આપણી ભાવભૂમિને સમૃદ્ધ કરે એવાં નવાં, અવનવાં, તાજગીસભર પુસ્તકોનો મજેદાર ફાલ

સંજય શ્રીપાદ ભાવે
30-11-2018

નવું તાજગીસભર વાચન  : સૉક્રેટિસ, ગાંધી, રવીન્દ્રનાથ, સહિત્યકારોનાં શબ્દચિત્રો, સામયિકોનાં અંકો 

બળાત્કારના ગુનેગાર આસારામની સંસ્થાનો સ્ટૉલ અમદાવાદ મહાનગરપાલિકાએ યોજેલા પુસ્તક મેળામાં હોવાની ધિક્કારાસ્પદ ઘટનાને માધ્યમોએ બરાબર ખુલ્લી પાડી. સોમવારે સાંજે પહેલીવાર પુસ્તક મેળામાં ગયાં પછી એ સ્ટૉલ પર નજર પડી એટલે મેળાનો વ્યક્તિગત ધોરણે બહિષ્કાર કરવાનો થયો. પણ તે પહેલાં ગાંધી દોઢસો નિમિત્તે જ થયેલાં નવાં પુસ્તકો હાથ લાગ્યાં.

નવજીવન પ્રકાશને ‘સત્યના પ્રયોગો’ની સમીક્ષિત આવૃત્તિ બહાર પાડી છે. ગાંધી વિચારના આપણા સમયના ગુજરાતના બહુ જાણીતા અભ્યાસી અને અનુવાદક ત્રિદીપ સુહૃદે તૈયાર કરેલી 685પાનાંની આ આવૃત્તિની એક વિશેષતા હાંસિયા નોંધો છે. અડતાળીસ પાનાંના પુરોવચનને અંતે સમીક્ષક ત્રિદીપ જણાવે છે : ‘એક પ્રકારની નોંધ, અંગ્રેજી અને ગુજરાતી ભાષાની આત્મકથા વચ્ચે પારસ્પર્ય ઊભું કરે છે. બીજા પ્રકારની નોંધ વ્યક્તિ, તારીખ, પ્રસંગ, પુસ્તક, સંસ્થા વિશે છે.’ ‘હિન્દ સ્વરાજ’ અને અંગ્રેજી આત્મકથાની સટીક આવૃત્તિઓ તૈયાર કરનાર ત્રિદીપ એમ પણ જણાવે છે કે ‘આવા ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ આપણી ભાષા અને બૌદ્ધિક પરંપરામાં હોવી જોઈએ તેવી માન્યતાથી આ પ્રયાસ પ્રેરાયો છે.’ આવી આવૃત્તિ અત્યાર સુધી કેમ નહોતી એવો અચંબો  પણ – જેની મહત્તાનો જોવાથી જ ખ્યાલ આવી શકે તેવું – આ પુસ્તક જોતાં થાય છે.

મેળામાંથી યજ્ઞ પ્રકાશનનાં પુસ્તકો ભેટ મળ્યાં. ‘ગાંધી ઍન્ડ ધ અનસ્પીકેબલ : હિઝ ફાઇનલ એક્સપરિમેન્ટસ વિથ ટ્રુથ’  ગાંધી હત્યાને કેન્દ્રમાં રાખીને મહાત્માનાં જીવનકાર્ય વિશે વાત કરે છે. તેને મુંબઈનાં પત્રકાર, લેખક અને અનુવાદક સોનલ પરીખ ગુજરાતીમાં લાવ્યાં છે. પુસ્તકનું સહુથી લાંબુ પંચોતેર જેટલાં પાનાંનું પ્રકરણ ‘ગાંધી અને તેમના હત્યારા’ પ્રકાશન સંસ્થાનાં સેક્યુલર કૉઝ માટેનાં સરોકાર અને  હિમ્મત બતાવે છે. ‘એક અનન્ય મૈત્રી : મહાત્મા અને મીરાં’ સોનલબહેનનું જ મૌલિક હૃદયસ્પર્શી પુસ્તક વિષય માટેના ઊંડા લગાવ, તેના ઘણા અભ્યાસ અને ઉત્કટ અભિવ્યક્તિથી લખાયું છે. મીરાંબહેન તે મેડેલિન સ્લેડ (1892-1982) કહેવાની ભાગ્યે જ જરૂર હોય.

ગાંધી પરનાં હમણાંનાં પુસ્તકોની વાત છે ત્યારે રામચન્દ્ર ગુહા લિખિત ગાંધી ચરિત્રના બીજા ભાગ ‘ગાંધી: ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ 1914-1948’(પેન્વિન રૅન્ડમ હાઉસ)નો ઉલ્લેખ થવો જોઈએ. મોટાં કદનાં 1150 પાનાંનો આ ગ્રંથ ‘ગાંધી બિફોર ઇન્ડિયા’(2013)નું અનુસંધાન છે. જંગમ સંશોધન, આધાર સાથેની વૈચારિક ભૂમિકા અને વાચનીય રજૂઆત એ ગુહાનાં લખાણોની લાક્ષણિકતા ગાંધી-ગ્રંથોનાં જૂજ પાનાંમાંથી પસાર થતાં ય જણાઈ આવે છે.

ગાંધીજીએ સૉક્રટિસ પર ‘એક સત્યવીરની કથા’ નામની નોંધપાત્ર પુસ્તિકા લખી છે તે પ્રસિદ્ધ કરનાર નવજીવન પાસેથી તાજેતરમાં ‘સૉક્રેટિક ડાયલૉગ્ઝ’ પુસ્તક મળે છે. ગ્રીસના તત્વચિંતક પ્લેટો(ઇ.પૂ. 427-347)એ માર્ગદર્શક સૉક્રટિસ (ઇ.પૂ. 477-399) સાથે કરેલા સંવાદોનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ચિત્તરંજન વોરાએ ભાષાંતર કર્યું છે. પ્રાચીન ગ્રીક સાહિત્યમાંથી પ્લેટોનાં ‘રિપબ્લિક’, એરિસ્ટોટલનાં ‘પોએટિક્સ’ પુસ્તકો અને ઇસ્કીલસ-સોફોક્લિઝ-યુરિપિડિઝનાં શોકનાટ્યોના અનુવાદ પછી બહુ લાંબા ગાળે આ વર્ગનું મહત્ત્વનું પુસ્તક આપણી ભાષામાં આવ્યું છે. અંગ્રેજી પાઠ પર સહેજ નજર કરતાં સમજાય છે કે તેને બીજી ભાષામાં લઈ જવામાં ક્લિષ્ટતા કે વિષયને ન  છાજે તેવી અણઘડ સાદાઈ પ્રવેશવાની સંભાવના છે. ચિત્તરંજનભાઈએ આમ થવા દીધું નથી. એટલે અનુવાદ સાફસૂથરો બન્યો છે. બધાં પ્રકારનાં વિશેષનામો ગુજરાતીમાં લખવામાં ખાસ કાળજી દેખાય છે. મૂંગા રહીને કામ કરતાં રહેનારા ગાંધીવાદી અર્થશાસ્ત્રના પૂર્વ અધ્યાપક ચિત્તરંજને જૉન રસ્કિનનાં ‘અન ટુ ધિસ લાસ્ટ’ અને લિઓ ટૉલ્સ્ટૉયનાં ‘ધ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યુ’ (વૈકુઠ તારા હૃદયમાં છે)  એવાં ખૂબ પ્રભાવક પુસ્તકોનો અનુવાદ કર્યો છે.

સંપાદક, અનુવાદક, પ્રકાશક અને ગ્રંથજ્ઞ જયન્ત મેઘાણી પાસેથી ગૂર્જર પ્રકાશને બહાર પાડેલાં રવીન્દ્ર સાહિત્યનાં ચાર રળિયામણા સંચયો મળે છે. ‘રવીન્દ્ર-પત્રમધુ’ કવિવરના અઢળક પત્રોમાંથી વીણેલા પોણાત્રણસોએક એમનાં સ્નેહ, સંતાપ, ઉલ્લાસ, વિચારજગત અને નર્મ-મર્મમાં ડોકિયું કરાવે છે. ‘રવીન્દ્રસાન્નિધ્યે’ ગદ્યસંચય છે. તેમાં બુદ્ધદેવ બસુના સંસ્મરણ-પુસ્તક ઉપરાંત ક્ષિતિમોહન સેન, રવીન્દ્રનાથના આર્જેન્ટિનાવાસી પૂજક વિક્તોરીઆ ઓકામ્પો અને પુત્ર રથીન્દ્રનાથના સંસ્મરણ-લેખો છે. વળી, કવિવરનાં ચાર આત્મકથનો અને અરુણા ચક્રવર્તીની અંગ્રેજી નવલકથા ‘જોરાસાંકો’નું એક પ્રકરણ પણ વાંચવા મળે છે. રવીન્દ્રનાથ સાહિત્યમાં ‘કબિતિકા’ તરીકે ઓળખાતાં લઘુકાવ્યોનાં રૂપકડો સંચય ‘સપ્તપર્ણી’ પહેલી વાર અને ‘તણખલાં’ ચોથાં પુનર્મુદ્રણમાં પ્રકટ્યો છે. રમણીય ભાષા, વિગતોમાં ચોકસાઈ, નિર્માણમાં સૌંદર્ય અને વાચકને અત્યુત્તમ આપવાનો પ્રયત્ન એ ભાવનગરના જયંતભાઈનાં કામની વિશેષતા અહીં પણ જળવાઈ છે. પિતાની જેમ જ રવીન્દ્રસાહિત્યના પ્રેમી એવા આ મેઘાણી-પુત્રે કવિવરનો અનુવાદ અંગ્રેજીમાંથી કર્યો છે. ગુજરાતી સાહિત્યમાં રવીન્દ્ર-અનુવાદની લગભગ પોણી સદીની પરંપરામાં જયન્તભાઈનું કામ નવોન્મેષ સમું છે.

રવીંદ્રનાથના આ અનુવાદોમાંથી થોડી સામગ્રીનું વાચિકમ્‌ મહેંદ્રસિંહ પરમારે તૈયાર કર્યું છે એ સાંભળવામાં તમને રસ પડશે :

https://www.youtube.com/watch?v=nhySToQGVQE

https://www.youtube.com/watch?v=U7DXwxQo0kQ&t=4s

https://www.youtube.com/watch?v=1p2Tl715LmU

ગુજરાત સાહિત્ય અકાદમીનાં મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના યાદગાર પૂર્વ સંપાદક અને કવિ હર્ષદ ત્રિવેદીનું ‘સરોવરના સગડ’ (ડિવાઇન પબ્લિકેશન્સ) એ દિવંગત સાહિત્યકારોનાં શબ્દચિત્રોનો એવો સંગ્રહ છે કે જે પૂરો વાંચ્યા વિના અળગો ન થઈ શકે. અહીં છે : એક પેઢીના ઉમાશંકર, દર્શક, યશવંત શુક્લ, રમણલાલ જોશી અને જયંત કોઠારી; ત્યાર પછીના ભોળાભાઈ, ઉશનસ, રાજેન્દ્ર- નિરંજન; પછીના કવિઓ લાભશંકર, ચીનુ મોદી, જગદીશ વ્યાસ; એકંદરે તળપદના હજારો વાચકો સુધી પહોંચેલા લોકધર્મી સાહિત્યકારો દિલીપ રાણપુરા, મીનપિયાસી અને બાપુભાઈ ગઢવી; પુસ્તકનિર્માણના કસબી રોહિત કોઠારી. લોકસંગ્રહી પ્રેમાળ સર્જક હર્ષદભાઈને ઘડતર અને કારકિર્દીના જુદા જુદા તબક્કે આ સાહિત્યકારોનો સહવાસ થયો છે. તેમને લેખકે ‘અંગત નિસબત, પંચેન્દ્રીયથી જેવા અનુભવ્યા એવા જ આળેખ્યા છે’. વ્યક્તિત્વનાં અનેક પાસાં સિફતથી પકડ્યાં છે, મહત્તા બરાબર ઉપસાવી છે, મર્યાદા ક્યારેક વ્યંજના તો મરમાળા મલકાટથી બતાવી છે. ભાષાની મિરાતથી વાચક ન્યાલ થઈ જાય છે. જૂની મૂડી જેવા શબ્દપ્રયોગોને લેખક માંજીને ચમકાવે છે. આપણાં સમયમાં વાડીલાલ ડગલી, જયંત પંડ્યા, રઘુવીર ચૌધરી અને મનસુખ સલ્લામાંથી દરેક પાસેથી મળેલાં વ્યક્તિચિત્રોનાં એક એક શ્રેષ્ઠ  પુસ્તકની સાથે હર્ષદભાઈનું  પુસ્તક પણ શોભશે.

હર્ષદભાઈના સુરેન્દ્રનગરના મિત્ર બકુલ દવેએ ‘જીવણ જગમાં જાગિયા’ (પ્રવીણ પ્રકાશન) ભજનિક સંતકવિ દાસી જીવણ (1750-1825) પરની ચરિત્રાત્મક નવલકથા છે. તેમાં લેખકનાં મહેનત, શ્રદ્ધા અને લેખનકૌશલ દેખાય છે. અહીં લેખકે તેમના વતનની નજીક, આ જન્મ અને આ જીવનમાં પ્રજ્ઞાચક્ષુ તેમ જ  અન્ય સ્પેશ્યલિ-એબલ્ડ કન્યાઓ માટે મોટું સેવાકાર્ય કરી રહેલાં પ્રજ્ઞાચક્ષુ દંપતી મુક્તાબહેન અને પંકજ ડગલી વિશે લખેલી ‘નેણમાં નવલ નૂર’ (ડિવાઇન, 2009) નવલકથા ખાસ યાદ આવે છે.

ત્રણ સામયિકોનાં હમણાંના અંકો તાજગીસભર ભરપૂર વાચનસામગ્રી પૂરી પાડે છે. ‘સાર્થક જલસો’ (સાર્થક પ્રકાશન) તેના અગિયારમા અંકમાં પણ જુદી ભાત પાડતા, સંશોધનપૂર્ણ, ઉત્તમ રીતે માવજત પામેલા વૈવિધ્યપૂર્ણ લેખોની પરિપાટી જાળવી રાખી છે. અજયસિંહ ચૌહાણે સંપાદિત કરેલો ‘શબ્દસૃષ્ટિ’નો પત્રવિશેષાંક સંપાદકની સૂઝ અને પ્રિન્ટિન્ગ ટેકનોલોજિના સમન્વયથી કેવું નોંધપાત્ર કામ થઈ શકે તે બતાવે છે. ઠઠ્ઠાચિત્રકાર અશોક અદેપાલના ‘કાર્ટૂન સેલ્ફી’ માસિકના ‘ઈકોફ્રેન્ડલી દિવાળી અંક’ના મુખપૃષ્ઠ પરનું વ્યંગચિત્ર બતાવે છે ‘યુ.પી. પોલીસથી બંદૂક ન ફૂટતાં ‘ઠાંય ઠાંય અવાજ કર્યો’. અનેક અનેક ખાસિયતોથી ભરેલાં ‘કાર્ટૂન સેલ્ફી’ના અત્યાર સુધીના પાંચ અંકો કાર્ટૂન-સાક્ષરતા લાવવાની ક્ષમતા ધરાવે છે. આ માસિકની  કદર ઓછી થાય એમાં આપણા સમાજની ફિલ્મ ઊતરે છે.

*******

29 નવેમ્બર 2018

‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 30 નવેમ્બર 2018

Category :- Opinion / Literature