સંગીતમાં રાગ અને રસ

અારાધના ભટ્ટ
06-05-2013

'રસ' શબ્દની સામાન્ય વ્યાખ્યા પ્રમાણે, જેનો આસ્વાદ કરી શકાય તે 'રસ'.  'आस्वाद्यते इति रसः'. રસ શબ્દમાં મુખ્ય ત્રણ ભાવો નિહિત છે : રસ એ અનુભવનો વિષય છે, રસ એ અર્ક કે સત્વ છે, અને રસ અસ્થાઈ, ગતિશીલ છે. ભરતમુનિના પ્રબંધ-ગ્રંથ 'નાટ્યશાસ્ત્ર'માં રસનિષ્પત્તિ, 'વિભાવ’(ઉદ્દીપક પરિસ્થિતિ), 'અનુભાવ’ (ભૌતિક પરિણામ કે અભિવ્યક્તિ - જેમ કે અભિનય)' અને 'વ્યભિચારી’(અશાશ્વત મનોભાવ) એ ત્રણ પરિબળોને આધારે હોવાનું જણાવાયું છે. આ ત્રણેનો સમન્વય થતાં જે અનુભૂતિ થાય છે તે 'આસ્વાદનીય' છે. ભરતમુનિના 'નાટ્યશાસ્ત્ર' વિષયક ભાષ્ય 'અભિનવભારતી'ના સર્જક, સંગીતશાસ્ત્રજ્ઞ અને સૌન્દર્યશાસ્ત્રજ્ઞ અભિનવગુપ્તના મતાનુસાર રસ, શ્રોતા કે રસિકના મનમાં સ્થિત હોય છે. કળાકાર દ્વારા રજૂ થતી કળા, એ રસને માટે ઉદ્દીપક બને છે. એટલેકે સંગીતમાંથી કે અન્ય કોઈ પણ કળામાંથી આનંદ મેળવવો એ સંસ્કારગત બાબત છે.

તૈતરીય ઉપનિષદકાર રસાનુબોધ કરાવતાં કહે છે : रसो वै सः , બ્રહ્મ એ જ રસ છે. પછી એ કહે છે रसं हि एव अयं  लब्ध्वा आनंदी भवति. જ્યારે માનવીને આનંદની પ્રાપ્તિ થાય ત્યારે જાણવું કે એને રસની પ્રાપ્તિ થઈ છે. જેમ બ્રહ્મ એ જ રસ છે તેમ આનંદ એ જ બ્રહ્મ છે. બ્રહ્મ આનંદસ્વરૂપ છે, સત, ચિત અને આનંદ એ બ્રહ્મનાં લક્ષણો છે . તૈતરીય ઉપનિષદ એમ પણ કહે છે 'यदि आकाशे आनंदों न स्यात, कः प्राण्यात कः अन्यात. ' જો આકાશમાં (એટલે કે જગતમાં) આનંદ ન હોત તો કોઈ મનુષ્ય કે પ્રાણી કઈ રીતે જીવિત રહી શકે? આમ રસનો સંબંધ માત્ર કલાઓ કે સૌંદર્યશાસ્ત્ર પૂરતો સીમિત નથી, પણ આપણાં શાસ્ત્રોએ એને ‘બ્રહ્મ’નું ઉચ્ચતમ સ્થાન આપ્યું છે.

રસ એ વ્યક્તિના અંતઃકરણની સમૃદ્ધિ છે. માનવીનું મન એના ઇન્દ્રિયબોધ અનુસાર સુખ-દુ:ખ અનુભવે છે. ઇન્દ્રિયોની સહાયથી મન નિરંતર આનંદની શોધ કરતું હોય છે. માનવીના અંતઃકરણની વિશિષ્ટ ભાવનાઓના ઉત્કર્ષને શાસ્ત્રોમાં 'રસ' કહેવાય છે. બીજી રીતે કહીએ તો કોઈક સાધારણ ઘટના,અનુભવ કે વસ્તુ, મનમાં અસાધારણ નવીનતા ઉત્પન્ન કરે ત્યારે એને 'રસ' કહે છે. મનુષ્ય-હૃદયમાં  સ્થાયીભાવો સદા વિદ્યમાન છે. એ ભાવોના ઉદ્દીપનથી રસ ઉત્પન્ન થાય છે અને રસમાંથી કળાજન્ય સૌન્દર્યની ઉત્પત્તિ થાય છે. આને જ સૌન્દર્યશાસ્ત્ર કે એસ્થેટિક્સ કહે છે. જીવનને સ-રસ કે નિ-રસ બનાવવામાં ભાવકનું ભાવવિશ્વ અધિકાંશ ભાગ ભજવે છે.

સાહિત્યના સંદર્ભે રસ-શાસ્ત્રમાં નવ રસ ગણાવાયા છે. ભારતના નાટ્યશાસ્ત્રમાં આઠ રસોનો ઉલ્લેખ છે અને પછી અભિનવગુપ્તએ નવમા રસ તરીકે શાંત રસનો ઉમેરો કર્યો.
श्रुंगारहास्य करुणरौद्र वीर भयानका:I
बिभत्सोद्भुत इत्यष्टौ रस शांतस्तथा मत: II
શ્રુંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્દભુત, અને શાંત આ નવ રસ ઉપરાંત મનુષ્ય ભાવજગતમાં તેત્રીસ ‘વ્યભિચારી ભાવો’ છે, જે મૂળ નવ રસમાંથી ઉદ્દભવે છે. જેમ એક રંગની અનેક અાભાઓ અને છાયાઓ હોય તેમ એક જ રસમાં અનેક ભાવો સમાયેલા છે. ઉદાહરણાર્થે શૃંગાર રસ લઈએ તો એમાં હર્ષ, આનંદ, ઉન્માદ, વિસ્મય, મોહ, ઈરોટીસીઝમ - લૈંગિકતા, સ્વાર્પણ, આરાધના, વગેરે ભાવો નિહિત છે.

પરંતુ સંગીતમાં, શૃંગાર, હાસ્ય, કરુણ, અને શાંત - એ ચાર રસોમાં નવેનવ રસ હોવાનું મનાય છે. આપણું શાસ્ત્રીય સંગીત રસલક્ષી છે. મતંગની બૃહદ્દેશીમાં રાગ-વિમર્શ કરતાં રાગની વ્યાખ્યા આ પ્રમાણે અપાઈ છે:  ‘योयं ध्वनी विशेषस्तु स्वर-वर्ण विभूषित:, रंजको जनचित्तानाम स रागः कथितो बुधै:’ સ્વરોનો એવો સૌંદર્યસભર સમૂહ જે રંજક હોય (અને અન્ય કેટલાક શાસ્ત્રીય નિયમોને અનુસરે) તેને રાગ કહે છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ પણ 'અભિનવ રાગમંજરી'માં રાગની વ્યાખ્યા કરતાં રંજકતાને રાગનો ગુણધર્મ ગણાવ્યો છે. રંજકતા એ મનનો વિષય છે, તેથી એ સામાન્યજનોના ઉપયોગનું સાધન છે. પરંતુ સ્થૂળ રંજકતાથી ઉપર ઊઠીને સૂક્ષમમાં પ્રવેશ કરતાં રસનો સંચાર થાય છે, મનને ચિત્તનું પદ પ્રાપ્ત થાય છે. ખરેખર તો આ યોગનો વિષય છે અને યોગિઓ આવી ચિરંતન સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જનસામાન્ય માટે સંગીત અથવા અન્ય ઉત્તમ કલાઓ એને આવી ઊર્ધ્વ અનુભૂતિ કરાવી શકે. સ્થળ, કાળ, સંબંધ, સ્થિતિ બધું ભૂલીને વ્યક્તિ જ્યારે અનિર્વચનીયના પ્રદેશમાં પ્રવેશે ત્યારે એના હૃદયમાં જે આનંદનો અવિર્ભાવ થાય છે એને રસાનુભૂતિ કહે છે. સૌન્દર્યબોધ અથવા રસાનુભૂતિ માટે શ્રોતા કે ભાવક સંગીતના મર્મજ્ઞ હોવા જરૂરી નથી. માત્ર સહૃદય વ્યક્તિને જ આ અનુભવ થઈ શકે છે, કારણ કે સંગીત એ  સમજવાનો  નહીં પરંતુ અનુભવનો વિષય છે. શબ્દ સમજવાનો હોય છે, પણ સ્વર અનુભવવાનો હોય છે.

આપણી સંગીત પરંપરામાં રાગોની પ્રકૃતિ હોવાનું આપણે માનીએ છીએ. કેટલાક રાગો ચંચળ પ્રકૃતિના છે તો કેટલાક ગંભીર. રાગોની પ્રકૃતિના આ વિશાળ વર્ગીકરણને આગળ લઈ જતાં રાગોને જુદા જુદા રસો નિષ્પન્ન કરનાર તરીકે વર્ગીકૃત થાય છે. રાગોનું વર્ગીકરણ એના સ્વરોની સંખ્યા પ્રમાણે, એમાં આવતા સ્વરોના પ્રકાર (શુદ્ધ, કોમળ કે તીવ્ર)ના આધારે જુદી જુદી રીતે થાય છે. રાગોની પ્રકૃતિ પ્રમાણે એમના ગાયન કે વાદનનો સમય પણ શાસ્ત્રોમાં જણાવાયો છે. પંડિત ભાતખંડે લિખિત 'હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ'માં તેમણે રસ પ્રમાણે રાગોને ત્રણ વિભાગમાં વહેંચ્યા છે : ધ (ધૈવત) કોમળવાળા સંધિપ્રકાશના રાગો શાંત અને કરુણ રસના, ધ શુદ્ધવાળા રાગો શૃંગાર રસના, અને ગ (ગાંધાર) તથા નિ (નિષાદ)કોમળવાળા રાગો વીર રસના સંવાહક છે એવું તેમણે દર્શાવ્યું છે.

જેમ રાગોને રસ સાથે જોડવામાં આવ્યા છે, તેમ આપણા પ્રાચીન ગ્રંથકારોએ સ્વરને પણ રસ સાથે જોડ્યા છે. ૧૩મી સદીના સંગીતશાસ્ત્રી શારંગદેવે સંગીતશાસ્ત્રની તેમની મહાન કૃતિ – ‘મેગ્નમ ઓપાસ’ - 'સંગીત રત્નાકર'માં જુદાજુદા સ્વરોને વિવિધ રસો સાથે પ્રથમ વાર સાંકળી લીધા. સા અને રે, વીર, રૌદ્ર અને અદ્દભુત રસોના, ધ બિભત્સ અને ભયાનકનો, ગ અને નિ કરુણ રસના, અને મ તથા પ હાસ્ય અને શૃંગાર રસના પોષક છે. જો કે દરેક સ્વરને કોઈ એક રસસૃષ્ટિ સાથે જોડી શકાય એવું વાસ્તવમાં લાગતું નથી. રસનિષ્પત્તિ એ સ્વર-સમૂહો અને તેમાં સ્વરોનું પ્રયોજન, સ્વરોની ચાલ, અને સંગીતકારની પોતાની રસાનુભૂતિ અને સજ્જતા વગેરે અનેક પરિબળોનું સામુહિક પરિણામ જ હોઈ શકે. ૨૦મી સદીના સંગીતજ્ઞ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ મત જાહેર કર્યો કે કોઈ એક રાગને એક રસ સાથે જોડી શકાય નહીં, માનવમનની અને સંગીત કળાની સૂક્ષ્મતાને જોવાની એ બહુ પ્રાથમિક દૃષ્ટિ છે. તેમણે સંગીતના સૂરોને જ નહીં, પણ એમાં લય, તાલ વગેરે અનેક પાસાઓને રસનિષ્પત્તિ સાથે સાંકળી લીધા.

રસ નિષ્પત્તિ સાથે સંકળાયેલું સંગીતનું એક મહત્ત્વનું અંગ તે રાગોનું સમયચક્ર. દિવસના અને રાત્રિના પ્રહારોમાં ગવાતા રાગોની વર્ગીકરણ પદ્ધતિ આપણી પરંપરામાં સ્વીકૃત છે. રાગોમાં પ્રયોજતા સ્વરોમાંથી ખડા થતા વાતાવરણને અને દિવસ-રાત્રિના સમયચક્રના કોઈક અકળ સંબંધ સાથે રસ-સિદ્ધાંતને સંબંધ છે. તે જ રીતે  હિન્દુસ્તાની સંગીતમાં ઋતુઓના રાગો ગવાય છે. વસંત, બહાર, મલ્હાર જેવા રાગો વસંતઋતુ અને વર્ષાઋતુના રાગો છે. શાસ્ત્રીય સ્વરાયોજન અનુસાર કોઈ એક ઋતુના યોગ્ય વાતાવરણમાં, શ્રોતાઓની માનોભાવનાઓને સમજીને, કોઈ રાગ છેડવામાં આવે, તો રસની ઉત્પત્તિ જરૂર થાય છે. તાનસેન, બૈજુ બાવરા, અને તાનારીરીની રાગ દીપક અને મલ્હારવાળી કથા સર્વવિદિત છે. જ્યારે રાગો કોઈ વાદ્ય ઉપર વગાડવામાં આવે ત્યારે, એમાં શબ્દો ન પ્રયોજાતા હોવા છતાં, માત્ર સ્વરો પણ રસોત્પત્તિ કરવાની ક્ષમતા ધરાવે છે.

કલાકારનું લક્ષ્ય શ્રોતાના સ્થાયીભાવોને જગાડી એને રસમાં તન્મય કરવાનું હોય છે અને એ જ કલાકારની નિપુણતાનું દ્યોતક છે. સંગીતકાર એની સૌંદર્યસાધના, સ્વર, તાલ, લય અને કાકુભેદ દ્વારા કરવા પ્રયત્ન કરે છે. સ્વરોના વિશિષ્ટ લગાવને ‘કાકુ’ કહે છે, જેમાં સ્વરોની ગતિ એનું ઊંચા-નીચાપણું વગેરે કલાકૌશલનાં વિવિધ પાસાંઓનો સમાવેશ થાય છે. એટલે, એક ઉદાહરણરૂપે, પ્રાતઃકાલીન રાગ લલિતમાં ગવાતી બંદિશ 'રૈન કા સપના ..' એ શબ્દસમૂહને જુદાજુદા સ્વરો લઈને ગાવાથી ગાયક કલાકાર શ્રોતાના ચિત્તને રસાન્વિત કરવામાં સફળ થાય છે. સંગીતમાં થતી રસનિષ્પત્તિમાં ગાયન-વાદનની શૈલીઓ એટલે કે પરંપરાગત ઘરાનાઓ પણ કેટલેક અંશે ભાગ ભજવે છે. કેટલાક પ્રકારનું સંગીત સામાન્યજનને વધુ 'ભાવવાહી' લાગે છે. કેટલાક ગાયકો કે વાદકોની શૈલી વધુ ભાવવાહી હોવાનું સંગીત સમીક્ષકો માને છે. અથવા તો કોઈ જ બુદ્ધિગમ્ય કારણ વિના કોઈ સંગીત વધુ સ્પર્શી જાય એવું લાગતું હોય છે. કોઈક ગીત કે રાગ સાંભળીને કોઈ ભાવક પોતાના રૂવાં ખડાં થઈ ગયાંનું વર્ણન કરે તો કોઈ આશ્રુની ધારા વહેવાની વાત કરે. 'ભાવ'નો આ સ્પર્શ તે કદાચ 'રસ' નું પ્રાથમિક સ્વરૂપ.

સંગીત એ રંગમંચની કળા છે. તેથી રસનિષ્પત્તિના શાસ્ત્રોક્ત વિમર્શ કરતાં વ્યવહારમાં સંગીતકાર  રસનિષ્પત્તિનું પોતાનું ધ્યેય કઈ રીતે સિદ્ધ કરે છે એ મહત્ત્વનું છે. સંગીતકાર પોતે, જે તે રસને  તીવ્રપણે  અનુભવે, કહો કે, એ રસમાં પોતે ખૂંપી જાય તો જ એના સ્વરો એ રસના વાહક બની એના ભાવકોને સ્પર્શશે. આપણા સંગીતનો વારસો સદીઓથી ગુરુ-શિષ્ય પરંપરાની તાલીમ દ્વારા જળવાયો છે. બધી જ શાસ્ત્રીય નિપુણતા પ્રાપ્ત કરીને સાધનારત શિષ્ય જ્યારે ગુરુના આશિષ મેળવે, ત્યારે સાચા અર્થમાં ગુરુનું જ્ઞાન સંપાદન કરવાનો એ અધિકારી બને છે અને ત્યારે એ સંગીતની દિવ્ય અનુભૂતિ કરી શકે છે. સંગીતકારને રસની આવી તીવ્ર અનુભૂતિ માટે ગુરુના આશીર્વાદ, કલાની સાધના, અને અખૂટ શ્રદ્ધા જરૂરી છે. જ્યારે પોતાનો અંતર્ગત  રસ એ એના ભાવકો સુધી પહોંચાડી શકે અને બધા એ  રસમાં તરબોળ  થયાનો  અનુભવ  કરે  ત્યારે રસ-શાસ્ત્રમાં એને રસનું 'સાધારણીકરણ' કહે છે. રસાનુભૂતિ માટે શ્રોતા કે ભાવકની સહૃદયતા અનિવાર્ય ગણાઈ હોય અને બુદ્ધિ કે સંગીતના જ્ઞાનને ભલે ગૌણ ગણાયું હોય, સંગીતની રજૂઆત કરનાર કલાકાર પોતાની તાલીમ અને શાસ્ત્રીય નિયમોને આધીન રહીને સંગીતની રજૂઆત કરતો હોય છે. એની રજૂઆતમાં ચમત્કારિતા માટે એ વૈચિત્રીકરણ, ગણિત વગેરે સાધનોનો વિચારપૂર્વક વિનિયોગ કરે છે. સૌન્દર્યની ચરમ સીમાના આકાશને આંબવા મથતા કલાકારે સતત શાસ્ત્રોક્ત નિયમ અને તાલીમની ધરતી ઉપર સ્થિર રહેવાનું છે.

ગાનસરસ્વતિ કિશોરી આમોણકર કહે છે કે તેઓ જ્યારે કાર્યક્રમ આપવા કાર્યક્રમના સ્થળે જઈ રહ્યાં હોય છે ત્યારે અંદર એક વાતાવરણ હોય છે. અંતરતમની એ ખૂબ નાજુક સ્થિતિ છે, અંદરના એ વાતાવરણને તેઓ ખૂબ જતનથી સાચવીને રાખે છે. ઈશ્વર જાણે કે સ્વરોના સ્વરૂપે અવતરવા તૈયાર થઈ રહ્યા હોય એવી એ અનુભૂતિ હોય છે. જુદાજુદા સંગીતકારો આ અનુભૂતિને પોતપોતાની રીતે વર્ણવે છે. કેટલાક સંગીતકારો પોતાના કાર્યક્રમો પૂર્વે મૌન રાખે છે, એનો હેતુ પણ કદાચ અંતરમનમાં આકાર લઈ રહેલી રસોર્મિઓનું સંવનન કરાવાનો હશે.  

સંગીતનું રસ-સૌન્દર્ય બુદ્ધિથી પર છે. બધી કળાઓ પૈકી ફક્ત સંગીત એક એવી કળા છે જેનું સ્વરૂપ ચોક્કસ નાદબિંદુઓ (સ્વરો) ઉપર આધારિત છે. એટલે એ રીતે જોઈએ તો સંગીતનું સૌન્દર્ય સ્વયંસ્ફુિરત છે, કારણ કે જગત આખું નાદાધીન છે. રસનું ઉદ્દીપન કરનાર તત્ત્વ અશાશ્વત હોય પણ રસાનુભૂતિ જેને આનંદભાવ પણ કહેવામાં આવે છે તે ભાવકના ચિત્ત ઉપર ચિરંતનકાળ સુધી અંકિત થઈ એને પરમની પાસે લઈ જાય છે. ઓગણીસમી સદીના અંગ્રેજી ‘રોમેન્ટિક’ કવિ શેલીની પંક્તિઓ આપણા સંગીત અને રસ-શાસ્ત્ર માટે પણ એટલી જ પ્રસ્તુત છે : Music, when soft voices die, vibrates in the memory. e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion