ રૂમમાં એકલાં બેસીને પરીક્ષા આપવી પડશે. આ વાતનો કોર્નેલિયાએ ઉગ્ર વિરોધ કર્યો. છેવટે વાઈસ ચાન્સેલર વચમાં પડ્યા અને યુનિવર્સિટીએ નમતું જોખ્યું. છોકરાઓ સાથે જ બેસીને પરીક્ષા આપી.

પરીક્ષામાં પાસ થવા છતાં કોર્નેલિયાને ડિગ્રી અપાઈ નહિ! અને વકીલાત કરવાની મંજૂરી પણ ન મળી. કેમ? કારણ ૧૯૧૯ પહેલાં ઇન્ગલંડમાં કોઈ સ્ત્રી બેરિસ્ટર બની શકતી નહિ. છતાં લી એન્ડ પેમ્બર્ટન નામની સોલિસિટરની કંપનીમાં તાલીમ લેવા જોડાયાં. પણ ફરી સોલિસિટર માટેની પરીક્ષા વખતે બારણાં બંધ! સ્ત્રીઓને પહેલી વાર બારની મેમ્બરશિપ અપાઈ તે પછી, ૧૯૨૩માં કોર્નેલિયા લિન્કન્સ ઇનનાં મેમ્બર બન્યાં. ગ્રેટ બ્રિટનના લોકો હવે કોર્નેલિયાને ‘ન્યૂ વુમન ફ્રોમ ઇન્ડિયા’ તરીકે ઓળખવા લાગ્યા.

વધતાં વધતાં કોર્નેલિયાની નામના રાણી વિક્ટોરિયા સુધી પહોંચી. એટલે રાણીએ મુલાકાત માટે આમંત્રણ આપ્યું. પણ રાણીના અધિકારીઓને કોર્નેલિયાએ કહ્યું કે રાણીસાહેબાને મળવા તો હું જરૂર આવું, પણ એક મુશ્કેલી છે: મુલાકાત વખતે હું પશ્ચિમી ઢબનો પોશાક નહિ પહેરું. મારા દેશના રિવાજ પ્રમાણે સાડી જ પહેરીશ. ‘નહિ રાણીજીનો હુકમ પણ પાછો કદિ ફરે’ એ નિયમથી ટેવાયેલા અધિકારીઓ મૂંઝાયા. શું કરવું? થોડી હિંમત કરી રાણીસાહેબાને કાને વાત નાખી. ઉદારતા અને સૌજન્યપૂર્વક મહારાણી વિક્ટોરિયાએ સંદેશો મોકલ્યો કે તું તારા દેશનો પોશાક પહેરીને આવે તેનો મને વાંધો નથી. આ સંદેશો પહોંચાડતી વખતે અધિકારીઓએ દબાતે અવાજે એક અરજ કરી: ‘આપ રોજ પહેરો છો તેવી સફેદ સાડી નહિ, પણ રંગીન સાડી પહેરો તો સારું. કોર્નેલિયાએ આ વાત સ્વીકારી અને પીળાશ પડતા ગુલાબી રંગની સાડી પહેરીને મહારાણીને મળવા ગયાં.

૧૮૯૪માં કોર્નેલિયા હિન્દુસ્તાન આવવા નીકળ્યાં. તે જ સ્ટીમરમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પણ મુસાફરી કરી રહ્યા હતા. કોર્નેલિયાનો પરિચય થતાં ગાયકવાડે પોતાના રાજ્યમાં બધે ફરી શિક્ષણ અંગેની ‘બ્લુ-બુક’ તૈયાર કરવા આમંત્રણ આપ્યું. આમંત્રણ સ્વીકારી સ્વદેશ પાછા ફર્યા પછી કોર્નેલિયાએ તે કામ કરી આપ્યું. સ્વદેશ પાછા ફર્યા પછી કોર્નેલિયાએ એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી. પણ દેશની હાઈકોર્ટોમાં પ્રેક્ટિસ કરવાની પરવાનગી મળી નહિ. કારણ? કારણ તે સ્ત્રી હતી. જો કે, ૧૯૦૪માં બંગાળ, બિહાર, આસામ, અને ઓરિસ્સાનાં રાજ્યો માટે પરદાનશીન સ્ત્રીઓને કાનૂની સલાહ આપવા માટે સરકારે ‘પરદાનશીન સલાહકાર’ તરીકે તેમની નિમણૂંક કરી. પહેલાં તો કચવાતે મને આ કામ સ્વીકારેલું, પણ પછી એટલું તો પસંદ પડી ગયું કે પૂરાં ત્રીસ વર્ષ સુધી તેઓ આ પદ પર રહ્યાં.

આ કામને કારણે સ્ત્રીઓના જીવનની જાતભાતની વાતો જાણવા મળતી. તેને આધારે કોર્નેલિયાએ કથાઓ લખવાનું શરૂ કર્યું. આ કથાઓ બ્રિટન અને અમેરિકાનાં સામયિકોમાં પ્રગટ થઇ. પછીથી તે પુસ્તકાકારે પણ પ્રગટ થઇ: લવ એન્ડ લાઇફ બીહાઈન્ડ ધ પરદા (૧૯૦૧), બિટવીન ધ ટવાઈલાઈટ્સ (૧૯૦૮) અને પરદાનશીન (૧૯૧૭). ૧૯૨૯માં કાનૂની સલાહકારના પદેથી નિવૃત્ત થયા પછી કોર્નેલિયાએ બીજાં બે પુસ્તકો પ્રગટ કર્યા: ઇન્ડિયા કોલિંગ (૧૯૩૪) અને ઇન્ડિયા રિકોલ્ડ (૧૯૩૬). આ ઉપરાંત પોતાનાં માતા-પિતા અંગેનાં સંસ્મરણોનું પુસ્તક ધેરફોર: એન ઇમ્પ્રેશન ઓફ સોરાબજી ખરસેતજી લંગડાના એન્ડ હીઝ વાઈફ ફ્રાંસીના (૧૯૨૪) તથા પોતાની બહેન અને શિક્ષણશાસ્ત્રી સુસી સોરાબજીનું જીવનચરિત્ર સુસી સોરાબજી: ક્રિશશ્ચન પારસી એજ્યુકેશનિસ્ટ ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા (૧૯૩૨) પણ તેમણે લખ્યું છે.

હિન્દુસ્તાનની સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી કોર્નેલિયાએ બ્રિટનમાં કાયમી વસવાટ કરવાનું મુનાસીબ માન્યું. નિવૃત્તિ પછી બ્રિટન અને અમેરિકામાં તેમણે હિન્દુસ્તાન વિષે સંખ્યાબંધ ભાષણો પણ આપ્યાં. એ વખતના બીજા ઘણા લોકોની જેમ કોર્નેલિયા પણ હિન્દુસ્તાન પરના અંગ્રેજ રાજને ઈશ્વરનો ઉપકાર માનતાં હતાં, અને તેથી દેશની આઝાદી માટેની લડત પ્રત્યે તેઓ ક્યારે ય સહાનુભૂતિ ભરી નજરે જોઈ શક્યાં નહિ. ૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી લંડનમાં હતા ત્યારે કોર્નેલિયાએ તેમની લાંબી મુલાકાત લીધી હતી અને અંગ્રેજો અને તેમની રાજવટ અંગે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. આ મુલાકાતનો વિસ્તૃત અહેવાલ લખીને બોસ્ટનથી પ્રગટ થતા ધ એટલાંટિક મન્થલીના એપ્રિલ ૧૯૩૨ના અંકમાં કોર્નેલિયાએ પ્રગટ કર્યો હતો. તે વાંચતાં જણાય છે કે આ મુલાકાત પછી પણ કોર્નેલિયાના મનનું સમાધાન થયું નહોતું. ગાંધીજી અને આઝાદી માટેની તેમની લડતથી ઉફરા ચાલવાને કારણે તે વખતે તેમ જ દેશને આઝાદી મળી તે પછી પણ કોર્નેલિયાના કામની જોઈએ તેટલી નોંધ લેવાઈ નહિ. આનો અર્થ, અલબત્ત એવો નથી કે તેઓ પોતાના દેશને કે દેશવાસીઓને ચાહતાં નહોતાં. બ્રિટનમાં સ્થાયી થયા પછી પણ તેમણે કાયમ પારસી ઢબે સાડી પહેરવાનું ચાલુ રાખ્યું હતું. તેમની વિચારણામાં જરથુસ્તી ધર્મ, હિંદુ ધર્મ, અને ખ્રિસ્તી ધર્મનાં ઉત્તમ તત્ત્વોનો સમન્વય જોવા મળતો હતો.

૧૯૪૪થી તબિયત લથડવા લાગી. અંધાપાની સંભાવનાથી કોર્નેલિયા આકુળવ્યાકુળ થઇ ગયાં. અમેરિકા જઈને મેરીલેન્ડની પ્રખ્યાત હોસ્પિટલમાં આંખનું ઓપરેશન પણ કરાવ્યું. છતાં આંખનું અજવાળું આથમવા લાગ્યું. તેમાં વળી સ્મૃતિલોપ અને ચિત્તભ્રમની તકલીફ ઉમેરાઈ. ૧૯૪૯ સુધીમાં તો આ બિમારી એટલી વણસી કે તેમને ગાંડાઓ માટેની હોસ્પિટલમાં દાખલ કરવા પડયાં. છેવટે ૧૯૫૪ના જુલાઈની ૬ઠ્ઠી તારીખે કોર્નેલિયા સોરાબજીનું અવસાન થયું.

હવે છેલ્લી એક વાત: કોર્નેલિયાના પિતા ખરસેતજી લંગડાના મૂળ તો પારસી-ગુજરાતી, પણ પછી તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો. માતા ફ્રાન્સીના મૂળ હિંદુ, પણ એક બ્રિટિશ દંપતીએ તેને દત્તક લઈને ઉછેરી હતી. પણ પોતાના બાળપણનાં સંસ્મરણોમાં કોર્નેલિયાએ લખ્યું છે કે તે નાની હતી ત્યારે ઘરમાં ગુજરાતી ભાષાનું ચલણ હતું. નાશિકમાં જન્મ અને પુણેમાં વસવાટ, એટલે મરાઠીથી પણ ઘરોબો. ઘણાં પારસી કુટુંબોની જેમ રહેણીકરણી, ખાણીપીણી પશ્ચિમનાં. પણ હાડ તો પારસી ગુજરાતીનું. એટલે હિન્દુસ્તાન અને બ્રિટનમાં અનેક ક્ષેત્રે પહેલ કરનાર કોર્નેલિયા સોરાબજી એક ગુજરાતી સ્ત્રી હતી તે આપણે માટે ખાસ આનંદ અને અભિમાનનો વિષય હોવો જોઈએ.

xxx xxx xxx

[ગુજરાત સમાચાર (લંડન)ના દિવાળી અંકમાં પ્રગટ થયેલો મારો લેખ]

e.mail : [email protected]

Category :- Profile