એક જબ્બરું સાહસ … ભાષાને જીવતી રાખવાનું સારું કામ

વિપુલ કલ્યાણી
30-10-2018

30 અૉક્ટોબર 2011. મૉસ્કો મુકામે, મિત્ર અતુલ સવાણીની આંખ મીંચાઈ, તેને હવે સાત વરસનું છેટું થયું. … તેમ છતાં, એમની યાદ સતત આવ્યા કરે છે, અને ક્યારેક તેમની ગેરહાજરી સતાવ્યા ય કરે છે.

બિરાદર અતુલ સવાણી જ્યાં હોય ત્યાં શાંતિ કદાચ અનુભવતા ય હોય; કેમ કે એમણે ગુજરાતી ભાષાને ન્યાલ કરવામાં પાછું વળીને જોયું જ નથી. મૉસ્કોમાં વસીને એમણે આપેલા રૂસી સાહિત્યના એકમેવ અનુવાદો આપણી ગુજરાતી સાહિત્યની અદકેરી વિરાસત છે. 16 નવેમ્બર 1925ના રાજકોટ પાસેના બાબરા ખાતે જન્મેલા અતુલ સવાણીએ તેમ જ સવાણી પરિવારના બીજાત્રીજા નબીરાઓએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે ફાળો આપ્યો છે, તેની પણ આદરભેર ગૌરવસહ નોંધ લેવી જ રહી.

‘ઓ રસિયા ! આ રશિયા !!’ નામે એક પ્રવાસલેખનની શ્રેણી એક સાથે “ઓપિનિયન” તેમ જ “નિરીક્ષક”માં પ્રગટ થયેલી. અતુલભાઈને સંભારીને એ શ્રેણીમાંથી 26 ફેબ્રુઆરી 2010ના પ્રગટ થયેલો આ લેખ અહીં સાદર કરું છું. ખાતરી જ છે, તમને ય ગમશે.

− વિપુલ કલ્યાણી

•••

એક જબ્બરું સાહસ … ભાષાને જીવતી રાખવાનું સારું કામ

અમદાવાદથી પ્રકાશિત “સંદેશ”ની, ૧૭ જાન્યુઅારી ૨૦૧૦ની અાવૃિત્તની ‘સંસ્કાર’ નામે પૂર્તિમાં, જાણીતા સાહિત્યકાર મહમ્મદ માંકડનો, ‘જયાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ નામનો એક લેખ પ્રગટ થયો હતો. વાંચતા પોરસ ચડે તેવી તેવી વિગતો તેમાં હતી. ૧૩ ફેબ્રુઅારીએ, ૮૨ વર્ષની અાવરદા હેમખેમ પાર કરતા, મહમ્મદભાઈ પોતાની અા સાપ્તાહિકી કટાર, ‘કેલિડોસ્કોપ’માં, લખતા હતા :

‘ગુજરાતી ભાષા વિશે લખવા માટે વિચાર કરું છું ત્યારે કવિ ‘ખબરદાર’ની ઉપર અાપી પંક્તિઓ યાદ આવે છે. મહાત્મા ગાંધીનો પોતાની માતૃભાષા ગુજરાતી ઉપરનો પ્રેમ યાદ આવે છે, અને પેલી અવાર માતાની વેદના યાદ આવે છે. જે સ્ત્રી પોતાના પુત્ર વિશે એવું બોલી શકે એનો પોતાની માતૃભાષા ઉપરનો પ્રેમ કેટલો ઉત્કટ હશે!

‘રશિયાની સામ્યવાદી સરકારે ઘણાં સારાં-નરસાં કામો કર્યાં હતાં. દરેક સરકારના ચોપડે એવાં કામો વધુ ઓછાં પ્રમાણમાં નોંધાયેલાં હોય જ છે, પરંતુ એક બહુ જ સારું, બહુ જ મોટું કામ સામ્યવાદી સરકારે, દરેક રાજ્યની, દરેક પ્રદેશની ભાષાને, લોકબોલીને જીવતી રાખવાનું કર્યું હતું. એટલું જ નહીં. એવી બોલીના ઉત્તમ સાહિત્યકારોનાં પુસ્તકોને માત્ર રશિયન ભાષામાં જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓમાં પ્રગટ કરવાનું કામ પણ કર્યું હતું.

‘એટલે જ મારા જેવા પુસ્તકપ્રેમીને રસૂલ હમઝાતોવનું ‘મારું દાધેસ્તાન’ પુસ્તક ગુજરાતી ભાષામાં વાંચવા વસાવવા મળ્યું હતું. એ પુસ્તકની અંગ્રેજી અને ગુજરાતી આવૃત્તિ પણ મારી પાસે છે. પરંતુ ગુજરાતી ભાષામાં પણ એ પ્રગટ કરવું એ તો એક સાહસ જ ગણાય. અને એવું જબરું સાહસ સામ્યવાદી સરકારોએ કર્યું હતું એની નોંધ લેવી જોઈએ. એને કારણે જ મહાન રશિયન સાહિત્યકારોઃ પુશ્કિન, તોલ્સ્તોય, દોસ્તોયેવસ્કી, તુર્ગનેવ, ચેખોવ વગેરેનાં અંગ્રેજી અને ગુજરાતી પુસ્તકો સાવ સસ્તી કિંમતે ઉપલબ્ધ થયાં હતાં. એક સમય એવો હતો જ્યારે બહુ મોંઘી કિંમતનાં પુસ્તકો પ્રગટ કરતાં પશ્ચિમના પ્રકાશકો સામ્યવાદના એ સાહિત્યિક અને સંસ્કારી પુસ્તકોનાં આક્રમણથી ગભરાઈ ગયા હતા.

‘સસ્તી કિંમતનાં એ પુસ્તકોમાં માત્ર સાહિત્યના જ નહીં પરંતુ અર્થશાસ્ત્ર અને ઇતિહાસનાં પુસ્તકો પણ હતાં. ‘પ્રગતિ પ્રકાશન મોસ્કો’ તરફથી પ્રગટ થયેલાં એવાં ગુજરાતી પુસ્તકોમાં કાર્લ માર્કર્સે લખેલ ભારતના ઇતિહાસ ઉપરનું પુસ્તક હતું, અને એમાં ૧૮૫૭ના જે વિદ્રોહને અંગ્રેજો ‘સિપાહીઓના બળવા’ તરીકે ઓળખાવતા હતા, એને મહાન પ્રજાકીય વિદ્રોહ તરીકે રજૂ કર્યો હતો. એ જ રીતે બીજા એક ભારતના ઇતિહાસના પુસ્તકમાં પણ એવી જ રીતે એની રજૂઆત થઈ હતી - એ વાત અંગ્રેજી, ફ્રેંચ કે જર્મન ભાષામાં લોકો વાંચે એ ત્યાંના શાસકોને કઈ રીતે પોસાય?

‘આ આડવાત એટલા માટે લખી છે કે જેને આપણી ગુજરાતી ભાષા માટે ખાસ કશું લાગતુંવળગતું નહોતું એ સામ્યવાદી શાસકોએ, ઇતિહાસ કે અર્થશાસ્ત્રનાં પુસ્તકો સામ્યવાદના ફેલાવા માટે પ્રગટ કર્યા હશે, એમ માનીએ તો પણ, તોલ્સ્તોય, તુર્ગનેવ કે ચેખોવનાં પુસ્તકો પાછળ એવો આશય હોય એમ લાગતું નથી. દોસ્તોયેવસ્કીને તો એ લોકો પ્રતિક્રાંતિવાદી ગણતા હતા, છતાં એક સાહિત્યકાર તરીકે એનું સન્માન કરતા હોય એમ લાગે છે. એમના આચરણ ઉપરથી એમ લાગે છે.’

અા સમગ્ર પ્રકલ્પમાં, કેન્દ્રસ્થાને એક જ નામ અાવે છે : અતુલ સવાણી. અા એક માણસનું તપ એટલે ગુજરાતી સાહિત્યને તરબતર કરતું થોકબંધ અનુવાદિત રૂસી સાહિત્ય. તાજેતરમાં જ રણજિતરામ સુવર્ણચંદ્રક’થી વિભૂષિત અાપણા વરિષ્ટ સાહિત્યકાર મહમ્મદ માંકડ જે પુસ્તકોની વાત અહીં ઉપર માંડી છે તે દરેકની પાછળ સ્વાભિવક અતુલ સવાણીનું તપ જોવા મળે છે. અારંભે ‘પ્રગતિ પ્રકાશન’ અને પાછળથી ‘રાદૂગા પ્રકાશન’ હેઠળ પ્રગટ થયેલાં, અાશરે દોઢસો જેવાં, અા પુસ્તકોની યાદી તપાસવા જેવી છે. રશિયાની વિધવિધ ભાષાઅોમાંથી ગુજરાતીમાં અનુવાદિત થયેલાં અા પુસ્તકોની, સપ્ટેમ્બર ૨૦૦૭ દરમિયાન ઉપલબ્ધ થયેલી, માહિતીઅોને અાધારે બનાવાયેલી સૂચિ, અાથીસ્તો, અહીં રજૂ કરીએ છીએ. જ્યારે પ્રાપ્ય મૂળ લેખકનું નામ કૌંશમાં અાપીએ છીએ.

(૧) લઘુનવલો અને નવલિકાઅો (તોલ્સ્તોય), (૨) શ્રેષ્ઠ વાર્તાઅો (ગોર્કી), (૩) બહેનો (અસ્કદ મુખ્તાર), (૪) ગરીબ બિચારાં ધવલ નિશાઅો (દોસ્તોયેવ્સ્કી), (૫) જનમના વેરી [નાટક] (ગોર્કી), (૬) લઘુ નવલો અને નવલિકાઅો (ચેખોવ), (૭) િસંદૂરિયા સઢ (અલેકસાન્દર ગ્રીન), (૮) િપતાઅો અને સંતાનો (તુર્ગેનેવ), (૯) મારું દાઘેસ્તાન (રસૂલ હમઝાતોવ), (૧૦) પહાડો અને વગડાઅોની વાતો (ચીંગીઝ અાઇત્માતોવ), (૧૧) જિપ્સી (અાનાતોલી કાલીનિન), (૧૨) બાળપણ (ગોર્કી), (૧૩) મારી તાલીમ (ગોર્કી), (૧૪) મારાં વિશ્વવિદ્યાલયો (ગોર્કી), (૧૫) મા (ગોર્કી), (૧૬) પોલાદી ઘડતર (નિકોલાઈ અોસ્ત્રોવ્સ્કી), (૧૭) વાર્તાઅો - બેલકિન (પૂશ્કિન), (૧૮) કેપ્ટનની દીકરી (પૂશ્કિન), (૧૯) પહાડોનાં સંતાનો (?), (૨૦) ઇન્સાનનું નસીબ (શોલોખોવ), (૨૧) અધૂરો પત્ર [ટૂંકી વાર્તાઅો] (?), (૨૨) જમીલા (ચીંગીઝ અાઇત્માતોવ), (૨૩) તિમુરની ટુકડી (અાર્કાદી ગૈદાર), (૨૪) લુકોમોર્યે [વાર્તાઅો] (?), (૨૫) એલીસ (યૂલિયા દૂનિના), (૨૬) અસ્તવ્યસ્ત ચકલો (કોન્સ્તાન્તિન પાઉસ્તોવ્સ્કી), (૨૭) માશાનો તકિયો (ગાલીના લેબેદેવા), (૨૮) લેનિનનો મલકાટ (નિકોલાઈ બોગ્દાનોવ), (૨૯) ચિત્રોમાં વાર્તાઅો (ગેર્નેત, દિલાક્તોસ્કાર્્યા, હામ્સર્), (૩૦) અજબ વહાણો (સ્વ્યાતોસ્લાવ સાખાર્નોવ), (૩૧) ભેટ (સુતેયેવ, વિનોકૂરોવ, નૈદેનોવા), (૩૨) પહેલો શિકાર (વિતાલી બિઅાન્કી), (૩૩) બાળવાર્તાઅો (તોલ્સ્તોય), (૩૪) ત્રણ રીંછ (તોલ્સ્તોય), (૩૫) સૂરજ કોનો ? (અાવેરેનકોવ), (૩૬) ગુગુત્સેનો ટોપો (સ્પિરિદોન વાનગેલી), (૩૭) સારું શું અને ખોટું શું (વ્લાદીમિર માયાકોવ્સ્કી), (૩૮) હાથી (અાલેક્સાન્દર કુપ્રીન), (૩૯) બહાદુર કીડી (તાત્યાના માકારોવા), (૪૦) મારું રીંછ (ઝિનાઇદા અાલેક્સાન્દ્રોવા), (૪૧) અાળસુ ‘અાવડે ના’ (યાકોવ અાકીમ), (૪૨) નીલો કટોરો (અાર્કાદી ગૈદાર), (૪૩) કોણે શું ચીતર્યું (વ્યાચેસ્લાવ લેગકોબીત), (૪૪) કૂકકડે કૂક − કલગી લાલ (અલેક્સેઈ તોલ્સ્તોય), (૪૫) બાળકો (ચેખોવ), (૪૬) ટેલિસ્કોપ શું કહે છે ? (?), (૪૭) માનવીનો ગગનવિહાર (કાર્લ અારોન), (૪૮) માનવે પૃથ્વીનો અાકાર કેવી રીતે શોધ્યો (અાનાતોલી તોમીલિન), (૪૯) હીરામાણેકનો પહાડ [લોકકથાઅો] (?), (૫૦) તાપણાં [લેનિનના જીવનની વાતો] (?), (૫૧) મિશાની થૂલી (?), (૫૨) ત્રણ જાડિયા (?), (૫૩) પ્રાણીજગત (?), (૫૪) જીવતો ટોપો (?), (૫૫) એક, બે, ત્રણ … (?), (૫૬) સફેદ હરણ (?), (૫૭) કાબરચીતરી મરઘી (?), (૫૮) કલાકારોનાં ચિત્રાંકનોમાં લેનિન (?), (૫૯) શિયાળ અને ઉંદર (?), (૬૦) સિંહ અને કૂતરો (?), (૬૧) માશા અને રીંછ (?), (૬૨) ટૃકની કામગીરી (?), (૬૩) તેર્યોચીકા અને ડાકણ (?), (૬૪) કૂકડાભાઈ (?), (૬૫) મલોખાંનો વાછરડો (?), (૬૬) જંગલના જીવ (?), (૬૭) ભરવાડની નજરે (?), (૬૮) વાઘનો ભત્રીજો (?), (૬૯) સૌથી જોરાવર કોણ ? (?), (૭૦) ચંદ્રકન્યા અને સૂર્યપુત્ર (?), (૭૧) સૂરજના વાયરા (?), (૭૨) મિત્રો (?), (૭૩) શિંગાળું ઘેટું (?), (૭૪) જવાહરલાલ નેહરુ [જીવનકથા] (અલેકસાન્દર ગોરેવ, વ્લાદીમિર ઝીમ્યાનીન), (૭૫) ભારતનો ઇતિહાસ [બે ભાગ] (?), (૭૬) દિલ મેં દીધું બાળકોને (વસીલી સુખોમ્લીન્સ્કી), (૭૭) મનુષ્ય વિરાટ કેમ કરી બન્યો (ઇલ્યીન, સેગાલ), (૭૮) દસ દિવસ [રૂસી ક્રાંતિ] (જોન રીડ), (૭૯) રશિયન ક્રાંતિ (અાલ્બર્ટ વિલિયમ્સ), (૮૦) દુનિયાની અાર્થિક અને રાજકીય ભૂગોળ (?), (૮૧) સોવિયેત સંઘનો સંક્ષિપ્ત ઇતિહાસ (?), (૮૨) અવકાશનો યુગ (યૂરી શ્કોલેન્કો), (૮૩) સોવિયેત - ભારત મિત્રતા (?), (૮૪) ભારતમાં ઉદ્યોગીકરણ (?), (૮૫) કેળવણી (ક્રુપ્સ્કાયા), (૮૬) જિંદગીને સલામી (?), (૮૭) ફ્રાંસમાં અાંતરવિગ્રહ (કાર્લ માર્ક્સ), (૮૮) ચૂંટેલી કૃતિઅો [ત્રણ ભાગ] (લેનિન), (૮૯) રાજકીય અર્થશાસ્ત્રની મીમાંસામાં ફાળો (કાર્લ માર્ક્સ), (૯૦) કામદારોને હસ્તક નિયંત્રણ અને ઉદ્યોગનું રાષ્ટૃીયકરણ (લેનિન), (૯૧) શું કરીએ ? (લેનિન), (૯૨) રાષ્ટૃીય નીતિ તથા સર્વહારા વર્ગીય અાંતરરાષ્ટૃવાદના સવાલો (લેનિન), (૯૩) લોકશાહીવાદી ક્રાંતિમાં સામાજિક - લોકશાહીવાદની બે કાર્યનીતિઅો (લેનિન), (૯૪) માર્ક્સવાદનાં ત્રણ ઉગમસ્થાનો અને ત્રણ ઘટકો (લેનિન), (૯૫) કહેવાતો બજારોનો સવાલ (લેનિન), (૯૬) માર્ક્સ - એંગેલ્સ - માર્ક્સવાદ (લેનિન), (૯૭) કાર્લ માર્ક્સ અને તેમના સિદ્ધાંતો (લેનિન), (૯૮) ગોથા કાર્યક્રમની મીમાંસા (કાર્લ માર્ક્સ), (૯૯) એક કદમ અાગળ, બે કદમ પાછળ (લેનિન), (૧૦૦) સમાજવાદ : તરંગી અને વૈજ્ઞાનિક (એંગેલ્સ), (૧૦૧) માર્ક્સની કૃતિ ‘મૂડી’ (એંગેલ્સ), (૧૦૨) કોમ્યુિનસ્ટ પાર્ટીનું જાહેરનામું (માર્ક્સ અને એંગેલ્સ), (૧૦૩) તોલ્સ્તોય વિશે લેખો (લેનિન), (૧૦૪) એશિયામાં જાગૃતિ (લેનિન), (૧૦૫) અોક્ટોબર ક્રાંતિની જયંતીના પ્રસંગોએ લેખો અને ભાષણો (લેનિન), (૧૦૬) સમાજવાદ : નિમ્ન - મૂડીવાદી અને સર્વહારા વર્ગીય (લેનિન), (૧૦૭) માર્ક્સવાદના ઐતિહાસિક વિકાસનાં અમુક લક્ષણો (લેનિન), (૧૦૮) માર્ક્સવાદ અને વિદ્રોહ (લેનિન), (૧૦૯) રાજ્ય અને ક્રાંતિ (લેનિન), (૧૧૦) મૂડીનો ઉદ્દભવ (કાર્લ માર્ક્સ), (૧૧૧) લુડવિગ ફાયરબાખ અને ક્લાસિકલ જર્મન તત્ત્વજ્ઞાનનો અંત (એંગેલ્સ), (૧૧૨) ચૂંટેલી કૃતિઅો [ચાર ભાગ] (માર્ક્સ - એંગેલ્સ), (૧૧૩) ક્રાંતિકારી પ્રલાપ (લેનિન), (૧૧૪) ઉગ્રવાદી સામ્યવાદ - બાલિશ બીમારી (લેનિન), (૧૧૫) મકાનનો સવાલ (એંગેલ્સ), (૧૧૬) રોજી, કિંમત અને નફો (કાર્લ માર્ક્સ), (૧૧૭) મજૂરી અને મૂડી (કાર્લ માર્ક્સ), (૧૧૮) પ્રથમ હિંદુસ્તાની સ્વાતંત્ર્ય સંગ્રામ (માર્ક્સ - એંગેલ્સ), (૧૧૯) ડુદરિંગ ખંડન (એંગેલ્સ), (૧૨૦) સહકારી પ્રવૃત્તિ (લેનિન), (૧૨૧) સોવિયેત સત્તા શું છે ? (લેનિન), (૧૨૨) બીજી ઇન્ટરનેશનલનું પતન (લેનિન), (૧૨૩) રાજ્ય (લેનિન), (૧૨૪) ગામડાંના ગરીબોને (લેનિન), (૧૨૫) એપ્રિલની થિસીસો (લેનિન), (૧૨૬) સંસ્કૃિત અને સાંસ્કૃિતક ક્રાંતિ (લેનિન), (૧૨૭) સાર્વજનિક શિક્ષણ (લેનિન), (૧૨૮) પૂર્વની પ્રજાઅોનાં કોમ્યુિનસ્ટ સંગઠનોની બીજી અખિલ રૂસી કૉંગ્રેસમાં પ્રવચન (લેનિન), (૧૨૯) સામ્રાજ્યવાદ : મૂડીવાદની સર્વોચ્ચ કક્ષા (લેનિન), (૧૩૦) પૂર્વમાં રાષ્ટૃીય મુક્તિ અાંદોલન (લેનિન), (૧૩૧) કોમ્યુિનસ્ટ પાર્ટીનું જાહેરનામું [સમીક્ષા] (?), (૧૩૨) પ્રવચનો અને લેખો (યૂરી અાંદ્રોપોવ), (૧૩૩) સોવિયેત યુનિયનની કોમ્યુિનસ્ટ પાર્ટીનો સંક્ષિપ્ત ઇતિહાસ (?), (૧૩૪) મૂડીવાદ એટલે શું ? (?), (૧૩૫) સામ્યવાદ એટલે શું ? (?), (૧૩૬) વૈજ્ઞાનિક સામ્યવાદ એટલે શું ? (?), (૧૩૭) તત્ત્વજ્ઞાન એટલે શું ? (?), (૧૩૮) સંક્ષિપ્ત રાજકીય અર્થશાસ્ત્ર (લેવ લેઅોન્ત્યેવ), (૧૩૯) તત્ત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો (વિક્તોર અાફાનાસ્યેવ), (૧૪૦) કાર્લ માર્ક્સ - સંક્ષિપ્ત જીવનકથા (યેવડોનિયા સ્તેપાનોવા), (૧૪૧) પીળો દાનવ (અાંદ્રેઇ અાની), (૧૪૨) રાજકીય અર્થશાસ્ત્ર એટલે શું ? (ઇલ્યીન, મોતીલ્યોવ), (૧૪૩) સમાજવાદની રૂપરેખા (?) અને (૧૪૪) વૈજ્ઞાનિક સામ્યવાદનાં મૂળતત્ત્વો (?).

હાશ … ! અા સમૂળી યાદી વાંચતાં વાંચતાં હાશકારો હવે લાગે તે સ્વાભાવિકપણે સમજાય. અા પ્રાપ્ય ૧૪૪ નામોમાંથી પસાર થતાં, બેપાંચ અગત્યના મુદ્દાઅો સામે તરી અાવે છે. મહમ્મદભાઈ માંકડ સાચું જ કહે છે : ‘જેને આપણી ગુજરાતી ભાષા માટે ખાસ કશું લાગતુંવળગતું નહોતું એ સામ્યવાદી શાસકોએ, ઇતિહાસ કે અર્થશાસ્ત્રનાં પુસ્તકો સામ્યવાદના ફેલાવા માટે પ્રગટ કર્યા હશે, એમ માનીએ તો પણ, તોલ્સ્તોય, તુર્ગનેવ કે ચેખોવનાં પુસ્તકો પાછળ એવો આશય હોય એમ લાગતું નથી. દોસ્તોયેવસ્કીને તો એ લોકો પ્રતિક્રાંતિવાદી ગણતા હતા, છતાં એક સાહિત્યકાર તરીકે એનું સન્માન કરતા હોય એમ લાગે છે.’ અાપણો બહોળો વર્ગ રૂસી ભાષા જાણતો, સમજતો નથી ત્યારે રૂસી સાહિત્યકારોનું વિધવિધ સાહિત્ય અાપણા સુધી પહોંચાડવાનો એક જબ્બર ઉપક્રમ અહીં થયો છે, તેમાં કોઈ બેમત હોઈ જ ન શકે.

અતુલ સવાણી અને સાથીમિત્રોએ અનુવાદનાં જે ઉમદા ધોરણો અપનાવ્યાં છે, તેને જોવાંતપાસવાં અાવશ્યક છે. એ સૌએ ગુણવત્તાની પીઠિકા બાંધી અાપી છે અને તેને તેઅો સતત અનુસરતા રહ્યાં છે. વળી, અા અનુવાદોમાં કેટકેટલા સરસ, તળપદા તેમ જ નકસીદાર ગુજરાતી શબ્દોનું ચલણ જોવા સાંપડે છે ! અાથી, અનુવાદશાસ્ત્રના, કોશતંત્રના તજ્જ્ઞો માટે અહીં ભંડાર ભર્યો પડ્યો છે. અાપણી યુનિવર્સિટીઅોના ગુજરાતી વિભાગોમાં તથા ભાષાશાસ્ત્ર વિભાગોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઅો માટે સંશોધનનું જબ્બર સાધન અા અનુવાદે અાપ્યું છે.

ગુજરાતમાં અાજકાલ ભાટાઈનો નવો ચાલ રમાઈ રહ્યો છે. કોઈક રાજકારણીને નરેન્દ્ર મોદીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરવાની કોઈ મરજાદ અને છોછ અડતાંનડતાં નથી. તો ડાંગના સમાહર્તા સાહેબને મન તે, વળી, હિન્દુઅો માટે રામ, મુસ્લિમો માટે રહીમ અને ઇસાઈઅો માટે ઇસુ વર્તાય છે ! જ્યારે ગુજરાતની એક વડી યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપકને તેમના વિભાગની પરીક્ષાના કોઈ પણ એક પ્રશ્નપત્રમાં, કમ સે કમ પચાસ ટકા, નરેન્દ્ર મોદી અને તેમની વિચારસરણીના જ સવાલો પૂછવાને સારુ સૂજે છે ! શું કરીએ ?! … ભાઈ મારા ! અાજના ગુજરાતની અા બલિહારી છે. તેવે તેવે વખતે કેટલાકને અા લેખમાં ડાબેરી વિચારનું, ઝોકનું ડાકલું વાગતું દેખાતું ય હોય ! … કાર્લ માર્ક્સ, એંગેલ્સ અને લેનિનની જીવનકથા બાજુમાં રાખીએ, તો પણ અાજના વિશ્વને સમજવા માટે સામ્યવાદને ય સમજવો ભારે જરૂરી છે, તેટલું સ્વીકારવું જ રહેશે. અા લાંબીલચ્ચ યાદી પર અાવાં અાવાં સાહિત્યની ભરપેટ સામગ્રી છે. હા, તેનો સ્વીકાર ન કરવો હોય તો ન જ કરીએ, પણ તર્કની એરણે તે સાહિત્યને ચડાવવું જ જરૂરી છે. તેમાંથી પસાર થયા વિના પાકટ બનવું સહેલ નથી.

અાપણા એક વેળાના જાણીતા લેખક અને પત્રકાર દિવંગત બટુક દેસાઈએ ચીંગીઝ અાઇત્માતોવની નવલકથા ‘જમીલા’ અાપણને ગુજરાતીમાં ઉતારી અાપી છે. અા યાદી પરે તેનો બાવીસમો ક્રમાંક છે. રૂસી તેમ જ કિરગિઝ ભાષામાં લખતા અા લેખકનું કિરગિઝ સાહિત્યપ્રદેશમાં મોટું સ્થાનમાન છે. સન ૧૯૫૮માં પ્રકાશિત અા સુખ્યાત નવલકથા તો પહેલવહેલી કિરગિઝ જબાનમાં જ મળે છે અને પછી રૂસીમાં. કિરગિઝસ્તાનના સમાજનું તેમાં સુપેરે વર્ણન થયું છે. ચીંગીઝ અાઇત્માતોવને અા નવલકથાએ મોટી યારી અાપી છે. અનેક ભાષાઅોમાં તે તરતીફરતી રહી છે. અનેક માનઅકરામો ય અા સાહિત્યકારને મળ્યા છે. ક્યારેક થાય, અાપણા પન્નાલાલ પટેલે ‘માનવીની ભવાઈ’, ‘મળેલા જીવ’ જેવી સીમાવર્તી નવલકથાઅોનું સર્જન કર્યું છે. તેમ જોસેફ મેકવાને અાપણને ‘અાંગળિયાત’ અને ‘વ્યથાનાં વિતક’ જેવું ઉદ્દાત સાહિત્ય અાપ્યું છે. તેમ વિદેશમાં ય અનેક લેખકોનાં કામ બોલે છે. તેની અરસપરસ સરખામણી ક્યારેક કરવા જેવી છે. અભ્યાસુઅોએ અાવું કામ અાપવાનું વિચારવું જોઈએ. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નાં કાર્યક્ષેત્રનું જ અા કામ છે. … જો તેમને વસે તો !

વારુ ! અાઇત્માતોવની અા નવલકથામાં સ્ત્રીપુરુષ વચ્ચેની ભીષણ અસમાનતાઅોની સહજ વાત છેડવામાં અાવી છે. મધ્ય એશિયામાંના પરંપરાવાદી સમાજમાંની અા વાત અા એકવીસમી સદીમાં પણ ક્યારેક સામંતયુગમાં જીવતા અાપણા સમાજે જાણવા સમજવા જેવી છે. અા નવલકથામાં લેખકે મુલ્લાઅોનાં વલણની જેમ ભારે અાલોચના કરી છે, તેમ સ્ત્રીશિક્ષણના અભાવાની ટીકાઅો ય અહીં જોવા મળી અાવે છે. માણસ તરીકે ગણના કરવા કરતાં કોઈક પ્રકારની અમાનત તરીકે જ સ્ત્રીઅોની ગણના કરતા સમાજ વિશેનો ઊંડો રંજ અહીં જોવા મળે છે. વળી, એ દિવસોમાં અા વિસ્તરમાં ભારે પ્રચલિત અનેકપત્નીત્વવાદની ય વિષદ ટીકા લેખકે કરી છે. અા સઘળું ‘જમીલા’માં ય જોવા નીરખવાનું સાંપડે છે. જમીલા ગ્રામ્યવિસ્તરમાં જીવતી પરણેલી સ્ત્રીની કથા છે. તેનો ધણી તો જમીલાને પ્રેમનું પ્રતીક લેખવાને બદલે માત્ર તેનો માલિકીભાવ જ અનુભવે છે. તે સરહદ પરે જ્યારે સંત્રીની ફરજ પર હતો તેવાકમાં, જમીલા કોઈક પુરુષના પ્રેમમાં પડે છે. છેવટે, બંને પ્રેમી પંખીડાં પોતાનાં ગામ, પોતાની પારંપરિક વિરાસત છાંડીને નાસી જાય છે.  કિરગિઝસ્તાનના કેટલાક રાષ્ટૃીય, સામાજિક અને સૈદ્ધાંતિક સંઘર્ષોનાં તાણાંવાણાં અા કથામાં વણાયાં છે.

ઇરાજ બશીરી શા એક અભ્યાસીના મત અનુસાર, અામ જોવા જઈએ તો ‘જમીલા’ ઉમ્મરલાયક બનતી સ્ત્રીની કથા છે. સૈત નામના એક ઉદ્ગાતા વાટે અા કથાનો ઉઘાડ થાય છે. પોતાની સાળી, જમીલા તેમ જ તેના સાથી, બાજુના ગામનિવાસી, ડેનિયારનું ચિત્ર તે નિહાળતા ભળાય છે. અા બંને અરસપરસ પ્રેમમાં પડે છે અને પછી ગામ છોડીને નાસી જાય છે. ૧૯૪૩ના ઉનાળામાં અા કથા મંડાય છે. સૈત વાગોળતો રહ્યો છે અને બંને મિત્રોને ઝંખે છે, જે હવે અડખેપડખે નથી. એક તરફ તેને અામુલ પરિવર્તન દેખાય છે. જે જમીલા અા સઘળું છોડીને ગઈ છે. અને બીજી બાજુ તેને વાસ્તવિક્તા ય સમજાય છે. હકીકતમાં, અા વાસ્તવિક્તા ઉભયભાવશીલતાથી સભર સભર છે.

‘જમીલા’નું પહેલું ભાષાન્તર લૂઈ અારાગોને કરેલું છે. અને તે ૧૯૫૯માં ફ્ેન્ચ ભાષામાં હતું. અાથી તેની નામના જગતને ચોક ફરી વળી. તે પછી તેનું અંગ્રેજી ભાષાન્તર થયાનું કહેવાય છે. રુડિયાર્ડ કિપ્લીંગની ‘વર્લ્ડ્સ મૉસ્ટ બ્યુિટફુલ લવ સ્ટોરી’ કરતાં ક્યાં ય વિશેષ અા નવલકથાને દુનિયાની એક સર્વસુંદર પ્રેમકથા તરીકે લૂઈ અારાગોન ઠેરવે છે. ૧૯૬૧માં ‘જમીલા’ની કથાને એક અૉપેરામાં (સંગીત-નાટકમાં) વણી લેવામાં અાવી હતી. વળી, તેને અાધારે કેટલીક સરસ મજાની ફિલ્મો ય ઊતરી છે. ૧૯૬૩માં તેને સાહિત્યનું ‘લેનિન પારિતોષિક’ પણ એનાયત કરવામાં અાવેલું.

પાનબીડું :

સૈતનાં અાંતરમુખી પ્રબોધનનું પ્રતિબિંબ ‘જમીલા’ના પહેલા ફકરામાં જ જોવાનું મળે છે. ડેનિયારે જે કંઈ તેને અાપ્યું હતું, વળતાં, તેના કુરકુરેઉ નામક ગામને તે ધરવા ઈચ્છો હતો. ડેનિયારનાં માર્ગદર્શન તથા ફાળાની અસર તેથી વળી વિશેષ પાકી થાય છે. પહેલો ફકરો વાંચ્યા પછી, વાચકના મનમાં જે કંઈ સમસ્યા પેદા થાય છે તેનો ઉકેલ પણ તેમાંથી જડતો હોવાનું ભાસે છે. કેમ કે, ડેનિયારની િવધાયક અસર તળે જો સૈતનું જીવન અાહ્લાદક બન્યું હોય, તો નક્કી બીજી બાજુ જીવન સંતોષકારી અને અાનંદદાયી જ હોય.

સાદી ફ્રેમ વચ્ચેના નાનકડાં ચિત્રની સામે ફરી એક વાર હું મારી જાતને દેખતો થયો. અાવતીકાલે સવારે હું મારે ગામ જવા નીકળીશ. અને હું તલ્લીન બની અા ચિત્રને જોતો જ રહું છું. હવે પછીની મારી યાત્રાને સારુ રખેને મને તેમાંથી કોઈ પ્રકારનું માર્ગદર્શન જડી જાય.

[The opening paragraph of Jamila testifies to Seit’s inner enlightenment. His intention to give his village of Kurkureu what Daniyar had given him, further confirms the effectiveness of Daniyar’s contribution and guidance. It also resolves the enigma with which the reader is faced after reading the first paragraph. Because, if Seit is an example of Daniyar’s positive influence, then life on the other side of the tracks, too, must be rewarding and fulfilling :

[Once again I find myself in front of the small painting in a simple frame. Tomorrow morning I leave for the village, and I gaze long and intently at the canvas, as if it can give me a word of advice for the journey ahead.]

સૌજન્ય : ‘ઓ રસિયા ! આ રશિયા’, “ઓપિનિયન”, 26 ફેબ્રુઆરી 2010; પૃ. 11-13

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar