હું હરનિશ જાની

રજની પી. શાહ (અાર.પી., ન્યુ યોર્ક)
18-11-2018

રખે એવું માનતા કે આ એની  આત્મકથાનું વાક્ય છે. આ તો જ્યારે એ આપણને ફોન કરે, ત્યારે એનું પહેલું ઈન્ટ્રો વાક્ય હોય છે. આપણે એનો અવાજ, એનો થથરાટ, એના અર્ધવિરામો, એના પોતાના જોક્સ પર એનું પોતાનું હસવું, એનો ગૂઢ અર્થ જે અાપણે કદાચ ના સમજી શક્યા હોય, એ બધું અાપણે બરાબર સાંભળતા હોઈએ છતાં એ અાપણાં બોલેલા વાક્ય ઉપર વોઈસ ઓવર કરીને બોલે : ‘હું હરનિશ જાની’.

છેલ્લાં ૩૫ વર્ષથી અમારો અા અનિયત ફોન કોલ્સનો નાતો. કુલ ૪૦ મિનિટના ફોનકોલમાં ૩૭ મિનિટ એની. અાપણી ૩ મિનિટ તો પેલા નાટકના પ્રોમ્પટર જેવી. અાપણે એકાદ બે ચાવીરૂપ શબ્દો અાપીએ કે ‘અા અાદિલનો પ્રોબલેમ એ છે.’ કે તરત એ વાક્ય આપણી પાસેથી છીનવી લે ને પછી અાદિલની વાત તો અાડવાતની જેમ હડસેલી દે ને મોટેથી બોલે, ‘હું ને અાદિલ એકવાર શિકાગો ગયેલા ત્યારે ડબાવાલા ..’  કરીને નવી જ વાર્તા માંડે ને અાખી વાત એના કોઈ ચાહકે અેની એકાદુ જૂની વાર્તા ‘સેવાનો મારગ’ કેટલી વખાણી તેની વાત કરે. પછી મને ફોન હેંગપ કરતાં પહેલાં નાંખી દેવા કશું પૂછે, ‘અાર.પી., તમે, યાર, કશું કહેતા હતા.’ આપણને એવા બીઝી રાખે કે આપણે શું બોલવાનું હતું તે વિષય જ ચૂકી જઈએ. મને કોઈવાર તો એવા ભણકારા વાગે કે એના બાયબાય પછી પણ જ્યારે હું ફોન મૂકી દેતો હોઉં ત્યારે હજુ હરનિશ ‘હલો .. હલો! હ .. લો?’ કરીને રિકનેક્ટ કરવા માંગતો હોય.

કોઈ તલાટીનો ચીકણો કારકૂન જેમ સનદી ચોપડામાં તમારી પ્રોપર્ટીના ઘનફૂટની વિગતો ભરે તેટલી જ બારીકાઈથી હરનિશ એની વાર્તાઅોમાં વિગતો અને ચોકસાઈ પૂરે .. એની સાથેના અનેક પ્રસંગોમાંથી શું યાદ કરવું, શું ચૂંટવું અને શું લખવું જે વાચકને પણ અપીલ કરે, એ મારા માટે અઘરું છે માટે મારી એક રમૂજી કેફિયત પછી હું એની બે વાર્તાઓ મારી રીતે પ્રસ્તુત કરીશ.

એ કોઈવાર અધ્ધર જ ટેલિફોન કરે.’ અાર.પી., મેં તમને અા વાત કરેલી? અમે બોસ્ટન ગયેલા તે? પેન્સિલવેનિયાની ગેંગને રાઈડ આપેલી. અા રાઈડો લેનારા માણસો પર તો દોસ્ત,અાખી બુક લખાય. ગાડી હું ચલાવું પણ રાઈડો લેનારા મારી (અશિષ્ટ ક્રિયાપદ છે)  કોઈ કહે, ‘લેફ્ટમાં લો, કોઈ કહે, ‘રાઈટમાં’ તો લેફ્ટવાળો બોલે, ’અાપણે એક્ઝીટ ચૂકી ગયા, હવે બે માઈલ પછી યુ ટર્ન લેવો પડશે’. ખરેખર તેમાં જ એક મોટો એક્સિડેન્ટ થતો થતો રહી ગયો.’હરનિશને પહેલો હાર્ટ એટેક આવ્યો ત્યારે મેં એને મેડિકલ સલાહ અાપેલી,  ‘તું બેડમાં લાંબો ટાઈમ પડી રહે છે, તો એક સલાહ આપું. કશું જ કરતો ના હોય ત્યારે પગના પંજા ઊંચાનીચા કર્યા કરજે. અથવા હંસાને કહેજે કે ઘુંટણ નીચેના તારા પગની માલિશ કરી આપે, જેથી તારા લોહીમાં ક્લોટ ના થાય. પછી એ ઘરે આવ્યો.

તે જમાનામાં એણે પોતાની હાસ્યબેઠકો શરૂ કરેલી. અમેરિકામાં હજુ એવા પ્રોગ્રામ બહુ ચાલુ થયા નહતા. શાહબુદ્દીન રાઠોડનો કદાચ એકાદ પ્રોગ્રામ થયો હશે. એ ખુશ હતો કારણ એવા પ્રોગ્રામમાં એને પુરસ્કાર મળે, પ્લસ આવવા-જવાનું એરફેર, પ્લસ રહેવાની વ્યવસ્થા થાય. લોકો પોતાના જોક્સ ઉપર હસે તે તો નફામાં. અા બેઠકોથી એને લખવાની ચાનક ચઢી. એ જ કળાથી એણે ગુજરાતી લિટરરી એકેડેમી અોફ નોર્થ અમેરિકાનો વાર્ષિક પ્રોગ્રામ ‘સર્જકો સાથે એક સાંજ’ ચાલુ રાખ્યો અને એણે લોકોને હસાવ્યા.

એક વાર એણે મને ફોન કર્યો, ‘હું હરનિશ જાની’. પછી હું કશું બોલું તે પહેલાં એ મને કહે: “તમારા પેલા જોકમાં લોકો, યાર, બહુ હસ્યા.”

“કયો જોક? મારો ?” મેં પૂછ્યું.

“મેં પ્રેક્ષકોને કહ્યું કે મને હાર્ટ એટેક આવી ગયા પછી, મારા મિત્ર ડો. આર.પી. શાહે મને એક સલાહ આપી તે બહુ કામમાં લાગી.” 

“કઈ સલાહ?” મેં પૂછ્યું.

એટલે એ કોઈ જાહેર જનતા માટેનું સત્તાવાર હેલ્થ બુલેટિન વાંચતો હોય તેમ બોલ્યો, “ડોક્ટર અાર.પી.એ સલાહ આપી છે કે હાર્ટ એટેક પછી જલદી રિકવરી કરવી હોય, તો મારે હંસાના પગ દાબવાના. હંસાના પગનું રોજ મસાજ કરવાનું.”

મને હસવું આવી ગયું, હાસ્ય લેખકો એમનાં નજીકનાંને જ વાર્તામાં ઘસડે. યાદ કરો, પહેલાંના જમાનામાં હાસ્યકારો એમની ‘શ્રીમતીઅો’ પર જ જોક્સ મારતા. કાર્ટૂનમાં પણ શ્રીમતીજીનાં મોટા ડોળા અને મોટાં નિતંબ બતાવે ને હાથમાં ઝાડુ કે સાવરણી હવામાં વીંઝતી બતાવે. જ્યારે પતિ ધોતિયામાં અને ખાદી ભંડારની બંડીમાં; અાર.કે. લક્ષ્મણના કાર્ટૂન જેવો નિર્દોષ બતાવે.

મનમાં મેં એમ પણ શંકા ઉઠાવી કે એને કહું કે “હા હા, એમ જ ચાલુ રાખજે કારણ હંસાનો તો હું ફેવરિટ ડોક્ટર ગણાઈશ!” અને કોને ખબર કદાચ આ હાર્ટ એટેક પછીની એક નવી ટ્રીટમેન્ટ મારા હાથે શોધાશે કે વાઈફના પગ દાબવાથી કદાચ દરદીનું એડૃીનાલિન લેવલ ઘટે. અને જો એમ થાય તો હાર્ટના સ્નાયુને વધારે ઓક્સિજન મળે અને માટે જલદી રુઝાય. મારી અા શોધથી કદાચ ટાઈમ મેગેઝિનના કવરપેજ પર મારો ફોટો છપાય. થેંક્સ ટુ હરનિશ જાની.

હાસ્યનિબંધો લખનારા જે નામો ગુજરાતમાં છે, એ બધા પૂરોગામીઓને યાદ કરો. જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, વગેરે વગેરે અને હાલના વિદ્યમાન ભાઈ શ્રી રતિલાલ બોરીસાગર. એ બધાની કેટેગરી, કટાક્ષ - નિબંધ એક્સપર્ટ. તારક મહેતાએ હાસ્યની ધારાવાહિક શ્રેણી શરૂ કરી જે ટેલીવિઝન ઉપર સફળ થઈ અને લાખો લોકોએ નિહાળી. પણ હરનિશ એ બધાથી જુદો પડે છે. એણે હાસ્ય વાર્તાઓ લખી. વાર્તા શબ્દ નીચે લાઈન દોરો. એવી વાર્તાઅોમાંથી મેં બે નમૂના પસંદ કર્યા છે. તે જોઈએ. એના વિષયો અને પાત્રો મહદ્દ અંશે રચાયા છે, દરિયાપારના ગુજરાતીઅો ઉપર. કયારેક ડાયાસ્પોરા સાહિત્યની વાત થશે ત્યારે અા વાર્તાઅો વધારે પ્રકાશમાં અાવશે.

હરનિશનો પહેલો વાર્તાસંગ્રહ તે ‘સુધન’. એની પહેલી જ વાર્તા તે ‘સુપર કંડક્ટર’. એક અદ્દભુત નકશીકામ કરેલી વાર્તા. લેખક પોતે પણ એક સાયન્સનો ગ્રેજ્યુએટ છે (મારી એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના ભૂતપૂર્વ વિદ્યાર્થી) એટલે સહજ રીતે એમના પાત્રોમાં ક્યાં, શું કામ? કેવી રીતે? તો પછી અામ કેમ નહીં? એ પ્રશ્નો અચૂક આવે એ પ્રશ્નો જ ઘણીવાર  હાસ્યની કોઠીમાં ફૂલકણીનો ગલ નાંખવાના પ્રોસેસમાં મદદ કરે.

એ વાર્તા કંઈક અાવી છે : દસેક વર્ષ પહેલાં આખી દુનિયામાં દરેક ખૂણે જ્યાં જ્યાં ગણપતિની મૂર્તિઅો હતી, એ બધા ગણપતિઅો દૂધ પીતા હતા. અાપણે ટેલીવિઝન પર જોતા’તા કે હજ્જારો લોકોની લાઈનો પડી અને બધાનાં દૂધના ડોલચાંમાંથી ગણપતિઅોેએ દૂધ પીધાં. એક્ઝિટ પોલમાં સાૈએ કબૂલ્યું કે એ સાચે જ કલિયુગનો એ એક મહા ચમત્કાર હતો. આ વાર્તામાં એક ઉમાબહેન છે, જેમની પોતાની માલિકીની એક ગણેશની મૂર્તિ છે. એમના પતિ છે, જે નરો વા કુંજરોવા જેવા ડબલ ઢોલકી છે. એ દંપતીના એક મિત્ર છે મિસ્ટર પટેલ. જે એક મોટી કંપનીમાં કામ કરે છે એ કંપનીમાં જ એમના વડા છે, ડો. મોર્ગન જે વૈજ્ઞનિક માણસ છે.

ડો. મોર્ગનને અા ગણપતિનો ભેદ ઉકેલવો છે, માટે એ મિસ્ટર પટેલને વચમાં રાખી ઓફર આપે છે કે ‘તમે ગણપતિના માલિકનો સંપર્ક કરો અને દસ હજાર ડોલર અાપીને એ મૂર્તિ ખરીદી લાવો. અાપણે વૈજ્ઞાનિક રીતે અેને તોડીને, એનું પૃથક્કરણ કરીએ અને શોધી કાઢીએ કે અા દૂધનો ભેદ કયા સિદ્ધાંતથી ઊકલે. ઉમાબહેન પૂછે છે કે આ લોકો મૂર્તિને ખરીદ્યા પછી ગણપતિનું શું કરે?

તો પટેલ કહે છે કે મિ. મોર્ગનને એ શોધવું છે કે આ ગણપતિ માત્ર દૂધ જ પીએ છે  કે પછી કેરોસિન કે પાણી પણ પીએ? એવું લાગે છે કે એ બકનળીના સિદ્ધાંતથી ચાલે છે. એ માટે એમને ગણપતિનું પેટ ચીરવું પડશે અને સૂંઢ પણ કાપવી પડશે. ઉમાબહેન ધરાર ના પાડી દે છે. પોતાના ભગવાનની આવી દશા કરવાની? એ સાથે ડો. મોર્ગનની ઈચ્છા પણ વધારે ને વધારે પ્રબળ થતી જાય છે એટલે સુધી કે એ ઓફર અંતે બે લાખ ડોલર સુધી પહોંચે છે, એ સાંભળતાં જ ઉમાબહેનના પતિને વિચાર અાવે છે કે આટલા પૈસાથી તો ઘર આવે, કાર આવે અને ગરીબી મટી જાય. ઉમાબહેન પણ અંતે ફસકી જાય છે અને ઘોષણા કરે છે: ‘મને ગણપતિ સ્વપ્નામાં આવ્યા. અને મને કહે, તમે મને વેચી દો. મારા જેવી તો લાખો મૂર્તિઓ ફરે છે અહીં.’

જ્યારે બધા પાત્રો ડાઉન થઇ ને પડી જાય છે ત્યારે લેખક ચમત્કાર રચે છે. ડો. મોર્ગન પેલી બે લાખ ડોલરની ઓફર પાછી ખેંચી લે છે, કહે છે કે કંપનીને હવે બકનળીના સુપર કંડક્ટરમાં રિસર્ચ કરવી નથી, કારણ એ લોકો હવે ફાઇબર ઓપ્ટિક્સનું કામ હાથમાં લે છે. મારા હિસાબે અા વાર્તા પરથી ક્યાંક મુવી થઈ શકે, સુપર કંડક્ટર, સુપર કોમેડી. ધારોકે એ મુવી બને તો એનું સ્ક્રીન પ્લે હું લખીશ.

એવી જ બીજી વાર્તા મને ગમી છે, તેનું શીર્ષક છે, ‘સિનેમા નાટક અને વાર્તા’. એમાં બે પાત્રોનું અદ્દભુત ચિત્રણ કર્યું છે. પહેલું પાત્ર છે, કનુભાઈ પટ્ટી. લોકો એમને પટ્ટી એટલા માટે કહેતા’તા કે એ સ્થાનિક સિનેમાગૃહના પ્રોજેક્શનિસ્ટ હતા. કનુભાઈ એટલા બધા દિલીપકુમાર થી અંજાઇ ગયેલા હતા કે દિલીપકુમારના ‘અંદાઝ’ પિક્ચર પછી દાઢી વધારી, ‘નયા દાૈર’ પછી પોતે ઘોડાગાડી વસાવેલી. ગામમાં વરસાદ ન પડતો હોય તો પણ એ પોતાનું પેન્ટ ઘૂંટણ સુધી વાળીને પહેરે .. કનુભાઈ દિલીપકુમારની અદ્દલ નકલ કરતા દિલીપકુમાર દુખી હોય તો કનુભાઇ પણ સિરિયસ હોય. છેવટે એ બાજુના ગામના એક સીધાસાદા બહેનને પરણી ગયા.

એવું જ બીજું એક પાવરફુલ પાત્ર તે ગોપાનું. લોકો ગોપાને હૈદરઅલી કહેતા. શું કામ? તો એનો તર્ક હરનિશ અાપણને અાપે છે, તે સાંભળો. કહે છે કે હૈદરઅલી એક સાથે એકવીસને સાંભળી શકતો હતો. પણ ગોપાને એકની એક વાત એકવીસ વખત કહેવી પડતી. ગોપાના બાપાના કોડ હતા કે પોતાની જેમ એમનો દીકરો પૂજારી બને. પણ બધા પ્રયત્નો નિષ્ફળ ગયેલા, કારણ દશ વર્ષે લીધેલા એપ્ટિટ્યુડ ટેસ્ટમાં ગોપો ફેલ થયેલો. અહીં જૂઅો લેખકની અેન.અાર.અાઈ. ભાષા. એકવાર મેટ્રિકની પરીક્ષા આપવા બધા વડોદરા ગયા, ત્યારે પરીક્ષા આપીને ગોપો સીધો વડોદરામાં કલામંદિર ટોકીઝમાં ડોરકીપર તરીકે રહી ગયો. ગોપાના બાપા પાછો એને ઘેર તેડી લાવે છે. કનુભાઈ પટ્ટીની સિફારસથી એને પણ સ્થાનિક રમણભાઈ શેઠની ત્યાં જ ડોરકીપરની નોકરી મળી જાય છે. ગોપો ડોરકીપર તરીકે એક્સપર્ટ હતો. રોજના ૮-૧૦ ટિકિટ વગરનાને પકડી પાડતો. કનુભાઈ પટ્ટી એ ગોપાના મેન્ટોર છે. એ પોતાની ફિલોસોફી એને શીખવાડતા, “ચાર, નાર અને ચાકર એ અાપણાંથી નીચા હોવા જોઈએ’, કહીને પોતે કેવા છે અને ઘરમાં પોતાનો વટ કેટલો છે એ બતાવતા એ ગોપાને કહેતા, “તને હું ગુરુવિદ્યા આપીશ કે ઘરની સ્ત્રીને કેવી રીતે કાબૂમાં રાખવાની”.

પછી લેખક અાપણને એક ફારસ પ્રસંગ રૂપે કહે છે. કનુભાઈ પટ્ટી ગોપાને એક કામ સોંપે છે કે એ પોતાની પત્નીને સંદેશો અાપી અાવે કે એ વડોદરા જશે કારણ ફિલમ માટે કાર્બનના સળિયા વેચાતા લેવાના છે. ગોપો કનુભાઈની અા પરસ્ત્રી સાથેના ચેડાંની વૃત્તિ સમજતો નથી. એટલે એ ભોળપણથી કહે છે, “કાર્બનના સળિયા? અાપણી પાસે સ્ટોર રૂમમાં એક બોક્સ પડ્યું છે”. ત્યારે હરનિશ અાપણને એક ડહાપણનો અર્ક અાપે છે: ‘દુનિયામાં લુચ્ચાઈ અને અસત્યનો સામનો કરવો અઘરો નથી, પણ સત્યને ખોટું પાડવું એ ખૂબ અઘરું છે.’

ગોપાનું સમસ્ત પાત્ર અા વાક્યથી ઉપસી અાવે છે. ગોપાના તો નામમાં જ નિર્દોષતા છપાઈ છે.

ચાલુ પિક્ચરે કનુભાઈ પડદા ઉપર પોતે આંગળીઓના ઈશારાથી થી ગોપાને બોલાવે છે અને પૂછે છે, “પછી તારી ભાભી ને કહી આવ્યો કે નહીં ?’’

ત્યારે ગોપો કહે છે, “તમને કહેવાનું તો ભૂલી ગયો. ભાભી તો નીચે રમણભાઈ (કનુભાઈ પટ્ટીના બોસ) સાથે બોક્સમાં પિક્ચર જોવા આવ્યાં છે, કારણ કે એમને પણ દિલીપકુમાર ગમે છે.”

અહીંયા વર્તુળ પૂરું થાય છે. વાર્તા પતે છે. વાચક પર કોઈ ભાર નથી. માત્ર હળવું નિર્દોષ હાસ્ય. એ જ હરનિશની હથોટી.

આઠમા હાર્ટ એટેક વખતે હોસ્પિટલમાં દાખલ થયો હતો ત્યારે મને કહે, ‘અાર.પી., હવે તો હોસ્પિટલમાં દાખલ થવું એ એટલું રુટિન થઈ ગયું છે કે મારાં ઘરવાળાંમાંથી કોઈ એમની જોબ પર જતું હોય, ત્યારે મને હોસ્પિટલમાં ડૃોપ કરી દે; અને કહી દે કે જોબમાંથી સાંજે છૂટીશું, ત્યારે વિઝીટીંગ અવર્સમાં, સી યુ ..”

Sept. 24, 2018

****

488 Old Courthouse Rd. Manhasset Hills, NY 11040, U.S.A.

e-mail: [email protected]

(પ્રગટ : ‘હરનિશ જાની સ્મૃિત અંક’, “ગુર્જરી”; અૉક્ટોબર 2018)

Category :- Diaspora / Literature