લ્યો, નાવ કિનારે આવી !

પન્ના નાયક
03-11-2018

લ્યો, નાવ કિનારે આવી!
મઝધારે મ્હાલી એ મસ્તી એક ઈશારે લાવી.
 
          ક્યાંક સાંજનો પવન
             ને જળની માયા મમતા
         સૂર્ય-ચંદ્રનાં કિરણ
             હજી તો હૈયે રમતાં
જનમજનમની વાતો સઘળી સઢમાં દઈ સમાવી..
         લ્યો, નાવ કિનારે આવી!
 
         એક કિનારો મળ્યો
            હવે તો સાવ નિરાંતે
        રાત પછીના કોઈ
           ઊઘડતા એક પ્રભાતે
નાવ ઊડશે નકી હવે તો સઢને પાંખ લગાવી 
         લ્યો, નાવ કિનારે આવી!

• સંગીત : અમર ભટ્ટ • ગાયક : હિમાલી વ્યાસ-નાયક • તબલાસંગત : દીપક ગુંદાણી • કીબૉર્ડસંગત : બ્રિજ જોશી

https://drive.google.com/file/d/1DtFkwiFjoh8BYb4IIUid4XCGKSGHTmWC/view?ts=5b999867

Category :- Poetry