શૂન્યારંભી શિક્ષણ

ચેતન શાહ
06-05-2013

આંતરરાષ્ટ્રીય શાળામાં ભણતી મારી પુત્રીએ, તેના મધ્ય પૂર્વમાંના પાંચ વર્ષનાં રોકાણ દરમ્યાન, તેના ધર્મ વિશે ઘણી વખત ઠઠ્ઠા સહન કરી છે. તેની શાળાની કેમ્પસ ઇકોલોજી પાશ્ચાત્ય છે, તેનાં પાઠ્યપુસ્તકો પાશ્ચાત્ય છે, શિક્ષકો પાશ્ચાત્ય અને અભિગમ પણ પાશ્ચાત્ય છે, અને સહ વિદ્યાર્થીઓનો સંઘ પાશ્ચાત્ય, આરબ અને એશિયન છે. અન્યથા BFF (best friends forever) ગણાતા તેના આરબ અને પાકિસ્તાની સહપાઠીઓ તેને પૂછતા હોય છે, ‘તમે ગાયની પૂજા કરો છો?’ તેઓ, અલબત્ત, આ પ્રશ્ન ઉપાલંભમાં પૂછતા હોય છે, નહિ કે તેનો ઉત્તર જાણવા.

ઘણો સમય આ બાબત ટાળ્યા પછી, છેલ્લે, તેણે મને આવા અનુભવની જાણ કરી. મેં તેને પૂર્વના દર્શન અને સંસ્કૃિતમાં પ્રાણીઓ અને વનસ્પતિનું વૈશિષ્ઠ્ય અને આજના યુગની આધુનિક પરિકલ્પનાઓ જેમ કે carbon footprint, global warming અને PETA (People for Ethical Treatment of Animals) જેવી સંસ્થાઓ સાથે પૂર્વના આ જુગજૂના વિચારોની સંગતતા વિષે વાત કરી. પૂર્વીય પરંપરાઓ (વૈદિક, બૌદ્ધ, જૈન) અને અબ્રાહમિક (યહૂદી, મુસ્લિમ, ખ્રિસ્તી) પરંપરાઓમાં ભગવાન અને ધર્મ વિશે સામાન્ય અને વિરોધાભાસી વિચારોની અમે વાતો કરી. મેં તેને બાંહેધરી આપી કે તે ધર્મ-શ્રદ્ધા, ધાર્મિક પુસ્તકો અથવા માતા પિતાના શિક્ષણ આ બધામાંથી ફક્ત તેની બુદ્ધિને માફક આવે તે જ સિદ્ધાંતો સ્વીકારી, તેના તર્કને અમાન્ય તેવી બધી વાતો ફેંકી દેવા સમર્થ છે. તે આસ્તિકતા અને નાસ્તિકતા અથવા કઈ ત્રીજું અપનાવવા પણ મુક્ત છે. આ સંવાદ પછી તેણે તેનો નિર્ણય લીધો, એ છૂટ સાથે કે તેના નવા અનુભવો અને વિકસતી બુદ્ધિ સાથે તેના નિર્ણયો પણ બદલાશે.

જો કે, આ વાત મારી ટીનેજર પુત્રી વિશે નથી. આ વાત એ તાલીમની છે, જે એક સાંકડી દૃષ્ટિ દ્વારા આ વિવિધતાપૂર્ણ બ્રહ્માંડને જોવા માટે મનુષ્યના માનસ પર ઠોકી બેસાડવામાં આવતી હોય છે. આપણા સંસ્કાર એમ કહેતા હોય છે કે મારા માર્ગથી અલગ બધું ખોટું જ હોવું જોઈએ ! મારાથી અલગ દરેક વ્યક્તિ અજ્ઞાની જ હોવી જોઈએ !

બ્રહ્માંડ અનેક રંગો, લક્ષણો અને દ્રષ્ટિકોણો સાથે બનેલું છે અને તેની વિપુલતા દર ક્ષણે વધતી જાય છે. તેને બનાવનાર જો તેની રચના એકરંગી કરવા માગત તો બ્રહ્માંડ આવું નવરંગી ના હોત ને! કરોડો જીવો, વિવિધ ચહેરા અને રંગોવાળી પ્રજા, અને વિવિધ પરમાણુઓ, વિવિધ ગ્રહો અને વાયુઓ, વિવિધ ભાષાઓ, વિવિધ ખોરાક, કલા અને સંસ્કૃિતઓ ના હોત ને !

લોકો શા માટે આ વિશાળ અને અમર્યાદ બ્રહ્માંડનું અર્થઘટન એવું કરતાં હોય છે, જેમ એક બાળક તળિયેથી પર્વતની ટોચનું વર્ણન કરતુ હોય ? શા માટે મનુષ્ય કોઈ નૂતન દર્શન અને નૂતન સંસ્કૃિત ને પોતાના કથિત સત્ય અને કથિત ધર્મના ત્રાજવામાં તોળતો હોય છે  ? શા માટે આપણે આપણા જરી પુરાણા સત્યોને પડકાર નથી ફેંકતા, જેથી જ્ઞાનની સીમાઓ વિસ્તૃત થાય ?

ગોઠણીયાભેર નિર્દોષ અને અજ્ઞાન બાળકની જેમ શા માટે આપણે નવા સ્વાદ અને સ્પર્શની  શોધમાં નીકળી નથી પડતા ? શા માટે આપણા બંધ બારીના ઓરડા જેવા જ્ઞાનના ભાર તળે દબાઈ આશ્ચર્ય અનુભવીએ છીએ કે ગાય તે કદી પૂજાય ?

શા માટે આપણે ‘હું અને મારી માન્યતા’ને બાજુ પર મૂકી ‘તું બ્રહ્માંડ અને તારું અમર્યાદ દર્શન’ને નથી અપનાવતા ?

શા માટે આપણે શૂન્યથી શરૂ થતું શિક્ષણ નથી ઇચ્છતા ?

Category :- Opinion Online / Opinion